અમ્માનું સંભાષણ સાંભળી રહેલો એક નવયુવક કે જે પહેલી જ વાર આશ્રમ આવ્યો હતો, બધાની પાછળ બેઠો હતો. તેના મુખ પર કોઈ આદર કે સંન્માનનો ભાવ ન હતો. અમ્માએ જેવું બોલવાનું બંધ કર્યું કે, કળરીમંડપમાં કૃષ્ણભાવમાં અમ્માનું એક ચિત્ર જે લાગેલું હતું, તેને ઉદ્દેશીને કોઈ પણ પ્રકારના વિનય વિના તેણે પૂછયું, “આ મોરપિંછ અને મુગુટ ધારણ કરીને ઊભેલા તમે જ છો ને?વેશ કાઢીને, આ નાટક નથી તો બીજું શું છે?”

અમ્મા : “પુત્ર, તું કેવી રીતે જાણી શકે, કે આ સંસાર જ એક નાટક નથી? બધા જ લોકો જાણ્યે અજાણ્યે એક નાટક જ તો ખેલી રહ્યાં છે. આ નાટકમાં રહી, આંખ ખોલવા માટેનું આ એક બીજાું નાટક છે. અન્ય લોકોના અજ્ઞાનને દૂર કરવા માટેનું આ નાટક છે.”

થોડીવાર અટકીને, અમ્માએ તે યુવકને પૂછયું, “પુત્ર, તું જ્યારે જન્મ્યો ત્યારે નગ્ન હતો. તારું સાચું સ્વરૂપ તો નગ્નતા છે, પછી શા માટે તેં વસ્ત્રો પહેર્યા છે?”

યુવક : “હું સમૂહમાં જીવું છું. સમાજની મર્યાદાનું મારે પાલન કરવું જ જોઈએ, અન્યાથા સમાજ મારી નિંદા કરશે.”

અમ્મા : “તેનો અર્થ એમ થયો કે, પુત્ર, તું સમાજને ખાતર વસ્ત્ર ધારણ કરે છે. અમ્માનો વેશ પણ તે જ સમૂહ માટે છે. પુત્ર, વિરલ જ કોઈ એવા હોય છે, જે જ્ઞાનમાર્ગ દ્વારા લક્ષ્ય પર પહોંચે છે. બાકી લોકોને અમ્મા નકારી શકે નહિ. તેમના માટે ભક્તિમાર્ગ ગુણકારક છે. શ્રી શંકરાચાર્ય અદ્વૈતવાદી હોવાં છતાં, શું તેમણે મંદિરોની પ્રતિષ્ઠા ન કરી? ઈશ્વરને ચૈતન્ય તરીકે બતાવનાર, શું તેમણે પથ્થરમાં પણ ઈશ્વરને ન દેખાડયા? શું દેવીના સ્વરૂપનું વર્ણન કરી, સૌંદર્ય લહરીની તેમણે રચના ન કરી? બ્રહ્મસૂત્રના રચનારા એવા વ્યાસ મુનીએ, શું ભાગવતની રચના ન કરી? તેમણે જોયું કે સામાન્ય બુદ્ધિવાળા લોકો અદ્વૈત કે વેદાંતના તત્વને પચાવી શકે નહિ, માટે તેમણે લોકોમાં ભક્તિ વિકસાવવા પ્રયત્ન કર્યો હતો.

“પુત્ર, અમ્માનું સાચું સ્વરૂપ અને સ્વભાવ શું છે, તે તેઓ પોતે સારી રીતે જાણે છે. પરંતુ, આજે લોકોને તે પરમ તત્વ સુધી પહોંચવા માટે કોઈ સાધન આવશ્યક છે. તેમનામાં વિશ્વાસ અને ભાવનાઓ વિકસાવવા ઈશ્વર સ્વરૂપ જરૂરી છે. મરઘીને પકડવા માટે, તેની પાછળ દોડવા કરતાં તેને થોડો ખોરાક બતાડવો ઉત્તમ છે. ખોરાક જોતાં, તેને મેળવવા તે નજીક આવે ત્યારે તેને પકડી શકાય. સાધારણ લોકોને આધ્યાત્મિકતાની ઉંચાઈઓપર લઈ આવવા હોય તો, સર્વપ્રથમ આપણે તેમના સ્તર પર નીચે ઉતરવું જોઈએ. તેમના મન, નામ અને રૂપોના સ્તરપર હોય છે. માટે વેશ દ્વારા તેમના મનને ઉપર ઉઠાવી શકાય. તમે વકીલ અને પોલિસને તેમના ભિન્ન વેશમાં જોયા હશે. પોલિસ તેની વર્દીમાં આવીને ઊભો રહે એટલી વાર, લોકોમાં સહજ નિયંત્રણ આવી જશે. પણ તે જો સાધારણ વેશમાં આવે તો? માટે જ, વેશ અને અલંકારનું ખાસ મહત્વ છે.”

“મૂર્તિમાં પથ્થર, કુંડળમાં સ્વર્ણ, ખુરસીમાં લાકડું, આ બધાના આધારમાં રહેલા તત્વને જે જાુએ છે, તેને આ બધાની આવશ્યકતા નહિ હોય. તેમણે અદ્વૈત દ્રષ્ટિ પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ બધા જ, તે અવસ્થાને પ્રાપ્ત નથી થયા. તેમને ત્યાં પહોંચાડવા માટે, આજે આ બધું જરૂરી છે.”

યુવકે પછી કોઈ પ્રશ્ન પૂછયો નહિ. અમ્માના ઉત્તરથી તેને સંતોષ થયો હોય એમ લાગતું હતું. અમ્મા આંખ બંધ કરી, ધ્યાનમગ્ન થયા. થોડો સમય આમ જ પસાર થયો. પછી અમ્માએ ફરી આંખો ખોલી.