સાંજના છ વાગ્યા હતા. મદ્રાસથી આવતા સુબ્રહ્મણ્યમ્‌ નામના એક ભક્ત અમ્મા પાસે બેઠા હતા. તેઓ ભાવદર્શનનું મહત્વ જાણવા માગતા હતા.

અમ્મા : “બાળકો, મનુષ્ય નામ અને રૂપોની દુનિયામાં જીવે છે. લોકોને સત્ય તરફ દોરી જવા, અમ્માએ આ વેશ ધારણ કર્યો છે.

“મન છે, તો આ સંસાર છે. મન ન હોય તો પછી સંસાર પણ નથી, બધા નામ અને રૂપો મનની અંદર જ રહેલાં છે. મન અસ્ત પામે પછી કંઈ જ રહેતું નથી. જે આ અવસ્થાને પ્રાપ્ત થયા છે, તેમને પ્રાર્થના કે મંત્રજપની આવશ્યકતા નથી. તે અવસ્થામાં ઊંઘ નથી કે નથી જાગૃતતા. ત્યાં કોઈ વસ્તુના અસ્તિત્વથી તમે સભાન નથી. ત્યાં પૂર્ણ નિશ્ચલતા છે. તે અવસ્થાને પ્રાપ્ત કરવા, આ પ્રકારની ઉપાધિ જરૂરી છે.”

સુબ્રહ્મણ્યમ્‌ : “અમ્મા તમે બાળકોને આલિંગનમાં લો છો, કેટલાક લોકો તેની ટીકા કરે છે.”

અમ્મા : “તે બાળકોને પૂછવું જોઈએ – આ ઉમરમાં શું તમે તમારી જન્મધાત્રી માને કસીને આલિંગન આપી શકો છો? ઘરે નહિ તો રસ્તા વચ્ચે આમ કરી શકો? તેમનામાં કંઈક દ્રઢ છે, માટે જ ને તેઓ આમ નથી કરી શકતા? પરંતુ અમ્મામાં આવી કોઈ ભાવના નથી. આ તો એક નાના બાળક પ્રત્યેનું માનું વાત્સલ્ય છે. કામ નથી.

“અમ્મા માટે તો બધા તેમના બાળકો છે. આ એક પ્રકારનું પાગલપન હશે. તમે ચાહો તો અમ્માને પકડીને જેલમાં નાખી શકો છો. પણ, આ જ અમ્માનો માર્ગ છે. શા માટે તમે આમ બીજા લોકોને આલિંગન આપો છો, કોઈ એમ પૂછે, તો અમ્મામાંથી સહજ જ પ્રકટ થતો કરુણાનો આ ભાવ છે. જેમ પવન વાય ત્યારે પાન સ્વાભાવિક જ હલે છે, તેની જેમ તમારાં સામિપ્યમાં આ સ્વાભાવિક જ બને છે. ફળમાં જેમ મધુરતા, તેના સહજસ્વભાવ તરીકે રહેલી છે, તેની જેમ જ, માતૃત્વનો ભાવ -કરુણાનો ભાવ અમ્માનો સહજસ્વભાવ છે. અમ્મા શું કરી શકે? અમ્માને તે મિથ્યા હોય એવું લાગતું નથી. ગાયનો રંગ કાળો હશે, કથ્થઈ હશે, સફેદ હશે, તેનો રંગ જે હોય તે, પરંતુ દૂધનો રંગ તો સફેદ જ છે. તે જ પ્રમાણે, આત્મા એક જ છે. બે નથી. જીવાત્માના ભાવમાં નાનત્વ દેખાશે, પરંતુ અમ્મામાં તે ભેદબુદ્ધિ નથી. આ જ કારણસર, સ્ત્રી હોય કે પુરુષ હોય, અમ્મા ભેદભાવ કરી શકે નહિ.”

“આજે વિશ્વમાં જેનું અત્યાધિક દારિદ્રય દેખાય છે, તે છે નિઃસ્વાર્થ પ્રેમનું. પત્નીને પતિનું દુઃખ સાંભળવા કે આશ્વાસન આપવા માટે સમય નથી. પતિ પત્નીના દુઃખને સાંભળવા કે આશ્વાસન આપવા સમર્થ નથી. પોતપોતાના સંતોષ ખાતર લોકો પરસ્પર પ્રેમ કરે છે. પોતાના સુખનો ત્યાગ કરી, અન્યને પ્રેમ કરવા માટે આજે કોઈ નથી. બીજા માટે મરવાને તૈયાર એવું મન, એવો સમર્પણનો ભાવ આજે કયાંય દેખાતો નથી. “હું તારાં માટે” એમ નથી, “તું મારાં માટે,” એવી ભાવના આજે બધામાં દેખાય છે. પરંતુ, અમ્મા માટે આ શક્ય નથી.

“બીજા લોકોની દ્રષ્ટિએ આ વિચિત્ર લાગશે. આમાં અમ્માનો દોષ નથી. તેમનું પાગલપન, તે રીતનું છે. તો અમ્માનું પાગલપન આ રીતનું છે.

“એક ભરવાડ, લીલા ઘાસને ગાયનો ચારો તરીકે જુએ છે. તે જ લીલું ઘાસ એક વૈદ્યની દ્રષ્ટિમાં ઔષધયુક્ત કોઈ જડીબુટ્ટી હશે. દરેક પોતપોતાના સંસ્કારને અનુસરીને જુએ છે.

“એક વખત એક ગુરુ શિષ્યને લઈ જાત્રા પર નિકળ્યાં. માર્ગમાં તેમણે એક નદી પાર કરીને જવાનું હતું. એક બાલિકા ત્યાં કિનારાપર બેસીને રડતી હતી. તેને સામે પાર જવું હતું. નદી બહુ ઊંડી ન હતી. ગુરુએ કોઈ વિચાર કર્યા વિના જ, સહજ જ તે બાલિકાને ઉંચકીને ખભે બેસાડી, તેને સામે પાર લઈ ગયા અને ત્યાં તેને નીચે ઉતારી, ગુરુ અને શિષ્ય આગળ નીકળી પડયા. રાત્રે તેઓ વાળું કરવા બેઠા ત્યારે શિષ્યના મુખપરના ભાવમાં કંઈક પરિવર્તન દેખાયું.

ગુરુએ તેની નોંધ લીધી અને પૂછયું, “કેમ, શું થયું?”

શિષ્ય : “મને એક શંકા છે. તમે પેલી બાલિકાને ઉચકી, ખભે બેસાડી નદી પાર કરી, શું તે યોગ્ય હતું?”

હાસ્ય કરતા ગુરુ બોલ્યા, “આ બહુ સારું. મેં તે બાલિકાને ઉંચકી, ખભે બેસાડી નદી પાર કરાવીને તેને નીચે મૂકી દીધી અને તું તેને હજુય ઉંચકીને બેઠો છે?”

સુબ્રહ્મણ્યમ્‌ : “મેં આટલા દિવસ સાધના કરી, છતાં મને કોઈ અનુભૂતિ નથી થઈ. શા માટે?”

અમ્મા : “દસ શાક ભેગા કરીને ખાઓ તો તેમાંના એક શાકનો સ્વાદ પણ શું તમે અનુભવી શકશો? ઈશ્વર દર્શનના એક જ વિચારમાં દ્રઢ રહી, આગળ વધો. ચોક્કસ અનુભૂતિ થશે.”

ઘણા યુવકો અમ્માના દર્શન કરવા આવ્યા હતા. તેમની સાથે ઘણા સમય સુધી અમ્માએ આધ્યાતત્મિક વિષયો પર ચર્ચા કરી. પછી તેઓ ઊભા થયા. અમ્માને દંડવત કરી, તેઓ નીકળવાના જ હતા, ત્યારે તેમાંના એક યુવકે કહ્યું, “મને આશીર્વાદ આપો, કે અમ્મામાં મારો વિશ્વાસ દ્રઢ રહે.”

અમ્મા : “બાળકો, અંધ વિશ્વાસ કરશો નહિ. કોઈ નિર્ણય લો, તે પહેલાં તેનો પૂર્ણ અભ્યાસ કરી, તે શું છે, તેની પૂર્ણ મહિતી મેળવી, પછી જ નિર્ણય લેવો જોઈએ. તમારી ઉંમર હજી નાની છે. કોઈ કંઈ કહે, તેનો ઝટ દઈને વિશ્વાસ કરશો નહિ. આ જે દેખાય છે, તેવો નથી અમ્મનો સ્વભાવ. અમ્મા તો પાગલ છે. અમ્મા બહુ સારા છે, એમ વિચારી આંખ મીચીને અમ્માનો વિશ્વાસ કરશો નહિ.”

યુવક : “મા સારી છે કે કેમ, તેનો નિર્ણય બાળકે લેવાનો!”

યુવકના આ શબ્દોએ હાસ્ય મોજાંનું સર્જન કર્યું. અમ્માના સામિપ્યમાં થોડો સમય રહી, તે યુવક અમ્માની કેટલી નજીક આવી ગયો હતો! સ્નેહના સાગર એવા અમ્મામાંથી વહેતા વાત્સલ્યના તરંગો કોના હૃદયને સ્પર્શી ન શકે!