અમ્મા અને બ્રહ્મચારીઓ એર્નાકુલમ ગયા હતા, આજે મોડી બપોરે તેઓ આશ્રમ પાછા ફર્યા. અમ્મા આશ્રમ તરફ ચાલીને આવી રહ્યા હતા. આ સમયે કેટલાક ભક્તો કે જે આશ્રમમાં અમ્માની રાહ જોઈને ઊભા હતા, તેઓ અમ્માને માર્ગમાં જ દંડવત કરવા લાગ્યા. પોતાના ઓરડામાં વિશ્રામ કરવા ન જતાં, અમ્મા વેદાંત વિદ્યાલયના વરાંડામાં જઈ બેસી ગયા અને ભક્તોને દર્શન દેવા લાગ્યા.

ગઈકાલે એર્ણાકુલામ મધ્યે અમ્માના સ્વાગતમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક ભક્ત કે જે અમ્માને ફૂલનો હાર પહેરાવવા ઈચ્છતો હતો, તેને ત્યાંના સંયોજકોએ એમ કરતા અટકાવ્યો હતો. તે બનાવનો ઉલ્લેખ કરતા એક બ્રહ્મચારીએ કહ્યું, “ગઈકાલે તે ભક્ત ઘણો દુઃખી થયો હતો. આખરે જ્યારે અમ્માએ તેને બોલાવીને પ્રસાદ આપ્યો, ત્યારે તેને થોડું આશ્વાસન મળ્યું. અમ્માએ જો તેમ ન કર્યું હોત તો ખરેખર તે ભાંગી ગયો હોત. ત્યાંના લોકોનું કહેવું હતું કે, આવા લોકોને જો અમ્મા પાસે આવવા દઈએ, તો લોકો અમ્માનું બૂરું ન બોલે શું.”

અમ્મા : “પુત્ર, ગઈકાલ સુધી તે પુત્રે અનેક અપરાધ કર્યા હશે. પરંતુ આજે તે અમ્મા પાસે આવ્યો હતો. હવે પછી તે કેવો હશે, તે જોવાનું છે. બાળકો, અંધકારને પ્રકાશની જરૂર છે. અમ્મા પણ જો તે બાળકની ઉપેક્ષા કરે, તો તેનું શું થાય? અજ્ઞાનવશ તેણે અપારાધ કર્યો હશે. તેમ છતાં, અમ્મા માટે તો તે તેમનો પુત્ર જ છે. અહીં કોણ એવું છે, જેણે ભૂલ નથી કરી? સાચું શું છે, તે જાણ્યા પછી પણ જો કોઈ ખોટું કાર્ય કરે, તો તે મહા અપરાધ છે. આધ્યાત્મિકતા આપણને બીજાના અપરાધને ક્ષમા કરી, તેમને પ્રેમ કરવાનું શીખવે છે. નહિ કે કોઈનો ધિક્કાર કરવાનો. ધિક્કાર તો કોઈ પણ કરી શકે. સ્વીકારવું કઠિન છે. સ્નેહ દ્વારા જ, બીજા લોકોને ખોટા કાર્યો કરતા અટકાવી, સન્‌માર્ગ તરફ વાળી શકીએ. કોઈ એક ભૂલ કરે અને તે બદલ આપણે તેને ધિક્કારીએ, તો તે હંમેશા ખોટા કાર્યો જ કરતો રહેશે.

“વાલ્મિકી મહર્ષિ જંગલમાં રહેતા હતા. લૂંટવું અને કત્લ કરવી, એ તેમનું જીવન હતું. એક દિવસ, તે જંગલમાંથી પસાર થતા ઋષિઓને લૂંટી, તેમની કત્લ કરવા તે તૈયાર થયો હતો. પરંતુ, તેમણે તેને ક્ષમા કર્યો અને તેના પર પ્રેમની વર્ષા કરી. તે દિવસે તે ઋષિઓએ જો તેને ક્ષમા ન કર્યો હોત, તેના પર કરુણા ન દેખાડી હોત, તો વાલ્મિકી ન બન્યા હોત. લોકો અંધકારમાં રહ્યાં હોત કારણ કે, રામાયણ પણ ન બની હોત. તે ઋષિઓની કરુણાથી જ વાલ્મિકીએ રામાયણની રચના કરી હતી. માટે મારાં બાળકો, બીજાની ભૂલને ક્ષમા કરી, પ્રેમથી તેમને ઉપદેશ આપી, સારાં માર્ગ પર દોરી જવા તમારે તૈયાર રહેવું જોઈએ. અને નહિ કે, પૂર્વે કરેલા અપરાધને ચડાવી કરી વખોડીને ફરી ફરી તેમને ખોટા માર્ગ પર ધકેલવાના!

“ગઈકાલે તે પુત્રે અમ્માને કહ્યું હતું, “તમને મળ્યા પહેલાં, મને ફક્ત આત્મહત્યાના જ વિચાર હતા. પરંતુ, આજે તેમાં પરિવર્તન આવ્યું છે. હવે મને જીવવાની ઇચ્છા થાય છે. હવે મને ઊંઘ પણ આવે છે. મેં વિચાર્યું હતું કે, ગમે તે થાય, મારો પરિવાર હંમેશા મારી સાથે હશે. પણ, આપત્કાળે એક એક કરીને બધાયે મારો સાથ છોડી દીધો. મારાં બંધુજનો તરીકે કહેવડાવવામાં તેઓ હીનતા અનુભવતા હતા. પરંતુ, આજે મને સમજાયું, એક ઈશ્વર માત્ર જ નિત્ય છે, સત્ય છે. પહેલા જ, જો મેં ઈશ્વરમાં શરણું લીધું હોત, તો મારે આટલા દુઃખો ન સહન કરવા પડયા હોત.

“બાળકો, આપણે એક ઈશ્વરમાં શરણું લેવું જોઈએ. ભલે તે કોઈ વ્યસ્ત ઉદ્યોગપતિ જ કેમ ન હોય, ચોવીસ કલાકોમાંથી એક કલાક ઈશ્વર સ્મરણમાં ન વીતાવી શકે? જે ઈશ્વરમાં આશ્રય લે છે, ઈશ્વર તેમની સંભાળ લે છે. તેમને કોઈ દુઃખ પડે ત્યારે ઈષ્ટદેવ તેમની સંભાળ લે છે. ઈશ્વર તો તમારાં શત્રુઓમાં મન પરિવર્તન લાવી, તેમને પણ તમને અનુકૂળ બનાવે છે. પરંતુ, આજે કોને ઈશ્વર જોઈએ છે?”

એક ભક્ત : “આજે મંદિરોની સ્થિતિ પણ દયનીય છે. મંદિરોની સંપત્તિ ચોરી લેવામાં આવે છે. તામિલનાડના એક મંદિરમાં ચોરી કરવાના ઉદે્‌શથી આવેલા લોકોનો વિરોધ કરવાથી, ત્યાંના પૂજારીને મંદિરના ગર્ભમાં બંધ કરી, તેને મારી નાખવામાં આવ્યો હતો. મંદિરોની સંપત્તિને સ્વયં પૂજારીઓ ચોરી લે છે, આવા કેટલાક બનાવો છે. મંદિરોમાંથી મળતી આવક સિવાય બીજી કોઈ તેમને આવક નથી. આ નજીવી આવકમાંથી તેઓ કેવી રીતે ગુજારો કરી શકે? આજે ઘણાખરા પૂજારીઓ ભૂખમરો વેઠી રહ્યાં છે.”