અમ્મા હંમેશા યાદ કરાવે છે કે, ધ્યાન તો સુવર્ણ સમાન બહુમૂલ્ય છે. ભૌતિક ઐશ્વર્ય, મુક્તિ અને શાંતિ માટે ધ્યાન સારું છે. આંખ બંધ કરી, હલ્યા વિના એક આસનમાં સ્થિર બેસી રહેવું, એ માત્ર જ ધ્યાનં નથી. સાચું ધ્યાન તો આપણી પ્રવૃત્તિઓ, આપણા વચનો, આપણા વિચારોથી સભાન રહેવાનું છે. વિચારો નાના જલ બીંદુઓ જેવા છે. તે વચનો બની, પ્રવૃત્તિમાં પરિવર્તિત થઈ, એક મહાનદીમાં વિકસે છે. એક નાનો વિચાર પ્રવૃત્તિમાં રૂપાંતર થઈ, એક મહાનદીની જેમ આપણામાંથી વહે છે. પછી તે આપણા હાથમાં નથી. એક નદીને, તેના આરંભમાં એક પથ્થરથી રોકી શકાય, ત્યારે તેના પ્રવાહને વાળવો મુશ્કેલ નથી. પરંતુ, તે ધારા જયારે વિકસીને એક વિશાળ નદી બને છે, પછી તેને નિયંત્રણમાં લાવવી મુશ્કેલ છે. માટે, જેના પર ખાસ ધ્યાન આપવાનું છે, તે આપણા વિચાર છે. વિચાર વચનો બને છે. વચનો પ્રવૃત્તિમાં રૂપાંતર થાય પછી તેની ગતી અટકાવવી મુશ્કેલ હોય છે. આ જ કારણ સર, એમ કહેવાય છે કે, આપણા વિચારોમાં, વચનોમાં, પ્રવૃત્તિમાં ખાસ કાળજી જરૂરી છે.
બીબાંમાં જો કોઈ ખોટ હોય તો પછી તેમાંથી ઢાળવામાં આવતી દરેક વસ્તુમાં તે ખોટ દેખાય છે. આ જ પ્રમાણે, મનને જો સર્વપ્રથમ ઠીક ન કરીએ, તો પછી તેમાંથી નીકળતા વચનો, પ્રવૃત્તિઓ ઠીક નહિ હોય. માટે, સર્વપ્રથમ જેની જરૂર છે, તે છે આપણા મનને વશમાં કરવાનું. મનને આપણા હાથની પકડમાં લાવવાનો એક ઉપાય છે, ધ્યાન. આપણી અંદર જે નિઃશબ્દતા અનુભવીએ છીએ, તેનું એક તત્વ છે, ધ્યાન.
(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)