આજે બાળકો અને યુવાનો, પાશ્ચાત્ય સંસ્કારનું અનુકરણ કરતા જોવા મળે છે. જે આપણામાં નથી એવા કેટલાક સારા ગુણો તેમનામાં જોયા હશે. પરંતુ, આપણા મૂલ્યો અને સંસ્કારને પૂર્ણરૂપે ભુલી, પાશ્ચાત્ય રીતોનું અંધ અનુકરણ આજે જે જોવા મળે છે, તે તો પ્લાસ્ટિકના એપલમાં બચકું ભરવા જેવું છે. શિવ બ્રહ્માનો વેશ ધારણ કરે, તેના જેવું છે. આથી આપણું યથાર્થ વ્યક્તિત્વ નાશ પામે છે. માટે, જે સંસ્કારમાં આપણો ઉછેર થયો છે, તેમાં પાછા ફરવા પ્રયત્ન કરવો જોઈએ. આ માટે, બાળકોમાં નાની ઉંમરે તે સંસ્કાર દ્રઢ કરવા પ્રત્યે માતાઓએ ખાસ ધ્યાન આપવું જોઈએ. હજુય મોડું થયું નથી. વડીલોએ આપણા સંસ્કારને સમજી, ભાવિ પેઢીમાં તે વિકસાવવા જોઈએ. આજે ઘણા માતાપિતાઓ પોતાના બાળકોને શું કહે છે? બાળકોને કહેશે કે, તારે સારી રીતે ભણી ગણીને ડૉકટર બનવાનું, ઈંજીનિયર બનવાનું અથવા કલેક્ટર બનવાનું, તેમને દેવાને ફક્ત આ જ એક ઉપદેશ હોય છે. અમ્મા એમ નથી કહેતા કે, આમ ન કરવું જોઈએ અથવા આમ કરવું ખોટું છે. અમ્મા તો ફક્ત એટલું જ કહેવા માગે છે કે, આ સાથે માનવીય મૂલ્યોનો ઉદ્ધાર કરે એવા માર્ગો પણ જીવી બતાવવા જોઈએ.

નાના બાળકોના મન તાજી સિમેંટ કરેલી ફરશ જેવા હોય છે. તેમાં પડેલાં તાજા પગલાના નિશાન કયારેય ભૂસાતા નથી. તે ત્યાં જ મુદ્રિત હશે. આ જ કારણસર, નાનપણમાં જ બાળકોમાં સારાં સંસ્કાર વિકસાવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસ્કાર તેમનામાં સર્વપ્રથમ કેળવવામાં આવે છે, તે તેમના જીવનના પાયાના પથ્થર છે. આપણને બધાને આપણા બાળકો ભણીગણીને હોંશિયાર થાય, પુષ્કળ ધન કમાય, તેમને સુખેથી જીવતા જોવાનો આગ્રહ હોય છે. પરંતુ, આધ્યાત્મિક સંસ્કાર જો નહિ હોય, તો પછી ભલે ગમે તેટલી વિદ્યા પ્રાપ્ત કરે, કોઈ પણ પદવી પ્રાપ્ત કરે, ગમે તેટલો પૈસો ભેગો કરે, છતાં એ જરૂરી નથી કે માતાપિતા કે સમાજને આથી શાંતિ અને સમાધાન મળે.. આ બધું હાંસલ કરવાના અવસરો આપ્યા હોવા છતાં, આજે બાળકોની અનિયંત્રિત જીવન રીતને જોઈ આંસુ પીતા અનેક પરિવારો અમ્માએ જોયા છે. માટે, સર્વકાંઈનો આધાર, સારા સંસ્કાર છે. આ જ તે બહુમૂલ્ય અનશ્વર નિધિ છે, જે માતાપિતાએ તેમના બાળકોને વારસામાં આપવી જોઈએ. સંસ્કાર, પુસ્તકો દ્વારા કે સ્કૂલમાંથી કેળવી શકાય નહિ. આ માટે, સર્વપ્રથમ આપણા જીવન સંસ્કાર સંપન્ન હોવા જોઈએ. આપણામાં પરિવર્તન લાવ્યા સિવાય ભાવિ પેઢીમાં પરિવર્તન લાવવું શક્ય નથી. આજે આપણે સોનું આપી કથીર ભેગું કરીએ છીએ. આ ધરતીના આત્મયસંસ્કાર ખોયા વિના પણ સંપત્તિ મેળવી શકાય. આધ્યાત્મિકતા અને ભૌતિક્તા પરસ્પર એકબીજાની વિરૂદ્ધ નથી. તે એક માટે બીજાનો ત્યાગ કરવાનો પણ નથી.

(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)