રાત્રે એક વાગે દર્શન પૂરા થયા. ઘણાખરા ભક્તો સૂવાને ગયા. પરંતુ અમ્મા, બ્રહ્મચારીઓ અને થોડા ભક્તો રાતભર જાગ્યા. બીજે દિવસે ચણતરના કામ માટે આવશ્યક ઈંટો કિનારેથી આ બાજુ લાવવાની હતી. તેઓ આ કામમાં લાગી ગયા. વરસાદની મોસમ હોવાથી આશ્રમની આસપાસ ભૂશિરમાં પાણીની ભરતી આવી હતી. આશ્રમના પ્રાંગણમાં પણ પાણી ભરાયા હતા. દીલ્હીથી આવેલી એક યુવતી આ સેવામાં સહાય કરી રહી હતી. પોતાની મા સાથે તે પરમ દિવસે, પહેલી જ વાર આશ્રમ આવી હતી. અમ્મા સાથેની તેની આ પહેલી મુલાકાત હતી. તે તો બ્રહ્મચારીઓ સાથે વાતો કરવા લાગી. તેની વાતોનો કોઈ અંત ન હતો. બ્રહ્મચારીઓ આથી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. છેવટે તે ત્યાંથી રવાના થઈ. ઈંટ પસાર કરવાનું કામ પૂરું થતા, અમ્મા અને થોડા બ્રહ્મચારીઓ કળરીથી થોડે દૂર દક્ષિણ દિશામાં, કે જ્યાં જમીન સૂકી હતી, ત્યાં બેઠા. તે યુવતીના અંતરહિત અનિયંત્રિત વાર્તાલાપ વિષે તેમણે અમ્માને કહ્યું.

બ્રહ્મચારી : “તે અતિશય વાતો કરતી હતી. લોકો સાથે કેવી રીતે વાત કરવી, તે પણ તે જાણતી નહોતી. તેણે મને કહ્યું કે, મને જોતાં તેને તેનો પતિ યાદ આવે છે. તે જ્યારે તેમ બોલી, ત્યારે તેના મોઢા પર મને થપ્પડ ચોડવાનું મન થયું!”

અમ્મા : “પુત્ર, તેની દુર્બલતા અજ્ઞાનને કારણે છે. પરંતુ તારે તો જ્ઞાનમાં સ્થિર રહીને ધીરજથી વર્તવું જોઈએ. આવી પરિસ્થિતિમાં આપણી અંદર ડોકીયું કરવું જોઈએ. મન નબળું પડતું હોય એવું લાગે તો ત્યાંથી દૂર ચાલ્યું જવું જોઈએ. જો તારાંમાં ખરેખર પુખ્તતા હોય તો તેમને સારી રીતે સમજાવી, સલાહ આપવી જોઈએ. ક્રોધ કરવાથી કોઈ ફાયદો નથી. તે યુવતીએ તેના સંસ્કાર બતાવ્યા હતા. તારાં સંસ્કાર, તેને ક્ષમા કરી, સાચો માર્ગ બતાવી, તે માર્ગ પર તેમને દોરી જવાના છે. કોઈ એક વ્યક્તિને શિક્ષા કરતા પહેલાં, તેમના સંસ્કાર વિષે, તેના ઉછેર વિષે, પરિસ્થિતિઓ વિષે આપણે વિચાર કરવો જોઈએ. તેને સાચો માર્ગ બતાવીએ તો તેનું અજ્ઞાન દૂર થાય, તે બાલિકાને આધ્યાત્મિકતા વિષેનું કોઈ જ્ઞાન નથી.”