(અમ્માએ પાઠવેલ સંદેશ પર આધારિત.)

ફરી એકવાર એક નવવર્ષ ઉદિત થયું છે. નવર્ષનો ઉદય સહુંને આનંદ, ઉત્સાહ અને આશાથી ભરી દે છે. જીવનને જે આગળ લઈ જાય, તે પ્રેરકબળ આશાવાદી વિશ્વાસ જ તો છે. ખરું ને? ગયું વર્ષ કેટ કેટલી પીડાઓ અને અસંખ્ય દુર્ઘટનાઓ સાથે પસાર થયું. હજારો લોકો પ્રાકૃતિક દુર્ઘટનાઓમાં મૃત્યુ પામ્યા. આથી પણ વધું સંખ્યામાં લોકોએ પોતાના ઘર અને પ્રિયજનોને ગુમાવ્યા હતા. યુદ્ધ તેમજ આતંકવાદ આક્રમણમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. આશા કરીએ કે આ નવું વર્ષ ઘણું સારું હશે. આશા કરીએ કે, બંદુકના ધમાકા અને બાળકો અને વૃદ્ધજનોની ચીસોને બદલે આપણને પક્ષીઓનો રમતળિયાળ કલબલાટ અને બાળકોનું નિષ્કલંક હાસ્ય સાંભળવા મળશે.

પરંતુ, ફક્ત આશા કરવી જ પર્યાપ્ત નથી. વર્ષ બદલવાથી કશું જ બદલતું નથી. આપણે જો કોઈ બદલાવ ચાહતા હોઈએ તો આપણે આવશ્યક પ્રયત્ન પણ કરવો જોઈએ. ત્યારે જ આપણી આશાઓ અને અપેક્ષાઓ પૂરી થઈ શકે. જે વીતી ગયું, તેના પર ન તો સતત શોક કરતા રહેવું જોઈએ કે ન તો આળસું બની બેઠાં રહેવું જોઈએ. આ નવવર્ષમાં આશા કરીએ કે, બધાં જ હૃદયપૂર્વક આગળ વધવાને યત્નશીલ રહે. ભૂતના અનુભવોમાંથી આપણે પાઠ પણ લેવો જોઈએ. આમ કરવા જો આપણે તત્પર થઈએ, તો નિષ્ફળતા અને પરાજયને સફળતા તરફના પગથિયામાં પરિવર્તિત કરી શકીએ.

જ્યાં સુધી આધ્યાત્મિક સાધકોનો સવાલ છે, નવવર્ષ અંતર્મુખ બની, નીરિક્ષણ માટેનો એક વધું અવસર છે. વિતી ગયેલ વર્ષનું મૂલ્યાંકન કરી, કેટલો આધ્યાત્મિક વિકાસ આપણે કર્યો, તેનું પરીક્ષણ આપણે કરવું જોઈએ. આમ કર્યા પછી, આપણે દ્રઢ સંકલ્પો લેવા જોઈએ. લોકો નવવર્ષ માટેના સંકલ્પો તો લેશે, પરંતુ મોટાભાગના લોકો થોડા દિવસ આ બધું કરશે અને પછી પોતાના આ સંકલ્પોમાંથી પિછેહટ કરવા, એક નહિ તો બીજું બહાનું શોધી લેશે.

એક વખત નવવર્ષની ઉજાણી ચાલું હતી. આ સમયે એક નવયુવકે પોતાના મિત્ર પાસે સિગરેટ માગી. મિત્રે કહ્યું, “પરંતુ તેં તો નવવર્ષમાં સિગરેટ નહિ પિવાનો નિયમ લીધો હતો.”

યુવકે જવાબ આપતા કહ્યું, “હું સિગરેટ છોડવાની તૈયારીમાં છું. આ પ્રથમ ચરણ છે.”

મિત્રે પૂછયું, “પ્રથમ ચરણમાં તું શું કરવા માગે છે?”

“હવે પછી હું ક્યારેય સિગરેટ પાછળ ખરચ નહિ કરું. મારા મિત્રો પાસેથી જે સિગરેટો મને મળશે, તે માત્ર જ હું ઉપયોગમાં લઈશ. આ જેમ કે મેં કહ્યું, પ્રથમ ચરણ છે.”

આપણા સંકલ્પો આવા ન હોવાં જોઈએ. આપણા સંકલ્પમાં આપણે મક્કમ રહેવું જોઈએ. જો કોઈ વસ્તુ આપણને પ્રિય હશે, તો આપણે હંમેશા તેની નવિનતા અનુભવિશું. પરંતુ, પ્રેમ જ્યારે નાશ પામે છે, નવિનતા પણ અદ્રશ્ય થાય છે. આ જ પ્રમાણે અન્યને પ્રેમ કરવામાં જ આપણે જીવનની તાજગી અનુભવિએ છીએ. આજે આપણે બધા બહું જ વ્યસ્ત છીએ. બીજા લોકોનો વિચાર કરવાને આપણી પાસે ટાઇમ નથી. પરિણામ સ્વરુપ, આપણે એકલા અટુલાં પડી ગયા છીએ. જીવન એકધારું કંટળાજનક બની ગયું છે. આ નવવર્ષમાં પ્રતિદિન બીજા લોકો માટે કંઈક સારું કરવા થોડો સમય કાઢવાને આપણે તૈયાર રહેવાનું છે. દયા અને કરુણાના નાના નાના કાર્યો પણ આ સંસારમાં ઘણી ખુશી અને આનંદનું સર્જન કરી શકે.

બીજા લોકોને સહાય કરવાનો આપણો ઉદ્દેશ પ્રશંસા, માન્યતા કે સન્માન મેળવવાનો ન હોવો જોઈએ. નવવર્ષ દરમ્યાન ઘણા લોકો પોતાના ઘરની બહાર તારાના આકારના લાલટેન ટંગાવતા હોય છે. આ જોઈ લોકો ભાવોત્કંપ બને છે. રાતના સમયમાં જ્યારે કોઈ તેમને જોવાવાળું નથી હોતું, ત્યારે પણ આ લાલટેન પ્રકાશ પાથરતા હોય છે. આ જ પ્રમાણે, નામ કે ખ્યાતિની પરવા કર્યા વિના, આપણે સારા કાર્યો કરતા રહેવું જોઈએ.

ઈશ્વરે આપણને ચહેરો આપ્યો છે. ચહેરા પર પ્રેમનો ભાવ કે ક્રોધનો ભાવ ધારણ કરવો, તે પસંદગી આપણી છે. મધુર સ્મિત કરીએ, તો બીજાના ચહેરા પર પ્રેમના કીરણો કુસુમિત કરવા આપણે પ્રેરક બનીશું. આપણી અંદર જો પ્રેમ અને શાંતિ હશે, તો આપણે આ ગુણો યુક્ત બીજા લોકોને સ્પર્શી શકીએ. જ્યાં સુધી કે સમસ્ત વાતાવરણ પરમાનંદથી તરબોળ ન બની જાય. આ પ્રમાણે આપણે આ વર્ષમાં એક વધુ સારો પરિવાર, રાષ્ટ્ર અને વિશ્વનું સર્જન કરી શકીએ.

અમ્માના બાળકો આ વિશ્વમાં પ્રેમ અને શાંતિના વાહક બને. તેમના જીવન સુખ અને શાંતિથી પૂર્ણ બને. ઈશ્વરકૃપા મારાં બાળકોને હંમેશા અનુગ્રહિત કરે.ૐ