વિશ્વનો સહુથી મોટો દરિદ્ર હોય, પણ તેનામાં જો સંતૃપ્તિ હશે, તો તે જ ધનવાન છે. ધનિક હોય અને સંતૃપ્ત ન હોય તો તે જ દરિદ્ર છે. માટે, અંતરમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો.
એક જ માના ગર્ભમાંથી જન્મેલ બે બાળકો, એક કલેકટર થયો અને બીજો ક્લાર્ક બન્યો. જે કલાર્ક બન્યો, તે જો એમ વિચારીને દુઃખી થાય કે, પોતે તો ફક્ત એક કલાર્ક જ બની શકયો, તો તેથી કોઈ પ્રયોજન ખરું? આમ ન કરતા, તે જો કાળજીપૂર્વક પોતાનું કામ કરે, તો પ્રોમોશન મેળવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી શકે. હંમેશા ઉપરી તરફ જોતા રહીએ, તો દુઃખ જ સાંપડશે. પોતાનાથી નીચે કામ કરનારા કેટલાય લોકો હોય છે. શા માટે આપણે તેમનો વિચાર નથી કરતા. વિવેકપૂર્વક વિચાર કરીએ, તો કોઈ પણ પરિસ્થતિમાં સંતૃપ્ત રહેવું શકય છે. આથી આપણને શાંતિ અને સમાધાનથી જીવી શકીએ. વિકસી શકીએ.
એક વખત એક માણસને, ઘણા દિવસો સુધી રાહ જોયા પછી, નોકરી માટે ઈંટરવ્યુંમાં બોલાવવામાં આવ્યો. ઈંટરવ્યુંમાં જવા છતાં તેને નોકરી મળી નહિ. નિરાશ બની તે કોઈ એકાંત સ્થળમાં દાઢી નીચે હાથ રાખી, દૂર નજર કરીને બેઠો હતો. ત્યારે પાછળથી કોઈ આવ્યું અને તેના ખભા પર ટકોરા માર્યા.
પાછળ ફરીને જોયું તો કાળા ચશ્મા પહેરેલો એક બાળક ત્યાં ઊભો હતો. પોતે આમ જયારે એકાંતમાં બેઠો હતો, ત્યારે આવીને તેને પજવવા બદલ તે બાળક પર ક્રોધ તો આવ્યો, પણ તેણે તે બહાર દેખાડયો નહિ. તેણે બાળકને પૂછયું, શા માટે તેને બોલાવ્યો હતો. મૂરઝાયેલું એક ફૂલ તેના હાથમાં આપતા બાળકે કહ્યું, “જૂઓ, આ ફૂલ કેટલું સુંદર છે!” તે મૂરઝાયેલ જંગલી ફૂલને દેખતા ચીડ ચડી પણ તેને અંદર દબાવી, તેણે કહ્યું, “હા, બહુ જ સુંદર પુષ્પ છે.” બાળકે આગળ કહ્યું, “જૂઓ, આ ફૂલ કેવું સુગંધિત છે.” બાળકના આ અવિરત વાર્તાલાપથી તેની ચીડમાં વૃદ્ધી જ થઈ. “આ છોકરાને શું થયું છે, શું તે પાગલ છે? જંગલી ફૂલમાં વળી કેવી સુગંધ ને કેવી વાત.” મનમાં આ પ્રમાણે વિચાર તો આવ્યો, પરંતુ, કેમ પણ કરી તે છોકરાથી છૂટકારો મેળવવા તેણે કહ્યું, “હા, તું સાચું કહે છે. સરસ સુગંધ છે, ફૂલ પણ સુંદર છે.” આ સાંભળતા સંતોષથી ઉછળતા તે બાળકે કહ્યું, “આ હું તમારા માટે જ લઈ આવ્યો છું. તમે આ રાખો. તમને ઈશ્વરના આશીર્વાદ મળશે !” આટલું કહીં તે બાળકે હૃદયસભર સ્મિત કર્યું. તે સ્મિતને દેખતા, પેલા યુવકનું ભારી મન ઘણું હળવું થયું. તેણે તે બાળકનો આભાર માન્યો. તે બાળક પાછો ફર્યો.
જમીનમાં કંઈક ઠોકવાનો અવાજ સંભળાતા, તે યુવકે પાછળ ફરીને જોયું. તેણે જોયું કે તે બાળક પોતાના હાથમાંની લાકડીને જમીનમાં ઠોકીને જઈ રહ્યો હતો. ત્યારે તેને જ્ઞાન થયું કે, તે બાળક આંખે અંધ હતો. તે જ ક્ષણે તેને આ અનુભૂતી થઈ કે, પોતાના હાથમાં રહેલું પુષ્પ તો વિશ્વનું સહુથી મનોહર પુષ્પ છે.
તે દોડીને બાળક પાસે ગયો. આંખમાંથી દડ દડ વહેતા આંસુ સાથે. તેણે કહ્યું, “આ કોઈ મૂરઝાયેલું ફૂલ નથી. આ તો તારાં હૃદયમાં ખીલેલું પુષ્પ છે.” તેણે તે પુષ્પમાં પેલા બાળકના નિષ્કલંક હૃદયનું સૌંદર્ય અને સુવાસ પ્રસરતા અનુભવ્યા.
તે વિચારવા લાગ્યો – કામ ન મળતા, પોતે કેટલો દુઃખી હતો. તે પોતાના જીવનનો અંત આણવાનો વિચાર કરતો હતો. ત્યારે આ બાળક, તે બંને આંખે અંધ હોવા છતાં, કેટલો સંતુષ્ટ છે. એટલું જ નહિ, બીજા લોકોને પણ તે કેટલો આનંદ અને સંતોષ આપે છે.
અન્ય લોકોમાં આવો ભાવ વિકસાવવાને આપણાથી પણ થવું જોઈએ.
આપણું દુઃખ અન્ય કેટલાક લોકોના દુઃખોની તુલનામાં કયાંય તુચ્છ છે. આ જો આપણે સમજીએ, તો પછી કોઈપણ પરિસ્થતિમાં આપણે સંતોષપૂર્વક જીવી શકીશું.
જીવનમાં આનંદ અનુભવવા, આજે આપણા માર્ગમાં જે મોટો અંતરાય છે, તે આપણા માટેની આપણી પોતાની વિચાર ધારણા જ છે. આજે સ્વયંને વિસરી અન્યને પ્રેમ કરવાને આપણાથી નથી થતું. “મને જ બધું જ મળવું જોઈએ,” “બધું મારે લેવું છે” – આજે લોકોનો આ મનોભાવ છે. આ અહંકારનો ત્યાગ ન કરીએ, તો જીવનનો આનંદ અનુભવવાને થાય જ નહિ. જેને આંખ નથી, તેનામાં જો પ્રેમભર્યું હૃદય હશે, તો કેમ પણ કરીને તેમને દોરી જવાશે. પણ, જેને હૃદયનો અંધાપો આવ્યો હોય, તેમને દોરી જવા મૂશ્કેલ છે. અહમ્ દ્વારા નિર્મિત અંધાપો, આપણને ખાડામાં જ ધકેલે છે. આ અજ્ઞાનના કારણે, જાગતા હોવા છતાં આપણે નિદ્રાવસ્થામાં જ છીએ. આ અહંકારથી પર આવીએ, તો ત્યારે આપણે સ્વયં આ સંસારને અર્પિત વસ્તુમાં પરિવર્તિત થઈએ છીએ. અહંકારનો અંધાપો જેને લાગ્યો હોય, તે કયારેય સંસારના સૌંદર્યનો આનંદ માણી શકે નહિ.
જન્મથી, જીવન રીતથી, પરિસ્થતિથી મનુષ્યો વચ્ચે ભેદભાવ વિકસી શકે. પરંતુ, મરણ તો બધાને સર્વસામાન્ય છે. જેઓ અહંકારથી પર આવ્યા છે, તેઓ મરણમાં પણ મૃત્યુ પામતા નથી.
(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)