મૂલ્યો અને પ્રૌદ્યોગિક વિદ્યાનો સમન્વય – આ શતાબ્દી માટે સહુથી મોટો પડકાર છે  – શ્રી માતા અમૃતાનંદમયી દેવી

૫૭માં જન્મદિનોત્સવ અનુગ્રહ સંબોધન
૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦, અમૃતપુરી

૫૭માં જન્મદિનોત્સવની ઉજવણીને સંબંધિત પોતાના અનુગ્રહ સંબોધનમાં અમ્માએ કહ્યું હતું,

વૈશ્વિક લક્ષ્યોને હાંસલ કરવામાં આપણે સફળ નથી થયા. એટલું જ નહિ, અનેક વિભાગોમાંની સ્થિતિ અત્યંત દયનીય છે.

બધાને એવી આશા હતી કે, ગ્લોબલાઇસેશન થકી ભિન્ન રાષ્ટ્રો વધુ નજીક આવશે, દારિદ્રયની પકડમાં રહેલા રાષ્ટ્રો, તેમાંથી મુક્ત થશે. લોકોનું સ્વાસ્થ્ય અને વિદ્યાભ્યાસના સ્તરમાં વૃદ્ધી થશે. પ્રકૃતિસંરક્ષણમાં સુધારો થશે, પરંતુ આમાંનું કંઈ જ હાથ આવ્યું નહિ.

બાહ્ય ઘટકોને એક કરી આપણે આ વિશ્વને એક ગ્રામમાં સંકુચિત કર્યું. પરંતુ, આંતરિક ઘટકો, જેમ કે આપણી બુદ્ધી અને હૃદયને એક કરવા પ્રત્યે આપણે ખાસ ધ્યાન આપ્યું નહિ.આ જ આપણા પરાજયનું કારણ છે.

જન સંખ્યામાં વૃદ્ધી થવા માત્રથી તે સંસાર નથી થતો, સમૂહ નથી બનતો. તે માટે સદ્ભાવના અને કરુણા ધરાવતા મનુષ્યો પણ તેમાં હોવા જોઈએ. મનુષ્યે મનુષ્યને પ્રેમ કરવાને થવું જોઈએ. આ સાથે પ્રકૃતિને પણ પ્રેમ કરવાને થવું જોઈએ.

સગી માની જેમ પ્રકૃતિની રક્ષા કરવી, આપણી ફરજ છે. આ યથાર્થ્ય પ્રત્યે આપણે આંખ મિચામણાં ન કરી શકીએ. આપણા પૂર્વજો પાસેથી ભેટમાં મળેલો આ લોક કેટલો મનોહર છે.શું તેને તદ્ન અસ્ત વ્યસ્ત કરી, આપણે તે ભાવિ પેઢીને આપવા જઈ રહ્યાં છીએ?

આપણામાં આ બોધ હોવો જોઈએ કે, નદી અને સમુદ્રને મલિન કરવા, એ તો આપણા પોતાના લોહીમાં વિષ ઘોળવા જેવું છે. પૃથ્વી, આકાશ અને પાણીને આપણે મલિન કરીશું, તો તેથી આપણી જ વેદનામાં વૃદ્ધિ થશે.

આજે કેટલા યુવકો મદીરા અને નશીલી દવાઓના ગુલામ બની ગયા છે. આ કારણસર, આજે જીવનમાં કહેવાતો એવો “યૌવન” કાળ, નાશ પામી રહ્યો છે. મનુષ્ય બાલ્યાવસ્થામાંથી સીધો વૃદ્ધાવસ્થામાં વિકસી રહ્યો છે. ઈશ્વરમાં પરિવર્તિત થવાની ક્ષમતા ધરાવતા મનુષ્યને, મદ્યપાન અને નશીલી દવાઓ શૈતાનમાં પરિવર્તિત કરે છે. આથી ભયાનક અન્ય કોઈ વિષ નથી. બાળકો, આ સત્યને કયારેય ભૂલશો નહિ.

આજે ટેકનોલોજી (પ્રૌદ્યોગિક વિજ્ઞાન)માં આપણે ઘણો વિકાસ કર્યો હોવાથી આપણા જીવનનું સ્તર પણ વધું ઉંચુ થયું છે, એમ આપણે માનીએ છીએ. પરંતુ, તે વિદ્યાનો ઉચિત રીતે ઉપયોગ કરવા માટે આવશ્યક માનસિક પરિપકવતા પણ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. અન્યથા તે ખતરનાક પૂરવાર થશે.

આપણે વ્યક્તિને પ્રેમ કરી, વસ્તુનો ઉપયોગ કરવાનો હતો.આમ ન કરતા, આપણે વ્યક્તિનો ઉપયોગ કરીએ છીએ અને વસ્તુને પ્રેમ કરીએ છીએ. આથી કુટુંબો તૂટવા લાગ્યા છે, સમૂહના તાલ-લય નાશ પામી રહ્યાં છે.

આધ્યત્મિકતા તો જીવનમાં ઉતારવાના મૂલ્યો છે. આ મૂલ્યો અને પ્રૌદ્યોગિક વિદ્યાના સમન્વય દ્વારા જ મનુષ્ય યોગ્ય વિકાસ અને પ્રગતિ કરી શકે. આને કેવી રીતે સિદ્ધ કરવું, તે જ આ શતાબ્દિનો સહુથી મોટો પડકાર છે.

આધ્યાત્મિકતા કયારેય વિજ્ઞાન વિરૂદ્ધ નથી. આથી વિપરીત, એ તો આત્યંતિક વિજ્ઞાન છે.
આધ્યાત્મિકતા વિનાનું વિજ્ઞાન અંધ છે. વિજ્ઞાન વિનાની આધ્યાત્મિકતા અપંગ છે.
ભારતના ઋષિઓએ જ્ઞાનને વેદ કહ્યાં હતા. તેમણે આ આત્મતત્વને જ્ઞાનનો અંત, એ અર્થમાં વેદાંત, એમ કહ્યું હતું. પરંતુ, આ જ્ઞાન સંસાર કે સાંસારિક જીવનનો નિષેધ કરતું નથીં. આથી વિપરીત, એ તો સંસારમાં સુખદુઃખ મધ્યે રહી, સર્વથી અતીત એવી શાંતિ અને આનંદ અનુભવવાનો માર્ગ ઉપદેશિત કરે છે.

પૈસો, નામ, પ્રશસ્ત પ્રાપ્ત કરવા આપણે કંઈ પણ કરવાને તૈયાર હશું. કેટલાક લોકોનું માનવું છે કે, આધ્યાત્મિકતા આની વિરૂદ્ધ છે. ઘણા લોકો આધ્યત્મિકતાને આ પ્રમાણે મુદ્રાંકિત કરે છે કે, આધ્યાત્મિકતા તો આ બધાથી દૂર રહેવાનું છે. આધ્યાત્મિકતા ધન કે કીર્તિની વિરૂદ્ધ નથી. તેની પ્રાપ્તિ અવરોધ પણ નથી. પરંતુ, તે માટે અપનાવવાનો માર્ગ ધાર્મિક હોવો જોઈએ, એમ આધ્યાત્મિક આચાર્યોએ કહ્યું છે.

આ સંસારનું ભૌતિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, તેમજ વિજ્ઞાનને ભેગા કરી, તેને એક મહાનદીમાં પરિવર્તિત કરીએ. માનવજાતિને જીવન જળ પ્રદાન કરતી તે એક ઉત્કૃષ્ટ સંસ્કારની પુષ્પવાટિકાનું સર્જન કરે.

એમ અમ્માએ તેમના અનુગ્રહ સંબોધનમાં કહ્યું હતું.

(૨૦૧૦ – અમ્માના ૫૭માં જન્મદિવસ સંદેશ પર આધારિત)