જીવિતાવલોકન

પ્રણવમંત્રથી સ્પંદિત અરબી સમુદ્રની લહેરો અને કાયમકુલમના પાછોતરા પાણીના પ્રવાહના સંગિતથી અનુપલ્લવિત, બંનેની મધ્યે સ્થિત આશ્રમનું ગગનચુંબિ મંદિર, માટી સાથેના બંધનને વિસર્યા વિના, સંસ્કૃતિનું પ્રતીક બની મસ્તક ઉંચુ કરીને ઊભું છે. નામ-સંકિર્તન, વેદ મંત્રોનો ધ્વનિ મંદિરના સાન્નિધ્યને પાવન કરે છે. પરંતુ, આશ્રમને જે અપૂર્વ આધ્યાત્મક સૌરભ પ્રદાન કરે છે, તે આ નથી. એ તો કરોડો લોકો દ્વારા પૂજીત સદ્‌ગુરુ શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું દિવ્ય સાન્નિધ્ય જ છે.

૨૭ સપ્ટેમ્બર, ૧૯૫૩ના પ્રભાતના કોલ્લમ જીલ્લાના સામુદ્રિક ગ્રામમાં ઘનશ્યામવર્ણની એક કન્યા-શિશુનો જન્મ થયો. રડતા નહિ, પરંતુ મંદ મંદ હાસ્ય કરતા તે શિશુએ માતાના ગર્ભમાંથી ધરતીમાતાના ખોળામાં પદાર્પણ કર્યુ‌‌ હતું. છ માસની થઈ ત્યારે આ બાલિકા પોતાની માતૃભાષામાં સ્પષ્ટ બોલતી હતી. સાત મહિનાની થઈ ત્યાં તો તે ચાલવા લાગી અને દોડીને રમતી હતી. ઉત્સાહ અને ચપળતાથી ભરપૂર તે બાલિકાના માતાપિતાએ તેનું “સુધામણી” નામ પાડયું.

નિષ્કલંક શ્રીકૃષ્ણપ્રેમ સુધામણીની જન્મસિદ્ધ વિશેષતા હતી. બાલ્યાવસ્થામાં જ સુધામણી અનેકવાર ધ્યાનનિમગ્ન જોવા મળતી. શ્રીકૃષ્ણનું એક ચિત્ર તે હંમેશા પોતાની સાથે જ રાખતી. તે ચિત્રને જોઈ પ્રાર્થના કરતી, વાતો કરતી અને નામ જાપ કરતી. પોતાના બાળપણ વિશે અમ્મા કહેતા હોય છે, “બાળપણથી જ મને ઈશ્વરનામ સાથે અખૂટ પ્રેમ હતો. પ્રત્યેક શ્વાસ લેતી વખતે હું અચૂક નામ જાપ કરતી. સ્થળ કે સમયનો કોઈ ખયાલ રહેતો નહિ.” ફક‍ત પાંચ વર્ષની ઉંમરે સુધામણી શ્રીકૃષ્ણપ્રેમથી તરબોળ અર્થપૂર્ણ ગીતો સ્વયં રચતી, ગાતી અને સર્વકાંઈને વિસરી નૃત્ય કરતી. પરંતુ, તે ભક્તિભાવની ગહનતા, પરિવારના લોકો માટે સમજ બહારની વાત હતી. આ કારણસર બાળપણમાં જ સુધામણીને અનેક કષ્ટો સહન કરવા પડ્યા હતાં. પહેલા ધોરણમાં દાખલ થતા પહેલાં જ ઘરકામનો બોજ વહન કરવા માટે,આ બાલિકાને નિયુક્ત કરવામાં આવી. ભણવામાં ખૂબ હોંશિયાર હોવા છતાં માતાની બીમારીના કારણે સુધામણીનું સ્કૂલ જીવન પાંચમાં ધોરણમાં પહોંચતા જ સમાપ્ત થયું.

આ સાથે ઘરકામનો બધો જ ભાર હવે સુધામણી પર આવી ગયો. આંગણામાં ઝાડું વાળવું, અનાજ સાફ કરવું, વાસણ માંજવા, રસોઈ તૈયાર કરવી, નાના ભાઈબહેનોને સ્કૂલે મોકલવા, ગાય, મરઘા, બતકાં વગેરે ઘરના પાળેલા જનાવરોની સંભાળ લેવી. આ પ્રમાણે સવારના ત્રણ વાગાથી લઈને અર્ધરાત્રી સુધી સુધામણી આ ઢસરડો કરતી. આવા અસાધારણ ઘરકામના બોજ હેઠળ પણ સુધામણીનું મન પૂર્ણરૂપે શ્રીકૃષ્ણસ્મરણમાં જ મગ્ન રહેતું.

એક એક કામ શ્રીકૃષ્ણની કથાઓ સાથે જોડી, તે કરતી હતી. નાના ભાઈઓને નિશાળે મૂકવા જાય, ત્યારે જાણે કૃષ્ણ અને બલરામને મૂકવા જઈ રહી છે! કપડાં ધોતી વખતે ગોપી ગોપાઓના વસ્ત્રો ધોઈ રહી છે! બતકાંને ભેગા કરવા નીકળતી વખતે, જાણે પોતે ગાયોને ભેગી કરવા નીકળેલા કૃષ્ણ હોય! સુધામણી દરેક કાર્ય કરતી વખતે આ પ્રમાણે ભાવના કરતી.

ઉત્કટ ઈશ્વરપ્રેમની સાથે સાધારણ મનુષ્યસ્નેહ પણ સુધામણીનો ખાસ ગુણ હતો. ઘરના ઢોર માટે જયારે આડોશી પાડોશીના ઘરે શાકભાજીના છોતરાં એકઠા કરવા જતી, ત્યારે તે ઘરની વૃદ્ધ માતાઓ સુધામણીને પોતાનું દુઃખ કહેતી. વૃદ્ધાવસ્થાને કારણે નિઃસહાય બનેલા તે વૃદ્ધજનો પ્રતિ તેમના સંતાનોની અવગણના અને ક્રૂરતાને જોઈ સુધામણીનું હૃદય દ્રવિત થઈ ઊઠતું.

કરુણામય તે બાલિકા તેમને સ્નાન કરાવતી, સારાં વસ્ત્રો પહેરાવતી, કયારેક તેમને પોતાના ઘરે લઈ જતી અને તેમને ખોરાક પણ ખવરાવતી. ત્યાં સુધી કે, માતાપિતાની જાણ બહાર પોતાના ઘરમાંથી વસ્તુ ઉપાડી, ગરીબ લોકોને આપતા સુધામણી અચકાતી નહિ. જયારે તેની આ ચોરી પકડાઇ જતી, ત્યારે માતાપિતા પાસેથી કડક શિક્ષા પણ આ બાલિકાને મળતી. તેમ છતાં, ગમે તેટલી કઠોર શિક્ષા સુધામણીની દીનદુઃખીયારા પ્રત્યેની અનુકંપાને તોડી શકી નહિ.

દુનીયામાં આટલું કષ્ટ અને સ્વાર્થતા જોઈ, સુધામણી બહુ દુઃખી થતી. આ દુઃખે સુધામણીના ઈશ્વરપ્રેમને વધુ દ્રઢ કરવા સહાય જ કરી હતી. હોઠ પર કૃષ્ણનું નામ અને હૃદયમાં કૃષ્ણની છબિ નિરંતર સુરક્ષિત રાખી, કામકાજમાંથી પરવારી રાત્રે જયારે સમય મળતો, ત્યારે નિદ્રા ન કરતા, સુધામણી ભાવોન્મત બની, સ્વયંને વિસરી કિર્તન ગાતી અને નૃત્ય કરતી. સુધામણીના રાતદિવસ આ રીતે પસાર થતા. તે પરિશુદ્ધ પ્રેમભકત અને સતત ધ્યાન, સમય જતાં સફળ થયા. સાથે સાથે કૃષ્ણ દર્શન પણ થયું. સમસ્ત સંસારને કૃષ્ણમય જોયો. આખરે શ્રીકૃષ્ણૈકયબોધમાં સુધામણી પ્રતિષ્ઠત થયા.

શ્રીકૃષ્ણસાયુજય થકી પરબ્રહ્મના પુરુષભાવનો સાક્ષાત્કાર કરી, સુધામણીની લીલાસાધનાનો પછીનો તબક્કો પ્રકૃતિસ્વરૂપિણી એવી પરાશક્તિનો સાક્ષાત્કાર કરવાનો હતો. મા જગદંબાના યાદિચ્છક દર્શન સાથે જાગૃત થયેલી પ્રેમભક્તિ બહુ જલ્દી અનિર્વચનીય ઈશ્વરોન્માદના ભાવમાં વિકસી. આ સમયે કોઈ બાહ્યપ્રજ્ઞા વિના દિવસો સુધી સુધામણીનું સમાધિસ્થ રહેવું સામાન્ય હતું.

સુધામણીના ઉન્નત આધ્યાત્મિક ભાવોને સમજવાને અસમર્થ પરિવારના લોકો અને ગ્રામવાસીઓ તેમની સાથે સખતાઈથી વર્તતા હતા. છેવટે તેમણે ગૃહત્યાગ કર્યો અને કેવળ મા જગદંબામાં શરણું લીધું. સુધામણીના રાત અને દિવસ હવે બહાર ખુલ્લાંમાં પસાર થતા. ઉપર આકાશ તેમનું છત્ર હતું, ધરતી તેમની પથારી અને ચંદ્ર ને તારા દીપ બન્યા, સમુદ્રનો વાયુ વીંઝણો થયો.

પરિવારના અને ગ્રામવાસીઓએ જયારે આ પ્રમાણે તેને તરછોડી ત્યારે જગદંબાની કેવી લીલા કે, ગાય, કૂતરો, બકરી, કબૂતર, સાપ, ખિસકોલી, પોપટ, ગરુડ વગેરે સુધામણીના મિત્રો બન્યા. શરીરને જાળવી રાખવા માટે આવશ્યક ખોરાક યથા સમયે આ જીવો તેમને પહોંચાડતા હતા. ખાસ મિત્ર એવો એક કૂતરો પરિચારકની જેમ સદા સુધામણીની રક્ષા કરતો. કયાંયથી પણ તે ખોરાકનું પડીકુ લઈ આવતો અને સુધામણીને અર્પિત કરતો. સમળી ચાંચમાં માછલી પકડીને લાવતી અને સુધામણીની સામે ધરતી. સારો ખોરાક કે ખરાબ ખોરાકનો કોઈ ભેદ ન જાણતી સુધામણી, તેને ખાતી. સુધામણી જયારે ધ્યાનમાંથી બહાર આવતી, ત્યારે એક ગાય કયાંય દૂરથી તેમની નજીક દોડી આવતી અને પાછળનો એક પગ ઊંચો કરી, જાણે પોતાના આંચળમાંથી દૂધ પિવાને આમંત્રિત કરતી હોય તેમ ઊભી રહેતી. બાળકૃષ્ણની જેમ સુધામણી તે ગાયના આંચળમાંથી દૂધ પિતી. તે જયારે નૃત્ય કરતી ત્યારે કબૂતર અને પોપટ પણ તેમની સાથે નૃત્ય કરતા. સુધામણી જો રડે તો તેઓ પણ આંસુ સારતા. સમાધિમાં લીન થાય અને પ્રાણ છૂટવાના હોય, ત્યારે કૂતરો મોટેથી અવાજ કરવા લાગતો. અથવા સાપ તેમને વિંટળાય જતો અને તેમને જગાડતો. મા જગદંબાના ભિન્ન પ્રકારના વિધ વિધ વાત્સલ્યપૂર્ણ ચહેરાઓ સુધામણીએ આ પશુપક્ષીઓ સાથે અનુભવ્યા હતા.

સુધામણીની પ્રેમભક્તિ ક્રમશઃ કઠોર તપશ્ચર્યામાં રૂપાંતર થઈ. આહાર નહિ, નિદ્રા નહિ, દેહધર્મ તરફ કોઈ ધ્યાન નહિ. કેવળ તુળસી પત્ર અને પાણીનો ખોરાક લઈ, તીવ્ર ઈશ્વરધ્યાનમાં સુધામણીએ છ માસ વિતાવ્યા. મૂશળધાર વર્ષા, તોફાની સામુદ્રિક હવા, મધ્યાહનનો સૂરજનો તાપ, તે તપશ્ચર્યામાં વિઘ્ન બન્યા નહિ. દેશ કાળનો બોધ વિસરી, ભકતની ચરમ સીમા પર પહોંચ્યા ત્યારે મા જગદંબા પ્રત્યક્ષ થયા અને દિવ્યજયોતિ પુંજ બની પોતાના ભકતમાં સમાઈ ગયા.

પછી બહુ જલ્દી પરબ્રહ્મના નિર્ગુણસ્વરૂનો સુધામણી(અમ્મા)એ સાક્ષાત્કાર કર્યો. પ્રપંચ સૃષ્ટી-સ્થતિ-લયનું કારણ એવો ૐ કારનાદ તેમની અંદર સહજ જ જાગૃત થયો. સમગ્ર બ્રહ્નાંડ તેમની અંદર એક નાના પરપોટાની જેમ વિલસી રહ્યું છે, એ તેમણે જોયું. સઘળા દેવીદેવસ્વરૂપો સ્વ-આત્મામાં લીન હોય, એવું તેમણે અનુભવ્યું.


સમગ્ર બ્રહ્નાંડ પોતાનો અંશ છે, આ અનુભવ સાથે સર્વચરાચર મા જગદંબા છે, એવો ભાવ અમ્મામાં જાગ્યો. “મૃત્યુલોકના દુઃખ દૂર કરવા”, આ મહાયજ્ઞમાં અમ્માએ સ્વયંને સમર્પિત કર્યા.

અમ્મા દુઃખીઓના આંસુ લૂછતા અને નબળા લોકોમાં આત્મવિશ્વાસ પ્રસારતા. પોતાની આધ્યત્મિક શક્તિના સ્વાભાવિક પ્રકાશના આધાર પર, ભકતજનોની હૃદયપૂર્વકની પ્રાર્થના સફળ થઈ. જે ઘરમાં તેમનો જન્મ થયો હતો તેને આશ્રમ બનાવી, અમ્મા ભારતીય સંન્યાસ પરંપરાનુસાર શિષ્યોને સ્વીકારવા લાગ્યા. તેમને દીક્ષા આપી, આધ્યાત્મિક્તાના અનશ્વર સંદેશને સામાન્ય લોકો સુધી પહોંચાડવા સ્વયં પ્રતિબદ્ધ થયા.

“હે ૐકારના દિવ્ય પુત્રો, ૐકારમાં આવી વિકસો અને ૐકારમાં એકરૂપ થાઓ.” આ દિવ્ય સંદેશ સાથે અમ્મા માનવ સમૂહ વચ્ચે આવી ઉતર્યા. ભારતમાં અને વિદેશોમાં નામસંકિર્તન, સમૂહપૂજા અને સત્સંગોનું નેતૃત્વ કર્યું. તે યજ્ઞવેદિ અનેક લોકો સાથે વૈયકતક બંધન સ્થાપવા માટેની વેદિ બની. હજારોની સંખ્યામાં લોકો જયારે અમ્માના દર્શન માટે આવવા લાગ્યા, ત્યારે પણ અમ્માએ કોઈને નિરાશ પાછા વાળ્યા ન હતા. માતૃવાત્સલ્યધારાથી તરબોળ પ્રાર્થનાઓ સફળ થઈ. લાખો કરોડો લોકોને આકર્ષિત કર્યા. માનવહૃદયમાં પરિવર્તન લાવી, આધ્યાત્મિક જીવન અને લોકસેવાના કાર્યો માટે અમ્મા તેમનામાં પ્રોત્સાહન પૂરતા હતા.

એક સમય એવો પણ હતો કે, કેરાલાના લોકો પણ આ કિનારાના પ્રદેશમાં આવેલ આ ગ્રામથી અજાણ હતા. આજે અમૃતપુરીના નામથી પ્રસિદ્ધ આ ગ્રામ, વિશ્વભરનું ધ્યાનકેંદ્ર છે. માતૃદર્શન માટે વિશ્વના ખૂણે ખૂણેથી આવતા સેંકડો ભક્તો માટે તે અભય કેંદ્ર છે. “વસુધૈવ કુટુંબકમ્”, આ આર્ષસંકલ્પનું લઘુચિત્ર બની સમસ્ત લોકમાં પ્રસરેલ એક આધ્યત્મિક પ્રસ્થાનનું વડુમથક બની, અમ્માનું જન્મસ્થળ આજે વિકસી રહ્યું છે.

અમૃતપુરી આશ્રમમાં અમ્માના નેતૃત્વમાં આધ્યત્મિક સાધના અને લોકસેવામાં વ્યસ્ત ત્રણ હજાર અંતેવાસીઓ વાસ કરે છે. અથાક લોકસેવા સાથે જાતી-સંપ્રદાય, ધનિક-દરિદ્ર, ઊંચ-નીચના કોઈ ભેદભાવ વિના લાખો લોકોના દુઃખો પોતાના કાને સાંભળી, આશ્વાસન આપવું, એ અમ્માનું અપૂર્વ ચરિત્ર છે. દુઃખીજનોના આંખના નીર અમ્મા સ્વયં પોતાના હાથે લૂછે છે.

આ મારી અમ્મા છે, અમ્મા હંમેશા મારી સાથે જ છે, આ બોધ આપણામાં શાંતિ અને આત્મવિશ્વાસ પ્રસારે છે. ન ઉંમરનો ભેદ, ન સ્ત્રીપુરુષનો ભેદ, માતૃસન્નધીમાં બધા જ એક જ માના નિષ્કલંક બાળકો બની જાય છે. તે દિવ્ય સાન્નિધ્યમાં મન શુદ્ધ થાય છે. હૃદય ભક્તિથી છલકાય છે. મનુષ્યોના વ્યક્તિત્વને કલ્યાણકારી પરિવર્તન માટે યોગ્ય બનાવે છે.