ભક્ત : “કામના બોજને લીધે, ધ્યાન માટે બિલકુલ સમય નથી મળતો. મંત્રજપ કરવાનો વિચાર કરું તો એકાગ્રતા નથી મળતી. માટે હું વિચારું છું કે, એ બહેતર હશે કે કામનો બોજો હળવો થાય અને મન શાંત થાય પછી જ મંત્રજપ અને ધ્યાન કરું, તો કેમ?”

અમ્મા : “પુત્ર, કામનો બોજ હળવો થાય, ભૌતિક સુખ અનુભવીને તૃપ્તિ થાય પછી ઈશ્વરનું સ્મરણ કરીશું એમ વિચારીએ, તો તે ક્યારેય નહિ બને. માટે, અત્યારથી જ પ્રતિકૂલ પરિસ્થિતિઓની વચ્ચે રહીને ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. ઈશ્વર ચોક્કસ આપણને કોઈ ને કોઈ માર્ગ બતાવશે.

“અમ્મા એક ઉદાહરણ આપશે,

“માનસિક રોગથી પીડાતી એક બાલિકા, ઉંમર લાયક થતા તેના વિવાહ માટેનું માગુ આવ્યું. પરંતુ, જ્યારે ખબર પડી કે તેને કોઈ માનસિક બીમારી હતી તો વરપક્ષના લોકોએ તે સાજી થઈ જાય, પછી જ લગ્ન કરવાનું નક્કી કર્યું. પણ, ડૉક્ટરનું કહેવું હતું કે, તેના વિવાહ થાય તો જ તેની બીમારી દૂર થશે. માટે, રોગ દૂર થાય પછી વિવાહ કરવાનો વિચાર કરે, તો તે ક્યારેય શક્ય નથી. આ તો જેમ પાણી કહે કે, “તું પહેલાં તરતા શીખી લે, પછી તું મારી પાસે આવજે,” એના જેવું થયું. આ શું શક્ય છે? પાણીમાં રહીને જ તો તરતા શીખાય! આ જ પ્રમાણે, ઈશ્વર જ આપણા મનને શુદ્ધ કરી શકે. ઈશ્વર સ્મરણ દ્વારા જ આપણા જન્મજન્માન્તરના રોગ દૂર થાય છે. ઈશ્વરરસ્મરણ સાથે કામ કરીએ, તો તે સરસથી થશે અને કામમાં પડતા અવરોધો પણ દૂર થશે. આ બધાથી ઉપર, તે આપણા મનને શુદ્ધ કરશે.

“બધા પ્રારબ્ધ દૂર કરી, મન શુદ્ધ કરી, પછી જ ઈશ્વરનું સ્મરણ કરીશું, એમ વિચારીએ તો ક્યારેય આપણે ઈશ્વરને પ્રાપ્ત નહિ કરીએ. આપણે સારાં થવાની રાહ જોઈએ, તો તે ક્યારેય બનવાનું નથી. આ માટે યોગ્ય પ્રયત્ન માત્ર જ એક માર્ગ છે. અન્યથા, આપણું આયુષ્ય, આરોગ્ય, અને બુદ્ધિ, બધું જ નાશ પામશે. માટે, અત્યારથી જ આપણે ઈશ્વર તરફનો માર્ગ અપનાવવો જોઈએ. તે માટેના પ્રયત્નની શરૂઆત કરો. એ જ જરૂરી છે.”

એક મુલાકાતી : “અમ્મા, ઘણા નવયુવકો ઘરબાર છોડી, ઈશ્વરચિંતન માટે વાસ કરી રહ્યાં છે. તેમની આ ઉંમર તો સંસારના સુખ અનુભવવાની છે, નથી શું? ઈશ્વરચિંતન, સંન્યાસ આ બધું વૃદ્ધાવસ્થામાં કરે તો તે પૂરતું નથી શું?”

અમ્મા : “પુત્ર, આ મનુષ્યદેહ ઈશ્વર સાક્ષાત્કાર માટે પ્રાપ્ત થયો છે, તે માટે તેનો ઉપયોગ કરવાનો છે. એક એક દિવસ જે પસાર થાય છે, તે આપણને વધુને વધુ મૃત્યુની નજીક લઈ જાય છે. ભૌતિકસુખોથી તો આપણામાં જે કંઈ શક્તિ છે, તે નાશ પામે છે. ત્યારે નિરંતર ઈશ્વર સ્મરણથી આપણું મન શક્તિમાન બને છે. આપણામાં સારાં સંસ્કાર કેળવાય છે. આ પ્રમાણે, મૃત્યુથી પણ પર આવવાની શક્તિ આપણે પ્રાપ્ત કરીએ છીએ. માટે, જ્યારે આયુષ્ય અને આરોગ્ય હોય ત્યારે જ, આપણી નબળાઈઓ પર વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી, આવતીકાલનો વિચાર કરીને ભયભીત થવાની જરૂર નહિ રહે અને આજની ચિંતાઓથી પણ આપણે ભયભીત થશું નહિ. અમ્માને એક કહાની યાદ આવે છે,

“એક રાજ્યમાં એવો ધારો હતો કે ત્યાં કોઈ પણ રાજા બની શકે. પાંચ વર્ષ તેઓ રાજ કરી શકે. ત્યાર પછી તેને પાસેના એક દ્વીપમાં લઈ જઈ, ત્યાં તેને મરવા માટે છોડી દેવામાં આવતો. તે દ્વીપમાં કોઈ માનવ વસતી હતી નહિ. હતા ફક્ત ભયાનક જનાવરો! ત્યાં પહોંચતા દરેક રાજાને તે જનાવરો પોતાનો ખોરાક બનાવતા. આ જાણતા હોવા છતાં, રાજસુખ ભોગવવા અને શાસનનો આનંદ માણવા ઘણા લોકો રાજા બનવાને આગળ આવતા. સિંહાસનપર ચડતી વખતે બધાને ખૂબ આનંદ થતો. પરંતુ પછી, આસ્તે આસ્તે પેલા દ્વીપના જનાવરો તેમને ચીરી ખાશેનો ભય તેમને ઘેરી લેતો. એવો કોઈ સમય જ ન રહેતો કે જ્યારે તેમના મુખપર વિશાદનો ભાવ ન હોય. કોઈ ઉત્સાહ રહેતો નહિ. સ્વાદિષ્ટ ભોજન હતું, આડંબર માટેની વસ્તુઓ હતી, નોકરચાકર હતા, નર્તકીઓનું નૃત્ય હતું. પરંતુ તેમને તેમાં કશામાં પણ રસ રહેતો નહિ. રાજા બન્યા પછીની બધી ક્ષણો તેઓ મૃત્યુને મુખાનું મુખ જોવામાં કાઢતા. સુખ અનુભવવાની ઇચ્છાથી આવેલા તેઓ, હવે પ્રત્યેક ક્ષણ દુઃખી ને દુઃખી જ રહેતા. કશામાં પણ મુક્ત હૃદયે ભાગ લઈ શકતા નહિ.

“દસમાં રાજાની મુદત પૂરી થતા, લોકો તેને ઉંચકીને પેલા દ્વીપમાં મૂકી આવ્યા. અન્ય રાજાઓની જેમ તે પણ ત્યાં રહેતા જંગલી જનાવરોનો ખોરાક બની ગયો. ત્યાર પછી, એક નવયુવક રાજા બનવાને આગળ આવ્યો. પરંતુ આ નવો રાજા પહેલાંના રાજાઓ જેવો ન હતો. રાજા બન્યા પછી તે બીજા રાજાઓની જેમ દુઃખી પણ દેખાતો ન હતો. બધા સાથે હળીમળી, તે હંમેશા હસતો રહેતો, નૃત્ય કરતો, શિકાર ખેલવા જતો, રાજ્યમાં ફરીને લોકોના કુશળક્ષેમ પૂછતો, રાજ્યનું ભરણ કરતો. હંમેશા તે આનંદમાં રહેતો!

“તેના દિવસો પણ પૂરા થવાને આવ્યા. છતાં તેના મુખના ભાવમાં કોઈ પરિવર્તન દેખાતું ન હતું. બધાને આશ્ચર્ય થયું. તેમણે પૂછયું, “તમારો દ્વીપમાં જવાનો દિવસ નજીક આવી રહ્યો છે, પણ તમને તેનું કોઈ દુઃખ હોય એવું લાગતું નથી. ત્યારે બીજા લોકો તો આમ ન હતા. જે ક્ષણે તેઓ રાજગાદી પર બેસતા કે તે સમયથી તેમને મરણની વ્યાધી રહેતી. ત્યારે તમે તો, ત્યારેય આનંદમાં હતા અને આજે પણ આનંદમાં જ છો.”

“રાજા બોલ્યા : “મારે શા માટે દુઃખી થવાનું? હું દ્વીપમાં જવા માટે તૈયાર છું. મારી ધારણા મુજબ, હવે ત્યાં કોઈ જનાવર નથી. હું જ્યારે રાજા બન્યો ત્યારે સર્વપ્રથમ હું શિકાર ખેલતા શીખ્યો હતો. પછી, સિપાહીઓ સાથે તે દ્વીપમાં જઈ, મેં બધા જ ભયાનક જનાવરોને મારી નાખ્યા હતા. જંગલો કાપી તેને કૃષિભૂમિ બનાવી, કૂવાઓ ખોદયા, મકાનો બાંધ્યા. સેવકોને નિયુક્ત કર્યા. લોકોને ત્યાં રહેવા મોકલ્યા હતા. મારે તો ફ્ક્ત ત્યાં જઈને હવે રહેવાનું જ છે. સિંહાસન વિના પણ, હું તો ત્યાં એક રાજાની જેમ જ જીવીશ. કારણ કે મને જરૂરી બધું જ ત્યાં છે.”

“પુત્ર, આપણે પણ આ રાજા જેવા બનવું જોઈએ. આ ભૌતિક સંસાર મધ્યે જીવીને આપણે આનંદનો સંસાર શોધવાનો છે. પરંતુ, આજે આપણે પહેલાંના રાજાઓ જેવા છીએ. આવતી કાલનો વિચાર કરી, વ્યાધી અને સંઘર્ષમાં જ આપણી એક એક ક્ષણ પસાર થાય છે. આમ, આજનું કર્મ પણ ધાર્યા પ્રમાણે કરી શકતા નથી. આજેય દુઃખી અને આવતી કાલે પણ દુઃખી! જીવનના અંત સુધી, આંસુ વહાવ્યા સિવાય, અન્ય કંઈ માટે સમય નથી. આથી વિપરીત, આજની એક એક ક્ષણ જાગરૂકતા સાથે વિતાવીએ, તો આવતીકાલે દુઃખી થવાનો વારો નહિ આવે. બધા દિવસો આનંદના હશે.

“બાળકો, એમ વિચારશો નહિ કે, પહેલાં ભૌતિકસુખ અનુભવી, પછી ઈશ્વરને યાદ કરીશું. ભૌતિક્તા ક્યારેય આપણને પૂર્ણ સંતૃપ્તિ આપી શકે નહિ. દૂધપાક પીતા હશું, તો થોડો પીધા પછી, બહુ થયો વધુ નહિ એમ લાગશે. પણ થોડીવાર પછી, તેનાથી પણ બેગણો પીવાનું મન થશે. માટે ક્યારેય એમ વિચારશો નહિ કે, ભૌતિક્તા અનુભવ્યા પછી જ ઈશ્વરને યાદ કરીશું! ઈંદ્રિયસુખ અનુભવીને તૃપ્તિ થશે એમ વિચારશો, તો ક્યારેય તૃપ્ત થશો નહિ. ઈચ્છાઓનો એમ કાંઈ ક્ષય થતો નથી. ઇચ્છાઓની ઉપેક્ષા કરીને જ પૂર્ણ થઈ શકો. બાળકો, ઈશ્વરને અર્પિત મનોભાવ સાથે દરેક કર્મ કરો, તો પછી મૃત્યુપર પણ વિજય મેળવી લેશું. હંમેશા આનંદ જ આનંદ હશે.”