બાળકો, આજે આપણે અનેક બાબતોનો વિચાર કરી દુઃખી થઈએ છીએ. હાથમાં વાગ્યું હોય અને તે ઘાવને જોઈ દુઃખી થઈ બેઠા રહેવાથી, કે રડવાથી ઘાવમાં રૂઝ આવતી નથી. ઉલ્ટાનો તેમાં ચેપ જ લાગે છે. માટે, તે ઘાવને ધોઈ, તેમાં દવા લગાડવી જોઈએ. અનેક કાર્યો વિષે અનાવશ્યક ચિંતા કરી, મનના ટેંશનમાં વૃદ્ધિ કરવી, આ આપણો સ્વભાવ બની ગયો છે. ટેંશન આપણા મન અને શરીરને કેટલું અસ્વસ્થ કરે છે, તે આપણે સમજવું જોઈએ. ઘણાખરા રોગોનું કારણ પણ આ ટેંશન છે.

આ ટેંશનમાંથી મુકત કેવળ શરણાગતિ દ્વારા જ શક્ય છે. ઈશ્વરમાં સમર્પણ, આપણા સઘળા ભારોનો બોજ હળવો કરશે. વાસ્તવમાં, આપણી ઇચ્છાનુસાર કંઈ જ નથી બનતું. આગલા શ્વાસ પણ આપણી સાથે હશે, તેની કોઈ ખાતરી નથી. માટે જ, આપણે તો ફક્ત્ત, સર્વકાંઈ તે ઈશ્વરમાં સમર્પિત કરી, કર્મ કરી શકીએ. આ જ આપણા હાથમાં છે. પરંતુ, “મેં કર્યું”નો ભાવ તેમાં ન હોવો જોઈએ. “એ તો તેની જ શક્તિ છે, જે દ્વારા આપણે કર્મ કરી શકીએ છીએ,” આ પ્રકારનો ભાવ કેળવવો જોઈએ. દરેક કર્મ ઈશ્વરની પૂજા માની કરવું જોઈએ. આ પ્રકારનો સમર્પણનો ભાવ આપણે વિકસાવવાનો છે.

ઈશ્વર તો સહુમાં અંતરયામી બની વાસ કરે છે. તેઓ પ્રતિક્ષણ આપણી સાથે પ્રેમપૂર્વક મૃદુતાથી, અત્યંત સરળતાથી વાતો કરી રહ્યાં છે. પરંતુ, તેને કાન આપવા જેટલી ધીરજ આપણામાં નથી. તે સાંભળવા માટેના કાન પણ આપણી પાસે નથી. આ જ કારણસર આપણે પૂનઃ પૂનઃ ભૂલ કરીએ છીએ અને દુઃખ અનુભવિએ છીએ. તેમના તે વચનોને સાંભળવા, તેને અનુસરવા માટે આવશ્યક શિષ્યભાવ આપણામાં જગાડવો જોઈએ. આપણામાં જયારે આ શિષ્યભાવ જાગશે, તેમનું અનુસરણ કરવા શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, વિનયપૂર્વક આપણે તેમની સમીપ જઇશું, ત્યારે તેઓ ગુરુભાવ ધારણ કરી આપણને માર્ગ દર્શિત કરવા તૈયાર થશે.

અર્જુન અને કૃષ્ણ, હંમેશા સાથે રહેતા મિત્રો હતા. પરંતુ, તે સમયે ભગવાને અર્જુનને ગીતાથી ઉપદેશિત કર્યો ન હતો. અર્જુનમાં જયારે શિષ્યનો ભાવ જાગૃત થયો, ત્યારે ભગવાને તેને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. માટે, આપણી અંદર આપણે શિષ્યભાવ જગાડવો જોઈએ. શિષ્યભાવ એટલે શરણાગતિનો ભાવ, સમર્પણનો ભાવ. ત્યારે પછી આ દુનિયાનું બધું જ આપણા ગુરુમાં પરિવર્તિત થાય છે. પ્રત્યેક અનુભવ ગુરુ બની રહેશે. આ એક ભાવ જો ન હોય, તો પછી ભલે અનેક અનુભવો આપણને થાય, પરંતુ, તેમાંથી આપણે એક પાઠ પણ નહિ શીખીએ.

સમર્પણ વિષે વિચાર કરતા, રાધાની એક કથા સ્મરણમાં આવે છે. ભગવાન વૃંદાવનથી મથુરા ગયા, ત્યારે ગોપીઓ કે રાધાને, કોઈને પોતાની સાથે લઈ ગયા ન હતા. આથી તેઓ બધી બહુ દુઃખી હતી. આ સમયે મથુરાથી વૃંદાવન આવેલ ઉદ્ધવે રાધાને પૂછયું, “ભગવાને વૃંદાવન પાછા આવવું અથવા ગોપીઓને મથુરા લઈ જવી, તેવા સંદેશાઓ ગોપીઓએ ભગવાનને મોકલ્યા છે. ફક્ત રાધાએ એવો કોઈ સંદેશ પાઠવ્યો હોય એવું જણાતું નથી. આમ કેમ?”

રાધા બોલી, “ઘરેથી જયારે ગૃહપતિ બહાર કયાંય જાય, ત્યારે ઘરે કામ કરનારાઓને કદાચ સાથે લઈ જાય અથવા ન પણ લઈ જાય. જો ન લઈ જાય તો સેવક શું કરશે? ઘર અને ઘરનો આસપાસનો વિસ્તાર સાફ સૂથરો રાખી, તેને સોંપવામાં આવેલું કામ બધું કરી, તે તેમની રાહ જોશે. હું ભગવાનની દાસી છું. મને સાથે લઈ જવાનો કે ન લઈ જવાનો અધિકાર કેવળ એક ભગવાનને છે. તેઓ જો મને સાથે લઈ ગયા હોત, તો તેથી અધિક સંતોષદાયક મને અન્ય કંઈ જ ન હોત. અને ન લઈ જાય તો દુઃખી થઈને હું તૂટી નહિ પડું. હું મારા હૃદય મંદિરને સાફ સૂથરું રાખી, પ્રેમરૂપિ દીવડાને પ્રજવલિત કરી, તેમની રાહ જોઈશ. એક દાસી તરીકે આ જ મારું કર્તવ્ય બને છે. આ જ કારણસર, ભગવાનને મેં કોઈ ખાસ સંદેશ પાઠવ્યો નથી.”

આ એક મનોભાવ આપણે ઈશ્વર માટે વિકસાવવો જોઈએ. દાસ ભાવ, એ તો એક ઉત્તમ ભકતનો ભાવ છે. શરણાગતિના આ મનોભાવ સાથે આપણે આત્મતત્વને પ્રાપ્ત કરી શકીએ.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)