ઘણા લોકોનું માનવું છે કે, જીવન એવી કોઈ બાબત છે જે અહીં નિશ્ચિત સમયે શરૂ થાય છે અને થોડા વર્ષો પછી સમાપ્ત થાય છે. હકીકતમાં જીવન નદી જેવું છે. નદીના કિનારેવાસ કરતા લોકો નદીના અમુક ભાગને જ જોઈ શકે છે. માટે, તેઓ જો કહે કે, નદીની લંબાઈ આટલી જ છે, તો શું તે સાચું હશે? નહિ, બિલકુલ નહિ. આપણે નદીના સ્રોતને કે તેના ઉદ્‌ગમન સ્થાનને નથી જોઈ શકતા કે નથી આપણે તેથી સભાન. જીવનનું પણ આવું જ છે. જીવન નદી સમાન છે, સતત વહેતી અને પરિવર્તિત થતી, નથી તેનો આદિ કે અંત. મનુષ્ય મન અને બુદ્ધિ તેની ઊંડાઈ કે લંબાઈને ન જાણી શકે કે ન માપી શકે. આ રહસ્ય જ શિવ છે.

આપણું મન સીમિત છે અને તે વિભાજીત વિચારો અને ભાવનાઓથી ભરેલું છે. શિવ માત્ર એક અને અનંત છે. જે અપૂર્ણ છે, તે ક્યારેય પૂર્ણતાને ગ્રહણ ન કરી શકે.

આપણે જ્યારે કઠપૂતળીનો ખેલ જોઈએ છીએ, ત્યારે આપણે બીજું બધું જ ભુલી જશું. થોડીવાર માટે એમ લાગશે, જાણે તે પૂતળીઓ આપમેળે આમ તેમ ફરી રહી છે અને નૃત્ય કરે છે. પરંતુ વાસ્તવમાં પડદાની પાછળ છુપાઈને એક વ્યક્તિ પોતાના હાથથી આ પૂતળીઓને ચલાવતો ને નચાવતો હોય છે. આ જ પ્રમાણે, આ સમસ્ત સર્જનની પાછળ એક પરમ શક્તિ કાર્યરત્‌ છે. શિવરાત્રીનો તહેવાર બધો જ સમય તે પરમશક્તિનું સ્મરણ કરવાને આપણને યાદ કરાવે છે.

ભગવાન શિવનું એક નામ ભોળાનાથ પણ છે. અર્થાત, તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે, બધાને પ્રાપ્ય છે અને વિનમ્ર છે. માટે, આપણે જો બાળસહજ ખૂલા હૃદયથી, નિર્દોષ ભાવથી, પ્રેમ, ભક્તિ અને પ્રાર્થનાના ભાવ સાથે તેમને પોકારીએ તો તેઓ જ્લ્દી પ્રસન્ન થાય છે.

જે રીતે ભગવાન શંકર, સમસ્ત સંસારની રક્ષા અર્થે પોતાનો વિચાર કર્યા વિના વિષપાન કરવાને તત્પર થયા હતા, તે જ પ્રમાણે આપણે પણ બીજાના કલ્યાણ માટે સ્વયંનો ત્યાગ કરવા તત્પર રહેવું જોઈએ. આપણામાંનું હરકોઈ જો વધું ને વધું નિઃસ્વાર્થ થવાને પ્રયત્ન કરે, તો વિશ્વમાં એક મહાન ક્રાંતિ આવી શકે.

આપણે બધા ભગવાન શંકરની ફક્ત આરાધના-ઉપાસન સુધી જ સીમિત ન રહેતા તેમના કરુણાપૂર્ણ સ્વભાવનું પણ અનુકરણ કરવું જોઈએ. જે વ્યક્તિ વિષપાન કરવાને તૈયાર છે, પોતાના પરિવાર, પોતાનો સમાજ તથા માનવતા માત્ર ખાતર બલિદાન દેવાને તૈયાર છે, તે મનુષ્ય દેવોના દેવ મહાદેવ છે. ફક્ત શિવરત્રીના દિવસે જ નહિ પરંતુ પ્રતિદિન આ વાત પર મનન કરવું જોઈએ કે, હું આ શરીર નથી, બ્રહ્મ છું. આપણે જો કરુણાના આ તત્વને આપણા કર્મોમાં ઉતારી શકીએ તો પ્રતિદિન શુભ, મંગળ જ હશે.

મારા બાળકોમાં આ જાગરૂકતાની શક્તિ ઉદિત થાય અને ઈશ્વર હંમેશા હંમેશા મારા બાળકોને અનુગ્રહિત કરે, એ જ પ્રાર્થના.