અમ્મા : “પુત્ર, વેદાંત વાંચવા માટે કે પ્રવચન દેવા માટે નથી. વેદાંત તો જીવનમાં ઉતારવાનું તત્વ છે. ઘરના નકશાને કાગળના ટૂકડા પર અલગ અલગ રંગોથી, ગમે તેટલું સુંદર રીતે રંગો છતાં, તે ઘરમાં તમે વાસ ન કરી શકો! વર્ષા અને તડકાથી રક્ષણ મેળવવા તમને નાનું એવું આશ્રયસ્થાન જોઈએ, તો તે બાંધવા માટે પણ તમારે ઈંટ અને લાકડું ચણતરના સ્થળે પહોંચાડવા પડે છે. આ જ પ્રમાણે, સાધના વિના તત્વની અનુભૂતિ શક્ય નથી. પુત્ર, મનપર નિયંત્રણ ન મેળવો, તો પછી બ્રહ્મસૂત્રના પાઠ કરવાનો કોઈ અર્થ નથી. એક પોપટ કે ટેપ રેકોર્ડર પણ તેમ કરી શકે છે. તેમનામાં અને આપણામાં શું અંતર?”
પોતે રોજ પંચદશી અને બ્રહ્મસૂત્રના પાઠ કરતા હતા. પરંતુ અમ્માને તે જણાવ્યા ન હોવા છતાં, અમ્માએ તે તરફ સંકેત કર્યો હતો. આ સાંભળતા શાસ્ત્રીને ઘણું આશ્ચર્ય થયું. પછી તેમણે અમ્મા સમક્ષ પોતાનું હૃદય ખોલ્યું અને પોતાની સઘળી સમસ્યાઓ અમ્માને કહી. અમ્માએ પુત્રને પંપાળી, સાંત્વનાભર્યા શબ્દો સાથે આશ્વાસન આપ્યું. શાસ્ત્રજ્ઞને પાસે બેસાડી, અમ્મા અન્ય ભક્તોને દર્શન આપવા લાગ્યા. ધ્યાનપૂર્વક ઘણી એકાગ્રતા સાથે તેઓ અમ્માનું નિરીક્ષણ કરતા લાંબા સમય સુધી તે વૃદ્ધ ત્યાં બેઠા હતા. અચાનક તેમની આંખો ભરાઈ આવી, અને તે રડવા લાગ્યા. આ જોઈ અમ્મા તેમની તરફ ફર્યા અને ફરી એકવાર તેમને પંપાળી, આશ્ચાસન આપ્યું.
શાસ્ત્રજ્ઞ : “અમ્મા! આ ચાળીસ વર્ષોમાં જે શાંતિ મેં નથી અનુભવી, હું તે અત્યારે અનુભવી રહ્યો છું! મને મારું જ્ઞાન કે પાંડિત્યની જરૂર નથી. અત્યારે હું જે શાંતિ અનુભવી રહ્યો છું, તે નાશ ન પામે, એવા આશીર્વાદ મને આપો તો બસ.”
અમ્મા : “નમઃ શિવાય! પુત્ર, વેદાંત વાંચી તેને બુદ્ધિમાં રાખવું માત્ર જ પર્યાપ્ત નથી. તેને હૃદયમાં ઉતારવું જોઈએ. અને આ માટે સાધના જરૂરી છે. ત્યારે જ તેમાં જણાવેલા તત્વોને આપણે અનુભવી શકીએ. મધને હાથમાં લેશો, તે મધુર છે, તેમ સાંભળ્યું હશે. પણ જીભથી તેનો સ્વાદ કરીએ, ત્યારે જ તેની મધુરતાનો આપણને અનુભવ થાય છે. આ જ પ્રમાણે બુદ્ધિમાં જે જ્ઞાન ભેગું કર્યું છે, તેને હૃદય સાથે જોડો. ત્યાં જ તેનો અનુભવ રહેલો છે. એવો પણ એક સમય આવશે, જયારે બુદ્ધિ હૃદય સાથે એક થશે. શબ્દો દ્વારા તે અવસ્થાનું વર્ણન થઈ શકે નહિ. પુત્ર, તે એક અનુભૂતિ છે. તેના માટે, જે બધા ગ્રંથો છે, તેનો અભ્યાસ કરવાની જરૂર નથી. હંમેશા આ બોધ હોવો જોઈએ કે, એક માત્ર ઈશ્વર જ સત્ય છે. પછી સદા તેમનું સ્મરણ કરી, હૃદયને શુદ્ધ કરો. સકલ ચરાચરમાં તેના દર્શન કરી, બધા પ્રત્યે પ્રેમ વિકસાવો. અન્ય કંઈ કરવાની જરૂર નથી. જે કંઈની જરૂર હશે, તે બધું યથા સમયે તમને પ્રાપ્ત થશે.”
શાસ્ત્રજ્ઞ : “અમ્મા, હું ઘણા મહાત્માઓ પાસે, ઘણા આશ્રમોમાં ગયો છું. પરંતુ, આજે મારું હૃદય ખુલ્લું થયું છે. અને હું તે અનુભવી રહ્યો છું. (અમ્મા શાસ્ત્રીની આંખોમાંથી વહેતા આંસુ લૂછે છે) આજે હું અહીં પહોંચી શક્યો, એ આપના જ આશીર્વાદ છે. અમ્મા જો અનુમતિ આપો, તો મને બે દિવસ અહીં રહેવાની ઇચ્છા છે.”
અમ્મા : “પુત્ર, જેવી તારી ઇચ્છા.”
(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)