આજે આપણા બાળકો વિવિધ વિષયોનું અત્યાધિક જ્ઞાન ધરાવનારા છે. પરંતુ, આધ્યાત્મિક્તા વિનાનું તેમનું જ્ઞાન, એ તો પાયા વિનાની ઈમારત જેવું છે. આજે સ્કૂલ કૉલેજ રણભૂમિ જેવા છે. યુદ્ધમાં દેખાતી કાપાકાપી આજે વિદ્યાલયોમાં જોવા મળે છે. તે પછી રાષ્ટ્રિયતાના નામે હોય કે અન્ય કોઈ કારણે.

અમ્મા રાષ્ટ્રિયતાનો ઈન્કાર નથી કરતા. દરેકને પોતપોતાનું સ્થાન છે. ત્યાં તે જ શક્ય છે. વિદ્યાલયોમાં વિદ્યાભ્યાસને વધુ મહત્વ આપી, અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે સંસ્કાર વિકસાવવા માટેનો પ્રયત્ન પણ કરવો જોઈએ. આજે કેમ પણ કરીને સર્ટીફિકેટ મેળવવું, એ જ એક મહત્વનું છે. આથી અતિરિકત, વિદ્યાભ્યાસ દ્વારા સંસ્કાર પ્રાપ્ત કરવા માટે, નથી વિદ્યાર્થીઓને કોઈ રસ કે, તે માટે તેમનામાં પ્રોત્સાહન પૂરવા માટે અધ્યાપકોને પણ કોઈ રસ કે ઇચ્છા નથી. શા માટે તેઓ અભ્યાસ કરી રહ્યાં છે, તેનો બોધ સુદદ આજના બાળકોને નથી. આ કારણસર, બાળકોમાં યોગ્ય જ્ઞાન કે સંસ્કાર જોવા નથી મળતા. વિદ્યાલયોમાં અધ્યાપકો પ્રત્યે જે માન આદર દાખવવા જોઈએ, તેનું પાલન પણ આજના વિદ્યાર્થીઓ કરતા નથી. માટે, અધ્યાપકો આજે યંત્ર જેવા અને બાળકો, ભીંત જેવા બની ગયા છે. ત્યાં હૃદયથી હૃદયનો વાર્તાલાપ નથી. બાળકોને આવશ્યક એક્તાનો બોધ, તેમનામાં જાગૃત નથી થયો. તેઓ શા માટે વિદ્યાલયમાં જાય છે, તે ભુલી તેઓ અન્ય કશામાં પરિવર્તિત થઈ રહ્યાં છે. આજે આપણો વિદ્યાભ્યાસ, વસ્ત્રને અનુરૂપ થવા શરીરને કાપવા જેવો છે. ચપ્પલ ખાતર પગ કાપવા જેવું છે. આજે વિદ્યાભ્યાસ સમાપ્ત કરીને ચાલનારા કમ્પ્યુટર જેવા બની ગયા છે. આ તો શબને મેક-અપ કરવા જેવું છે. ત્યાં હૃદય નાશ પામ્યા છે.

આજે આપણે જીવવા ખાતર વ્યવસાય કરવાને બદલે વ્યવસાય ખાતર જીવિએ છીએ; બધી દ્ર્શ્ટિએ જીવન આજે યાંત્રિક બની રહ્યું છે.આ કહેતા અમ્માને એક કહાની યાદ આવે છે. એક વખત એક ભાઈ પોતાના એક મિત્રને મળવા જાય છે. તે સમયે તેનો મિત્ર પોતાના બગીચામાં પાણી પાઈ રહ્યો હતો. પાણીની નળી લઈ તે એક છોડવા પાસે જઈને ઊભો રહેતો. થોડીવાર પછી તે બીજા છોડવા પાસે જઈને ઊભો રહેતો. પરંતુ, પાણીની નળીમાંથી પાણી પડતું દેખાતું ન હતું. આ જોઈ મિત્રે પૂછયું, “આ તું શું કરી રહ્યો છે? પાણી વિના તું કેવી રીતે છોડવાઓને પાણી પાઈ શકે? તે પાણીની નળીમાં કાણું તો નથી ને!”

આ સાંભળતા મિત્રે કહ્યું, “તું તે છોડવાઓને ધ્યાન દઈને જો.” ત્યારે તે મિત્રે જોયું કે, ત્યાં જે બધા છોડવાઓ હતા, તે બધા જ પ્લાસ્ટિકના છોડવાઓ હતા. આજે આપણી સ્થતિ પણ આવી જ છે. બાળકો, આજે આપણે જેનું સર્જન કરી રહ્યાં છીએ, તે પ્લાસ્ટિકના છોડવાના બગીચા છે. ત્યાં જીવનનો ધબકારો નથી, જીવનની સુવાસ નથી, જીવન જે સૌંદર્યને સ્પંદિત કરે છે, તે સૌંદર્ય નથી. આપણે યંત્રોનો ઉપયોગ કરીએ તેમાં કંઈ જ ખોટું નથી. પરંતુ આપણા જીવન યાંત્રિક ન બનવા જોઈએ. આજે આપણા હૃદય ભાંગી રહ્યાં છે. હૃદયની ભાષા આપણે ભુલી રહ્યાં છીએ. કેવળ યંત્રની જેમ આપણે ચાલી રહ્યાં છીએ.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)