અમ્માને આ વાતનો અત્યંત સંતોષ છે કે, સ્વામી વિવેકાનંદના નામ પર આંતરધાર્મિક સહકાર અને એકતા માટે, વૈશ્વિકસ્તર પર સનાતન ધર્મના મૂલ્યોને આલેખિત કરવા આવી એક સંસ્થા ઊભી થઈ રહી છે. “સ્વામી વિવેકાનંદ” – આ નામમાં જ અમુક શક્તિ અને આકર્ષણ રહેલાં છે. આ નામ સાંભળતાની સાથે, આપણી જાણ બહાર જ આપણે જાગૃત થયાની, સ્વયંમાં શક્તિના સંચારની લાગણી અનુભવિએ છીએ. કારણ કે, આ નામ ધરાવનાર સ્વયં એક તેજસ્વી વ્યક્તિ હતા. તેઓ સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર એક મહાન સન્યાસિ, પૂર્ણ જ્ઞાની, ગુરુભક્તિના ઉત્તમ ઉદાહરણ, ઉત્કૃષ્ટ કર્મયોગી અને એક ભવ્ય વક્તા હતા. બધુ મળીને, સ્વામી વિવેકાનંદ અત્યંત અપૂર્વ વ્યક્તિત્વ ધરાવતા, દિવ્ય પુષ્પ હતા, જે શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવની પૂર્ણ આધ્યાત્મિક શક્તિના પ્રભાવમાં ખીલ્યું અને વિશ્વભરમાં સુવાસ પ્રસારી હતી.

vivekanada centenary

સ્વામી વિવેકાનંદની દ્રષ્ટિમા આધ્યાત્મિકતા, દૂર કોઈ જંગલ કે ગુફામાં આંખ બંધ કરી, એકાંતમાં બેસીને કરવામાં આવતી તપશ્ચર્યા જ ન હતી. એ તો અહીં, આ દુનિયામાં, બધા પ્રકારના લોકો વચ્ચે જીવી, બધી જ પરિસ્થતિઓનો સામનો કરી,  હિમ્મત અને સમભાવથી જીવનના પડકારોનો સામનો કરી, કાર્ય કરવાની  જીવન રીત છે. તેમનો આ દ્રઢ વિશ્વાસ હતો કે, આધ્યાત્મિકતા જીવનનો આધાર છે, બુદ્ધિ અને શક્તિનું ઉદ્ભવ સ્થાન છે.
સ્વામીજીની આધ્યાત્મિકતા, સહજીવીઓ પ્રત્યેની કરુણા હતી. તેઓ દાવા સાથે આ ઘોષણા કરતા હતા કે, ભૂખ્યા લોકોની ભૂખ જે દૂર ન કરી શકે, વિધવાના આંસુ જે ન લૂછી શકે, એવા કોઈ ધર્મમાં કે એવા કોઈ ઈશ્વરમાં  તેમને સ્હેજેય વિશ્વાસ નથી. તેમણે આપણને આ પાઠ આપ્યો છે કે, માનવ સેવા અને જીવો પ્રત્યે કરુણા સન્યાસના આધારમાં રહેલા આદર્શ છે.

મહાત્માઓનું જીવન જ તેમનો  સંદેશ છે. અને આ જ, સમાજે ગ્રહણ કરવાનો મહાન આદર્શ છે. મહાત્માઓનું જીવન જ આધ્યાત્મિકતાનું મહાન ઉદાહરણ છે. આથી શ્રેષ્ઠ અન્ય કોઈ ઉદાહરણ નથી. તેઓ જ સમાજની સંવાદિતાને જાળવી રાખે છે. અન્ય દેશોની તુલનામાં, આજે  ભારતમાં જે પારિવારીક બંધનો અને મૂલ્યો જળવાયેલા રહ્યાં છે, તે પાછળનું કારણ મહાત્માઓના જીવનમાંથી પ્રાપ્ત પ્રેરણા છે. એટલું જ નહિ, “સત્યં વદ, ધર્મમ્ ચર, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ… ” વગેરે ઉક્તોઓ દ્વારા મહાત્માઓએ આપણને ઉપદેશિત જ નથી કર્યા, પરંતુ પોતાના જીવન દ્વારા તે જીવી બતાવ્યા છે.  મહાત્માઓ તે સમયના શાસકોના આદર્શ હતા અને  તેમની  પાસેથી જ શાસકો માર્ગદર્શન મેળવતા હતા. આથી લોકોને પણ પ્રેરણા મળતી હતી. આજે જયારે મૂલ્યોની વાત આવે તો એવા કેટલા શાસકો છે, જેને આપણે આદર્શ તરીકે જોઈ શકીએ? તે મૂલ્યોનો આધાર આધ્યાત્મિકતા હતી. મૂલ્યો જો નાશ પામે તો પછી જીવન, પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી છુટા પડેલા ઉપગ્રહ જેવું બની જશે!

મહાત્માઓ  કેવળ કોઈ વ્યક્તિ નથી. તેઓ પરમ સત્યના સાક્ષાત સ્વરૂપ છે. તેમનામાંથી સ્વાર્થતા પૂર્ણરૂપે અદ્રશ્ય થઈ છે. જેમ કોઈ લોહચુંબક લોઢાના વહેરને આકર્ષે છે, તે જ પ્રમાણે મહાત્માઓ સમસ્ત વિશ્વને પોતાના તરફ આકર્ષે છે. કોઈ પ્રકારની સ્વાર્થતા કે મમતા વિના કાર્ય કરતા હોવાથી, તેમના કાર્યો  વિશ્વમાં સહજ જ પરિવર્તન લાવે છે.

એક વખત એક સન્યાસિ કે જેઓ મહાત્મા હતા, ખભા પર ભારે પોટલું ઉંચકીને જઈ રહ્યાં હતા. ત્યારે યુવાઓનો એક સમુહ તેમની પાસે આવ્યો અને પૂછયું, “સ્વામીજી, સન્યાસ એટલે શું?” કોઈ પણ પ્રકારના ખચકાટ વિના સંન્યાસિએ ખભા પરના ભારી પોટલાંને નીચે ફેંકી દીધું અને આગળ ચાલવા લાગ્યા. મહાત્માના આ કાર્યનો અર્થ ન સમજી શકતા તે યુવકો તેમની પાછળ ચાલવા લાગ્યા અને ફરી પૂછયું,  “સન્યાસ એટલે શું?”

મહાત્મા બોલ્યા, “તમે જોયું નહિ? મેં ભારને ફેંકી દીધો. પ્રથમ તો હું અને મારાંની ભાવનાનો ત્યાગ કરવો જોઈએ. આ સન્યાસ છે.”

આ વિશે વધુ જાણવાની જીજ્ઞાસા જાગતા, યુવકોએ ફરી પૂછયું, “ત્યાર પછીં શું?”

પ્રશ્ન સાંભળતા વેત મહાત્મા પાછા ફર્યા અને જયાં પેલા પોટલાને ફેંક્યું હતું, તેને ફરી પોતાના ખભા પર રાખી તેઓ આગળ ચાલવા લાગ્યા.

આનો  અર્થ સમજવાને અસમર્થ યુવકોએ ફરી  મહાત્માને પૂછયું, “સ્વામી, કૃપયા બતાવશો કે, “હું” અને “મારું”નો ત્યાગ કર્યા પછી શું?”

સ્મિત કરતા મહાત્માએ જવાબ આપ્યો, “તમે જોયું નહિ, મેં ફરી તે ભારને મારા ખભા પર રાખ્યો. “હું” અને “મારું”નો ત્યાગ કર્યા પછી,  અન્ય લોકોના દુઃખ દરદને પોતાનાં તરીકે જોઈ, તેમને પ્રેમ કરવો અને તેમની સેવા કરવી. એ જ યથાર્થ સન્યાસ છે.

“પરંતુ, આ બોજ ભારી નહિ હોય. કારણ કે, પ્રેમ જયારે અંદર હોય, ત્યાં ભારનો અનુભવ થતો નથી. આવી વ્યક્તિમાં કર્તૃત્વની ભાવના નથી. ત્યાં કેવળ પ્રેમ માત્ર જ છે.”

સ્વામી વિવેકાનંદ આપણને સ્મરણ કરાવે છે કે, નિસ્વાર્થ ભાવથી આ દુનિયાની સેવા કરવી હોય તો, સર્વપ્રથમ આપણે  સ્વયં શક્તિમાન બનવું જોઈએ.  આપણી અંદર સુષુપ્ત આધ્યાત્મિક શક્તિને જગાડવા માત્રથી જ સમાજમાં યથાર્થ પરિવર્તન લાવી શકાય અને આજે સમાજ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેનું શાશ્વત નિવારણ પણ થઈ શકે.

આજે ભારતને જેની જરૂર છે, તે છે શક્તિ, ઓજસ અને વીરતાની. યુવાઓ જો જાગે અને પ્રવૃત્ત્ થાય, તો સમૂહમાં વિશાળ પરિવર્તન લાવવા માટેની શક્તિ, ઉર્જા અને ઓજસ આપણી યુવા પેઢીમાં છે. જેમ કે સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું, “યુવાવસ્થાનું મૂલ્ય અગણિત, અવર્ણનીય છે. મનુષ્ય જન્મનો આ સહુથી અમૂલ્ય સમય છે. વ્યક્તિ જીવનમાં સુખ, સંતોષ, વિજય, આનંદ, માન-સંમાન જે બધુ અનુભવે છે, તે જે રીતે આ સમયનો ઉપયોગ કરે છે, તેને અનુસરીને હોય છે.

vivekanada centenary

 

” યુવાવસ્થા તો કુંભારના હાથમાંની ચીકણી માટી જેવી છે. કુંભાર તેને ચાહે તે રીતે સુંદર મનોહર આકાર આપી શકે છે. આ જ પ્રમાણે, યુવાવસ્થાનો સારી રીતે ઉપયોગ કરવાથી, તમે ચાહો તે રીતે તમારા જીવનને ઘડી શકો છો….”

આજે મનુષ્ય જીવનમાંથી કહેવાતો એવો  “યુવાવસ્થા”નો કાળ અદ્રશ્ય થઈ રહ્યો છે. આજે લોકો બાલ્યાવસ્થામાંથી સીધા વૃદ્ધાવસ્થામાં વિકસે છે. વાસ્તવમાં યુવાવસ્થા જીવનનું મધ્ય-બિંદુ છે. બાળપણ ગયું, પણ મોટા થયા નથી, આ તે ઉંમર છે. આ ઉંમર તો  વર્તમાન ક્ષણમાં જીવી, મનને યોગ્ય રીતે કેળવવા માટેની છે. પરંતુ આજે યુવાપેઢીની શું સ્થિતિ છે?

બાળકોને ફક્ત સંપત્તિ અને એશ-આરામના સાધનો આપવા, એ માત્ર જ પર્યાપ્ત નથી.  જે સાચી નિધિ માતા-પિતાએ તેમના બાળકોને આપવાની છે, તે તો સંસ્કાર અને ઉમદા મૂલ્યો છે. કોઈ અત્યંત કિંમતી કાર ખરીદશે  અને તેમાં ઉત્તમ પ્રકારનું પેટ્રોલ  ભરશે. પરંતુ, કારને સ્ટાર્ટ કરવા તેને  બેટરીની જરૂર પડવાની જ. આ જ પ્રમાણે,  ભલે ગમે તેટલો ઉચ્ચ વિદ્યાભ્યાસ અને ધન સંપત્તિ બાળકને આપો, પરંતુ માતાપિતા પાસેથી જે પ્રેમ અને સંસ્કાર બાળક મેળવે છે, તે જ તેને આગળ જતાં જીવનમાં આવતી કોઈ પણ પરિસ્થતિનો સામનો કરવા તેમજ અન્યને પ્રેમ કરવા અને પ્રેમ પામવાને સહાય કરે છે.

એક વખત એક મહિલા કોઈ પાર્કમાં ચાલતી જઈ રહી હતી. ત્યાં તેણે બાંકડા પર એક વૃદ્ધને એકલા વારંવાર હાસ્ય કરતા બેઠેલા જોયા. તે મહિલાએ તેમને પૂછયું, “તમે કેટલા ખુશ દેખાવ છો! વૃદ્ધ થયા છતાં, તમારા મુખ પર કેટલો સંતોષ છે! તમારા આ સંતોષ અને દીર્ઘ આયુષ્ય પાછળનું રહસ્ય શું છે?”

દેખાતા એવા તે વૃદ્ધે કહ્યું, “એ તો..હું સવારે જાગું ત્યારે પથારીમાં જ બે ગ્લાસ વીસ્કીના પી જાઉં છું. ત્યાર પછી એક પેકેટ સિગરેટ ફૂંકું. મધ્યાહ્નનના ભોજનમાં પેટભરીને ફ્રાઈડ ચીકન અને બીફ કરી ખાઉ છું. ગાંજો ફૂંકુ. મનગમતું રેપ સંગીત સાંભળુ. દિવસભર તળેલું ફરસાણ, મિષ્ટાન અને જેવો તેવો ખોરાક ખાઉ છું. વ્યાયામ કરવાનો સવાલ જ ઊભો નથી થતો. હું તો તેનો વિચાર પણ  નથી કરતો”

આશ્ચર્ય પામતા તે મહિલા બોલી, “આ પ્રકારની જીવન રીત હોવા છતાં, તમારા જેવી દીર્ઘ આયુષ્ય ધરાવતી કોઈ અન્ય વ્યક્તિને મેં જોઈ નથી. વારું એ તો કહો, તમારી શું ઉંમર થઈ?”

“છવ્વીસ.”

આ પ્રમાણે યુવાવસ્થામાં જ કેટલાક લોકોના જીવન નાશ પામી રહ્યાં છે. આ પાછળનું કારણ શું?  આનું કારણ છે, બાળપણમાં તેમને માતાપિતા પાસેથી યોગ્ય શિક્ષણ મળતું નથી. માતાપિતા ફક્ત શિક્ષણ અને પૈસાને જ  મહત્વ આપે છે. આ જરૂરી છે, પરંતુ આ સાથે તેમનામાં મૂલ્યો પણ વિકસાવવાને આપણે પ્રયત્ન કરવો જોઈએ. કારની ટાંકી પેટ્રોલથી ભરી હોવા છતાં બેટરી હોય તો જ કારને સ્ટાર્ટ કરી શકાય. આ જ પ્રમાણે, જીવનમાં આગળ વધવા માટે તેમનામાં મૂલ્યો, સદ્ગુણો કેળવવા જોઈએ.

યુવાઓમાં આ મૂલ્યો અને સદ્ગુણોને આપણે કેવી રીતે કેળવી શકીએ? કેવી રીતે તેમને યોગ્ય માર્ગ પર દોરી જવા? દેશ માટે, સમૂહ માટે અને વિશ્વના વિકાસ માટે યુવાશક્તિને કેવી રીતે ઉપયોગમાં લાવવી? આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, આપણે યુવકોને દાખલો બેસાડી, તેમને આત્મવિકાસ માટે તૈયાર કરવા જોઈએ. આપણે તેમના સ્તર પર ઉતરવું જોઈએ. યોગ્ય રીતે તેમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનામાં આધ્યાત્મિક જ્ઞાન અને તેનો બોધ જાગૃત કરવો જોઈએ. સ્વામીજીના કાર્યો આ મુદદને દ્રઢ કરનારા હતા.

સનાતન ધર્મમાં યથાર્થ જ્ઞાનની ગહનતા અને વિશાળતા પ્રકટ કરતા અનેક ગ્રંથો છે. પરંતુ, એ જરૂરી નથી કે, યુવા પેઢીના મન આ ગ્રંથોને તેના વાસ્તવિક રૂપમાં સ્વીકારે. શાસ્ત્રોના વાક્યોને  સમયાનુસર, યુવાઓ જે ભાષામાં સમજી શકે, તે રીતે તેમને સમજાવવામાં આવવા જોઈએ. આ જવાબદારી વડીલોની છે. પરંતુ, એક વાતનું ધ્યાન રહે કે, આ ફક્ત બુદ્ધિ માટેની કસરત ન બને. યુવાઓને આધ્યાત્મિકતાનો ઉપદેશ આપતી વખતે, બુદ્ધિ અને હૃદય આવશ્યકતાનુસાર સમન્વયમાં હોવા જોઈએ. અહીં સંવાદ માટેની શરૂઆત વડીલોએ કરવાની છે. યુવાઓ સાથે વાર્તાલાપ કરતી વખતે તેમણે પોતાના જ્ઞાન અને પાંડિત્યના પ્રદર્શન માટેના પ્રયત્નોનો ત્યાગ કરવો જોઈએ. તેમની સાથે એક થઈ, તેમના હૃદયને સમજી, તેમની સાથે વાર્તાલાપ કરવો જોઈએ.

તેમના પ્રશ્નો, શંકાઓ અને ટીકાઓને ધીરજથી અને પ્રેમથી સાંભળવા જોઈએ. કરુણાપૂર્વક આપણે તેમની સાથે વાર્તાલાપ કરવો જોઈએ. આ રીતે તેમની નજીક જવાથી, તે  તેમનામાં પરિવર્તનનું સર્જન કરશે. આ બધાથી ઉપરી, તેમને પ્રેરણા આપવા સ્વયં ઉત્કૃષ્ટ દાખલો બેસાડવો જોઈએ.

લક્ષ્યબોધ રહિત કોઈ અજ્ઞાની, નિદ્રાધીન વ્યક્તિ જેવો છે. તે કોઈ એક વ્યક્તિ નથી. તે તો લોકોના ટોળા જેવો છે. આવી વ્યક્તિ કયારેય કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકે નહિ. કારણ કે, ટોળામાંના લોકોના ભિન્ન અભિપ્રાયો હોય છે. આવી વ્યક્તિના મનનો એક ભાગ કશાનું સર્જન કરશે, તો બીજો ભાગ તેને તોડી પાડશે. આવા લોકોના પ્રયત્નો હંમેશા દુઃખમાં તેમને મૂકે છે. કોઈ દિશાબોધ વિના તેઓ ભટકતા રહે છે. આ તો વાહનની ચારે બાજુ એક એક ઘોડો બાંધી, તેની લગામ ઊંઘતા વાહન ચાલકના હાથમાં આપવા જેવું છે. જીવન કયાંય નહિ પહોંચે.

આધ્યાત્મિક વિચાર વિહિન લોકોના જીવનનું પણ આવું જ છે.  તેઓ વિચારે છે કે, “હું તો મારાં લક્ષ્ય પર પહોંચી રહ્યો છું. હું તો મારાં લક્ષ્ય પર પહોંચી રહ્યો છું,” પરંતુ, વાસ્તવમાં તેમના જીવન આગળ નથી વધી રહ્યાં. આખરે તેઓ થાકીને પડી જાય છે.   વિવિધ બાહ્ય વસ્તુઓ તરફ વહેતા મનને એકાગ્ર કરી, અંદર રહેલી અનંત શક્તિને શોધવી જોઈએ. કેવળ વ્યક્તિ ન રહેતા, આપણે તો જાગૃત વ્યક્તિ બનવું જોઈએ. આ જ આધ્યાત્મિકતાનો ઉદ્દેશ છે. યુવાઓમાં આ જ્ઞાન વિકસાવવાની જરૂર છે.

આજે દુનિયામાં લોકો સત્યની વ્યાખ્યા પોતપોતાની મરજી પ્રમાણે કરે છે અને અનેકવાર આમ કરવાની ક્ષમતા ન હોય તો તેને દુર્બળતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, સત્યની વ્યાખ્યા આપણી ઇચ્છાનુસાર ન થવી જોઈએ. તે વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસ માટે સહાયરૂપ બની શકે, તે રીતે સત્યનો પ્રચાર થવો જોઈએ.  આ જ કારણસર, જે લોકો  જ્ઞાનનો પ્રચાર કરે છે, તેઓ પરિપકવ, વિવેકબુદ્ધિ અને વિશાળ હૃદય ધરાવનારા હોવા જોઈએ. તો જ, જે લોકો  તેમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરે છે, તેમનામાં પણ સારપ અને ઉમદા ગુણ ઉદિત થશે.

આજે યુવાઓને ફક્ત શબ્દો નથી જોઈતા. આધુનિક ઇંન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આજની યુવા પેઢીને વડીલો કરતાં પણ વધુ જાણકારી પ્રાપ્ત છે. આજે જાણકારી મેળવવી, એ કોઈ કઠિન કાર્ય નથી. ફક્ત શબ્દો ઉચ્ચારવાથી, તે સંવાદ  નથી બનતો. આ યુવાઓને જ નહિ, પરંતુ અન્ય કોઈને આકર્ષશે  નહિ. આથી જો કોઈ પરિવર્તન આવે, તો તે તાત્કાલિક જ હશે. યથાર્થ સંવાદ કોને કહેવાય, તે યુવાઓને સમજાવવું જોઈએ. આ જવાબદારી વડીલોની છે.

સ્વામી વિવેકાનંદના બધા વચનો સંવાદરૂપે હતા. કારણ કે, તે અન્ય લોકોના બૌદ્ધિક અને માનસિક સ્તરને સમજી, તેમને પૂર્ણરૂપે જાણી, અંતરમાંથી આવતા વચનો હતા. આ જ તે વચનો પાછળની શક્તિ હતી. અને આ જ કારણ છે કે, આજે પણ તે વચનો લોકોમાં પરિવર્તનનું સર્જન કરે છે.

આજે વિવિધ ધર્મો અને સંસ્કૃતિના ધર્મગુરુઓ વચ્ચે “સંવાદ” અનેક સ્તર પર થઈ રહ્યાં છે. પરંતુ, સંવાદ માટે જે ભાષા અને રીત આપણે હંમેશા અપનાવીએ છીએ, શું તે ખરેખર ઉચિત છે?  તેનું પૂનઃનિરીક્ષણ કરવાની જરૂર છે. આજે ઘણા લોકો યુક્તિના આધાર પર બુદ્ધિપૂર્વક વસ્તુનું અર્થઘટન કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. પરંતુ, યુક્તિની સાથે હૃદયનું માધુર્ય ઉમેરવાનું આપણે ભૂલી જઈએ છીએ. કેવળ મીટિંગોની જરૂર નથી, હૃદયનો મેળાપ પણ જરૂરી છે.

પ્રશ્નો  ત્યારે ઊભા થાય છે, જયારે આપણે કહીએ કે, “મારો ધર્મ સારો છે અને તારો ધર્મ ખરાબ છે.” આ તો, “મારી મા સારી અને તારી મા વેશ્યા છે,” એમ કહેવા જેવું થયું. દરેકને પોતપોતાની મા મહાન છે. આ જ પ્રમાણે દરેકને  પોતાનો દ્રષ્ટિકોણ મહાન છે. આ જો આપણે સમજીએ, ત્યારે અન્ય લોકો સાથે ફળદાયક સંવાદ આપણે કરી શકીશું.

સમગ્ર વિશ્વને જે ઈશ્વરચૈતન્ય તરીકે નિહાળી, તેને પ્રેમ કરી તેની આરાધના કરે, તેઓ જ યથાર્થ ધર્મગુરુ છે. તેઓ “વિવિધતામાં એકતા” ના દર્શન કરે છે. પરંતુ આજે એવું જોવામાં આવે છે કે, સ્વાર્થથી અંધ બની કેટલાક લોકો પ્રાચીન ધર્મગુરુઓના, સંત મહાત્માઓના વચનો અને અનુભવોની દુર્વાખ્યા કરી,  નબળા મનના લોકોનું શોષણ કરી રહ્યાં છે.

ધર્મ અને આધ્યાત્મિકતા મનુષ્યના હૃદયને ખોલવા અને સર્વને કરુણાપૂર્વક જોવા માટેની કૂંચી છે. ત્યારે આજે સ્વાર્થથી અંધ બની, આપણે યોગ્ય વિવેક અને દ્રષ્ટિ ગુમાવ્યા છે. જે કૂંચીથી હૃદય ખોલવાના હતા, તે જ કૂંચીથી આપણે આપણા હૃદય બંધ કર્યા છે. એટલું જ નહિ, આ પ્રકારનો મનોભાવ વધુ ને વધુ અંધકારનું સર્જન કરવામાં સહાય જ કરે છે.

એક વખત, એક ધર્મ સંમેલનમાં ભાગ લેવા નીકળેલા લોકોના એક સમૂહમાંથી, ચાર જણાને એક દ્વીપમાં રાત વિતાવવાનું થયું. થીજી જવાય એવી ટાઢ હતી. તે ચારેયના સામાનમાં તાપણું કરવા માચીસ અને બળતણ માટેની લાકડાની નાની ભારી હતી. પરંતુ, તેઓ  દરેક એમ માનતા હતા કે ફક્ત તેમની પોતાની પાસે જ બળતણ માટેનું લાકડું અને માચીસ હતા.

પહેલાએ વિચાર્યું, “તેના ગળાના લોકેટ પરથી લાગે છે કે, તે કોઈ બીજા ધર્મનો છે. તેને તાપ આપવા માટે, મારે શા માટે તાપણું કરવાનું?”

બીજાએ વિચાર્યુ, “આ મારાં શત્રુ દેશનો છે. તેઓ હંમેશા અમારી સાથે યુદ્ધ કરે છે. તેના સુખ આરામ માટે મારું લાકડું બાળવાનું? હું તો સ્વપ્નમાં પણ તેમ ન કરી શકું.”

ત્રીજાએ અન્ય પર નજર કરતા વિચાર્યું, “આને તો હું જાણું છું. આ તો મારા ધર્મમાં હંમેશા સંઘર્ષ કરતી ટોળકીમાંનો છે. મારું લાકડુ અને માચીસ બાળી, આને તાપ આપવો! આ શક્ય જ નથીં.

ચોથાએ વિચાર્યું, “હ.. તેની ચામડીનો રંગ જોયો. મને તો આ વર્ણના લોકો દીઠા ન ગમે. મારું લાકડુ બાળી તેને તાપ આપવાનો સવાલ જ ઊભો નથી થતો.”

આ પ્રમાણે, કોઈએ પોતાના હાથમાં રહેલું બળતણનું લાકડુ કે માચીસનો ઉપયોગ કર્યો નહિ અને ટાઢમાં થીજી ચારેય મૃત્યુ પામ્યા.

વાસ્તવામાં, આ લોકોનું મૃત્યુ બહારની ટાઢને કારણે નહિ, પરંતુ ટાઢા થીજેલા તેમના મનોભાવને કારણે થયું હતું. આપણે પણ આ લોકો જેવા બની રહ્યાં છીએ. દેશના નામે, જાતિના નામે, ધર્મના નામે, વર્ગ અને વર્ણના નામે આપણા બંધુજનો પ્રત્યે કોઈ કરૂણા કે દયા ન દાખવતા, સંઘર્ષ કરીએ છીએ.

આજે માનવ સમૂહ તાવથી પીડિત રોગી જેવો છે. તાવ ચઢે કે રોગી અર્થહિન બકવાસ કરવા લાગશે. એક ખુરસીને ચીંધતા તે પૂછશે, “શા માટે તે ખુરસી ઊડી રહી છે?” તેનો શું જવાબ આપવો?

ખુરસી ઊડે નહિ, એ કેવી રીતે પૂરવાર કરવું?  આજે આપણી સ્થિતિ પણ આવી જ છે. જે સૂતા છે, તેમને જગાડી શકાય. પરંતુ જે સૂવાનો ડોળ કરે છે, તેમને જગાડવા શક્ય નથી.

સ્વામી વિવેકાનંદના વચનોથી યુવાઓ આકર્ષાય છે. એટલા માટે નહિ કે તેઓ યુક્તિ અને બુદ્ધિની ભાષા બોલતા હતા. પરંતુ, તેમના વચનો અત્યંત પ્રમાણિક હતા. સન્ ૧૮૯૩માં ચીકાગોની વિશ્વ સર્વધર્મ સંસદમાં, જયારે તેમણે “મારા પ્રિય ભાઈઓ અને બહેનો,” આ સંબોધનથી પોતાના ભાષણની શરૂઆત કરી, ત્યારે આનંદ અને ઉલ્લાસથી ભરપૂર તાળીઓના ગડગડાટથી સમસ્ત હૉલ ગુંજી ઉઠયો હતો. અને શું હતું આ પાછળનું કારણ? તેમના વચનો પ્રમાણિક અને હૃદયસ્પર્શી  હતા. આપણા વચનો જો પ્રમાણિક હશે, તો ચોક્કસ તે અન્ય લોકોને  નિષ્કામ કર્મ કરવા આવશ્યક શક્તિ અને પ્રેરણા આપનારા હશે.

બધા જ રચનાત્મક પરિવર્તનનો આધાર સાચો વિદ્યાભ્યાસ છે. યથાર્થ વિદ્યાભ્યાસ જીવનમાં વિજયી રહેવાનો રહસ્યમંત્ર છે. આ પ્રકારના વિદ્યાભ્યાસમાં જીવનની બધી જ સમસ્યાઓનું નિવારણ સમાયેલું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “વિદ્યાભ્યાસ એટલે શું? શું તે કેવળ પુસ્તક પઠન માત્ર જ છે?  અથવા શું તે અમુક કાર્યકુશળતા પ્રાપ્ત કરવા માટે છે?  નહિ! યથાર્થ વિદ્યાભ્યાસ તો આપણી ઇચ્છાશક્તિ અને આદતોને આપણા માટે અને સમૂહ માટે ઉપયોગી બનાવવા આવશ્યક ઉર્જામાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે.”

આજે સામાન્યતઃ વિદ્યાભ્યાસ દ્વારા આપણે જે પ્રાપ્ત કરવા માગીએ છીએ, તે છે ભૌતિક વિજય. આજે “વિજય” યુવાઓનો અતિપ્રિય મંત્ર છે. કોઈ પણ માર્ગ અપનાવી જીવન વિજયી બનાવવું. આ પ્રમાણે, તેઓ જે પ્રકારની વિજયની ઇચ્છા કરે છે, તે પ્રાપ્ત કરવા માટેનો માર્ગ છે, આજની વિદ્યાભ્યાસ વ્યવસ્થા. પરંતુ, શું આ પ્રમાણે પ્રાપ્ત વિજય સ્થાયી હશે? જીવનમાં આવતી વિપરીત પરિસ્થતિઓમાં ભાંગી ન પડવાની શક્તિ શું તે આપે છેં? શું તેથી સમૂહનો પ્રેમ અને આદર પ્રાપ્ત થશે? તાત્કાલિક કોઈ પ્રાપ્તિ તેમને મળતી હશે. પરંતુ, સમય જતા, તેઓ ફરી દુઃખમાં જ પડે છે.

આજે યુવાઓ જેને “જીવન વિજય” માને છે, તેમને તેમાં રહેલા ખોખલાપણાને સમજાવવાની જરૂર છે. યથાર્થ વિજયનો અર્થ અને વ્યાપ્ત પણ આપણે તેમને સમજાવવા જોઈએ. વિજય વિષે સ્વામી વિવેકાનંદ કહે છે, “એક શ્રેષ્ઠ વ્યક્તિનું સર્જન – આ જ જીવન વિજયનો અર્થ છે. આ આત્મ વિકાસ છે, આત્મ-નિર્માણ છે. જીવનમાં તમે જે કાર્ય હાથ ધરો, તેમાં સફળ રહેવું, એ જીવન વિજય નથી. સાચી સફળતા તો તમે  સ્વયં શું બનો છો, તે પર આશ્રય રાખે છે.  તમારો સ્વભાવ, વર્તન, સમૂહ સાથે તેમજ સહજીવીઓ સાથેના તમારા વ્યવહાર પર નિર્ભર કરે છે…”

જે લોકો બંદુક અને તલવારથી શત્રુનો સંહાર કરે, તેઓ જ ફક્ત યોદ્ધા નથી. જીવન લક્ષ્ય સિદ્ધ કરવા પ્રયત્ન કરનારાઓ પણ એક અર્થમાં યોદ્ધા જ છે.  તે ક્ષત્રિય છે, જે યુદ્ધ કરે છે. કયાં? જીવનના બધા જ ક્ષેત્રમાં જે  યુદ્ધ કરે છે. તે પછી કલાનું ક્ષેત્ર હોય, રાજનીતિ હોય, વ્યવસાય, આધ્યાત્મિકતા, વિદ્યાભ્યાસ – કંઈ પણ હોય, તે માટે સત્વ-રજસ-તમસ, આ ત્રણેય ગુણોને આવશ્યકતા અનુસાર સંયોજીત કરવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ.

જીવન લક્ષ્ય પર પૂર્ણરૂપે કેંદ્રિત થઈ આગળ વધવા માટે હિમ્મત અને બળ આવશ્યક છે. માનસિક ગુણ પણ જરૂરી છે. સ્વાર્થને અવરોધવા હૃદયમાં સારપનો પ્રકાશ જરૂરી છે. આ સારપને પ્રકટ કરવા માટેની કુશળતા પણ આપણામાં હોવી જોઈએ.

આપણા દરેક કાર્યનું લક્ષ્ય  સમાજનો સર્વતોમુખી વિકાસ અને માનવતાનું કલ્યાણ હોવું જોઈએ. જયારે આપણે  સર્વતોમુખી વિકાસ કહીએ ત્યારે તેમાં સ્વયંનો વિકાસ પણ આવી જાય છે. આ જ સાચો વિકાસ છે. આ જ્ઞાનને આપણા મનમાં દ્રઢ કરવા, વિવેકબુદ્ધિ આવશ્યક છે.
આજે આપણી યુવા પેઢીમાં જેનો અભાવ છે, તે છે વિવેકબુદ્ધિનો.  માહિતી એકત્રિત કરવા માત્રથી જ વિવેક  બુદ્ધિ વિકસતી નથી. આ માટે, મન અને બુદ્ધિથી પર એવી વૈશ્વિક શક્તિમાં દ્રઢ વિશ્વાસ જરૂરી છે. કેવળ મનુષ્ય પ્રયત્ન જ જીવનને સફળ બનાવે છે, આ અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. મસ્તક નમાવવું જોઈએ. ત્યારે જ વૈશ્વિક શક્તિ આપણામાં વહેશે.

બાસુરી અથવા ગીટાર વાદક સંગીતજ્ઞને પૂછવામાં આવે કે સંગીત ક્યાંથી આવે છે, તો તેઓ કદાચ કહેશે, “હૃદયમાંથી આવે છે.” પરંતુ, હૃદય ખોલીને જોવામાં આવે તો શું તમને ત્યાં સંગીત બેઠેલું દેખાશે? નહિ. તેઓ જો કહે કે, આંગળીના ટેરવામાંથી કે કંઠમાંથી આવે છે. ત્યાં પણ શોધવાથી, શું   સંગીત દેખાશે? નહિ. તો પછી સંગીત કયાંથી ઉદ્ભવે છે? તે શરીર અને મનથી પર એક સ્થાનમાંથી આવે છે. આ ઈશ્વર ચૈતન્યનું સ્થાન છે. આ શક્તિને જાણવાનો અને તેનો આદર કરવાનું યુવા પેઢીએ શીખવું જોઈએ. આપણી આધુનિક વિદ્યાભ્યાસ વ્યવસ્થામાં આ પ્રકારના વિષયોને પ્રાધાન્ય આપવામાં આવવું જોઈએ.

જીવનમાં પ્રેમ, નિઃસ્વાર્થ સેવા, વિનય અને પોતાની પ્રાપ્તિઓના ફળ સમાજને સમર્પિત કરવાના મહત્વથી યુવાઓને બોધિત કરવા જોઈએ. તે એક કુંટુંબને નિભાવતી વ્યક્તિ હોય, કે એક સંસ્થાનું નેતૃત્વ કરતી વ્યક્તિ હોય, કે દેશનું ભરણ કરતી કોઈ વ્યક્તિ હોય, સર્વપ્રથમ તેણે સ્વયંને જાણવી જોઈએ. આ જ સાચી  શક્તિ છે. આપણી પોતાની ખામીઓ, ત્રૂટિઓ, સીમિતતાઓ, નબળાઈઓને જાણવી જોઈએ, તેને સ્વીકારી તેનાથી પર આવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે જ એક સાચો નાયક, એક નેતા જન્મ લે છે.

આત્મવિશ્વાસ સાથે, પ્રમણિકતાથી, આત્મબોધ સાથે જે લોકોને ધર્મના માર્ગ પર દોરી જાય છે, તે જ સાચા નેતા છે. આજના યુવાઓ આવતી કાલના નેતા છે. માટે, યથાર્થ શક્તિના સ્રોતનું જ્ઞાન તેમને હોવું જ જોઈએ. તો જ તેઓ પરોપકારી હૃદય સાથે, કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના કર્મ કરી શકશે. અને ત્યારે જ, તેઓ લોકોના હૃદયને આકર્ષિત કરી, તેમનું નેતૃત્વ કરી શકશે.

ધ્યાન અને આધ્યાત્મિકતા જીવનના અનિવાર્ય અવિભાજીત ઘટક છે. આપણા વિચારો અને કાર્યમાં સ્પષ્ટતા અને સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા ધ્યાનસ્થ મન અને આધ્યાત્મિક ચિંતન આવશ્યક છે. આધ્યાત્મિકતાને જીવનથી અલગ જોવી તે અજ્ઞાનતા છે. શરીર માટે જેમ ખોરાક અને નિદ્રા આવશ્યક છે, તેમ જ સ્વસ્થ મન માટે આધ્યાત્મિક ચિંતન અતિ આવશ્યક છે. ત્યારે આજે લોકો આધ્યાત્મિકતા અને ધ્યાનના કેવા વિચાર સેવે છે? આ કહેતા અમ્માને એક પ્રસંગ યાદ આવે છે.

vivekanada centenary

 

એક વખત બે મિત્રો રસ્તામાં મળ્યા.
પહેલાએ બીજાને પૂછયું, “હલ્લો, કેમ છો?”
બીજો બોલ્યો, “મજામાં.”
પહેલોઃ “તારા દીકરાને કેમ છે? નોકરી મળી કે કેમ?”
“ના, હજુ કોઈ નોકરી મળી નથી. પણ તેણે હવે ધ્યાન કરવાનું શરૂ કર્યું છે.”
“ધ્યાન! એ વળી શું?”
“એ તો હું પણ નથી જાણતો. પરંતુ સાંભળ્યું છે કે, કંઈ કર્યા વિના બેઠા રહેવા કરતાં ધ્યાન કરવું ધણું સારું છે.”

આ પ્રમાણે, આજે ઘણા લોકોનું આ માનવું છે કે, આધ્યાત્મિકતા તેમના માટે છે, જેને કોઈ કામ નથી.

આધ્યાત્મિકતા તો ભારતીય સંસ્કારની પ્રાણશક્તિ છે. આ સંસ્કારને જો દ્રઢતાથી ગ્રહણ કરવામાં આવે તો આપણા વ્યક્તિગત તેમજ સામુહિક બધા જ પ્રશ્નોનો પરિહાર આપણને તેમાંથી મળી આવશે. આ જ કારણસર, સ્વામી વિવેકાનંદ નિરંતર આ પ્રમાણે ઉદ્બોધિત કરતા હતા કે, આપણી યુવા પેઢીને ભારતીય સંસ્કાર સાથે, આ દેશ સાથે અગાધ હૃદયબંધન હોવું જરૂરી છે. આ સાથે તેમને સ્વતંત્ર બુદ્ધિ અને ખુલુ મન પણ આવશ્યક છે. ક્યાંય પણ કંઈ સારું જૂઓ તો તેને સ્વીકારવા માટેની નમ્રતા અને ખરાબનો વિરોધ કરવા માટેની ધીરતા તેમનાંમાં હોવી જોઈએ. આ ગુણોના કારણે, સ્વામી વિવેકાનંદને પોતાની ભારતીય પરંપરા પર અભિમાન હતું અને આ સાથે તેઓ પાશ્ચાત્યની કર્મની ધીરતા તેમજ વિચારની સ્વાતંત્રતાને ગ્રહણ કરી શક્યા હતા.

નાનત્વ, એ ઈશ્વરની સૃષ્ટીની પ્રકૃતિ છે. આ વિશ્વ એટલું તો વિશાળ છે કે, તે કોઈ એક ધર્મ અથવા દર્શનની પકડમાં આવી શકે નહિ. આ જ કારણસર, જો શાંતિ, સમાધાન, ઉન્નતિ ઇચ્છતા હો તો સમન્વયનો માર્ગ, સર્વાશ્લેષીય સનાતનધર્મનો સાર વિશ્વને સમજાવવા આપણે શક્ય તેટલો પ્રયત્ન કરવો જોઈએ.

ધર્મને સંબંધિત ભારતના વિશાળ દ્રષ્ટિકોણનો આધાર, વેદાંત દર્શન છે. જે બધા જ ધર્મોને એક જ લક્ષ્ય તરફ જતા પગથિયા તરીકે જૂએ છે. ભવિષ્યના બધા જ પડકારોથી પર આવવાની ક્ષમતા ભારતીય વેદાંત દર્શનમાં રહેલી છે. આ જ કારણસર, ભૌતિકશાસ્ત્ર ભલે ગમે તેટલું વિકસે, પરંતુ બધા જ પડકારોથી ઉપર ઊઠી,  વેદાંત દર્શન એક વૈશ્વિક જીવનદ્રષ્ટિ બની રહેશે. આ પ્રકારની ભવિષ્યવાણી સ્વામીજીએ કરી હતી.

અમ્મા માટે આ વિશ્વ એક પુષ્પ જેવું છે.  પ્રત્યેક રાષ્ટ્ર તેની એક એક પાંખડી છે. આ પુષ્પની એક પાંખડીમાં જો સડો બેસે તો તેની અસર અન્ય પાંખડીઓ પર પણ  થશે. પુષ્પના સૌંદર્ય પર તે અસર કરશે. આ જ કારણસર, વિશ્વરૂપિ આ પુષ્પને સડવા ન દેતા, તેનું સંરક્ષણ અને પોષણ કરવાની જવાબદારી આપણામાંના દરેકની છે. આ માટે પરસ્પર એકબીજાને આપવું અને પામવું, પરસ્પર ઉમદા આદર્શો સ્વીકારી, વિશ્વના બધા જ રાષ્ટ્રોએ એક સાથે આગળ વધવું જોઈએ.

આ કહેતા, અમ્માને વિદેશના રસ્તાઓનું એક દ્રશ્ય સ્મરણમાં આવે છે. ત્યાંના સાફ સુથરા રસ્તાઓ જોતા અમ્માને વિચાર આવે છે કે, “આપણા રસ્તાઓ પણ જો આ પ્રમાણે સાફ સુથરા હોય, તો રોગનો ફેલાવો કેટલી હદ સુધી અટકાવી શકાય.” તેમની સફાઈ અને શિસ્તબદ્ધતા જોતાં અમ્માના મનમાં આશા થાય છે કે, “ભારતમાં પણ આમ હોત તો…” તેમની કાર્યનિષ્ઠા, કર્મમાં રહેલી પ્રમાણિકતા જોઈ, આપણે પણ જો આવા હોત તો ભારતે આજે કેટલી પ્રગતિ કરી હોત”, એમ વિચારવા લાગે છે. આ જ પ્રમાણે, ભારતનું આધ્યાત્મિક જ્ઞાન વિદેશોમાં રહેતા લોકોએ ગ્રહણ કરી, તેને વિકસાવવું જોઈએ.

ભારતના પ્રત્યેક નાગરિકે એક વાત તો હંમેશા યાદ રાખવાની છે.  વિતી ગયેલા સમય દરમ્યાન જે સંસ્કાર આપણે અર્જીત કર્યા હતા,  તેનું જ ફળ અત્યારે વર્તમાન ક્ષણમાં પ્રકાશિત થઈ રહ્યું છે. આ દેશની પરંપરા અતુલનીય છે. આ સંસ્કૃતિ અને આપણા ભારત દેશ માટેના પ્રેમમાં દ્રઢ રહી, આપણે વિશ્વના અન્ય રાષ્ટ્રોને જોવા જોઈએ અને તેમના સારાં ગુણ સ્વીકારવા જોઈએ.

શ્રીરામ, વનવાસ દરમ્યાન જયારે અયોધ્યાની સીમા પર પહોંચ્યા ત્યારે ત્યાં મુઠ્ઠીભર માટી હાથમાં લઈ કહ્યું  હતું, “જનની અને જન્મભૂમિ, સ્વર્ગથી પણ મહાન છે.”  અમેરીકાનો તેમનો પ્રથમ પ્રવાસ પૂરો કરી,  સ્વામી વિવેકાનંદ જયારે ચેન્નાઈના બંદર પર ઉતર્યા ત્યારે કહેવાય છે કે, ત્યાં સમુદ્ર કિનારાની રેતીમાં આળોટતા વિલાપ કરતા તેમણે કહ્યું હતું, “આટલા દેશોની મુલાકાત લીધી છતાં. મારી મા જેવી મા મેં કયાંય જોઈ નહિ.” અમેરીકાની ફાઇવ સ્ટાર હોટેલમાં પલંગ પર ન સૂતા, સ્વામી વિવેકાનંદ નીચે જમીન પર સૂતા અને ભારતમાં ભૂખમરો વેઠતા ગરીબોને યાદ કરી આંસુ સારતા હતા. આ દેશપ્રેમ, સંસ્કૃતિ માટેનો આદર આપણા બધા માટે, ખાસ કરીને આપણી યુવાપેઢી માટે દાખલો હોવો જોઈએ.  આ  સત્યને વિસરવું ન જોઈએ કે, “સાવકી માના દૂધપાક કરતાં જન્મદેનારી માનું ભાતનું ઓસામણ કયાંય સ્વાદિષ્ટ છે.”

આપણા શરીરમાં કોઈ અનાવશ્યક અન્ય પદાર્થ પ્રવેશ કરે, તો આપણે બીમાર પડશું. આ જ પ્રમાણે,  ભારતની આધ્યાત્મિક નિધિને જયારે આધુનિક ભોગવિલાસ ખાઈ રહ્યો હતો, આવા સમયે ઋષિ પરંપરામાંથી પ્રાપ્ત અમૃત કળશને હાથમાં લઈ, સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. વ્યક્તિ હોય કે સમસ્ત માનવતા હોય, પૂર્વે અર્જીત કરેલા સંસ્કાર જ, વર્તમાન પ્રકાશિત કરે છે. આ જ કારણસર, બહુ જ થોડા સમયમાં ભારતમાં તેમજ ભારતની બહાર મહત્વપૂર્ણ કાર્યો તેઓ સંપન્ન કરી શક્યા હતા. તેમના વચનોએ આળસ અને અજ્ઞાનમાં ડૂબી રહેલા ભારતીયોને જાગૃત કર્યા હતા.

સ્વામી વિવેકાનંદના પ્રત્યેક વચન, કોઈ પણ વ્યક્તિના જીવનમાર્ગમાં આવતા હિમાલય પર્વત જેવા અવરોધોનો સામનો કરવા, આંસુના સમુદ્રને ઉલંઘવા અને કષ્ટોના રણ પાર કરવા, આવશ્યક આત્મશક્તિ અને માનસિક ધીરતા પ્રદાન કરે છે.

તેમણે દુઃખ અને કષ્ટોને ઉત્તમ ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. તે જીવન તો નિરાશામાં ડૂબી રહેલા જન સમૂહ માટે શુભ-પ્રતિક્ષાના દીપસ્તંભમાં રૂપાંતરિત થયું હતું. તેમના જન્મ પહેલાં સંન્યાસનો અર્થ દુન્યવી પ્રશ્નોમાંથી વિરક્ત હતો. તે તીવ્ર વૈરાગ્યમાં સ્વામી વિવેકાનંદે પ્રેમનું માધુર્ય અને ઈશ્વર આરાધનાની સુવાસ ઉમેરી હતી.

સમાપ્ત કરતા પહેલાં, અમ્મા પોતાના બાળકો સામે થોડા સૂચનો મૂકવા માગશે….:

૧. દરેક ધર્મવિશ્વાસી જો વિચારે કે પોતાનો માર્ગ જ સાચો છે, તો એમ વિચારવામાં કંઈ જ ખોટું નથી. પરંતુ, દરેક વ્યક્તિ માટે જેમ પોતાનો  વિશ્વાસ મહાન છે, તે જ પ્રમાણે અન્ય લોકોને પણ તેમના વિશ્વાસમાં દ્રઢ રહેવા માટેની સ્વતંત્રતા હોવી જોઈએ. એ તો જયારે વ્યક્તિ પોતાનો ધર્મ વિશ્વાસ અન્ય પર બળપૂર્વક લાદે છે, ત્યારે જે ધર્મ શાંતિ અને પ્રેમના સંદેશ સાથે જન્મ્યા હતા, ખૂનરેજી માટેના કારણ બની જાય છે. જે ધર્મો શાંતિના મહાન ગીતોની નદીઓ વહાવતા, તે હિંસાત્મક બની જાય છે.

૨. અંગ્રેજો જે વિદ્યાભ્યાસને લઈ આવ્યા, તેના પ્રચાર પહેલાં ભારતમાં પરંપરાગત ગુરુકુળ પ્રથા પ્રચલિત હતી. તે સમયે  વિદ્યા કેવળ એક મગજમાંથી બીજા મગજમાં ઠોસવવામાં આવતી જાણકારી જ ન હતી, પરંતુ તે તો હૃદયથી હૃદયમાં પ્રસરતા સંસ્કાર હતા. તે સમયે જ્ઞાન અને ધર્મબોધ, વિદ્યાભ્યાસરૂપિ નાણાંની બે બાજું હતા. જન્મથી જ બાળકના કાનમાં માતાપિતા ઈશ્વરના નામનો જાપ કરતા. આ પ્રમાણે, ઈશ્વરના નામ જાપ સાથે બાળકો મોટાં થતા. ત્યારપછી બાળકોને ગુરુકુળમાં મોકલવામાં આવતાં. ગુરુકુળમાં બ્રહ્મચર્યનું પાલન કરી, ગુરુ પાસેથી તેઓ બધા શાસ્ત્રો શીખતા હતા. ફળસ્વરૂપે, જીવન શું છે, સંસારમાં જીવન કેવી રીતે જીવવું, કેવું વર્તન કરવું, આ તેઓ શીખતા હતા. આ પ્રમાણે તેઓ વિવેકશીલ બની, સત્ય માટે જીવન અર્પિત કરવાને તૈયાર સિંહના બચ્ચા જેવા હતા. અર્જીત વિદ્યાભ્યાસમાં દ્રઢ રહી, તેઓ આ ગુણોને પ્રાપ્ત કરતા હતા. મૂલ્યો અને આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રઢ તે વિદ્યાભ્યાસની પ્રથાને આજે આધુનિક સમાજે ફરી અપનાવી જોઈએ.

૩. ભગવાન બુદ્ધે માનવ સેવા માટે જે સન્યાસિ સંઘઠનનો વિચાર કર્યો હતો,  સ્વામી વિવેકાનંદ તેને પ્રવૃત્તિમાં લાવ્યા હતા. સો વર્ષ પહેલાં તેમણે દરિદ્રનારાયણ પૂજાની આવશ્યકતા વિષે કહ્યું હતું. તે સમયે આ વિચાર જેટલો સુસંગત હતો, આજે સો વર્ષ પછી પણ તે તેટલો જ અનુરૂપ છે.

પોતાના ગુરુને ઈશ્વરના અવતાર માની, જે રીતે તેમણે તેમની સેવા શુશ્રૂષા કરી હતી, તે જ ભાવ અને ભક્તિ સાથે, તેમણે કલકત્તામાં જયારે પ્લેગનો રોગ ફાટ્યો ત્યારે  રોગીઓની સેવા શુશ્રૂષા  કરી હતી. આ ખાતર તેઓ  બેલુર મઠને વેચવા માટે પણ  તૈયાર થયા હતા.
આ સત્ય કે, સૃષ્ટી થકી જે દેખાય તે જ સૃષ્ટા છે, તે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરવામાં આવેલું  કોઈ સત્ય માત્ર જ ન હતું. આ તો તેમના હૃદયને સ્પંદિત કરતો, હાથોને સતત સત્કર્મોમાં વ્યસ્ત રાખતો અસ્ખલિત શક્તિનો પ્રવાહ હતો.

૪. આપણામાંના દરેકની અંગુઠાની છાપ, ચહેરો, આંખ, નાક – સર્વકાંઈ જુદી આકૃતિના છે. ત્યારે એક જ બિંબામાંથી ઢાળેલું સર્વકાંઈ એક જ આકારનું હોય છે. તે પછી સોય હોય, ચપ્પલ હોય, મૂર્તિ હોય, બધા એક સરખા જ હોય છે. ત્યારે ઈશ્વરની સૃષ્ટીમાં, ઘાસના બે તણખલા શું, ફુલની બે પાંખડી પણ એક સમાન નથી. ત્યાં પછી મનુષ્યનું તો કહેવું જ શું?  આપણા બધાની અંદર કોઈ સવિશેષ ગુણ છુપાવી, ઈશ્વરે આપણને અહીં ભૂમિ પર મોકલ્યા છે. આપણા બધાના જન્મ પાછળ એક ઉદ્દેશ રહેલો છે, જેને આપણે સ્વયં પૂર્ણ કરવાનો છે. પોતાની અંદર રહેલી આ વિશેષ શક્તિને શોધવી, એજ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. તેનો સાક્ષાત્કાર કરવો, તેનો આવિષ્કાર કરવો એજ મનુષ્ય જન્મને અર્થ આપે છે. ત્યારે પછી જીવન આનંદ પૂર્ણ બને છે.

આ લક્ષ્યને સિદ્ધ કરવા મનુષ્યને જે સહાય કરે છે, તે જ યથાર્થ વિદ્યાભ્યાસ છે.  બધા જ જો બધી રીતે એક સમાન હોય, તો તે સમૂહ યાંત્રિક હશે, મૃત હશે. એ તો વિવિધતામાં જ જીવનનું સૌંદર્ય રહેલું છે. સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ કહ્યું હતું કે, “આપણને એવા વિદ્યાભ્યાસની જરૂર છે, જે આપણને ફક્ત બૌદ્ધિક વિકાસ જ નહિ, પરંતુ હૃદયને વિકસવા સહાય કરે.”

૫. આપણી અંદર જ અનંત શક્તિ અને ચૈતન્ય રહેલા છે.  તેમ છતાં, આજે ૯૦% લોકોને પોતાની અંદર રહેલી આ અનંત શક્તિનું લેશેય જ્ઞાન નથી. આપણે દુઃખમાં જન્મ લઈએ છીએ, દુઃખમાં વિકસીએ અને દુઃખમાં જ મરીએ છીએ. આપણી અંદર, આપણી જાણ બહાર, છુપાઈને રહેલી ઈશ્વરદત્ત ખુબીઓને શોધી, તેને વિકસાવવા, આપણને એક જ્ઞાની – સદ્ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે.શ્રીરામકૃષ્ણ-નરેંદ્ર સંગમમાં પ્રગટ થતો સદ્ગુરુનો મહાપ્રભાવ, વિવેકાનંદના રૂપમાં આપણને જોવા મળે છે.

૬. આજે ધર્મનિરપેક્ષ ભારતમાં વિદ્યાર્થીઓમાં મૂલ્યો વિકસાવવા, સ્કૂલ વિદ્યાભ્યાસ ક્રમના ભાગરૂપે બાળકોને બધા જ ધર્મોના આધારમાં રહેલા તત્વોનું શિક્ષણ આપવામાં આવવું જોઈએ. આ પ્રમાણે પરસ્પર રહેલાં ભેદભાવને ખાસ મહત્વ ન આપતા, તેમનામાં રહેલા સારા ગુણથી તેમને બોધિત કરવા બહુ જરૂરી છે. વિવિધ  ધર્મવિશ્વાસીઓ વચ્ચે પરસ્પર પ્રેમ અને આદર જાળવી રાખવા આ સહાય કરશે. આ ઉપરાંત, આ પ્રકારની મૂલ્યાધીષ્ઠ પદ્ધતિ, વિદ્યાર્થીઓને જીવનમાં આવતી મુશ્કેલીઓ દરમ્યાન આશા અને શુભાભ્દી વિશ્વાસ જાળવી રાખવા સહાય કરશે. સ્વામી વિવેકાનંદનો વૈશ્વિક દ્રષ્ટિકોણ, તેજસ્વી ભાષા શૈલી, પ્રેરણાદાયક તેમની રચનાઓ અને સંભાષણો સ્કૂલના બાળકોને શીખવાડવા માટેના ઉત્તમ ઉદાહરણો છે.

૭. તેમણે આપણો સમાજ, દેશ અને વિશ્વના વિકાસ માટે આવશ્યક સ્પષ્ટ માર્ગો બતાવ્યા હતા. આપણી પરંપરાનો, સંસ્કૃતિનો આધાર એવી આધ્યાત્મિકતાના તત્વોનું અજ્ઞાન, આ આપણા સમાજ માટે શાપ છે. આમાં પરિવર્તન આવવું જોઈએ. અમ્માએ વિશ્વના કેટલાય રાષ્ટ્રોની મુલાકાત લીધી છે. કેટ કેટલા લોકોને અમ્મા મળ્યા છે. તેમને બધાને તેમની પરંપરા માટે, તેમની સંસ્કૃતિ માટે આદર અને અભિમાન છે. ઑસ્ટ્રલિયા, આફ્રિકા, અમેરીકામાં રહેતા આદિવાસીઓ અને વનવાસીઓને પણ તેમની પરંપરા અને સંસ્કૃતિ માટે અભિમાન છે. ત્યારે આપણે અહીં ભારતમાં, નથી આપણને આપણી સંસ્કૃતિનું સ્હેજે જ્ઞાન કે નથી તેનું અભિમાન. એટલું જ નહિ, કેટલાક તો તેનો ઉપહાસ કરે છે.

જો પાયો ઊંડો અને દ્રઢ હોય, તો જ ઊંચી ઈમારત બાંધી શકાય. આ જ પ્રમાણે, જો આપણા પૂર્વજો  અને આપણા ઈતિહાસનું આપણને જ્ઞાન હોય અને તેનું અભિમાન પણ, તો એક ઉજજવળ વર્તમાન અને ભવિષ્યનું આપણે સર્જન કરી શકીએ. આ માટે, સર્વપ્રથમ આપણે યોગ્ય વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. સમાજમાં જે પછાત વર્ગના, ગરીબ, ક્ષુધાપીડિત, અભણ લોકો છે,  તેમના પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ. અને આ માટે, આપણે સમાજમાં ઉતરી પ્રવૃત્ત થવું જરૂરી છે.

આ સાથે સ્વામી વિવેકાનંદે સ્ત્રી શિક્ષણ તેમજ સમાજમાં મહિલાઓને આદરણીય સ્થાન આપવા પર પણ ભાર મૂકયો હતો. ટૂંકમાં કહીએ તો, સમયમાં આવતા પરિવર્તન સાથે, આપણા મનોભાવમાં પણ પરિવર્તન લાવવા આપણે તૈયાર હોવું જોઈએ. એવું મન કેળવવું જોઈએ જે સ્વામી વિવેકાનંદે દર્શાર્વેલા માર્ગ પર કાર્ય કરવા અને આગળ વધવાને તૈયાર હોય.

સ્વામી  વિવેકાનંદનું ચરિત્ર અને સંદેશ વિશ્વભરમાં પ્રસારવા, તેમણે દર્શાવેલી કર્મપદ્ધતિઓને કાર્યમાં રૂપાંતર કરવા, આ કેંદ્ર સફળ રહે. અમ્માની પ્રાર્થના છે કે, આ સંસ્થા સમસ્ત વિશ્વ માટે આશીર્વાદ બને. અમ્માના બાળકોનો પ્રયત્ન સફળ થાય, ઈશ્વરકૃપા સહુને અનુગ્રહિત કરે…. ૐ

।। લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવન્તુ ।।

વિવેકાનંદ ઈંટરનેશનલ ફાઉન્ડેશનના ઉદ્ઘાટન સમારોહ પર પ.પૂ.શ્રી શ્રી માતા અમૃતાનંદમયી દેવીનું ઉદ્બોધન
૧લી ડિસેમ્બર, ૨૦૦૯