ભક્ત : “પણ શ્રી રામકૃષ્ણે તો કહ્યું હતું કે, સાધકે સ્ત્રીઓ સાથે વાત ન કરવી જોઈએ. એટલું જ નહિ, એક સાધકે સ્ત્રીનું ચિત્ર સુધ્ધાં ન જોવું જોઈએ!”
અમ્મા : “જેને ગુરુ છે, તેમણે ભયભીત થવાની જરૂર નથી. ગુરુની આજ્ઞાનુસાર જીવન જીવો, તે પૂરતું છે. આટલા સખત નિર્દેશો આપ્યા હોવા છતાં, શું શ્રીરામકૃષ્ણના શિષ્ય એવા વિવેકાનંદ અમેરીકામાં જઈ, સ્ત્રીઓને શિષ્ય તરીકે સ્વીકારી ન હતી? પરંતુ, સાધકે, શરૂઆતમાં સ્ત્રીઓથી બને તેટલું દૂર રહેવું જોઈએ. સ્ત્રીનું ચિત્ર પણ ન જોવું જોઈએ. એટલી સાવધાની સાધકે રાખવી જોઈએ. સાધનાકાળમાં બધા વિષયોનો ત્યાગ કરી, શક્ય તેટલું એકાંતમાં રહેવું ઉત્તમ છે. સાધકે પછી ગુરુના સાનિધ્યામાં વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવાનો હોય છે. આ બધી પરિસ્થિતિઓને પોતાની સાધનાના ભાગરૂપ માની, સ્વીકારવી જોઈએ. તેમને તો બધા પ્રતિબંધોથી પર આવવાનું છે. જેને ગુરુમાં સમર્પણ હશે, તેને માટે આ શક્ય હશે. જેને ગુરુ નથી, તેમણે બહારી નિયંત્રણોનું સખતાઈથી પાલન કરવું જોઈએ. અન્યથા કોઈપણ સમયે તેનું પતન થઈ શકે.
“પુરુષમાં પણ સ્ત્રીત્વ છે. તેનાથી ઉપર ઉઠે તો જ તે લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. સ્ત્રીઓને મળતી વખતે સાધકે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભયના માર્યા સ્ત્રીઓથી દૂર રહેવું તે પણ અર્થહીન છે. આખરે તો, તમારે તમારાં ભયથી ઉપર ઉઠવાનું છે. બધાથી પર આવવાની મનઃ શક્તિ તમે ન પ્રાપ્ત કરો, તો કેવી રીતે તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો? બધામાં તે પરમાત્મા ચૈતન્યના દર્શન ન કરો, ત્યાં સુધી ઈશ્વર સાક્ષાત્કાર શક્ય નથી. સાધનાકાળમાં સ્ત્રીઓ સાથે અધિક સંપર્ક ન કરાય. હંમેશા થોડું અંતર રાખવું જોઈએ. એક ઓરડામાં કોઈ સ્ત્રી સાથે એકાંતમાં બેસીને વાત પણ ન કરવી જોઈએ. કોઈ એકાંત સ્થળમાં સ્ત્રી સાથે ન રહેવું જોઈએ. આ પ્રકારના સંજોગોમાં, આપણી જાણ બહાર જ મન સુખ તરફ ઢળે છે. જો તેને સહન કરવાની શક્તિ ન હોય તો, આપણે ભાંગી પડશું. એવી કોઈ પરિસ્થિતિ આવે કે પરસ્પર વાત કરવાની જરૂર લાગે તો કોઈ ત્રીજી વ્યક્તિને બોલાવી, તેની હાજરીમાં વાત કરવી જોઈએ. જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ પાસે હોય તો આપણે જાગૃત રહેશું.
“પુરુષ અને સ્ત્રી, પેટ્રોલ અને આગ જેવા છે. આગના સંપર્કમાં પેટ્રોલ આવે તો તે સળગી ઊઠે છે. માટે જ, નિરંતર જાગૃત રહેવું જોઈએ. જ્યારે કોઈ દુર્બળતા અનુભવો, તરત જ સ્વયં મનન કરવાનું. સ્વયંને પૂછો કે , “મળ અને મૂતરથી ભરેલા શરીરમાં શું છે કે તું તે તરફ આકર્ષાય છે?” આ પછી તો, આ અણગમાથી પણ ઉપર ઊઠવું જોઈએ. બધાને પછી મા જગદંબાના સ્વરૂપ તરીકે નિહાળવા જોઈએ. સર્વમાં વ્યાપ્ત ચૈતન્યને નિહાળવાની શક્તિ પ્રાપ્ત કરી લેવી જોઈએ. જ્યાં સુધી આ શક્તિ તમે પ્રાપ્ત ન કરો, તમારે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ. સ્ત્રી પાણીમાંના વમળ જેવી છે. તે તમને ઊંડાણમાં ખેંચી જાય છે. નિરંતર સાધના, લક્ષ્યબોધ અને આ બધાથી ઉપર, ગુરુ પ્રત્યેના સમર્પણના ભાવ વિના, આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર આવવું અસાધ્ય છે.
ભક્ત : “આ ઈંટ ઉંચકીને લઈ જવી, બીજા બધા કામો કરવા, યાત્રા કરવી, શું આટલું બધું કામ કરી, બ્રહ્મચારીઓ થાકતા નથી?”
અમ્મા : “ભાવદર્શનના દિવસે પણ, રાત્રે દર્શન પૂરા કરી, અમ્મા ઈંટ ઉંચકવા જાય છે. દર્શન દરમ્યાન ભજન ગાઈને સૂવા ગયા હશે કે અચાનક ઈંટ ઉંચકવા માટે તેમને બોલાવવામાં આવે છે. અમ્મા જોવા માગે છે કે, તેમાંના કેટલામાં નિઃસ્વાર્થતાનો ઉત્સાહ છે, કે પછી તેઓ ફક્ત શારીરિક સુખ આરામ માટે જ જીવે છે. આ અવસરો પર આપણે જોઈ શકીએ કે તેમને તેમના ધ્યાનથી કોઈ લાભ છે કે કેમ. કોઈ દુઃખી હોય ત્યારે તેમને મદદ કરવા માટેની ભાવના આપણામાં હોવી જોઈએ. અન્યથા તપ કરવાનું શું પ્રયોજન?”
ભક્ત : “અમ્મા, શું એવો પણ સમય આવશે કે જ્યારે આ દુનિયામાં બધા લોકો સારા હોય?”
અમ્મા : “પુત્ર, જો સારું હશે તો ખરાબ પણ તેની સાથે જ હોય છે. એક માને દસ બાળકો હોય, તેમાંથી નવનો સ્વભાવ સોના જેવો સરસ અને એકનો ખરાબ હોય, તો તે એક ખરાબ બાળક બીજા નવને બગાડવા માટે પૂરતું હશે. પણ, આ એકને કારણે જ, બીજા નવ ભગવાનને યાદ કરે છે. વિપર્યાસ વિનાનું જગત ન હોય શકે.”
રાત ઘણી થઈ ચૂકી હતી. અમ્માના શબ્દોમાં બધા ડૂબેલા હતા. સમય ક્યાં વીતી ગયો ખબર ન પડી.
અમ્મા : “બાળકો, બહુ મોડું થયું છે. જાઓ, સૂઈ જાઓ. અમ્મા તમને આવતી કાલે મળશે.”
અમ્મા ઊભા થયા. અમ્માને દંડવત કરી ભક્તો પણ ઊભા થયા. અમ્માએ દરેક મુલાકાતીને તેમની સૂવાની જગ્યા બતાવી. પાણીના ખાબોચિયામાં અમ્માને ચાલતા જોઈ, ભક્તોએ કહ્યું, “અમ્મા, તમે ન આવો. અમે અમારા સૂવાના ઓરડા શોધી લેશું.”
અમ્મા : “બાળકો, આટલા પાણીમાં માર્ગ શોધવો કઠિન છે. અમ્મા તમારી સાથે આવશે.”
બધાને તેમના ઓરડા બતાવી, છેવટે અમ્મા પોતાના ઓરડામાં ગયા ત્યારે રાત્રીના ત્રણ વાગ્યા હતા.
આ વિશ્વમાં અદ્ભૂત પમાડનારું અન્ય કંઈ જ નથી, કે જેની સાથે અમ્માના પ્રેમ અને વાત્સલ્યની તુલના કરી શકાય. તે ભાગ્યશાળી ભક્તો પ્રભાત થતા પહેલાં થોડો વિશ્રામ લેવા આડા પડયા. બંધ આંખોમાં અમ્માનું મંગળ સ્વરૂપ પ્રકાશિત થતું હતું. અમ્માનો મધુર સ્વર કાનમાં ગુંજતો હતો. સ્નેહમયી અમ્માનું ધ્યાન કરી, બાળકો નિદ્રાદેવીના ખોળામાં પોઢી ગયા.