એક ભક્ત : “આધ્યાત્મિક માર્ગમાં ઘણી ઉન્નતિ કર્યા પછી, એક કર્મયોગીના લોકસેવા અર્થે કરેલા કર્મો નહિવત્‌ થાય છે શું?”

અમ્મા : “કર્મ એમ કાંઈ નહિવત્‌ થતા નથી. આખર સુધી, કર્મ તો રહેવાનું જ.”

ભક્ત : “અમ્મા, શું શ્રેષ્ઠ છે, ભકિતયોગ કે કર્મયોગ?”

અમ્મા : “પુત્ર, ભક્તિયોગ અને કર્મયોગ, ભિન્ન નથી. વાસ્તવમાં એક યથાર્થ કર્મયોગી જ યથાર્થ ભક્ત છે, અને યથાર્થ ભક્ત જ યથાર્થ કર્મયોગી. તેમછતાં બધા કર્મો, કર્મયોગ નથી થતા. નિષ્કામભાવથી, માત્ર ઈશ્વરને અર્પિત કરેલું કર્મ જ કર્મયોગ બને છે. આ જ પ્રમાણે, મંદિરોમાં જઈ ચારવાર પ્રદક્ષિણા કરવાથી કે બંને હાથ ઉંચા કરી નમસ્કાર કરવાથી, તે ભક્તિ નથી થતી. મન ઈશ્વરમાં રહેવું જોઈએ. જે કોઈ કર્મ કરો, તેને ઈશ્વરને અર્પિત પૂજા માની, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવું જોઈએ. બધામાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરી, બધાને પ્રેમ કરી, બધાની સેવા કરવી જોઈએ. ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણ હોય, ત્યારે જ તે ભક્તિ બને છે.

“કોઈ પણ કર્મ કરતી વખતે, જે મનને પૂર્ણરૂપે ઈશ્વરમાં સ્થિર રાખે છે, તે જ યથાર્થ કર્મયોગી છે. બધામાં ઈશ્વર છે, આ મનોભાવ જ ભક્તિ છે. આથી વિપરીત, પૂજા કરતી વખતે મન જો બાહ્ય વિષયોમાં ભટકતું રહે, તો તે પૂજા, ભકિતયોગ નથી. કારણ કે, તે પછી એક બાહ્ય ક્રિયા જ છે. તેને ઈશ્વરપૂજા ન કહેવાય. પરંતુ, જો સંડાસ સાફ કરતા હો કે કચરો સાફ કરતા હો, ત્યારે મંત્રજાપ સાથે, એ મનોભાવ સાથે કાર્ય કરીએ કે આપણે ઈશ્વર માટે કાર્ય કરી રહ્યાં છીએ, તો તે ભક્તિયોગ છે, કર્મયોગ છે.

“એક ગરીબ મહિલા હતી. તે જે કોઈ કામ કરે, હંમેશા “કૃષ્ણાર્પણમસ્તુ”, એમ કહીંને જ કરતી. ઘરનું આંગણું સાફ કરી, કચરો ભેગો કરીને બાળતી વખતે, બાળકોને નવરાવતી વખતે, તેના માટે તે બધું, “કૃષ્ણાપૃણમસ્તુ” હતું. તેના ઘરને અડીને જ એક મંદિર હતું. ત્યાંના પૂજારીને આ મહિલાના હંમેશના આ, “કૃષ્ણાર્પણમસ્તુ” સ્હેજેય ગમતા નહિ. કચરો બાળતી વખતે, આ મહિલાનું “કૃષ્ણાર્પણમસ્તુ” તેનાથી સહન નહોતું થતું. અનેકવાર તે સ્ત્રીપર સખત ક્રોધ કરતો. પણ તે ક્યારેય સામું બોલતી નહિ.

“એકદિવસે તે સ્ત્રીએ પોતાના ઘરની સામે પડેલું છાણ ઉપાડીને બહાર ફેંક્યું અને ચૂક્યા વગર હંમેશની જેમ, “કૃષ્ણાર્પણમસ્તુ” બોલી. તે છાણ બાજાુના કૃષ્ણમંદિરની સામે જઈને પડયું. પૂજારી આ બધું જોઈને ઊભો હતો. ક્રોધથી તે કાંપવા લાગ્યો. તે પેલી સ્ત્રીને ઢસડીને મંદિરમાં લઈ આવ્યો અને તેની પાસે પેલું છાણ ઉંચકાવ્યું. અને પછી તેને સારો એવો માર મારી, ત્યાંથી ધક્કા મારીને ભગાડી.

“બીજે દિવસે સવારે પૂજારીના હાથમાં જાણે લકવા લાગ્યો હોય, તેમ તેનો હાથ સ્થિર બની ગયો. પોતાનો હાથ તે હલાવી શકતો ન હતો. તે ઈશ્વરને પોકારવા લાગ્યો. રાત્રે ઈશ્વર તેના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, “તું મને જે દૂધ અને ખીર ધરે છે, તેના કરતાં મારાં ભક્તે આપેલું છાણ મને વધું પ્રિય છે. તું જે કરે છે, તે પૂજા નથી. ત્યારે પેલી સ્ત્રીનું એક એક કાર્ય પૂજા છે. મારાં એવા ભક્તના હૃદયને તે દુઃખ પહોંચાડયું છે. હું તે સહન ન કરી શકું. મારાં ભક્તના પગ પકડીને માફી માગીશ, તો જ તારું આ દુંઃખ દૂર થશે.” પૂજારીને પોતે કરેલી ભૂલ સમજાઈ. તેને પેલી સ્ત્રીના પગે પડી માફી માગી. અને તેનું કષ્ટ પણ દૂર થયું.”