બાળકો, કોઈ પણ પરિસ્થતિનો આપણે કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ, તેમાં તપનો ગુણ પ્રકાશિત થાય છે. પ્રતિકૂળ પરિસ્થતિમાં પણ હિમ્મત હાર્યા વિના કે અચકાયા વિના આગળ વધવું જોઈએ. અહીં જ સાચી મહાનતા રહેલી છે. ધ્યાનમાં બેસો ત્યાં સુધી શાંતિ અને ધ્યાનમાંથી બહાર આવો કે અશાંતિ, આ સાધક સાથે સુસંગત નથી. કોઈ પણ હાર્મોનિયમ વિના એકલા ગાઈ શકે છે. પરંતુ, હાર્મોનિયમની સાથે તાલને અનુસરીને ગાઈએ, ત્યારે વ્યક્તિની શ્રુતિ નિશ્ચય કરવાની ક્ષમતાને જાણી શકાય. આજ પ્રમાણે, કોઈ પણ સંજોગોમાં મનનો તાળ-લય ન ગુમાવતા જે તેની શ્રુતિને જાળવી રાખે છે, તે સાધકની સાચી શ્રુતિ નિશ્ચયાત્મકતા સૂચવે છે. તે જ યથાર્થ તપ છે. ક્રોધ આવે એવા સંજોગોમાં, ક્રોધને આધીન ન થતા, તેને નિયંત્રણમાં રાખવો જોઈએ. આથી વિપરીત સંજોગોને આધીન થઈ ક્રોધ કરવો, એ આધ્યાત્મિક લોકોને કયારેય છાજે નહિ.
હિમાલયની નજીક એક ગામમાં એક લુહાર રહેતો હતો. તે લોઢાના સળિયાને પોતાની દુકાન પાસે આવેલા પથ્થર પર મારી, વાળતો હતો. એક દિવસ તે જયારે આ પથ્થર પાસે ગયો, ત્યારે ત્યાં તેણે એક અજગરને જોયો. બીજે દિવસે પણ તે અજગર ત્યાં જ હતો. ઠંડીના કારણે હલ્યા વિના ત્યાં સ્થિર બની સૂતો હતો. તેના શરીરનો સ્પર્શ કર્યો, છતાં તે હલ્યો નહિ. તેના પર દયા આવતા લુહાર તે અજગરને ઉપાડી પોતાની દુકાનની અંદર લઈ આવ્યો. તેને ખાવાને દૂધ અને ફળ આપ્યા. થોડીવાર પછી તે લુહાર પોતાના કામે લાગી ગયો. લોઢાના સળિયાને ભઠ્ઠીની આગમાં ગરમ કરી, તેને આકાર આપવા માટે, પથ્થર પર મારવા બહાર લઈ જઈ રહ્યો હતો કે, તે સળિયો પેલા અજગરને અડી ગયો. અજગરે માથું ઉંચુ કર્યુ, ફેણ ફેલાવી તે લુહારનને ડંખ મારવા તૈયાર થયો. લુહારે વિચાર્યું હતું કે, “એ તો બહુ શાંત છે, કોઈને ડંખ નહિ મારે.” પરંતુ, ભઠ્ઠીના તાપમાં ટાઢ દૂર થતા, તેના સ્વભાવમાં પરિવર્તન આવ્યું. આ જ પ્રમાણે તપ કરતી વખતે મનને સંવેદના રહિત કરવામાં આવે છે. જો ધ્યાન ન રાખીએ, તો અનુકૂળ સ્તિથિઓમાં વાસનાઓ તેમની ફેણ ઉંચી કરશે. માટે જ, કોઈ પણ પરિસ્થતિમાં તૂટ્યા વિના, તેથી પર ઊઠવા મનને શક્તિમાન બનાવવું જોઈએ. શિષ્યને તે અવસ્થા પર ઉપર ઊઠાવવા ગુરુ પ્રયત્ન કરે છે. કોઈ પણ સંજોગોમાં સર્વને ઈશ્વર તરીકે જોવા, એક આત્માના જ દર્શન કરી શકે એવું એક મન આપણે વિકસાવવું જોઈએ. તો જ આપણે સ્વયંને શક્તિમાન કહી શકીએ.
જેમ એક મધમાખી ફૂલમાં મધ શોધતી, ફક્ત મધ જ લે છે, તેની જેમ બધામાં ફક્ત સારું જોવાને, સર્વમાં એક જ ઈશ્વરચૈતન્યના દર્શન કરવા અને આત્માનંદ માણી શકે એવું એક મન આપણે કેળવવું જોઈએ. શિષ્યની અંદર કયાંય કોઈ ક્રોધ, દ્વેષ, અહંકાર છુપાયેલો હશે, તો તેને બહાર કાઢી, તેને નહિવત્ કરવો, એ ગુરુનું કર્તવ્ય છે. લાંબા સમય સુધી સાધના કરી, જે પકવતા પ્રાપ્ત થાય છે, તે ગુરુના સામિપ્યમાં શિષ્ય થોડા જ દિવસોમાં પ્રાપ્ત કરી લે છે. કોઈ પણ કાર્ય શિષ્યને સોંપતી વખતે, ભલે પછી તે ગમે તેટલું કઠિન હોય કે સરળ, ગુરુનું લક્ષ્ય તો શિષ્યના અહંકારને દૂર કરી, શિષ્યને આત્મદર્શન માટે પાત્ર બનાવવાનું જ હોય છે. શિષ્યને જેની જરૂર છે, તે છે ગુરુના સર્ટિફિકેટની. આ માટે, શિષ્યે ગુરુના હરેક વચનનું અનુસરણ કરવું જ જોઈએ, આ શિષ્યનું કર્તવ્ય છે. એક લુહારના હાથની હથોડીની જેમ શિષ્યે, ગુરુના હાથના ઉપકરણમાં પરિવર્તિત થવું જોઈએ. ગુરુની આજ્ઞામાં રહેવાથી જ શિષ્ય પ્રગતિ કરે છે.
એક ગુરુકુળમાં એક શિષ્યને છોડી બાકી બધાને ગુરુએ ભગવાં વસ્ત્ર આપ્યા. જે શિષ્યને ભગવાં વસ્ત્ર મળ્યા ન હતા, તેને ગુરુ પ્રત્યે ખૂબ ક્રોધ આવ્યો. “આ ગુરુ પક્ષપાત કરે છે. બધાને ભગવાં વસ્ત્રો આપ્યા. મારાં પછી જે આશ્રમમાં જોડાયા હતા તેમને પણ તે આપ્યા. ફક્ત મને જ ન આપ્યા. આ ગુરુ કંઈ સદ્ગુરુ નથી. અહીં રહેવા કરતાં બીજે કયાંય જવું સારું.” શિષ્ય મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો, પછી તેને ગુરુમાં દોષ જ દેખાતા. એટલું જ નહિ, બીજા લોકોને તે કહેતા અચકાતો નહિ. આ દરમ્યાન ગુરુએ એક મોટો યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યાગ માટે આવશ્યક સામગ્રી ગુરુકુળની નજીક આવેલ એક ઘરમાં સાચવીને રાખવામાં આવી હતી. યાગ માટે આવશ્યક વસ્તુઓને લેવા ગુરુએ તે શિષ્યને નજીકના તે ઘરે મોકલ્યો. ત્યાં રહેતી એક સ્ત્રી, જે કોઈ તે વસ્તુઓે લેવા આવતું, તેમને તે કાઢી આપતી. બીજે દિવસે પણ ગુરુએ શિષ્યને પાસેના તે ઘરમાંથી વસ્તુઓ લેવા મોકલ્યો. ત્યાર પછી યાગ માટે આવશ્યક સામગ્રી લઈ આવવા ગુરુ તે શિષ્યને જ મોકલતા. હંમેશા તે સ્ત્રીને જ જોતા રહેવા શિષ્ય તેના પ્રત્યે આકર્ષણ અનુભવવા લાગ્યો. આશ્રમ પાછા આવ્યા પછી પણ, તે શિષ્યના મનમાંથી તે સ્ત્રીનું રૂપ હટતું નહિ. ત્યાર પછી કંઈ પણ જરૂર પડતા ગુરુ તે શિષ્યને પ્રતિદિન તે ઘરમાં મોકલવા લાગ્યા. દિવસ જતાં તે સ્ત્રી પ્રત્યેના શિષ્યના આકર્ષણમાં પણ વૃદ્ધિ થઈ. તેને જોયા વિના ચેન મળતું નહિ. એક દિવસ તે શિષ્યે પેલી સ્ત્રીના ઘરે રહેવા માટે ઇચ્છા પ્રકટ કરી. તે સ્ત્રીએ ઘણી શરતો મૂકી. શિષ્ય તે બધું કરી આપવા માટે સંમત થયો. નિયમવિરૂદ્ધ કાર્યો માટે પણ વિના સંકોચે શિષ્ય સંમત થયો. છેવટે તે બોલી, “મને ઉંચકીને લઈ જા.” તે માટે પણ શિષ્ય સંમત થયો. શિષ્ય તે સ્ત્રીને ઉંચકવા માટે આગળ વધ્યો કે, તે સ્ત્રીએ ત્યાં પડેલી લાકડી હાથમાં લીધી અને તેનાથી શિષ્યને સારો માર માર્યો. શિષ્ય તો ત્યાંથી ભાગ્યો. ગુરુકુળમાં પહોંચતા, શિષ્ય વિષે બધુ જાણનારા ગુરુએ પૂછયું, “પુત્ર, હવે તને સમજાયું, શા માટે તને ભગવાં વસ્ત્રો આપ્યા નહિ? તારા પ્રત્યેના વિદ્વેષના કારણે નહિ, પરંતુ તારી અંદર આ સંસ્કાર સુષુપ્ત હોવાથી તને સન્યાસ વસ્ત્રો આપ્યા ન હતા. તારાંમાંથી વાસનાઓ પૂર્ણરૂપે દૂર થઈ નથી. તને જો સંન્યાસ આપું અને તું સંસારમાં જાય, તો તેં લોકોને છેતર્યા જ હોત.” પોતાની ત્રુટીઓ જાણનાર ગુરુના ચરણકમળોમાં શિષ્ય નમ્રતાથી ઢળી પડયો. શિષ્યની વાસનાને બહાર કાઢી, તેને દૂર કરવા માટે ગુરુએ તે પરિસ્થતિનું સર્જન કર્યું હતું.
એક વિદ્યાર્થી દરેક ક્લાસમાં ચાર પાંચવાર નપાસ થતો. આમ તે છેવટે દસમાં ધોરણમાં પહોંચ્યો. તેને ખાતરી હતી કે, તે દસમાં ધોરણનીં દસ વાર પરીક્ષા લખે તો પણ પાસ નહિ થાય. પરંતુ તેના કલાસ ટીચરે કેમ પણ કરીને તે વર્ષે જ તેની પાસે દસમું ધોરણ પાસ કરાવવાનું નક્કી કર્યું. રાત દિવસ વિશ્રામ લીધા વિના તેઓ તેને ભણાવવા લાગ્યા. વિદ્યાભ્યાસ સિવાય અન્ય કયાંય તેનું ધ્યાન જાય નહિ, તે માટેની ખાસ કાળજી લીધી. છેવટે પરીક્ષા નજીક આવી. વિદ્યાર્થીએ પરીક્ષા લખી. અને પ્રથમ પ્રયત્નમાં જ તે સફળ થયો હતો. દસમીમાં દસ વાર પરીક્ષા લખે તો પણ પાસ નહિ થાય એમ બધાએ કહ્યું હતું. તેમછતાં તેને પ્રથમ પ્રયત્નમાં જ પરીક્ષામાં પાસ કરાવનાર અધ્યાપકની જેમ છે, ગુરુ. હજારો જન્મો પ્રયત્ન કરવા છતાં આત્મલોકનો સાક્ષાત્કાર કરવો કઠિન છે. પરંતુ ગુરુની સહાય જો મળી જાય, તો એક જ જન્મમાં તે પ્રાપ્ત કરી શકાય.
ગુરુની સાથે રહેવાને અનુમતિ મળવા માત્રથી એમ ન માની લેવાય કે ગુરુએ તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો છે. આવશ્યક પરીક્ષાઓ કરી, નિરીક્ષણ પછી જ ગુરુ શિષ્યને સ્વીકારે છે. જેને ગુરુના વચનોમાં પુર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને સમર્પણ હોય, તે જ શિષ્ય છે. તે પછી સ્વયં જ્ઞાનના શિખરો સર કરે છે.