બાળકો, કેવળ ઈશ્વરની સ્તુતિ કરનારા કરતાં તે તત્વને જાણી, તે અનુસાર જીવનારા ઈશ્વરકૃપાને પાત્ર છે. તેમના જીવનમાં જ પ્રાપ્તિ છે.
એક ધનિકને બે સેવકો હતા. એક હંમેશા તેમની પાછળ, “શેઠ… શેઠ…” કહી ફરતો રહેતો. તે હંમેશા શેઠના ગુણગાન ગાતો. પણ કયારેય કોઈ કામ કરતો નહિ. ત્યારે બીજો સેવક, કયારેય માલિકની નજીક આવતો નહિ. તે તો હંમેશા શેઠે સોંપેલું કામ કરવામાં જ વ્યસ્ત રહેતો. તેનું બધું ધ્યાન તેને સોંપેલા કામમાં જ રહેતું. આહાર અને નિદ્રાનો ત્યાગ કરી તે પોતાના માલિકનું કામ કરતો. અહીં શેઠને કોના પર પ્રેમ હશે. રામ… રામ… એમ સતત પોકાર કરનાર કરતાં રામના નિર્દેશાનુસાર જે જીવન જીવે છે, તેને રામની કૃપા પ્રાપ્ત થાય છે. ઈશ્વર તો તેમને જ વધુ પ્રેમ કરે છે, જે તપ અને નિષ્કામ સેવા કરે છે. આનો અર્થ એમ નથી થતો કે, ઈશ્વરને પોકારવા નહિ. સારા કર્મો કરી ઈશ્વરને પોકારવા, ફળદાયી હશે. આથી વિપરીત ભલે ગમે તેટલો નામજાપ કરીએ, પરંતુ જો દુષ્કર્મ જ કરતા હશું, તો નામજાપ દ્વારા જે સારું ફળ પ્રાપ્ત થાય છે, તે નાશ પામે છે. તે આપણા સારા સંસ્કારનો નાશ કરે છે.
લોકો મંદિરમાં જશે, ત્રણવાર પ્રદક્ષિણા કરશે. જે પગથી મંદિરની પ્રદક્ષિણા કરે છે, તે જ પગેથી પ્રવેશદ્વાર પર ઊભેલા યાચકને “હટ અહીંથી..” કહી લાત મારી ભગાડે છે. બાળકો, આ ભક્તિ નથી થતી. ગરીબો માટેની કરુણા, એ જ ઈશ્વર પ્રત્યેનું આપણું કર્તવ્ય છે.
બાળકો, તમે સારા કર્મો કરો અને સાથે દુષ્કર્મ પણ. આથી સત્કર્મ દ્વારા પ્રાપ્ત ફળ નાશ પામે છે. એક બાજું ખાંડની ઢગલી રાખો અને બીજી બાજુ કીડીનું દર, ખાંડનો નાશ કરવા આથી વધુ બીજું શું જોઈએ? સત્કર્મ સાથે જો થોડો નામજાપ કરો, તો એ પર્યાપ્ત છે. તેનું ફળ ચોક્કસ મળશે. આ દિવસભર નામજાપ કરવાને તુલ્ય છે.
સદ્ વિચાર અને સત્કર્મ દ્વારા આપણું જીવન ધન્ય બને છે. આ એટલું કઠિન કાર્ય નથી. બધામાં સારું જ જોવાનો પ્રયત્ન કરો. કોઈની ઈર્ષા કરવી નહિ, સાદગીભર્યું જીવન જીવવું. વર્ષમાં દસ સાડી ખરીદતા હો, તો તેમાં ત્રણ ઓછી કરો. પછી પાંચ આ પ્રમાણે અનાવશ્યક જે કંઈ ખરીદતા હો, તેમાં ઘટાડો કરી ફકત જરૂર પૂરતું જ ખરીદો. જરૂર કરતાં વધું ખરીદવા પાછળ જે રકમ ખરચ કરતા હતા, તે રકમનો ઉપયોગ સારા કાર્યો માટે કરી શકો. ફીસ ભરવાને ન થતા, કેટલાક વિદ્યાર્થીઓએ સ્કૂલે જવાનું બંધ કરવું પડે છે. આવા વિદ્યાર્થીઓને સહાય કરી શકો. સમાજ માટે એટલો તો ઉપકાર આપણે કરી શકીએ. આવા લોકોનો મંત્રજાપ ઈશ્વરને અતિપ્રિય છે. કારણ કે, એ તો સારા કર્મો જ ઈશ્વર તરફનો માર્ગ છે.
તમે પૂછી શકો કે, અજામિલે એક જ વાર, “નારાયણ” એમ પોકારતાની સાથે તેને મોક્ષ મળ્યો ન હતો? તે એક પોકારથી અજામિલ ભગવાનને પામ્યા ન હતા. તેમણે કયારેય કરેલું કોઈ સારા કર્મનું તે ફળ હતું. જીવનમાં કયારેય કોઈ સત્કર્મ ન કરતા, બીજાને ત્રાસ આપવા માટે જીવતો એક દુકાનદાર હતો. અજામિલની કથા વાંચી તેણે પોતાના બધા બાળકોને ભગવાનના નામો આપ્યા હતા.જેથી મરણ સમયે બાળકોના નામ પોકારી તે મોક્ષ પ્રાપ્ત કરી શકે. તેની છેવટની ઘડીએ બધા જ બાળકો તેની પથારીને વિંટળાયને ઊભા હતા. તેણે આંખ ખોલી બધા પર નજર કરી. બધા બાળકો તેની પાસે હતા. દુકાને જનારા બાળકો પણ ત્યાં હતા. તેમને જોઈ ચિંતા થતા. તે બોલી ઊઠયો, “આ શું, દુકાનમાં કોણ છે?” આટલું કહેતા તેણે પ્રાણ છોડી દીધા. જીવનમાં કયારેય તેણે એકવાર પણ ઈશ્વરનું સ્મરણ કર્યું ન હતું. જે આમ વિચારે કે, છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ, મોક્ષ પ્રાપ્ત કરીશ, તેની ગતિ આ જ હોય છે. જીવનભર જે કર્મ કર્યા હોય, તે અનુસાર હોય છે મરણ સમયે હરેકના વિચાર. આ કર્મો જ તેના અંત સમયના વિચારના કારણ હોય છે. સત્કર્મ કરી જીવન જીવીએ તો અંતિમ સમયે મનમાં સદ્ વિચાર જ હોય છે.
ગૃહસ્થાશ્રમી મંત્રજાપ સાથે જે નિઃસ્વાર્થ સેવા કરે છે, તેનું ફળ તપસ્વીઓના તપને તુલ્ય છે. તપસ્વી વિધ વિધ દિશાઓમાં ભટકતા મનને ધ્યાન દ્વારા એકાગ્ર કરે છે. જે લોકો તત્વને જાણી જીવન જીવે છે, આ પ્રમાણે પ્રાપ્ત કરેલી શક્તિ સંસારને સમર્પિત કરે છે. દિવસભર ધ્યાન જપ વગેરે.. માટે જેને સમય નથી મળતો, તેવા ગૃહસ્થાશ્રમીઓને ગુરુ લોક સેવાનો માર્ગ નિર્દેશિત કરે છે. તેમની સેવા જોઈ, હૃદય પિગળતા ગુરુની કૃપા તેમના પર થાય છે અને તેઓ મુક્તિ પ્રાપ્ત કરે છે.
સદ્ગુરુ કાચબા જેવા છે. કાચબો પોતાની વિચાર શક્તિથી તેના ઈંડા સેવે છે. આ જ પ્રમાણે, ગુરુ પોતાના વિચાર થકી શિષ્યને સાક્ષત્કાર પ્રદાન કરે છે. નિષ્કામ સેવા દ્વારા, જે પ્રાપ્ત થાય છે, તે તપ દ્વારા થતી પ્રાપ્તિથી સ્હેજેય ઉતરતી નથી હોતી. આનો અર્થ એમ નથી થતો કે, આપણે ઈશ્વરને પ્રાર્થના નહિ કરવાની. આનો અર્થ છે કે, આપણી પ્રાર્થના સત્કર્મ સાથેની હોવી જોઈએ. ખોખલી પ્રાર્થના ઈશ્વરના કાનમાં નથી પડતી. તેની કરુણા નથી મળતી.
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવાને કહ્યું હતું. તેમણે એમ નહોતું કહ્યું કે, “હું આ બધાનો સંહાર કરી, તારી રક્ષા કરીશ. તારે કંઈ કરવાની જરૂર નથી. તું એમનેમ બેઠો રહે,” એમ ભગવાને નહોતું કહ્યું. ભગવાને તો કહ્યું હતું કે, “અજુન તું યુદ્ધ કર, હું તારી સાથે જ છું.” આપણા પ્રયત્નની આવશ્યકતાનું મહત્વ અહીં સ્પષ્ટ થાય છે.