બાળકો, આપણું આ મન એક વાનર જેવું છે. વાનર એક વૃક્ષપરથી બીજા પર હંમેશા છલાંગ મારતું હોય છે. આપણે ગર્ભાશયમાં હતા ત્યારે આપણો આકાર વાનર જેવો હતો. બહાર આવ્યા પછી પણ આપણે એવા જ છીએ. શરીર ભલે વાનર જેવું ન હોય, પણ આપણું મન એ નું એ જ છે. તેમાં કોઈ બદલાવ આવ્યો નથી.

આજે પણ વાનર મન જ છે. અત્યારે અહીં રહેલું મન, બીજી જ ક્ષણે અનેક દીશાઓમાં કૂદી જશે. અહીંથી સીધું અમેરીકા છલાંગ મારશે. રશિયામાં છલાંગ મારી જશે. ચંદ્ર પર પણ પહોંચી જશે. ભૂતકાલમાં કૂદકો મારશે. વર્તમાનમાં કૂદી આવશે. આવા મનને ધ્યાન દ્વારા નિયંત્રણમાં લાવી શકાય. જે રીતે કોઈ યંત્ર રીમોટ કંટ્રોલના નિયંત્રણમાં કાર્ય કરે છે, તે જ પ્રમાણે, ધ્યાન મનનું રીમોટ
કંટ્રોલ આપણા હાથમાં લઈ આવવા માટેની ક્રિયા છે. ધ્યાનનો ઉદેશ્ય કેવી પણ પરિસ્થિતિમાં મનનું સમત્વ, સમભાવ જાળવી રાખવાનો છે. આ મનની નિશ્ચલતા તરફનો માર્ગ છે.

ધ્યાનને સંબંધિત લોકોને અનેક ખોટી ધારણાઓ છે. કોઈપણ એક આસનમાં આંખ બંધ કરી, શ્વાસને પકડી રાખી, કોઈ પણ એક રંગને જોવો. રોમાંચક કોઈ અનુભવ થવો. આમાંનું કંઈ જ ધ્યાનનું લક્ષણ નથી. ધ્યાન એટલે પોતાના અંતરમનમાં રહેવાનું છે.

રસ્તા પરથી યાત્રા કરતી વખતે ત્યાં બંપ હશે, ખાડા હશે, ઉતાર ચઢાવ હશે. વળાંકો પણ હશે. તેમછતાં આપણી ગેયર, બ્રેક, અનુકૂળ કરી, આ બધું પાર કરી આપણે આગળ વધીએ છીએ. આ જ પ્રમાણે આપણે મનને પરિસ્થિતિઓ સાથે અડજસ્ટ કરવાને શીખવવું જોઈએ.

ગીતામાં ભગવાન અર્જુનને ઉપદેશ આપતા કહે છેઃ “સમત્વં યોગ ઉચ્યતે॥ ” બધી જ પરિસ્થિતિઓમાં સમચિત્ત જાળવી રાખવું, એ જ ધ્યાન છે, એમ કહીં શકાય. પરિસ્થિતિઓનો સંતુલિત મન સાથે સામનો કરવાનો અભ્યાસ આપણને જરૂરી છે. આ માટે સર્વપ્રથમ મનનું કૂદવાનું ઓછું કરવું જોઈએ.

એક બાળક પરીક્ષા આપવા ક્લાસરૂમમાં પ્રવેશ કરે છે. તેણે વિચાર્યું, “હે ભગવાન, આ પરીક્ષામાં જો સરસથી જવાબ લખવાને થાય તો ભગવાન, હું તમને દૂધપાક ધરીશ.” આ પ્રમાણે ભગવાનને દૂધપાક ધરવાની માનતા કરી ઝડપથી તે પેપર લખવા લાગ્યો. પેપર લખી લીધા પછી તેને વિચાર આવ્યો કે, દૂધપાક બનાવવા માટે તો ઘંણો ખરચ થશે. આમ વિચારી તે બાળક ગણતરી કરવા લાગ્યો. જો દૂધપાક બનાવવો હોય તો દૂધ, ચોખા વગેરે કૂલ મળી લગભગ રૂાઃસો થાય. બદલે જો પંચામૃત હોય તો કેટલો ખરચ થાય, તે વિચારવા લાગ્યો. પંચામૃત માટેનો ખરચ ગણતરી કરવા લાગ્યો. તે રૂાઃઓગણિસ થાય. અને જો એક પુષ્પાંજલી જ કરાવું તો. તેનો ખરચ ગણતરી કરી જોઉ. તો હવે શું કરવું? આમ ન કરતા થોડા ફટાકડા લઉ તો અથવા એક માટીનું કોડીયું ધરું તો કેમ. આ બધા પાછળ કેટલો ખરચ થાય તે ગણતરી કરી જોઉં. આ પ્રમાણે તે વિધ વિધ વિચાર કરતો હતો કે ઘંટડી વાગી. અચાનક ઘંટડી વાગતા આ બાળકે ટેંશનમાંને ટેંશનમાં પરીક્ષાનું જવાબી પેપર આપવાને બદલે જે કાગળમાં બધો હિસાબ લખ્યો હતો, તે પેપર પરીક્ષકને આપી દીધું! આ પ્રમાણે આપણું મન હંમેશા બદલતું રહે છે.

એક વખત કર્ણ ભોજન કરી રહ્યો હતો, ત્યારે કોઈ ત્યાં આવ્યું અને દાનમાં કંઈ માગવા લાગ્યો. કર્ણે તરત જ પેલો જે માગતો હતો તે વસ્તુ ડાબા હાથે ઉપાડી, તેને આપી દીધી. ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો, “ડાબા હાથે દાન આપવું શું ખોટું ન કહેવાય?”

ત્યારે કર્ણ કહે છે, “તેઓ અચાનક આવ્યા અને માગ્યું ત્યારે મારું મન પીગળ્યુ અને નજીક જ તે વસ્તુ હોવાથી, તરત મેં તેને ઉપાડીને આપી દીધી. જો થોડું મોડું થાય અને મારું મન બદલી જાય તો.” આ આપણા મનનો સ્વભાવ છે.

આપણે આ શરીરને નિત્ય માનીએ છીએ. પરંતુ આ શરીરને બીમારી આવી શકે. જે હોય તે, તેનો નાશ નિશ્ચિત છે. આ બધું આપણી સામે બનતું જોવા છતાં તૂટયા વિના જીવન જીવવું , આ જ આપણે ધ્યાન દ્વારા હાસિલ કરવાનું છે.

શરીર નહિ પણ આત્મા માત્ર જ નિત્ય છે. આ આપણે સમજવાનું છે. આત્મબોધમાં જાગૃત થવાનું છે.

આત્મબોધની અવસ્થા પર જાગૃત થયા પછી, તે અવસ્થામાં કોઈ પરિવર્તન નથી. ધ્યાન થકી આપણે આ અવસ્થા પર પહોંચવાનું છે.

જેઓ ધ્યાનનો અભ્યાસ કરવાનું શરૂ કરે છે, તેમણે સર્વપ્રથમ કોઈ એક વસ્તુમાં મનને એકાગ્ર કરવું જોઈએ. મન અન્ય વસ્તુ પર જ્યારે ક્યારે ઢળવા લાગે, ત્યારે ત્યારે તેને ફરી ધ્યાનની વસ્તુ તરફ પાછું ખેંચી લાવવું જોઈએ.

ધ્યાન માટેના અનેક વિધાનો હોવા છતાં, સતત પ્રયત્ન દ્વારા મનને નિશ્ચલતા પર લઈ આવવાનું, આ જ ધ્યાનના આધારમાં રહેલું તત્વ છે. જો યોગ્ય ધ્યાન મળે તો વિના પ્રયત્ને મન ધ્યાનની વસ્તુમાં સ્થિર રહેશે. ક્રમશઃ નિશ્ચલતા, શાંતિ અનુભવસિદ્ધ થશે. ૐ