શાસ્ત્રી : “અમ્મા, ધ્યાનમાં આપણા ઈષ્ટદેવના સ્વરૂપને સ્પષ્ટ નિહાળવા શું કરવું જોઈએ?”

અમ્મા : “ઈષ્ટદેવના રૂપ સાથે પ્રેમ હોય તો જ તે પ્રકાશિત થાય છે. દર્શન નથી થયા.. દર્શન નથી થયા..ની ચિંતા હંમેશા હોવી જોઈએ.

 

“એક પ્રિયતમને પોતાની પ્રિયતમા માટે જે મનોભાવ હોય છે, તેવો જ મનોભાવ એક સાધકને પોતાના ઈશ્વર માટે હોવો જોઈએ. એક ક્ષણ માટે પણ તે તેમનાથી દૂર રહી શકે નહિ, તેવો પ્રેમ હોવો જોઈએ. પ્રિયતમાને નીલ રંગની સાડી પહેરેલી જોઈ હશે, તો જયાં ક્યાંય  તેને થોડો નીલ રંગ દેખાશે, ત્યાં તે તેની પ્રિયતમાને દેખશે. તેના રૂપનું તેને સ્મરણ થઈ આવશે. ખાતી વખતે કે ઊઘમાં, તેનું સ્મરણ માત્ર જ હશે. સવારના ઊઠયા પછી, તેને ફક્ત તેની પ્રિયતમાના જ વિચાર હશે. દંત મંજન કરતી વખતે કે કૉફી પીતી વખતે, તેની પ્રિયતમા શું કરતી હશે, ફક્ત તેના જ વિચાર હશે. આ પ્રકારનો પ્રેમ આપણા ઈષ્ટદેવ માટે હોવો જોઈએ. ઈષ્ટદેવ સિવાયના અન્ય બધા વિચારો દૂર કરવા જોઈએ. કારેલાને ઘણા સમય સુધી સાકરની ચાસણીમાં ડૂબાડીને રાખવાથી, તેની કડવાશ દૂર થાય છે અને તે મધૂર બને છે. આ જ પ્રમાણે, આપણું મન ભલે ગમે તેટલા દુષ્ટ વિચારોથી ભરેલું હશે, પણ સદા ઈશ્વરનું સ્મરણ કરી, તેને સમર્પિત કરીએ, તો તે શુદ્ધ બને છે.

“એક વખત, વૃદાંવનમાં ચાલતા ચાલતા એક ગોપીની નજર, કોઈ વૃક્ષ નીચે પડેલા ઊંડા પગના નિશાન પર પડી. આ જોઈ, ગોપી આ રીતે ભાવના કરવા લાગી કે, “કૃષ્ણ આ માર્ગે આવ્યા હશે. તેમની સાથે જે ગોપી હતી, તેણે પ્રભૂ પાસે વૃક્ષ પરથી ફૂલ તોડી આપવાનું કહ્યું હશે. ત્યારે ભગવાન તેના ખભા પર ટેકો દઈ, છલાંગ મારીને વૃક્ષ પર ચઢી ગયા હશે. છલાંગ મારતી વખતે, જમીન પર મારાં ભગવાનના ચરણનું આ નિશાન પડી ગયું હશે.” તેણે અન્ય ગોપીઓને બોલાવી, તેમને ભગવાનના ચરણનું નિશાન બતાવ્યું. ભગવાનના વિચારમાં તેઓ બધું ભૂલી ગયા. તેની આસપાસ ઊભેલા બધા, તે ગોપી માટે કૃષ્ણ બની ગયા. કોઈ તેના ખભાનો સ્પર્શ કરે, તો જાણે તે કૃષ્ણના કરકમળો હતા એમ ભાવના કરતી, ભક્તના ભાવમાં કોઈ બાહ્ય ચેતના રહેતી નહિ. અન્ય ગોપીઓ પણ કૃષ્ણના સ્મરણમાં બધુ વિસરી જતી. બધા ભગવાનના સ્મરણમાં આનંદાશ્રુ વહાવવા લાગી. આ પ્રકારની ભાવના આપણે કેળવવી જોઈએ. કંઈ પણ જોઈએ, તેને ભગવાન સાથે જોડવું જોઈએ. ભગવાન સિવાય અન્ય કંઈ જ નથી. આ પ્રમાણે રહેતા લોકો માટે, ધ્યાનમાં ઈષ્ટદેવનું રૂપ સ્પષ્ટ જોવા માટે કોઈ શ્રમ કરવો પડતો નથી.  કારણ કે, એવો કોઈ સમય જ નથી હોતો, કે જ્યારે ઈશ્વર તેમના મનમાં ન હોય.

“કંઈ પણ જૂઓ, ત્યારે મનમાં આ રીતની ભાવના ઉઠવી જોઈએ, “હે વૃક્ષો લતાઓ, મારી મા ક્યાં છે? હે પંખીઓ, મારી મા ક્યાં છે? હે સમુદ્ર, નદી ને સરોવરો, તમને ચલાયમાન થવાની શક્તિ આપનારી તે શક્તિસ્વરૂપિણી મા ક્યાં છે? મનથી આ રીતે પૂછો અને ભાવના કરો. આ પ્રકારના મનોભાવને કેળવી, આપણું મન પ્રતિબંધોને તોડી તોડીને, હંમેશા તે પરમાત્માના ચરણોને વળગી રહેશે. પુત્ર, આ પ્રમાણે ભાવના કર્યા પછી ચોક્કસ ઇષ્ટદેવનું સ્વરૂપ મનમાં સ્પષ્ટ થશે.”

બ્રહ્મચારી : “અમ્મા, ક્યારેક બીજા લોકો ખોટું કરી રહ્યાં છે, એમ લાગે છે.  ત્યારે મારું મન ક્ષોભિત થઈ ઉઠે છે. અન્ય પ્રત્યે કેવી રીતે ક્ષમાશીલ બનવું?”

અમ્મા : “આપણા જ હાથેથી, આપણી આંખમાં ઝોંકોં લાગે, ત્યારે આપણો બીજો હાથ, પહેલાંને મારશે નહિ. અહીં શિક્ષા નથી, ક્ષમા છે. પગમાં ઠેસ લાગે કે હાથ ભાંગે, આપણે તે સહન કરીએ છીએ. આંખ, હાથ કે પગ આપણાથી ભિન્ન નથી. તે બધા આપણા જ શરીરના ભાગ છે, એ બોધ આપણને હોય છે. માટે જ ક્ષમા આવે છે. ગમે તેટલી વેદના હશે, આપણે તે સહન કરીશું. આ જ પ્રમાણે, અન્યને આપણા પોતાના તરીકે જોવા જોઈએ. આપણામાં આ બોધ હોવો જોઈએ કે, “હું જ સર્વકાંઈનું કારણ છું. બધામાં હું છું. મારાંથી કોઈ અલગ નથી.” ત્યારે અન્ય લોકોમાં ભૂલો નહિ જોઈ શકો. અને જોઈએ તો પણ, તે આપણી ભૂલો છે, એમ જોઈને આપણે ક્ષમા કરીશું.

“અથવા, સુદામાનો ભાવ જેમ કે, જે બને તેને ઈશ્વર ઇચ્છા તરીકે જોવાનો, સમર્પણનો મનોભાવ કેળવવો જોઈએ. સ્વયંને ઈશ્વરના દાસ તરીકે જોવાનો ભાવ આવવો જોઈએ. ત્યારે આપણે કોઈ પ્રત્યે ક્રોધ નહિ કરી શકીએ. આપણામાં વિનય વિકસશે.

“પુત્ર, કાં તો બધામાં સ્વયંને જોવાનો મનોભાવ અથવા સર્વેને ઈશ્વરસ્વરૂપ તરીકે જોઈ, તેમની સેવા કરવાનો ભાવ, દાસ્ય ભાવ કેળવવો જોઈએ.

“પુત્ર, આપણે પ્રત્યેક ક્ષણ સાવધાનીથી જીવવી જોઈએ. ભોજન કરતા પહેલાં તમારો મંત્રજાપ કરી, આ પ્રમાણે પ્રાર્થના કરવી કે, “હે ઈશ્વર!  શું બધા લોકોએ ભોજન કર્યું? તેમને આવશ્યક બધું મળે છે, શું!  તેમને જે કંઈની જરૂર હોય, તે તેમને પ્રાપ્ત થાય, તે માટેના આશીર્વાદ તેમને આપજો!” ક્ષમાપૂર્વક આ પ્રમાણે પ્રાર્થના કરીને જ, બાળકો, ભોજન કરવું જોઈએ. સર્વપ્રથમ, જે લોકો દુઃખી છે, તેમના પ્રત્યે આપણા હૃદયમાં કરુણા હોવી જોઈએ. ત્યારે જ મન નિર્મળ બને છે. તે કરુણા જ આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે.”

આ પ્રમાણે, ભક્તિ સાધના વિષે કહેતા અમ્મા, વિશ્વપ્રેમનું વર્ણન કરી, પોતાની અમૃતવાણીને સમાપ્ત કરી. અમ્માના અમૃતસભર ઉપદેશ વચનોને, એક એક કરીને યાદ કરી, વૈશ્વિક પ્રેમનું મહત્વ સમજાવી, અમ્માએ ભક્તિયોગ પરનો તેમનો સત્સંગ પૂરો કર્યો. અમૃતસભર વાણીનું પાન કરતા, શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મચારીઓના હૃદયકમળ ખીલી ઉઠ્યા.

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)