એક બ્રહ્મચારી : “અમ્મા, મનને સદા ઈશ્વરમાં કેવી રીતે રાખી શકાય?”

અમ્મા : “તે માટે સતત અભ્યાસ જરૂરી છે. હંમેશા ઈશ્વરનું સ્મરણ કરવું, એ આપણો સ્વભાવ નહિ હોય. માટે એક નવા સ્વભાવને આપણે કેળવવાનો છે. તે માટે જ, જપ કરવાનું કહેવામાં આવે છે. ખાતા હો કે ઊંઘતા હો, જપ છુટવો ન જોઈએ. વસ્ત્રો લેતી વખતે, વસ્ત્ર ઈશ્વર છે. માથું ઓળવા માટે દાંતિયો લો, તે ઈશ્વર છે, એવી ભાવના કરો.

 

“ગણિત શીખતા બાળકો, હાલતા ચાલતા, સંડાસમાં બેઠા હોય તો ત્યાં પણ, એક વત્તા એક, બે. બે વત્તા એક, ત્રણ… આ પ્રમાણે પાઠ મોઢે કરતા હોય છે. તેમને ભય હોય છે કે, દાખલા મોઢે નહિ કરે તો ક્લાસમાં તેમને શિક્ષા થશે. માટે, કંઈ પણ કરતી વખતે, પાઠ મોઢે કરતા હોય છે. આ જ પ્રમાણે, કોઈ પણ વસ્તુ હાથમાં લઈએ, તેમાં મારાં ઈશ્વર છે,  એવી ભાવના કેળવવી જોઈએ. આ જગતમાં, એવું કંઈ જ નથી, કે જેમાં ઈશ્વર ન હોય. તે શક્તિ વિના કોઈ કંઈ કરી શકે નહિ. આ જ્ઞાન હંમેશા હોવું જોઈએ.

“ખાતા હો કે ઊંઘતા હો, તમારા વિચાર એક માત્ર ઈશ્વરના જ હોવા જોઈએ. આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ કે, “તું માત્ર જ એક આશ્રય છે, અન્યકંઈ જ શાશ્વત નથી. તારા સિવાય અન્ય કોઈનો પ્રેમ નિત્ય નથી. તેઓ તો જયાં પંપાળીને હાથ ઉઠાવશે, ત્યાં બધે ફોલ્લા હશે. તત્કાલ તે સારું લાગશે. હાથમાં ઝેર રાખીને તેઓ પંપાળે છે. તેમના સ્નેહમાં મને તો નર્યું દુઃખ જ મળશે. તેમની આશા રાખીશ, તો હું ક્યાંયનો નહિ રહું. હે ઈશ્વર, એક તમે જ મને સંતૃપ્ત કરી શકો.”  અન્યને સહાયરૂપ થવા માટે જ નહિ, પરંતુ આપણને સુધરવા માટે આ વૈરાગ્ય વિના કોઈ માર્ગ નથી. માટે હંમેશા આ દ્રઢ બોધ હોવો જોઈએ કે, એક માત્ર ઈશ્વર જ નિત્ય છે. અન્ય બધું મિથ્યા છે.

“આટલા દિવસોથી ભેગી કરેલી વાસનાઓનો ક્ષય કરવાનો છે. એક સાથે તેને દૂર કરવી કઠિન છે. સતત પ્રયત્ન આવશ્યક છે. હાલતા ચાલતા, બેઠા હો કે સૂતા હો, મંત્રજાપ તો ચાલુ જ રહેવો જોઈએ. ઈશ્વરના રૂપને મનમાં નીરખતા નીરખતા જપ કરતા હો, ત્યારે કંઈ નહિ તો, અડધા વિચારો તો ઓછા થાય છે. એટલું તો આપણું મન શુદ્ધ થયું. “હું”ના અહમ્ને દૂર કરવા, “તું” (ઈશ્વર)રૂપી સાબુનો ઉપયોગ કરવો જોઈએ. બધામાં તેના દર્શન કરવા જોઈએ. ત્યારે અહંકારનો “હું” દૂર થશે અને પરમ એવો “હું” આપણામાં પ્રકાશિત થશે.”

બ્રહ્મચારી : “ઈષ્ટદેવને નિહાળતા કોઈ કેવી રીતે જાપ કરી શકે? શું તે કઠિન નથી?”

અમ્મા : “પુત્ર, અત્યારે તું અમ્મા સાથે વાતચીત કરી રહ્યો છે. શું અમ્માને જોઈ તેમની સાથે વાત કરવી, તને કઠિન લાગે છે?  પુત્ર,  તું વાતચીત પણ કરે છે, અને અમ્માને જુએ પણ છે. આ જ પ્રમાણે, ઈશ્વરના રૂપને નિહાળતા જપ કરવો શક્ય  છે. આ પણ જરૂરી નથી. ફક્ત, અમ્મા, અમ્મા, અમ્મા, મને શક્તિ આપો, મારું અજ્ઞાન દૂર કરો, મને તારાં ખોળામાં લે. તારો ખોળો માત્ર જ મારે એક આશ્રય છે. ત્યાં જ મને ચેન મળશે. શા માટે તું મને આ સંસારમાં ધકેલે છે? તારાં વિના એક ક્ષણ પણ કાઢવી મારાં માટે શક્ય નથી. તું જ તો બધાને અભય દેનારી છે. મને તું અપનાવી લે. મારા મનને તું તારું કરી દે. આ પ્રમાણે ઈષ્ટદેવને રડી રડીને પ્રાર્થના કરો.”

બ્રહ્મચારી : “આ પ્રમાણે પ્રાર્થના કરવા માટે પણ, ભક્તિ આવશ્યક છે. તે જ નથી આવતી. અમ્મા આપ કહો છો કે, ઈશ્વરને રડી રડીને પોકારો. પણ  આ માટે રડવાની લાગણી તો થવી જોઈએ. નહિ શું?”

અમ્મા : “રડવું ન આવે તો, વારંવાર આમ કહીને તું સ્વયંને રડાવ. એક બાળક, પોતાની મા પાસે મનગમતી વસ્તુ ખરીદી આપવા, કેટલી જીદ કરશે? તે તેની પાછળ ને પાછળ જ ફરશે અને જયાં સુધી ઇચ્છિત વસ્તુ તેના હાથમાં ન આવે, તે રડવાનું બંધ નહિ કરે. આ જ પ્રમાણે આપણે પણ માને સતાવવા જોઈએ. રડતા રહેવું જોઈએ. એક ક્ષણ માટે પણ માને નિરાંત દેશો નહિ! મને દર્શન દે! મને દર્શન દે! એમ કહી રડવું જોઈએ.

“પુત્ર, જયારે તું કહે છે કે, તું નથી રડી શકતો, એનો અર્થ એમ થયો કે તારામાં તે માટેની તીવ્રેચ્છા નથી.  જયારે તીવ્રેચ્છા આવે છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ રડી પડશે. રડવું ન આવે તો, બળપૂર્વક સ્વયંને રડાવવાનો પ્રયત્ન કર.  તને ભૂખ લાગી હોય, અને તારી પાસે ખાવાને કોઈ ખોરાક કે પૈસા ન હોય તો તું ક્યાંય પણ જઈને, ખોરાક મેળવવા પ્રયત્ન કરીશ. ખરું ને? આ જ પ્રમાણે મા પાસે, “તું શા માટે મને રડાવતી નથી?” એમ પૂછીને રડવું જોઈએ. “મને તું કેમ નથી રડાવતી? આનો અર્થ એમ થયો કે હું તને નથી ગમતો? હું જો તને ન ગમું, તો પછી હું કેવી રીતે જીવી શકું?” આમ કહેવું જોઈએ. ત્યારે તે શક્તિ  પણ આપશે અને તું રડી શકીશ. બાળકો, અમ્માએ આ બધું કરેલું છે. તમારે પણ આ પ્રમાણે ભાવના કરવી જોઈએ.

“આ રડવું દુઃખના કારણે નથી. તે આનંદના અશ્રુ છે. અંતરનો આનંદ છે. જીવાત્મા જયારે પરમાત્મામાં લીન થાય છે, ત્યારે તે આંસુ વહાવે છે. આપણા આંસુ તો  ભગવાનને  પ્રાપ્ત કરવાની સિદ્ધિ છે. તે તો અંતરનો આનંદ છે. જોનારને તે દુઃખના આંસુ લાગશે. તે પ્રાપ્ત કરવા માટે ભાવના કરવી જોઈએ. અન્યથા આપણું મન ભગવાનની પાસે નહિ જાય. પુત્ર, તું પ્રયત્ન કરી જો!”

બ્રહ્મચારી : “પહેલાં હું ભગવાન કૃષ્ણના સ્વરૂપ પર ધ્યાન કરતો હતો. પરંતુ, અમ્માને મળ્યા પછી, એ શક્ય ન હોવાથી, હું અમ્માના રૂપપર ધ્યાન કરવા લાગ્યો. હવે તે પણ નથી થતું. અમ્માના વિચાર કરતી વખતે, ભગવાનનું સ્વરૂપ મારી સામે પ્રત્યક્ષ થાય છે. અને ભગવાનના વિચાર કરું છું, તો તમો મારી સામે આવો છો. હું ઘણો દુઃખી છું. મને સમજ નથી પડતી કે મારે કોના પર ધ્યાન કરવું. હવે હું કોઈ રૂપપર ધ્યાન નથી કરતો. મંત્રના શબ્દપર મન એકાગ્ર કરું છું. આ છે મારું ધ્યાન.”

અમ્મા : “પુત્ર, તને જે યોગ્ય લાગે, તેમાં મનને કેંદ્રિત કરી, તારે આગળ વધવું જોઈએ. તેમાં જ બધું સમાયેલું છે અને તે તારાથી ભિન્ન નથી, તે પ્રમાણે જોઈ, તે રીતે ભાવના કરવી જોઈએ. તને કોઈ દેખાય કે કોઈ વસ્તુને તું જોય, તે બધું એક ઈશ્વરના ભિન્ન સ્વરૂપ છે. તે રીતે સમજવું જોઈએ.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)