અમ્મા : “પુત્ર, ધ્યાન કરવા બેસો ત્યારે મનને પૂર્ણરૂપે ઈશ્વરમાં સ્થિર રાખવું જોઈએ. બાહ્ય કાર્યોમાં ધ્યાન ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. મનમાં ઈષ્ટદેવનું સ્વરૂપ માત્ર જ રહે, એવો વૈરાગ્ય આવવો જોઈએ.

“એક વખત એક સંન્યાસી ધ્યાન કરી રહ્યાં હતા. આ સમયે કોઈ ઝડપથી તેમની સામેથી પસાર થઈને નીકળી ગયું. સંન્યાસીને આ ગમ્યું નહિ. થોડા સમય પછી, તે વ્યક્તિ એક બાળકનો હાથ ઝાલી, તે માર્ગ પરથી પાછો ફરી રહ્યો હતો. ક્રોધ કરતા સંન્યાસીએ તેને પૂછયું

“શું તારામાં એક ક્ષણની પણ ધીરજ નથી. તેં જોયું નહિ કે હું અહીં ધ્યાન કરી રહ્યો છું?”

વિનયપૂર્વક તે વ્યક્તિએ પૂછયું, “ક્ષમા કરશો. મને ખબર ન હતી કે, આપ અહીં બેઠા છો.”

સંન્યાસી : “શું કહ્યું? શું તને આંખે નથી દેખાતું?”

પેલી વ્યક્તિએ કહ્યું, “મારો દીકરો દેખાતો ન હતો. તે મિત્રો સાથે રમવા ગયો હતો. મને ભય હતો કે પાસેના તળાવમાં તે પડી ન ગયો હોય, આમ શક્ય તેટલી ઝડપથી હું દોડીને ગયો હતો. માટે જ, તમે અહીં બેઠા છો, તે તરફ મારું ધ્યાન ન ગયું.”

“પેલાએ સંન્યાસીની ક્ષમા માગી. પરંતુ તે સંન્યાસી એમ કાંઈ છોડે તેમ ન હતા. તેણે કહ્યું, “ઈશ્વર ધ્યાનમાં હું લીન થઈને બેઠો હતો, અને તેં મારા ધ્યાનમાં ખલેલ કરી. આ કોઈ વાતે યોગ્ય ન કહેવાય!”

“આ સાંભળતા પેલાએ જવાબ આપ્યો, “ઈશ્વર ધ્યાનમાં લીન હોવા છતાં, તમે મને અહીંથી દોડતો જતાં જોયો અને હું, મારાં પુત્રને શોધતો દોડી રહ્યો હતો ત્યારે તમે મારી સામે બેઠેલા હોવા છતાં, મેં તમને જોયા નહિ. મને મારાં પુત્ર સાથે જે બંધન છે, તેટલું બંધન પણ તમને તમારા ઈશ્વર સાથે નથી. આ તે કેવું ધ્યાન છે! ક્ષમા કે વિનય વિનાના ધ્યાનથી શું લાભ?”

“આપણું ધ્યાન આ સંન્યાસી જેવું ન હોવું જોઈએ. ધ્યાનમાં બેસો પછી મનને પૂર્ણરૂપે ઈશ્વર સાથે બાંધવું જોઈએ. આસપાસ કંઈ પણ બને, મનને ત્યાં જવા દેશો નહિ. અને જો જાય તો તરત જ તેને પાછું વાળવું જોઈએ. મનને કેવળ એક ઈશ્વરમાં જ બાંધવાનો પ્રયત્ન કરો. આ પ્રકારના સતત અભ્યાસ દ્વારા જ, મન જ્યાં ત્યાં ભટકશે નહિ.

“ધ્યાન કરવા બેસતી વખતે, આટલા કલાકો પછી જ આંખો ખોલીશ અને ત્યાં સુધી હાથપગ ન હલાવતા સ્થિર બેઠો રહીશ, એવો દ્રઢ નિર્ણય લેવો જોઈએ. પછી ગમે તે થાય,તમારા આ નિર્ણયમાં કોઈ પરિવર્તન ન આવવું જોઈએ. આ જ યથાર્થ વૈરાગ્ય છે.”

બ્રહ્મચારી : “કેટલાક વિચારો મનમાં ઘૂસી આવે છે અને અસ્વસ્થતા સર્જે છે. ક્યારેક મને કેવળ એક ઈશ્વરને જ જાણવા અને તેમને જ પ્રેમ કરવાની લાગણી થાય છે, તો ક્યારેક સાધના દ્વારા મને બ્રહ્માંડના રહસ્યને જાણી, તેને ખુલ્લું કરવાનું મન થાય છે. અન્ય સમયે મને આમાંનું કંઈ જ નથી જોઈતું. મને તો ફક્ત મારી અંદર કાર્ય કરતી શક્તિને જાણવી છે, એમ થાય છે. આ પ્રકારના વિવિધ વિચારોના કારણે મને ધ્યાનમાં કોઈ સ્થિરતા મળતી નથી.”

અમ્મા : “પુત્ર, આત્માને જાણ્યા પછી બ્રહ્માંડના બધા નિગૂઢ રહસ્યને સહજ જ તમે જાણી લો છો. આથી વિપરીત, નિગૂઢની શોધમાં તમે નિગૂઢતામાં લીન થશો નહિ. બસમાં યાત્રા કરતી વખતે તમે જોયું હશે, બસ જેમ આગળ વધે છે, તેની આસપાસની બધી વસ્તુઓ અને દ્રશ્યો, પાછા ફરી, અદ્રશ્ય થતાં જણાશે,. આ જ પ્રમાણે આજે જે દેખાય છે, તે બધું અદ્રશ્ય થશે. તે તરફ ધ્યાન આપશો નહિ અને તે સાથે કોઈ બંધન પણ બાંધશો નહિ. બ્રહ્માંડના રહસ્યને જાણવા માટે કેટલા નિષ્ણાંતો પ્રયત્ન કરી રહ્યાં છે. પણ શું તેમાંના કોઈ સફળ થયા છે? પણ તમે જો ઈશ્વરને પ્રાપ્ત કરી લો, પછી બધા લોકને તમે જોઈ શકો છો, જાણી શકો છો. માટે જ, જે સમય મળે તેનો ઉપયોગ ઈશ્વરને જાણવા માટે કરો. અન્ય કોઈ વિચારથી તમને કોઈ લાભ નથી થવાનો.”