અમ્મા : “પુત્ર, એક યથાર્થ ભક્તને ક્યારેય કોઈ વાતની ઊણપ નથી હોતી. જે ઈશ્વરમાં શરણું લે છે, તેના સઘળા કાર્યોની સંભાળ ઈશ્વર રાખે છે. મંદિરોમાં પૂજા કરતા અનેક લોકોમાં કેવળ ઇચ્છાઓ જ છે. ત્યાં ઈશ્વરને કોઈ સ્થાન નથી.
“તામિલનાડના એક મંદિરમાં અમ્મા ગયા હતા. ત્યાં હાથ જોડીને ઊભા હતા ત્યારે ત્યાંનો પૂજારી નારિયેળના કૂચા ભગવાનને ચડાવી રહ્યો હતો! ભગવાનને નારિયેળ ધરવા માટે તે તેના રેસા કાઢી રહ્યો હતો, આ સમયે તેનું ધ્યાન મંદિરમાં આવતા ભક્તો થાળીમાં કેટલા પૈસા ધરે છે, તેના પર હતું. આમ ભગવાનને પુષ્પો ચડાવવાને બદલે તે હાથમાં રહેલા નારિયેળના રેસા ચડાવતો હતો. આ જોતાં અમ્મા બોલી ઉઠયા, “એય… આ શું કરી રહ્યો છે…” આટલું કહેતાં અમ્મા મંદિરની અંદર દાખલ થવા આગળ વધ્યા. પણ તે સમયે, સુગુણાચ્ચન્ને (અમ્માના પિતાશ્રી) અમ્માનો હાથ પકડી તેમને અટકાવ્યા. પેલાના ભાગ્ય, નહિતર..(બધા હસી પડયા)”
ભક્ત : “શું ભગવાન પુષ્પ અને નારિયેળના કૂચામાં ભેદ કરે છે?”
અમ્મા : “આ બહુ સારું! તેવી પ્રેમભકિત હોય તો એ જરૂરી નથી કે ભગવાનને પુષ્પ જ ચડાવવા જોઈએ. નારિયેળના કૂચાય ચાલે. પણ, તે સમર્પણનો ભાવ આવવો જોઈએ. ભગવાન તો હૃદય જુએ છે. પ્રેમથી તમે ચડાવી રહ્યાં હો, તો તે કૂચા પણ પર્યાપ્ત છે. પરંતુ, આ પુજારીનું મન પૈસામાં હતું. તેની પૂજા ફક્ત પૈસા માટેની જ હતી. આ જ કારણસર અમ્માને ક્રોધ આવ્યો હતો. આ પ્રકારની પૂજા ઈશ્વર સહન ન કરી શકે.
“પુત્ર, જે ભક્તિપૂર્વક ઈશ્વરની પૂજા કરે છે, તેને ક્યારેય ભૂખમરો વેઠવો પડતો નથી. પૂજાના યથાર્થ આદર્શને સમજી પૂજા કરવી જોઈએ. જીવનમાં ધન કમાવવા માટે પૂજાને રોજગાર તરીકે દેખશો નહિ. ઈશ્વરપૂજા તો અંતઃકરણની શુદ્ધિ માટે, ઈશ્વરપ્રેમ વિકસાવવાનો એક માર્ગ છે. તે રીતે તેને જોવી જોઈએ. ઈશ્વરાધાના તો આત્મતત્વ સમજવા માટે છે. જે જાણ્યા પછી, કોઈ યાચક નથી, તે તો રાજાધિરાજા છે. વિશ્વમાં શાંતિ અને સમાધાન પ્રસારતા આનંદસ્રોતમાં તે પરિવર્તિત થાય છે. ઈશ્વરતત્વને ન જાણતા, સુખની શોધમાં જે ભટકે છે, તે યાચક છે. આ તો ગળામાં હીરાનો હાર રાખી, તેને કાચના ટૂકડા સમજી, સાચા હીરાને શોધતા ભીખ માગતા ફરવા જેવું થયું. આપણામાં રહેલી બહુમૂલ્ય સંપત્તિથી આપણે અજાણ છીએ. જેણે તે જાણ્યું છે, તે તો નિશ્ચલ રહે છે. આનંદ તેની પાસે જ છે.
“જે ઈશ્વરપૂજાને રોજગાર તરીકે જુએ છે, તે ભક્ત નથી, તે તો વ્યવસાયી છે. આથી વિપરિત, જે દરેક કાર્યને ઈશ્વરપૂજા તરીકે નિહાળે છે, તે જ ભક્ત છે. જે ઈશ્વરપૂજાને રોજગાર તરીકે જુએ છે, તેને જેમ બીજા કામોમાં જે દુઃખો સહન કરવા પડે છે, તે સહન કરવાના આવે છે. મંદિરમાંથી મળતી આવક જો પૂરતી ન હોય તો ઈશ્વરને ઠપકો ન આપતા, બીજુ કોઈ કામ શોધી લેવું જોઈએ. ઈશ્વરઆરાધના પૈસા માટેની ન હોવી જોઈએ. તે તો ભક્તિ માટેની હોવી જોઈએ. જે આમ છે, તેમને ઈશ્વર ક્યારેય દુઃખી નહિ થવા દે. તેની બધી આવશ્યકતાઓ ઈશ્વર પૂરી પાડશે.
“મંદિરોમાંથી જે ઘન ચોરી કરે છે, તેને તેની શિક્ષા મળે જ છે. તેનો સમય સારો હશે, તો તત્કાલ તેની ખબર નહિ પડે, એટલું જ. અહીંના વલ્લીકાવના એક મંદિરનો બનાવ અમ્માને યાદ આવે છે. અમ્મા સામેપારના એક ઘરે જઈ રહ્યાં હતા ત્યારે થોડે દૂર એક માણસ મૂતરતો ઊભો હતો. અમ્મા દૂર ઊભા રહ્યાં. કેટલોક સમય થયો છતાં તે ત્યાંથી ખસ્યો નહિ. ત્યારે તે રસ્તેથી પસાર થતા એક માણસે અમ્માને આ ઘટના વિષે કહ્યું. જે માણસ મૂતરવા ત્યાં ઊભો હતો, તેણે ત્યાંના મંદિરની બધી સંપત્તિ ચોરી હતી. મંદિરમાં નિત્ય પૂજા કરવા માટે તે પૂજારી પાસે પૈસા માગવા જતો. છેવટે તેણે તે પૂજારી પર ચોરીનો આક્ષેપ મૂકી, તેને પકડાવ્યો હતો. મંદિરના પૈસા મેળવી તે ધનવાન બન્યો. બાળકોને પણ સારો ઉદ્યોગ વગેરે મળ્યા. છેવટે શું થયું ખબર છે? બાળકોએ પિતા સાથે ઝઘડો કરી, પિતાને ઘરની બહાર કાઢી મૂકયો. આજે જે મંદિરની સંપત્તિ તેને ચોરી હતી, ત્યાં જ તે ખાઈ છે અને સૂવે છે. ત્યાં નિવેદમાં ધરેલા ભાત તે ખાઈ છે. તે બીમાર છે. કલાકો સુધી ઊભો રહેશે, ત્યારે થોડો પેશાબ થશે.”
ભક્ત : “અમ્મા, હિદુ ધર્મનું આજે કેટલું અધપતન થઈ રહ્યું છે, તેનું શું કારણ?”
અમ્મા : “હિંદુધર્મ આપણને શીખવે છે કે, કોઈ પણ પ્રવૃત્તિ ઈશ્વરપૂજા માની કરવી જોઈએ. પરંતુ, કોઈ તેને અનુસરતું નથી. અહીં અન્ય ધર્મોની જેમ ઐક્ય, સેવાઓ, નિત્ય નિયમાનુસાર આરાધના નથી. હિંદુ કહેવડાવાથી અતિરીક્ત, હિંદુ ધર્મ વિષે કોઈ કંઈ જ જાણતું નથી. પરંતુ, આજે આ પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે.”
અમ્મા : “શાસ્ત્રો કે આધ્યાત્મિક તત્વનું જ્ઞાન ન હોવાથી આમ બને છે. એક રીતે જોઈએ તો, મંદિરો અને મૂર્તિઓની રચના મનુષ્ય જ કરે છે. મનુષ્ય જ મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે. તેની પૂજા પણ મનુષ્ય કરે છે અને હાથ જોડી તેને દંડવત્ પણ મનુષ્ય જ કરે છે. તેમ છતાં, ઈશ્વરશક્તિમાં મનુષ્યને જ વિશ્વાસ નથી. કોઈ પણ મંદિરને જે શક્તિ પ્રદાન કરે છે, તે ત્યાં આરાધના કરતા ભક્તો જ છે. એક મહાત્મા જો મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ન કરે, કોઈ ત્યાં દર્શન કરવા કે નમન કરવા ન જાય, તો પછી તે મંદિરમાં શું શક્તિ હશે?”