બાળકો, આજે આપણા મન ભૌતિક વિષયોમાં ચીટકેલા છે. આપણા મન સ્વાર્થતાથી ભરેલા છે. આ જ કારણ સર ઈશ્વરને આપણામાં વાસ કરવાને કોઈ સ્થળ નથી. આસ્થિતિમાંથી મુક્તિ મેળવી, મનને શુદ્ધ કરી, ઈશ્વરને ફરી હૃદયમાં પ્રતિષ્ઠત કરવા આપણે આશ્રમોમાં જઈએ છીએ અને ગુરુમાં શરણું લઈએ છીએ. પરંતુ આજે આપણે ત્યાં જઈએ તો પણ સંપત્તિ માટે જ પ્રાર્થના કરીએ છીએ. “મને ઈશ્વર માટે ખૂબ પ્રેમ છે,” વગેરે બધું કહેશું. પરંતુ, મન જે વસ્તુ સાથે બંધાયેલું છે, તેને સમર્પિત કરવા આપણે તૈયાર હોવું જોઈએ. ત્યારે જ આપણે યથાર્થ સમર્પણ અને ઈશ્વર માટેના યથાર્થ પ્રેમ વિષે જાણી શકીશું.
એક બાલિકાએ પોતાની બહેનપણીને તેના જન્મદિવસના અવસર પર એક પત્ર લખ્યો, “તારા જન્મદિવસ વિષે જાણી મને ખૂબ જ આનંદ થયો. હું એટલી ખુશ હતી કે, હું સ્વયંને ભુલી ગઈ. તારાં જન્મદિવસ પર બહુ જ સુંદર ભેટ દેવા માટે, કયાં કયાં હું તેને શોધતી ફરી હતી? છેવટે એક દુકાનમાં મેં તે જોઈ. પણ તેની કિંમત રૂા.૧૦/- હોવાથી, મેં તે ખરીદી નહિ. ફરી કયારેય કોઈ બીજા અવસર પર તે આપીશ, એમ વિચાર્યું”. બહેનપણી માટે તેને કેટલો પ્રેમ હતો. પોતાનું જીવન સુધ્ધા આપી દેવાને તૈયાર છે, એમ તે કહેતી હતી. પરંતુ તેના માટે ફક્ત દસ રૂપિયા ખરચ કરવાને તે અચકાતી હતી. ઈશ્વર માટેનો આપણો પ્રેમ અને ભક્તિ પણ આવા જ છે. મોઢેથી કહેશું, “મેં તો બધું ઈશ્વરને સમર્પિત કરી દીધું છે.”
આપણું કામ સિદ્ધ કરવા આપણે મંદિરમાં નારિયેળ ધરવાની માનતા લેશું. જેવું કામ પુરું થાય કે, મંદિરમાં ચડાવવા સહુંથી નાનું અને સસ્તામાં સસ્તા નાળિયેરની શોધમાં નીકળશું. બાળકો, આ સાચી ભક્તિ કે પ્રેમ નથી. આપણે તો આપણું જીવન સુધ્ધા સમર્પિત કરવાને તૈયાર રહેવું જોઈએ. ઈશ્વરને જે ભાવથી આપણે અર્પિત કરીએ છીએ, તેથી આપણને જ લાભ થાય છે. આ તો નાળાનું પાણી લઈ, નદીને અર્પિત કરતા કહેવાનું કે, “હે નદી. તને બહુ જ પ્યાસ લાગી છે. આ પી અને તૃપ્ત થા.” એના જેવું થયું. ઈશ્વરને આપણી પાસેથી કશાની જરૂર નથી. તેઓ આપણી આવશ્યકતાઓ પૂરી પાડે છે. તેઓ જ આપણને શુદ્ધ કરે છે. ઈશ્વરના સંપર્કમાં રહેવાથી આપણે શુદ્ધ થઈએ છીએ.
બાળકો, જયાં ધર્મનો બોધ છે, તે મન જ ઈશ્વરનું સામિપ્ય પ્રાપ્ત કરે છે. પહેલાંના દિવસોમાં લોકો કેવા હતા? પક્ષીના એક બચ્ચા માટે તેઓ પોતાના જીવનની બલિ આપવા તૈયાર રહેતા. ધર્મનો આ બોધ આપણને ઈશ્વર સાથે, પરમાત્મા સાથે જોડે છે. એ તો મનની વિશાળતા જ છે, જે આપણને ઈશ્વર સામિપ્ય માટે યોગ્ય બનાવે છે. ઈશ્વરીય ગુણોને આપણામાં પ્રતિફલિત કરે છે. આ મન જ આપણી અંદર રહેલા દિવ્ય ગુણોને પોષિત કરે છે. આપણા સત્કર્મો અને સદ્ગુણો તો બીજને વૃક્ષમાં વિકસવા સહાય કરતા ખાતર જેવા છે . સ્વાર્થતામાં ડૂબેલા મનમાં ઈશ્વર કૃપા ઉતરતી નથી. ઈશ્વરકૃપા માટે પાત્ર બનવા સ્વાર્થતાનો ત્યાગ કરવો જ રહ્યો. આ માટેનું સાધન છે, ધર્મનું આચરણ. જેમ એક બીજને વાવવાથી દસ બીજ પ્રાપ્ત થાય છે, તેની જેમ ઈશ્વરને એક આપવાથી હજારગણું પ્રાપ્ત થાય છે. સ્વયંને જયારે ઈશ્વરમાં સમર્પિત કરીએ છીએ, ત્યારે આપણને હજારો ગણુ પ્રાપ્ત થાય છે. ઈશ્વર તો તે શક્તિ છે, જે આપણી રક્ષા કરે છે. આથી વિપરીત તેને આપણી રક્ષાની આવશ્યકતા નથી. આ આપણે યાદ રાખવું જોઈએ.
શરીર કે મન જો ઈશ્વરને સમર્પિત ન કરી શકીએ, પણ આપણી ઇચ્છાઓ ઈશ્વરને સમર્પિત ન કરી શકીએ શું? સર્વપ્રથમ, આમાં જે બાધા બને છે, તે સ્વાર્થતાની બલિ ઈશ્વરને ચઢાવવી જોઈએ. શું ટ્રેઈનમાં ચડ્યા પછી પણ, સામાનને માથા પર ઉંચકીને રહેવાની જરૂર છે? તેને ઉતારી નીચે મુકીએ છીએ. તેનો ભાર ટ્રેઇન સહન કરી, મુકામ પર પહોંચાડી દેશે. ઉંચકેલા ભારને જો નીચે મૂકવાને ન થાય, તો પછી સ્વયં ભાર સહન કરવો પડશે. ઈશ્વર વિશ્વાસની સાથે સમર્પણનો ભાવ પણ આપણી અંદર વિકસવો જોઈએ. તો જ આપણને શાંતિ અને સમધાન પ્રાપ્ત થાય છે. જયાં સુધી સ્વાર્થતા છે, પોતપોતાનો ભાર સ્વયં વહન કરવો પડશે. આ માટે ઈશ્વર જવાબદાર નથી. ફક્ત ડૉકટરનો વિશ્વાસ કરવો, એ માત્ર જ પર્યાપ્ત નથી. ડૉકટરના કહેવા પ્રમાણે દવા પણ લેવી જોઈએ અને તેમના નિર્દેશોનું પાલન પણ કરવું જોઈએ. કેવળ ઈશ્વર વિશ્વાસ માત્ર જ પર્યાપ્ત નથી. તેના તત્વને જાણી તે અનુસાર જીવન જીવવાથી આપણો ભવરોગ દૂર થાય છે અને આપણે લક્ષ્ય પ્રાપ્ત કરીશું.
બાળકો, સઘળા ભાર તેના ચરણોમાં અર્પિત કરી, શાંતિ અને સમાધાન સાથે જીવો.