અમૃતા વિશ્વવિદ્યાપીઠ તરફથી પ્રથમ ઓનરરી ડૉક્ટરેટની પદવી પ્રદાન સમારોહ પર અમ્માનો સંદેશ

પ્રેમસ્વરૂપી તેમજ આત્મસ્વરૂપી સહુંને અમ્મા પ્રણામ કરે છે.

માનનીય કેંદ્ર મંત્રી શ્રી અશ્વિનકુમાર ચોબે, શ્રી જેફ્રે સેઽકસ અને શ્રી કૈલાશ સત્યાર્થિને અમ્માના અભિવાદન.

આજે બે નમાંકિત વ્યક્તિઓનું સન્માન કરવાનું અહોભાગ્ય આપણને મળ્યું છે. જેમણે સહૃદયથી, આત્મસમર્પણ સાથે, વિશ્વના કલ્યાણ અર્થે અપૂર્વ યોગદાન આપેલ છે. આ છે, શ્રી જેફ્રે સૅઽકસ અને શ્રી કૈલાશ સત્યાર્થી. જ્યાં સંઘર્ષ અને લાલચનું સામ્રાજ્ય છે એવા આજના આ વિશ્વમાં તેમણે ઘણા પડકારો પાર કર્યા છે અને તેઓ બંને, સમાજના વિકાસ અર્થે કાર્યરત રહ્યાં છે. આવા મહાન વ્યક્તિત્વ અને યોગ્યતા ધરાવતા એવા આમને પોતાના પ્રથમ બે ઓનરરી ડૉક્ટરેટની પદવી પ્રદાન કરી, અમૃતા વિશ્વવિદ્યાપીઠ અત્યંત હર્ષ અને ગૌરવ અનુભવે છે.

વિશ્વમાં સર્વત્ર માનવજાતી ઘણી સળગતી સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહી છે. જેને આપણે આપણું ઘર કહીએ છીએ, એ આપણી આ સુંદર ધરતી કે આપણને પોષિત કરતી આ પ્રકૃતિ, આ જ પ્રમાણે હવે પછીના ૫૦ વર્ષ સુધી આપણને જાળવશે કે કેમ, તેની કોઈ ગેરંટી નથી. તે આમ જ રહે તે માટે મનુષ્યે પોતાના વિચારમાં, મનોભાવમાં અને કાર્યમાં મહાન પરિવર્તન લાવવાને ઇચ્છુક હોવું જોઈએ. પરંતુ, આપણે જ્યારે આપણી આજુંબાજું નજર કરીએ અને મનુષ્ય રાશીના વર્તનને જોઈએ, ત્યારે આ બહું જ સંશયજનક લાગે છે કે, શું આપણે ખરેખર બદલી શકીશું કે કેમ.

આ સ્પષ્ટ કરવાનો એક સરળ ઉપાય છેઃ તમે વિશ્વનો નકશો લો, આંખ બંધ કરી આ નકશા પર ગમે ત્યાં તમારી આંગળી મૂકો અને પછી આંખ ખોલીને ત્યાં જુઓ. જ્યાં તમારી આંગળી રાખી હતી, તે સ્થાનને ઝૂમ કરી, જાણકારી મેળવો. તે કયો દેશ છે? કયું રાજ્ય છે? વગેરે. અત્યારે વર્તમાનમાં ત્યાં શાંતિ છે કે સંઘર્ષ? ત્યાં લોકોને પેટભરીને ખાવા મળે છે કેમ? લોકોને પીવાને શુદ્ધ જળ મળે છે? શું બધાને માથે છાપરું છે? બધાને પર્યાપ્ત માત્રામાં વસ્ત્ર પ્રાપ્ત છે? તેમને સમયસર સ્વાસ્થ્ય ચિકિત્સા મળે છે? શું મહિલાઓ અને બાળકો સુરક્ષિત છે? સ્વયંને આ પ્રકારના પ્રશ્ન પૂછો. અમ્માને ખાત્રી છે કે, અમ્માના કહ્યાં વિના, તમે તેના ઉત્તરો જાણો છો અને અમ્માને તમને આ કહેવાની જરૂર નથી.

બધા જ રાષ્ટ્રોના શાસકો દાવા સાથે કહે છે કે, તેમનો દેશ પ્રચંડ પ્રગતિ અને ઉન્નતિ કરી રહ્યો છે, અને તેમની આંતરિક સમસ્યાઓનું નિવારણ થયું છે. મહાઆર્થિક વિકાસ તેઓ કરી રહ્યાં છે, બેરોજગારીમાં ઘટાડો થયો છે. શૈક્ષણિક સુધારામાં વૃદ્ધિ થઈ છે, વગેરે વગેરે… ઘણી હદ સુધી આ સત્ય હશે. આ બધું જ સાચું હશે. તેમછતાં એક પ્રશ્ન તો રહે છેઃ શા માટે માનવજાતિની ઊંચી ટકાવારી આજે પણ ગરીબી અને નિરક્ષરતામાં રત છે? શા માટે બાળ શોષણ, બાળ છેડતી, ગેરકાયદેસર માણસોને વિદેશ મોકલવાનું કારસ્તાન આટલા મોટા પ્રમાણમાં થાય છે? શા માટે વાતાવરણમાં ઝડપથી પરિવર્તન થાય છે? શા માટે કોવીડ જેવી મહામારીમાં વૃદ્ધિ થઈ રહી છે? શા માટે મનુષ્યની સંતૃપ્તિ અને સુખનું સ્તર ડૂબી રહ્યું છે? મનુષ્ય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સમસ્યાઓ વધી રહી છે? આ બધા જ પ્રશ્નોનો એક જ ઉત્તર છેઃ મનુષ્યના સાંસ્કૃતિક સ્તરમાં કોઈ વૃદ્ધિ નથી થઈ રહી.

જે બધી પ્રગતિ અને વિકાસ આપણે કરીએ છીએ, તેમાં જે ધૂમધામ અને હો-હા આપણે કરીએ છીએ, આ કેવળ ભૌતિક સ્તર પર જ છે. ભૌતિક પ્રગતિ જરૂરી છે. પરંતુ, આ સાથે અંતરથી પણ આપણે વિકાસ કરવો જોઈએ. શરીર અને બુદ્ધી મનુષ્ય વ્યક્તિત્વના લગભગ ૨૫% જ છે. જો શેષ મનુષ્યનું વ્યક્તિત્વ વિકાસ કરવામાં નિષ્ફળ રહે, તો મનુષ્ય અધૂરો હશે. આ સ્થિતિમાં જે વિકાસ આપણે કરીએ, તે દોષયુક્ત અને વિકૃત જ હશે.

આજે વિશ્વની આબાદી ૮ અબજ છે. આમાંથી વાસ્તવમાં કેટલી ટકા જન સંખ્યાએ સાંસ્કૃતિક રીતે અને માનસિક રીતે વિકાસ કર્યો છે? જો કોઈ વ્યક્તિ પોતાની આજુબાજુંના લોકોમાં કોઈ ગુણ ન જુએ, તેમને સ્વીકારવા, સમજવા કે જાણવા માટેનું કષ્ટ ન કરે, તેમને માન્ય ન રાખે, ગણકારે નહિ, તો આવી વ્યકિત વાસ્તવમાં એક સંસ્કારી વ્યક્તિ નથી. તે બીજા લોકોને ફક્ત ઉપયોગમાં લેવાની વસ્તુ તરીકે જ જૂએ છે. ટૂંકમાં જે વિકાસ અને પ્રગતિની આપણે હો-હા કરીએ છીએ, આથી વિશ્વમાં કે મનુષ્ય દ્રષ્ટિકોણમાં ખાસ કોઈ પરિવર્તન આવ્યું નથી. જે પ્રગતિનો આપણે દાવો કરીએ છીએ, તે સામુહિક ચેતનામાં પ્રતિબિંબિત નથી થઈ.

આજે મનુષ્યજાતિનું સ્મિત કૃત્રિમ દાંતવાળા પ્લાસ્ટિકના સ્મિતમાં સંકુચિત થઈ ગયું છે. અળસિયું પણ સંવનન કરે છે, બાળકો જણે છે અને મરણ પામે છે. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, આપણે પણ શું આથી જુદું કંઈ કરીએ છીએ? અળસિયું મૃત્યુ પછી માટીને ફળદ્રુપ તો કરે છે. ત્યારે આપણે ધરતીમાંથી કેવળ લઈએ છીએ અને જતા પહેલાં તેનો નાશ જ કરીએ છીએ. એટલું જ નહિ, આપણે મરીએ ત્યારે દફનાવતા કે અંતિમસંસ્કાર પહેલાં આપણા મૃતદેહનો રસાયણોથી ઉપચાર કરવામાં આવે છે. આ પ્રમાણે મૃત્યુ પછી પણ આપણે માટી અને વાયુને, બંનેને પ્રદૂષિત જ કરીએ છીએ. આ પ્રમાણે, જીવિએ ત્યારે ધરતીનો નાશ કરીએ છીએ અને મૃત્યુ પછી પણ આમ કરવાનું ચાલું રાખીએ છીએ.

મનુષ્ય જન્મ મેળવ્યા પછી પણ આ વિશ્વને આપણું શું યોગદાન રહ્યું છે?

એ તો ચોક્કસ કે, ગરીબી અને રોગનો સામનો કરવા નવા આવિષ્કારો, નવી શોધખોળ જરૂરી છે. પરંતુ અત્યાધિક નફો મેળવવાની આપણી લાલચમાં આપણે માટીમાં અત્યાધિક રસાયણોયુક્ત ખાતરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે માટીનું જીવન આપણે રૂંધી નાખીએ છીએ. માટી મરી રહી છે. ઘણા સ્થળોમાં માટીમાં પુષ્કળ ખાતર ઉમેરી, તેને યોગ્ય રીતે ફળદ્રુપ કરવા છતાં તે કોઈ પણ પ્રકારની ઊપજ દેવા ઈન્કાર કરે છે. કારણ કે, ઝેરી રસાયણોનું પ્રમાણ અત્યાધિક હોવાથી તે કોઈ પણ કાર્ય માટે મૃત બરાબર છે. દા.ત. કોઈ મકાનના ચણતર સમયે આપણે પાણીથી રેતી અને સિમેન્ટને ભેળવીએ છીએ જેથી એક કઠણ બાઇન્ડિંગ તૈયાર થાય. અહીં સામાન્ય પાણીની જગ્યાએ આપણે દરિયાનું મીઠાંવાળું પાણી ઉપયોગમાં લઈએ, તો આ મિશ્રણ ક્યારેય બાંધશે નહિ. તેની અસર ન્યૂન હશે. આ જ પ્રમાણે આજે માટી મરી રહી છે. અને આ માટે આપણે સ્વયં જવાબદાર છીએ.

આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. બાહ્ય રીતે આપણા જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. આમ છતાં, ગરીબ અને તવંગર વચ્ચેનું અંતર એટલું જ કે, તવંગર પોતાના આલિશાન વિલાસી ઘરનાં સુખઆરામમાં રડે છે અને ગરીબ, ચૂવાતી પોતાની ઝૂંપડીની અસુવિધામાં રડે છે. આજે મનુષ્યની સ્થિતિ બધું જ હોવા છતાં કંઈ જ નથી એવી છે.

એક વાત તો સ્પષ્ટ છેઃ વધું ને વધું જો આપણે સ્વયંને પ્રકૃતિથી દૂર કરીશું, વધું ને વધું ગંભીર આપણી સમસ્યાઓ હશે. લોકો જો પ્રકૃતિનો અનાદર કરવાનું ચાલું રાખે અને તેની અવગણના કરશે, પોતાને મન ફાવે તેમ જીવશે, પ્રકૃતિની ચેતવણીના પોકારો સાંભળ્યા ન સાંભળ્યા કરશે, તો અમુક હદ પછી છેવટે પ્રકૃતિ ચોક્કસ વળતો પ્રહાર કરશે. અત્યારે આ જે મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ, આ તેનું જ એક ઉદાહરણ છે, એમ માની શકાય.

દા.ત. એક વ્યક્તિ ૧૦૦૦ એકર જમીનનો માલિક છે, તેને પોતાનાં સ્થાન અને મિલ્કતનું અભિમાન છે. તેની તુલના એવી એક વ્યક્તિ સાથે કરો, જેની પાસે ફક્ત ૧ એકર જમીન જ છે. અને તેને પણ પોતાની મિલ્કતનું અભિમાન છે. તે જો પ્રથમ વ્યક્તિ પાસે આવે અને કહે, “હું તારાથી મહાન છું!” તો એ કેમ હશે? આ જ પ્રમાણે “હું”ના આ ઘટકનું આજે સર્વત્ર પ્રભુત્વ છે. આ “હું”ને જ આપણે કઠણથી વળગીને છીએ. આ “હું”ને જ આપણે આજે અત્યાધિક પ્રાધાન્ય અને મહત્વ આપીએ છીએ. જ્યાં સુધી આ મનોભાવને આપણે પોષિત કરતા રહેશું, મનુષ્ય વચ્ચે ધૃણાની ભાવના ચાલું રહેશે. વેરભાવ ઉદ્‌ભવશે. શત્રુતા અને સંઘર્ષ પણ વધશે. કારણ કે, દરેક વ્યક્તિ સર્વકાંઈ પોતાને કબજે કરવા યુદ્ધમાં હોય છે. આ પ્રમાણે મનુષ્ય પોતાનો સહુંથી મહાન શત્રુ બની જાય છે. આ જ આપણે આજે જોઈ
રહ્યાં છીએ.

આને સંબંધિત એક કહાણી અમ્માને અહીં યાદ આવે છે. એક વખત એક કૂતરો જોવાલાયક સ્થળોની યાત્રા પર નીકળ્યો. છેવટે તે પછી ઘરે પાછો ફર્યો, ત્યારે તેના બધા કૂતરામિત્રો તેને મળવા આવ્યા અને યાત્રાની તેની કહાણીઓ અને અનુભવો સાંભળવા તેની આજુંબાજું ઘેરો વાળીને બેસી ગયા. “કેવી હતી તમારી યાત્રા?” તેમણે પૂછયું, “યાત્રામાં બધું સારું હતુંને? ક્યાંય કોઈ મુશ્કેલી તો પડી ન હતીં?”

જવાબ આપતા પ્રવાસી કૂતરાએ કહ્યું, “હું ઘણા દેશોમાં ફર્યો અને ઘણા જનાવરોને મળ્યો. ક્યાંય મને કોઈ સાથે કોઈ સમસ્યા ન હતી. બધાએ મને હું ચાહું ત્યાં મને જવા દીધો. દુર્ભાગ્યવશ જે મહાન સમસ્યાનો મારે સામનો કરવો પડયો, તે મારી જાતીના જ પાસેથી મને મળ્યું હતું. હું જ્યાં પણ જતો, ત્યાંના કૂતરાઓ મારા પર ભસતા, મને બચકાં ભરતા અને નિર્દયીપણે મને ભગાડી દેતા!”

આજે મનુષ્યની સ્થિતિ પણ કહાણીના આ કૂતરા જેવી છે. વિશ્વના ખૂણે ખૂણે મનુષ્યનો સહુંથી મહાન શત્રુ તેનો સહજીવી છે. વધુ સ્પષ્ટ કહું તો મનુષ્યનો ખાસ મિત્ર અને તેનો ખરાબમાં ખરાબ શત્રું, તેનું પોતાનું મન છે.

એ તો મનુષ્ય મનમાં એકત્રિત થયેલી મલિનતા છે, જે તેને ધરતી પ્રતિ, પ્રકૃતિ પ્રતિ, અન્ય જનાવરો પ્રતિ અને પોતાના સહજીવી મનુષ્યો પ્રતિ ક્રૂરતાભર્યા અધમમાં અધમ કાર્યો કરવા પ્રેરિત કરે છે. વાસ્તવમાં મનુષ્ય અને પ્રકૃતિ, એક જ શરીર ધરાવતું અસ્તિત્વ છે. જે રીતે મનુષ્ય શરીરના ઘણા અવયવો છે, તે જ પ્રમાણે ચરાચરના બધા જ જીવો પ્રકૃતિરૂપિ શરીરના જુદા જુદા અવયવો અને અંગો છે. માટે, પ્રકૃતિ સંરક્ષણને આવશ્યક મહત્વ ન આપીએ, તો વ્યક્તિ વિકાસ અશક્ય છે.