એક ભક્ત : “ઘરમાં બધા મારાંથી બીવે છે. મારાં શાસન અનુસાર જો કોઈ ન રહે, તો મને તેમના પર ભયંકર ક્રોધ આવે છે. ત્યારે પછી, હું કંઈ જ જોતો નથી.”

અમ્મા : “પુત્ર, અહમ્‌  અને ક્રોધ સાથે તું આધ્યાત્મિક સાધના કરીશ, તો તારી સાધનાના ફળને તું નહિ અનુભવી શકે. તું એક બાજુ ખાંડ રાખ, અને બીજી બાજુ કીડીઓને રાખ, તો શું થાય? કીડી બધી ખાંડ ખાઈ જશે. અને તને તેનો ખ્યાલ પણ  નહિ રહે!  સાધના દ્વારા તું જે કંઈ પ્રાપ્ત કરે છે, તે ક્રોધ દ્વારા નાશ પામે છે. બેટરીપર ચાલતી ટોર્ચને અસંખ્ય વાર ચાલુંબંધ કરવામાં આવે તો બેટરીની શક્તિ નાશ ન પામે શું? આ જ પ્રમાણે, આપણે જ્યારે ક્રોધ કરીએ છીએ, ત્યારે શરીરના રોમેરોમમાંથી, આંખથી. નાકથી, કાનથી, મુખથી, બધેથી સમાનરૂપે શક્તિનો વ્યય થાય છે. મનને નિયંત્રણમાં રાખી આગળ વધવાથી, પ્રાપ્ત કરેલી શક્તિનો વ્યય થતો નથી.”

ભક્ત : “શું ક્રોધ કરનાર વ્યક્તિ, સાધનાથી પ્રાપ્ત થતી અનુભૂતિને ન જાણી શકે?”

અમ્મા : “પુત્ર, કૂવામાંથી પાણી સિંચવા, ઘણા બધા કાણાવાળી ડોલને કૂવામાં ઉતારી, મહામહેનતે ડોલને ઉપર ખેંચશો. પણ, ડોલ જ્યારે ઉપર આવે ત્યારે તેમાં એક ટીપુંય પાણીનું નહિ હોય. બધું પાણી ડોલના કાણામાંથી વહી ગયું હશે. પુત્ર, તારી સાધના પણ આવી જ છે. પુત્ર, આજે તું કામક્રોધથી બંધાયેલા મન સાથે જીવી રહ્યો છે.  આ જ કારણ છે કે, મહેનતથી કરેલી સાધના દ્વારા તું જે કંઈ પ્રાપ્ત કરે છે, તે ત્યારે ને ત્યારે જ વહી જાય છે. સાધના કરવાછતાં, તેમાં રહેલા ગુણને સમજી શકતો  નથી, કે નથી  તને  કોઈ  અનુભવ થતો. તેના મહત્વને પણ તું જાણી શકતો  નથી. પુત્ર, ક્યારેક ક્યારેક એકાંતમાં  મનને શાંત કરી, કામક્રોધને જગાડે તેવી પરિસ્થિતિઓથી દૂર રહી, સાધના  કરવાનો પ્રયત્ન કર. પછી તું સર્વશક્તિના સ્રોતને જાણી શકશે.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)