બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર અંદર છે કે બહાર?”
અમ્મા : “શરીર-બોધ હોવાને કારણે, તમે અંદર કે બહાર એમ વિચારો છો. પુત્ર, વાસ્તવમાં અંદર કે બહાર એવું કઈ જ નથી. “હું” અને “મારાં”ના ભાવને કારણે જ “હું” અને “તું”નો ભાવ આવે છે. આ બંને, ભ્રમ માત્ર જ છે. પરંતુ જ્યાં સુધી, “હું” અને “મારાં”નો ભાવ છે, બધું મિથ્યા છે એમ કહી શકો નહિ. બધામાં વ્યાપ્ત ચૈતન્ય જ ઈશ્વર છે. તમે જ્યારે ઈશ્વર બહાર છે, એવી ભાવના કરો ત્યારે વાસ્તવમાં જે તમારી અંદર છે તે જ બહાર પ્રકટ થાય છે. જે હોય તે, આ દ્વારા જ મન શુદ્ધ થાય છે.”
બ્રહ્મચારી : “કોઈ એક વિશેષ શક્તિ આ બ્રહ્માંડનું નિયંત્રણ કરે છે. પરંતુ, તે શક્તિ કોઈ એક રૂપમાં રહેલા ઈશ્વર જ છે, એ માનવું કઠિન છે.”
અમ્મા : “બધી જ શક્તિ તેની જ છે. બધાનું નિયંત્રણ કરતા એક સર્વશક્તિમાન તે જ છે. સર્વની શક્તિ તે જ છે, એવો વિશ્વાસ રાખતા હો તો પછી, સર્વનું નિયંત્રણ કરનાર તે શક્તિ ભક્તની ઇચ્છાનુસાર રૂપ ધારણ શા માટે ન કરી શકે? આ પ્રમાણે વિશ્વાસ કરવામાં શું કઠિનાઈ છે?
“(દ્રઢતાથીં) આ વિશ્વાસમાં એક આદિશક્તિ છે, જેને હું મારી મા તરીકે જોઉ છું. તે શક્તિ મારી મા છે. ભલે સો જન્મો મારે લેવા પડે, તે મારી મા જ હશે અને હું તેમનું બાળક! માટે ઈશ્વરને રૂપ નથી, એમ મારાંથી કહી શકાય નહિ.
“સામાન્ય લોકોને કોઈ એક ઈષ્ટદેવ વિના મનને સ્થિર રાખવું કઠિન છે. ઈષ્ટદેવને સામે પાર જવાના સેતૂ તરીકે નિહાળી, ભવપાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે વિના શક્ય નથી. આપણાથી તરવાનું ન થાય. માર્ગ વચ્ચે જો થાકીને તૂટી પડીએ તો આપણે શું કરીશું? માટે સેતૂ અનિવાર્ય છે. કોઈ પણ કઠિન પરિસ્થિતિઓમાં, માર્ગદર્શન કરવા માટે ગુરુ તમારી પાસે જ છે, આ વિશ્વાસ અને દ્રઢ સમર્પણ તમારામાં હોવાં જ જોઈએ. પછી શા માટે આ રસાકસી? પણ એમ વિચારીને કે સામે પાર દોરી જવાને કોઈ છે તો પછી શા માટે મહેનત કરવી, આમ વિચારી આળસુ બનીને ન બેસી રહેવું જોઈએ. તમારે સખત પ્રયત્ન કરવો જોઈએ
“નાવમાં કાણું પડયું હોય અને તેમાં પાણી ભરાઈ રહ્યાં હોય ત્યારે, કાણાંને બૂરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરતા એમનેમ બેસી ન રહેવું જોઈએ. તમારે તો પ્રાર્થનાની સાથે તે કાણાંને બૂરવા સ્વયં પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન રજરૂરી છે. પ્રયત્નની સાથે તે ઈશ્વરકૃપા માટે પ્રાર્થના પણ કરવી જોઈએ.”
બ્રહ્મચારી : “અમ્મા, ઈશ્વર સાક્ષાત્કાર માટે મને કેટલો સમય લાગશે?”
અમ્મા : “પુત્ર, સાક્ષાત્કાર એમ સરળતાથી પ્રાપ્ત થતી કોઈ વસ્તુ નથી. કારણ કે આપણે એટલું બધું ભેગું કર્યું છે. ધારો કે આપણે કોઈ યાત્રા પર ગયા હોઈએ, યાત્રા દરમ્યાન આપણે કોઈ સ્થળે ઉતર્યા નથી. ગંદકીને અડકયા પણ નથી. પરંતુ, જ્યારે આપણે વસ્ત્રો ધોઈએ છીએ ત્યારે કેટલો મેલ નીકળે છે! આ જ પ્રમાણે, આપણી જાણ બહાર જ આપણા મનમાં મેલ જમા થતો હોય છે. તે ફક્ત આ જન્મનો જ નથી, પૂર્વે કેટલાક જન્મો થકી ભેગો કરીને આપણે અહીં પહોંચ્યા છીએ. એક બે વર્ષ આંખ બંધ કરીને બેસી રહેવાથી, એમ ન કહી શકાય કે તમે આત્માને જાણો છો. આપણાથી તો આપણી અંદર પણ સફાઈ કરવી શક્ય નથી.
“પહેલાં જે જંગલી ઘાસ ઉગ્યું હોય તેને કાપી, જમીન સાફ કર્યા પછી જ તમે ત્યાં તમારી પસંદનું વૃક્ષ ઉગાડી શકો. આજે આપણાથી આપણા મનને શુદ્ધ કરવું શકય નથી. તો પછી જે આત્મ સ્વરૂપ છે, તેને આપણે કેવી રીતે જોઈ શકીએ? પુત્ર, ગંદા કાચને રંગવાથી, આપણે તેને દર્પણમાં પરિવર્તિત કરી શકીએ નહિ. માટે, સર્વપ્રથમ મનને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો. ઈશ્વરને સમર્પિત થઈ, પ્રયત્ન કરો.”
અમ્માને દંડવત કરી બ્રહ્મચારી ઊભો થયો.
અમ્માએ જમવાનું પૂરું કર્યું. થોડા વધુ પત્રો વાંચી, ભાવદર્શનના આરંભમાં ગવાતા ભજન માટે અમ્મા નીચે ઉતર્યા.
રાત્રે બે વાગે ભાવદર્શન પૂરા થયા. સંધ્યા સમયે હળવો વરસતો વરસાદ હવે મૂશળધાર બની વરસી રહ્યો હતો. ભક્તોએ વેદાંતવિદ્યાલય અને કળરીના વરાંડામાં આશ્રય લીધો. જ્યાં જગ્યા મળી, ત્યાં લોકો સૂતા હતા.
ભાવદર્શન પૂરા કરી. અમ્મા જ્યારે કળરીમાંથી બહાર આવ્યા, ત્યારે લોકોને સૂવા માટે પણ જગ્યા ન હોવાથી, અમ્માએ તેમને દુઃખી થતાં જોયા. અમ્મા તેમને સાથે લઈ, બ્રહ્મચારીઓની કુટીરો તરફ ચાલ્યા. વરસાદથી અમ્માનું રક્ષણ કરવા ગાયત્રીએ અમ્માને માથે છત્રી ધરી. અમ્માએ દરેક કુટીરમાં ચાર પાચ ગૃહસ્થભક્તોને સૂવા માટેની વ્યવસ્થા કરી આપી. ટુવાલથી અમ્માએ તેમના ભીના માથા લૂછી આપ્યા. માતૃવાત્સલ્યના તે મૂર્તસ્વરૂપ સમક્ષ તેઓ નાના બાળકો જેવા બની ગયા.
“અમ્મા, બ્રહ્મચારી બાળકો ક્યાં સૂવા જશે? અમારા કારણે તેમને તકલીફ થઈ.” એક ગૃહસ્થ ભક્તે અમ્માને પૂછયું.
અમ્મા : “તેઓ તમારી સેવા કરવા માટે અહીં આવ્યા છે. તેઓ અહીં ત્યાગ શીખવાને આવ્યા છે. થોડી તકલીફ સહન કરવી પડે તો તેમાં તેમને સંતોષ જ છે.”
બ્રહ્મચારીઓ બધા કળરી મંડપમાં આવ્યા. અહીં બેસીને રાત કાઢવાની હતી. કળરીના વરાંડાની ત્રણે બાજુ ખુલી હોવાથી, હવામાં વરસાદના છાંટા કળરીમાં પડતા હતા. આમ ત્યાં સૂવું અશક્ય હતું. પરંતુ, થોડા કલાકો જ તેમને ત્યાં ગાળવાના હતા.
હજુય ચાર વૃદ્ધ ગૃહસ્થભક્તો માટે સૂવાની વ્યવસ્થા કરવાની હતી. તેમને સવારના ચાર વાગે સામે પાર જવાનું હતું. ત્યાંથી તેમને પાંચ વાગાની બસ લેવાની હતી. અમ્મા તેમને સાથે લઈ કળરીના ઉત્તર ભાગ તરફ ગયા. ત્યાં એક ઓરડાના બારણા બંધ હતા. અમ્માએ બારણું ખખડાવ્યું. બે બ્રહ્મચારીઓ દેવીભાવ દર્શન પૂરા થવા આવ્યા ત્યારે અહીં આવીને સૂઈ ગયા હતા. ભાવ દર્શન પછી શું બન્યું તેની તેમને કંઈ જ ખબર ન હતી. અત્યારે જ્યારે અમ્માએ તેમના ઓરડાનું બારણું ખખડાવ્યું, ત્યારે અર્ધ નિદ્રાવસ્થામાં તેમણે બારણું ખોલ્યું.
“બાળકો, આમને અહીં સૂવાની જગા કરી આપો.” આટલું કહીં, બ્રહ્મચારીઓને તે ભક્તોને સોંપી, અમ્મા પોતાના ઓરડામાં ગયા. બ્રહ્મચારીઓએ પોતાની ચટાઈઓ ભક્તોને સૂવા માટે આપી, તેઓ ધ્યાન મંદિરના વરાંડામાં દરવાજાની આડમાં જઈને બેસી ગયા જેથી તેમના પર વરસાદના છાંટા ન પડે. વરસાદ હવે થોડો ધીમો પડયો હતો.
ત્યાગને પોતાનું જીવન બનાવી, ત્યાગના મૂર્ત સ્વરૂપના સાન્નિધ્યમાં આવી, તેમણે પોતાનું જીવન તેઓશ્રીને અર્પિત કર્યું હતું. હવે, પ્રત્યેક ક્ષણ તેમને ત્યાગના પાઠો શીખવવામાં આવતા હતા. તે વિશ્વવાત્સલ્ય ધામને ભક્તો વારંવાર પ્રણામ કરી રહ્યા….