બાળકો, કાળજીપૂર્વક તેમજ વિવેકપૂર્વક દાન ન કરીએ, તો જે દાન સ્વીકારે છે, તેમના અવિવેકભર્યા કાર્યોના કારણે  આપણને પ્રારબ્ધ અનુભવવાનું થાય છે. જેનું સ્વાસ્થ્ય સારું હોય, એવી કોઈ વ્યક્તિ ભીક્ષા માટે આવે, તો તેને ખોરાક આપશો પણ પૈસા આપશો નહિ. તેને કોઈ કામ કરી જીવન નિર્વાહ કરવા માટે કહેશો. તેમને પૈસા આપી આપણે તેમને આળસુ બનાવીએ છીએ. જે પૈસા આપણે તેમને આપીએ છીએ, તેઓ તેનો ઉપયોગ મદ્યપાન, ગાંજો  વગેરે પાછળ ખરચ કરશે. એમ પણ બને કે તેઓ અનેક ખોટા કાર્યો કરશે. તેમને પૈસા આપી, આપણે તેમને ખોટા કાર્યો કરવા માટે અવસર બનાવી દઈએ છીએ. તેનું પાપ પછી આપણે જ અનુભવવું પડે છે. તેમને જો ખરેખર પૈસાની જરૂર જણાય તો તેમને કોઈ કામ આપો. કામ પૂરું કરે પછી જ પૈસા આપશો. કોઈ કામ ન દેખાય તો બગીચાની સફાઈ કરવા કહેવાનું. તે કરવા માટેનું મન તેનામાં છે કે નહિ, તે જોવાનું. તે પણ કરવાને જો તે તૈયાર ન હોય, તો સમજવું કે તે દગાખોર છે. તેમની મદદ કરી, આપણે એક આળસું વ્યક્તિનુ સર્જન કરીએ છીએ. આ સમાજ પ્રત્યેનો દ્રોહ છે.

આવા લોકોને મફ઼ત ખોરાક આપીએ, તો તેઓ તે ખાઈને આળસુ બની, કોઈ કામકાજ કર્યા વિના બેઠા રહેશે અને પછી રોગગ્રસ્ત બની, આ સંસાર માટે ભારરૂપ જ બને છે. મફત ખોરાક આપવામાં આવતો હોય, એવા અન્નક્ષેત્રની સામે આવા સહુથી અધિક આળસુઓ જોવા મળશે.

 

જેમનું સ્વાસ્થ્ય નાશ પામતા, કોઈ કામ કરવાને અસમર્થ હોય, એવા દુઃખી ગરીબોની સહાય કરવી જોઈએ. જેના માતાપિતા નથી, વિદ્યાભ્યાસ માટે કોઈ રકમ નથી, એવા ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે આવશ્યક ફીસ વગેરે આપી સહાય કરવી જોઈએ. જીવન નિર્વાહ માટે કોઈ ઉપાય ન હોતા દુઃખ  અનુભવતી વિધવાઓને  જીવન જીવવા માટે કોઈ માર્ગ દેખાડી, આવશ્યક સહાય આપવી જોઈએ. જેમનું શરીર નબળુ હોય,  હાથપગથી કોઈ કામ ન કરી શકે એમ હોય, ભીખ માગવા પણ અસમર્થ હોય, એવા દુઃખી લોકોને સહાય પહોંચાડવી જોઈએ.  રોગના કારણે કષ્ટ અનુભવતા, દવા ખરીદવા પૈસા ન હોય, એવા દુઃખી ગરીબોને દવા ખરીદીને આપવી જોઈએ. સેવા કરતી સંસ્થાઓ અને આશ્રમોમાં દાન આપવું  જોઈએ. તેઓ તે રકમનો ઉપયોગ સેવાના કાર્યો માટે કરે છે કે કેમ, તેની પણ જાણ રાખવી જોઈએ. સમૂહ માટે ઉપયોગી નીવડે તેવી સંસ્થાઓને દાન કરવું જોઈએ. તેમની સહાય કરી આપણે સમૂહની સેવા કરીએ છીએ. આ પ્રમાણે વિશ્વાસ અને વિવેક સાથે આપણે દાન કરવું જોઈએ. આપણી દયા કે સહાય કયારેય કોઈને ખોટા રસ્તે દોરી જવા માટેનું સાધન ન બનવી જોઈએ. આપણે કોઈની સહાય કરીએ, ત્યારે તેમની પાસેથી કશાની આશા ન રાખવી જોઈએ. ક્યારેક બદલામાં અપશબ્દ પણ સાંભળવા પડે. આપણે કોઈની સહાય કરી એ વિચાર, આપણી પણ કોઈ સહાય કરશે, એવી આશાને માર્ગ આપે છે. અને આ જ આશા દુઃખનું કારણ બને છે. કોઈ પણ પ્રકારના વળતરની ઇચ્છા રાખ્યા વિના, એક અગરબત્તીની જેમ, બાળનારને પણ સુવાસ આપે, તેવું મન આપણે વિકસાવવું જોઈએ. તે જ આપણને પરમાત્માના ચરણોમાં પહોંચાડે છે. આપણી સાથે દ્રોહ કરનારનો પણ ઉપકાર જ કરવો જોઈએ. કાંટા વીણીને દૂર કરીએ, તો મોગરાનું ફૂલ મળે, આવો મનોભાવ આપણો હોવો જોઈએ. આવું એક મન જો આપણને પ્રાપ્ત થાય, તો શાંતિ અને સમાધાનથી જીવન જીવવાને થાય.