ફક્ત કોન્ફરેન્સો ભરવાથી, બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાથી અને અમુક નીતી નિયમાવલી નક્કી કરવાથી, કોઈ વિકાસનું સર્જન નહિ થાય. બહારી મીટીંગો અને કોન્ફરેન્સોની સાથે, હૃદયની મીટીંગ પણ આવશ્યક છે. હૃદય મળવા માટે આપણા વચનોને, આપણા વર્તન અને કાર્યોમાં લાવવાને આપણાથી થવું જોઈએ. મનુષ્યનો મનોભાવ પણ બદલાવો જોઈએ.
અમ્મા હંમેશા આપણને સ્મરણ કરાવતા હોય છે કે, આપણા મન જ્યારે બદલાય છે, ત્યારે બહારી પરિસ્થિતિઓ પણ બદલે છે. પ્રકૃતિ અને ઈશ્વર એક જ છે. આપણા હૃદય જો ખૂલા કરીએ, તો પ્રકૃતિમાં આપણને ઈશ્વરનો ચહેરો દેખાશે. પ્રકૃતિ ઈશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. માટે જ, આપણે હંમેશા પ્રકૃતિને આદર અને પૂજનીય ભાવ સાથે જોવી જોઈએ.
આ સંદર્ભમાં અહીં મારા પિતાનો એક આચાર જેની હું મારાં બાળપણમાં સાક્ષી રહી હતી, તેનો ઉલ્લેખ કરીશ. તે દિવસોમાં અમારા ઘર માટે જ્યારે પણ લાકડાની જરૂર પડતી, ત્યારે મારા પિતા એક શુભ દિવસ શોધતા. અશુભ માનવામાં આવતા દિવસોમાં વૃક્ષો કાપવામાં આવતા નહીં. નિશ્ચિત દિવસે મારા પિતા વૃક્ષ નીચે રિવાજ પ્રમાણે પૂજા કરતા અને પ્રાર્થના કરતા, “હે ઈશ્વર, મને આની જરૂર હોવાથી, હું આ વૃક્ષને કાપુ છું. કૃપયા મને ક્ષમા કરશો.” ત્યાર પછી જ વૃક્ષને કાપવામાં આવતું. પ્રકૃતિ માટે તેમને આટલો પ્રેમ અને આદર હતા.
મનુષ્ય શરીર પંચભૂતોનું બનેલું છેઃ ધરતી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ. આમ જો હોય તો પછી મનુષ્યજાતિ સ્વયંને પ્રકૃતિથી આળગી કરે, તો તે કેવી રીતે હૈયાત રહી શકે? પ્રકૃતિનું અસ્તિત્વ કેવળ આપણા શરીરની બહાર જ નહિ, પરંતુ આપણી અંદર પણ છે. માટે પ્રકૃતિ સાથે આપણે અલગાવનો ભાવ રાખીશું, તો પ્રકૃતિ પણ આપણી સાથે તેવું જ વર્તન કરશે.
આધુનિક લોકો પ્રકૃતિ આરાધનાને પ્રાચીન માનતા હોવાં છતાં પોતાના અનુભવથી અમ્માને લાગે છે કે, વિશ્વની આ પ્રાચીન માન્યતામાં ઘણી પ્રાયોગિકતા હતી. દા.ત.અમ્માના માતુશ્રી હંમેશા અમને નદીને દેવી તરીકે માનવાને કહેતા. તેઓ કહેતા, “નદી દેવી છે. માટે, તેમાં પેશાબ કરી, તેને અપમાનિત કરશો નહિ.” જેવી અમારા પગની આંગળીઓ ઠંડા પાણીનો સ્પર્શ કરતી કે, અમને પેશાબ કરવાની લાગણી થતી. પરંતુ અચાનક પછી અમારા માતુશ્રીના શબ્દોનું સ્મરણ થતાં પેશાબ કરવાની લાગણી જાણે સ્વીચ બંધ કરી હોય તેમ અદ્રશ્ય થઈ જતી અને અમે સ્વયં પર નિયંત્રણ મેળવી લેતા. પરંતુ અહીં નોંધની વાત એ કે, નદીને અપમાનીત ન કરવાથી, નદીને કોઈ લાભ નથી થતો. પણ સ્વયં આપણે લાભાન્વિત થઈએ છીએ. જો બધા જ નદીમાં પેશાબ કરે તો તેમાં સ્નાન કરનારા લોકો ચામડીનો રોગ અને અન્ય બીમારીના ભોગ બને. નદીનું આ પાણી રસોઈં અને પીવા માટે લઈએ, તો કોલેરા જેવા રોગ થાય. માટે, આપણે જે આપીએ છીએ, તે જ આપણને પાછું મળે છે. જે કંઈ આપણને મળે છે, તે પૂર્વે આપણે કરેલા કર્મોનું જ પરિણામ છે. આપણી પાસે કોઈ પસંદગી નથી સિવાય કે બધું સરખું કરીએ; માટે, આમ કરવા આપણે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ.
એ સત્ય છે કે, લોકો આ પ્રમાણે પોતાના વિચાર અને ધારણાઓમાં અચાનક ૧૮૦ ડીગ્રી વળાંક ન લઈ શકે. પરંતુ, દરેક વ્યક્તિ જો પ્રયત્ન કરે, તો ચોક્કસ તેઓ તેમની જીવન-રીતમાં નાના નાના બદલાવ કરી શકે છે. હવે મોડું કરશો નહિ. આપણાંમાંના હરેકે પરિસ્થિતિની ગંભીરતા સમજી, આને નીજી જીવનમાં આચરણમાં મુકવા માટેની જવાબદારી લેવાની છે.
કેટલાક માતાપિતા અમ્માના ખોળામાં ધ્રુસકે ધ્રસકે રડતા કહે છે, “અમ્મા, મારું બાળક પોતાના સેલફોન પર વિડીયો ગેમ્સનો વ્યસની બની ગયો હતો. તે આ ગેમ્સમાં ઊંડોને ઊંડો ઉતરતો ગયો અને છેવટે તેણે આત્મહત્યા કરી.”
અમ્માએ આ ઘણી માતાઓના મુખમાંથી સાંભળ્યું છે. આ કરોનાના સમયકાળમાં અને તે પહેલાં અમ્માએ જોયું છે કે, માતાઓ પોતાના બાળકો રડવા લાગે ત્યારે તેમને શાંત કરવા તેમના હાથોમાં ફોન આપે છે. બાળકનું પૂરું ધ્યાન ફોન આપે છે. બાળકનું પૂરું ધ્યાન ફોનમાં કેંદ્રિત હોય છે. પછી ક્રમેણ અન્ય ચેનલો પર તેમનું ધ્યાન ખેંચાય છે, જે પછી છેવટે તેમનો નાશ કરે છે. બાળકોમાં સ્વયંને સીધા રસ્તે આગળ વધવા માટે આવશ્યક વિવેક બુદ્ધી નથી હોતી. તેઓ એક પ્રકારના ડીપ્રેશનમાં સરકી જાય છે. તેમને અન્ય કંઈ જ નથી જોઈતું, સિવાય કે તેમનો ફોન. તેમને નથી ભણવું, નથી રમવું કે નથી અન્ય કાંઈ કરવું.
એક બાળકનું મન કોરા કાગળ જેવું છે. આરંભના થોડા વર્ષો દરમ્યાન બાળકોમાં જે સંસ્કારોનું સિંચન આપણે કરીએ છીએ, તે તેમની સાથે વિકસે છે.
આ “સંસ્કાર(કલ્ચર)” શબ્દ ઘણો મહત્વનો છે. સામાન્યતઃ લેબોરેટરીમાં નમૂનાઓનું ”કલ્ચર” કરવામાં આવે છે, જેથી વિશેષ વાતાવરણમાં તેમાં બેક્ટીરિયા અને વાયરસ વિકસી શકે. જેમ કે તમે જાણો છો, લોહી તેમજ શરીરના અન્ય પ્રવાહીમાં રોગના કીટાણુંની તપાસ કરવા આપણે જે રીતે આ નમૂનાનો ઉપયોગ કરીએ છીએ. તે જ પ્રમાણે સંસ્કાર દ્વારા સદ્વિચાર અને સદ્ગુણોનું સિંચન કરી, જાગૃત કરી, પોષિત કરી શકાય.
વિશ્વના જુદા જુદા ભાગોમાંથી બાળકો અહીં આવે છે અને લાંબા સમય સુધી રહે છે. શરૂઆતમાં તેમાંના ઘણા તોફાની હતા અને ઉપદ્રવ મચાવતા. જેમ કે છોડવાઓને મૂળથી ખેંચી કાઢવા, બીજા બાળકો સાથે લડાઈ ઝગડો અને મારપીટ કરવા વૃક્ષોની ડાળ તોડવી, વગેરે. પરંતુ, અમ્માની આ શીખ કે પ્રકૃતિ બહમૂલ્ય છે, પ્રકૃતિ આપણને શ્વાસ લેવા શુદ્ધ પ્રાણવાયું આપે છે, એ તો પ્રકૃતિ જ છે, જે પેઢી દર પેઢી આપણી સંભાળ લે છે. આ તેઓ આત્મસાત કરવા લાગ્યા. જેમ જેમ આ શીખ બાળકો ગ્રહણ કરવા લાગ્યા, તેઓ છોડવાઓનો આદર કરવા લાગ્યા. તેઓ પણ છોડવાઓ ઉગાડવા લાગ્યા, તેઓ છોડવાઓને પ્રેમ કરતા, તેમને ચુંબન આપતા અને તેમની સાથે વાતો કરતા થઈ ગયા. આજે આ બાળકોમાંના ઘણા મોટા થઈ ગયા છે અને કૉલેજ જાય છે. તેઓ જ્યાં પણ જશે, વૃક્ષો વાવશે અને તેમની સંભાળ લેશે. તેમના સંસ્કાર, તેમનું કલ્ચર હવે એવું બની ગયું છે કે, તે પ્રકૃતિની રક્ષા અને આદર કરે છે. સ્કૂલોમાં વૃક્ષારોપણ, આસપાસના વાતાવરણની સફાઈ વગેરેની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે, તો આ રીતે બાળકોને વૃક્ષો વાવવા અને તેની રક્ષા કરવાને શીખવી શકાય. ત્યારે બાળકો સ્પર્ધાઓમાં ઈનામ જીતવા ખાતર પણ આ મૂલ્યો ગ્રહણ કરશે.
“હું”, “મારું” અને “મારાં માટે”નો મનોભાવ આજે આપણામાં દ્રઢ થઈ ગયો છે. “લેવું, લેવું, લેવું,”ની આપણી ટેવમાં પરિવર્તન લાવી, આપણા હૃદયમાં બીજા માટે થોડી જગ્યા કરવાને આપણે શીખવું જોઈએ.
સર્જનમાં સર્વકાંઈમાં તાલલય છે. સમગ્ર બ્રહ્માંડ અને તેમાં જીવિત હરેક જીવ વચ્ચે નિર્વિવાદિત સંબંધ છે. આ બ્રહ્માંડ એક બૃહદ પરસ્પર સંકળાયેલ નેટવર્ક જેવું છે. કલ્પના કરો કે, ચાર માણસો એક જાળના ચાર છેડાને પકડીને છે. કોઈ એક જગ્યાએથી તેને હલાવવામાં આવે તો સમસ્ત જાળમાં તેના સ્પંદનો અનુભવાશે. આ જ પ્રમાણે, આપણે આથી વાકેફ હોઈએ કે નહિ, આપણાં એક એક કાર્યના સ્પંદનોના પડઘા સમસ્ત બ્રહ્માંડમાં અનુભવાય છે. ભલે તે પછી વ્યક્તિગત હોય કે સમૂહમાં. આ જ કારણસર અમ્મા હંમેશા કહેતા હોય છે, આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સામાન્ય સાંકળની કડી છીએ. માટે, તમે બદલો તે પહેલાં બીજાના બદલવાની રાહ જોશો નહિ. આમ ન કરતા, બીજા બદલે કે નહિ, સ્વયં બદલો, તો આથી પણ બહાર વિશ્વમાં પરિવર્તનનું સર્જન કરી શકો. આપણે બધા જો આવો મનોભાવ કેળવી શકીએ, તો એ ઘણું સારું હશે.
એક સ્વસ્થ બદલાવ અને પરિવર્તન માટેની શરૂઆત આજે, અત્યારે, આ ક્ષણમાં આપણે કરીએ. આ જો આપણે કરી શકીએ, તો ચોક્કસ આશા છે.
સાચી રીતે વિચારવા, સાચી દિશામાં આગળ વધવા અને સાચી રીતે કાર્ય કરવા આપણામાં વિવેક બુદ્ધી પ્રાપ્ત થાય. આપ સહુંને પરમાત્માને અર્પિત કરી, કૃપા આપ સહુંને અનુગ્રહિત કરે એ જ હૃદયપૂર્વકની પ્રાર્થના.
॥ ૐ લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ ॥