યુવક : “સાધનામાં શિસ્તબદ્ધતા અને જાગરૂકતા માટેની ચાહ ન હોવી જોઈએ શું?”

અમ્મા : “હાસ્તો. જેમ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, તે જ પ્રમાણે શિસ્તપાલનને પ્રેમ કરવો જોઈએ. જે ઈશ્વરને પ્રેમ કરે છે, તે નિયમિતતાને પણ પ્રેમ કરે છે. અમ્માનું કહેવું છે કે, સર્વપ્રથમ તો નિયમિતતાને પ્રેમ કરવો જોઈએ.

“નિશ્ચિત સમયે ચા પીવાની આદત હોય, તેમને તે સમયે ચા ન મળે, તો તેઓ માથાનો દુઃખાવો, અસ્વસ્થતા વગેરે અનુભવે છે. ગાંજાના વ્યસનીને સમયસર ગાંજો ન મળે તો ગભરામણ અનુભવશે. ગઈકાલ સુધી જે આદતનુ પાલન કરતા આવ્યા હોઈએ, તે આજે પણ નિર્ધારિત સમયપર પોતાની હાજરી યાદ કરાવશે. આ જ પ્રમાણે, કોઈપણ કાર્યમાં એક નિયમનું પાલન કરીને આગળ વધીએ, તો તે આપણો સ્વભાવ બની જાય છે. નિશ્ચિત સમયે તે આપણને જાગ્રત કરશે. આ જ પ્રમાણે, સાધનાના કાર્યોમાં પણ આપણે  નિયમિતતાનું પાલન કરીએ, તો તે આપણને લાભદાયક હશે.”

અમ્માને સાંભળી રહેલા એક અન્ય ગૃહસ્થ ભક્તે પોતાનો પ્રશ્ન વ્યક્ત કરતા કહ્યું, “અમ્મા, હું રોજ થોડો સમય ધ્યાન માટે કાઢુ છું. પણ, તેનાથી મને કોઈ ખાસ લાભ થતો હોઈ, એમ લાગતું નથી.”

અમ્મા  “પુત્ર, તારું મન ઘણી વસ્તુઓ સાથે બંધાયેલું છે. આધ્યાત્મિક જીવનમાં અત્યાધિક શિસ્ત અને નિષ્ઠા જરૂરી છે. આ બધું ન હોય, તો ધાર્યા પ્રમાણે સાધનાનો લાભ મેળવવો કઠિન છે. પુત્ર, તું સાધના કરે છે. પણ તારી સાધના કેવી છે? એક  ચમચી તેલ લઈ, તેને એક વાસણમાંથી બીજામાં, એમ દશ વાસણમાં ફેરવવામાં આવે તો છેલ્લે કંઈ જ નથી રહેતું. બધા વાસણમાં તેલનું આછું પડ માત્ર જ ચોંટેલું  હશે. આ જ પ્રમાણે  છે, સાધના કરીને વિવિધ કાર્યોમાં સંડોવાયેલા રહેવું મનને એકાગ્ર કરીને જે શક્તિ પ્રાપ્ત કરી હોય છે તે બધી વિવિધ રીતે નાશ પામે છે. નાનત્વમાં એકત્વને નિહાળીએ, તો  આટલો નાશ સંભવે નહિ. બધાને ઈશ્વર સ્વરૂપ જોવાથી, આપણી આંતરિક શક્તિનો નાશ થતો નથી.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)