કેટલાક બાળકો કહેતા હોય છેઃ “ઈશ્વરે આપણી રચના પોતપોતાની ઇચ્છાનુસાર સ્વતંત્રાથી જીવન જીવવા માટે કરી છે, આ શરીર સુખ ભોગવવા માટે આપ્યું છે, ખરું ને.” સાચું છે! આ શરીર સુખ આરામ અનુભવવા માટે આપણને આપવામાં આવ્યું છે. રસ્તાઓ વાહન દોડાવવા માટે બનાવ્યા છે. તેમ છતાં, પોતપોતાની ઇચ્છાનુસાર, નિયમોનું ઉલંઘન કરી, વાહન ચલાવીએ, તો અકસ્માત બને છે. આ જ પ્રમાણે, બેદરકારીથી મરજી પ્રમાણે ચાલો, તો અકસ્માત થાય છે. બધાને પોતપોતાનો ધર્મ છે. આ ધર્મનો ત્યાગ કરી જે કંઈ કરીએ, પછી તે વચન હોય, પ્રવૃત્તિ હોય – ત્યાં આપણું વ્યક્તિત્વ નાશ પામે છે.
એક માણસ દરિયા કિનારે ચાલીને જઈ રહ્યો હતો. ત્યાં તેને એક વિચિત્ર પ્રકારની બોટલ મળી આવી. તેણે તે બોટલ ખોલીને જોઈ, તો તેમાંથી એક ભૂત પ્રત્યક્ષ થયું. ભૂતને જોતાં ભયભીત થયેલા તે માણસને ભૂતે કહ્યું, “તારે ડરવાની જરૂર નથી. ઘણા દિવસોથી હું આ બોટલમાં બંધ હતો. તેં મને આ બંધનમાંથી મુકત કર્યો છે. માટે, હું તારો ઋણી છું. હું તારી સહાય કરવા માગું છું. હું તને ત્રણ વરદાન આપુ છું. તું ચાહે તે માગી શકે છે.”
તે માણસે પહેલું વરદાન માગતા કહ્યું, “મને આ વિશ્વનો સહુથી ધનવાન વ્યક્તિ બનાવી દે.”
ભૂતે “ભું….” એવો શબ્દ કાઢયો અને તે માણસની સામે અબજો કરોડો રૂપિયાનો ઢગલો થઈ ગયો.
“મને આ વિશ્વનો સહુથી મોટો મહેલ જોઈએ છે.”
“ભું…” ભૂતે બીજીવાર આવો શબ્દ કાઢયો અને તેની સામે વિશાળ મહેલ ઊભો થઈ ગયો.
ત્રીજુ વરદાન માગતા તે માણસ બોલ્યો, “આ વિશ્વની બધી જ સ્ત્રીઓનો હું પ્રિય બનું, એવો મને બનાવી દે.”
ભૂતે ત્રીજીવાર “ભું…ભું…” શબ્દ કાઢયો અને ક્ષણભરમાં તે માણસ ચોકલેટમાં પરિવર્તિત થઈ ગયો.
આ સંજોગોમાં કાળજીપૂર્વક વચાનો ઉપયોગ ન કરવાથી, તે વ્યક્તિ કંઈ જ પ્રાપ્ત કરી શકયો નહિ અને તે સ્વયં નાશ પામ્યો. આ જ અમ્મા કહેવા માગે છે. આપણા વચનો અને પ્રવૃત્તિમાં જો ધ્યાન ન દઈએ, તો સ્વયં આપણું જ વ્યક્તિત્વ નાશ પામશે.
અન્ય કોઈ જીવને જે વરદાન નથી આપ્યું, તે વરદાનથી ઈશ્વરે મનુષ્યને અનુગ્રહિત કર્યો છે અને આ છે, વિવેકબુદ્ધિ. આ વિવેકબુદ્ધિનો યોગ્ય ઉપયોગ ન કરી, આગળ વધીએ તો સ્વયં આપણું જીવન નાશ પામશે. માટે, આપણા એક એક કર્મ પાછળનું લક્ષ્ય, આ વિવેકબુદ્ધિનો વિકાસ જ હોવું જોઈએ. કારણ કે, વિવેકપૂર્વક કરેલા કર્મ દ્વારા જ જીવનમાં શાશ્વત વિજય પ્રાપ્ત કરી શકાય.
(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)