યુવક : “ઘણા લોકો કહેતા હોય છે કે, એક સાધકે યમનિયમોનું દ્રઢ પાલન કરવું જોઈએ. તેમાં આટલા બધા પ્રતિબંધો શું  જરૂરી  છે? તત્વનું જ્ઞાન હોય તો એ પર્યાપ્ત નથી શું? ગમે તેમ તો, તે વિષેનું જ્ઞાન મેળવવું એ જ મહત્વનુ છે, નહિં કે?”

 

અમ્મા : “પુત્ર, પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે. ખરું ને? સમુદ્રકિનારાની કાળી માટીમાં સૂવો અને સવારે ઊઠો ત્યારે તમે ઘણો શ્રમ અનુભવો છો. કારણ કે, કાળીમાટી આપણી શક્તિને ચૂસી લે છે. અત્યારે આપણે પ્રકૃતિના નિયંત્રણમાં છીએ. માટે યમનિયમોનું આપણે પાલન કરવું જ જોઈએ. એક હદ સુધી આપણને તેની જરૂર છે. સાધના કરી, પ્રકૃતિના નિયંત્રણથી પર આવી જઈએ, પછી આપણને તેની જરૂર નથી. આપણી  શક્તિનો ક્ષય થતો  નથી. કારણ કે, ત્યારે પ્રકૃતિ આપણને આધીન હશે. પરંતુ,  ત્યાં સુધી યમનિયમ જરૂરી છે.

“બીજને વાવો ત્યારે મરધીનું બચ્ચુ તેને ખોતરીને ખાઈ ન લે, તે માટે તેની આસપાસ કાંટાળીવાડ રાખવામાં આવે છે. મરઘીનું બચ્ચુ તેના મૂળને ખાઈ લે, તો તે બીજ ઊગી શકે નહિ. બીજ ઊગીને વૃક્ષ બને, પછી તે મરઘી, મનુષ્ય વગેરેને આશ્રય આપે છે. તેની સાથે  હાથીને  પણ  બાંધી શકાય. પરંતુ, અત્યારે મરઘીના નાના બચ્ચાથી પણ તે બીજ ભય પામે છે. આ જ પ્રમાણે,આપણે નબળા મનના હોવાથી, જ્યાં સુધી આપણી આંતરિક શક્તિને ન જાણી લઈએ, ત્યાં સુધી આપણને યમનિયમ જરૂરી છે.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)