ભક્ત : “અમ્મા, મારો એક મિત્ર છે. તેણે એક સન્યાસી પાસેથી મંત્રદીક્ષા લીધી છે. હાલમાં, મને પણ તે સન્યાસી પાસેથી મંત્ર લેવા આગ્રહ કરે છે. મેં અમ્મા પાસેથી મંત્ર લીધો છે, એમ કહેવા છતાં. તે મારાં પર દબાણ કરતો હતો. છેવટે, કેમ પણ કરીને હું તેનાથી છુટકારો મેળવી શક્યો. અમ્મા, એક ગુરુ પાસેથી આપણે મંત્ર લીધો હોય, પછી અન્ય કોઈ પાસેથી મંત્ર લેવો શું યોગ્ય છે?”

અમ્મા : “બાળકો, એક વ્યક્તિને તમે તમારા ગુરુ તરીકે સ્વીકારો અને પછી તેમને છોડી કોઈ અન્યને ગુરુ તરીકે પસંદ કરો, તે ચરિત્રહીન સ્ત્રી જેવું છે. પહેલા ગુરુ પાસેથી મંત્ર ન લીધો હોય, તો તેમાં કંઈ ખોટું નથી.

“એક સદ્ગુરુ પાસેથી મંત્ર સ્વીકારો પછી તમારે અન્ય ક્યાંય જવાની જરૂર નથી. ગુરુ તમારાં સઘળા કાર્યોની સંભાળ લેશે. અન્ય ગુરુનો આદર કરો, તેમનું સંમાન કરો, એ ઠીક છે. પરંતુ કોઈ એકને વળગીને ન રહો, તો તમે કંઈ જ પ્રાપ્ત નહિ કરો. જે સદ્ગુરુ પાસેથી તમે મંત્રદીક્ષા લીધી હોય, તેમના જીવતા જી જો તમે અન્ય ગુરુ પાસે જાવ, તે તો કોઈ પરિણિત સ્ત્રી, પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કરી અન્ય પુરુષ પાસે જાય, એના જેવું થયું. તમારા ગુરુ પાસેથી તમે મંત્ર સ્વીકારો છો, એનો અર્થ એમ થયો કે તમને તમારા ગુરુમાં પૂર્ણ વિશ્વાસ છે. અને પછી જો તમે અન્ય કોઈને ગુરુ તરીકે સ્વીકારો, તો તેનો અર્થ થયો કે તમે તે વિશ્વાસ ગુમાવ્યો છે.”

ભક્ત : “જે ગુરુ પાસેથી મંત્ર લીધો હોય, તેમનામાંથી જો વિશ્વાસ ઉઠી જાય ત્યારે વ્યક્તિએ શું કરવું જોઈએ?”

અમ્મા : “પ્રથમ તો તમારા વિશ્વાસને દ્રઢ રાખવા, શક્ય તેટલો પ્રયત્ન કરો. તેમ છતાં, જો આ અશક્ય હોય તો તે ગુરુ પાસે રહેવું વ્યર્થ છે. ગુમાવેલા વિશ્વાસને ફરી જીવંત કરવો, તે તો ટાલ પડેલા માથા પર વાળ ઉગાડવા જેવું છે. વિશ્વાસ કેળવવા પ્રયત્ન કરો. વિશ્વાસ પૂર્ણરૂપે નાશ પામે, પછી તેને પુનઃજીવિત કરવો અત્યંત કઠિન છે. માટે, કોઈ વ્યક્તિને તમારા ગુરુ તરીકે સ્વીકારતા પહેલાં, તમારે તેમનું બારીકાઈથી નીરિક્ષણ કરી, પરીક્ષા કરી, પછી જ ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. એક સદ્ગુરુ પાસેથી મંત્ર મેળવવો અત્યુત્તમ છે.”

ભક્ત : “સદ્ગુરુ પાસેથી મંત્ર લેવાથી શું લાભ?”

અમ્મા : “સદ્ગુરુ પોતાના સંકલ્પથી, તમારી અંદર આધ્યાત્મિક શક્તિને જાગૃત કરે છે. દૂધમાં દૂધ રેડવાથી, દહીં નથી મળતું. પરંતુ, દહીંમાંથી થોડું  દહીં લઈ, દૂધમાં ઉમેરવાથી, તમને યથાર્થ દહીં મળે છે. મહાત્માઓ જયારે  મંત્રોપદેશ  આપે છે,  ત્યારે તેમનો સંકલ્પ  તેને પૂર્ણ કરે છે. આ ઉપરાંત, ઉપદેશ આપતી વખતે તેમની પ્રાણશક્તિ શિષ્યમાં પ્રવેશ કરે છે.”

ભક્ત : “એવા પણ કેટલાક લોકો છે, જે ગુરુની ભૂમિકા સ્વીકારી, ધડાધડ લોકોને મંત્ર આપતા હોય છે. તેઓ જે મંત્ર આપે છે, તેનાથી કોઈ લાભ ખરો?”

અમ્મા : “શાસ્ત્રોનો અભ્યાસ કરી, ભાષણ આપનારા લોકો છે. આજીવિકા મેળવવા માટે ભાગવત, રામાયણનું પારાયણ કરનારા પણ છે. તેઓ સ્વયં પોતાનું રક્ષણ નથી કરી શકતા, તે કેમ કરીને બીજાની રક્ષા કરી શકે?

“આવી કોઈ વ્યક્તિ પાસેથી મંત્ર મેળવ્યો હોય,  અને  પછી તમને સદ્ગુરુ મળે, તો ચોક્કસ તમારે સદ્ગુરુ પાસેથી માંગીને મંત્રદીક્ષા લેવી જોઈએ. સદ્ગુરુ પાસેથી મંત્ર મેળવવો, એ જ અત્યુત્તમ છે.

“જે લોકોએ સાધના દ્વારા આધ્યાત્મિક શક્તિને જાગૃત કરી છે, આધ્યાત્મિક સાધના કરી, આત્મ સાક્ષાત્કાર કર્યો છે. ફક્ત તેમને જ મંત્ર આપવાનો અધિકાર છે. અન્ય જે લોકો ગુરુ હોવાનો ડોળ કરે છે, તેઓ તો સ્પોંજમાંથી બનાવેલી નાવ જેવા છે. તેઓ  કોઈને  પાર ન લઈ જઈ  શકે. આવી નાવમાં જો કોઈ ચડે, તો નાવ પણ ડૂબે અને તેની સાથે યાત્રી પણ ઊંડે ઉતરી જાય છે. પણ એક સદ્ગુરુ, એક વિશાળ જહાજ જેવા છે. ગમે તેટલા લોકો તેમાં ચઢી શકે છે.  બધા સામે પાર પહોંચે છે. સાધના દ્વારા આવશ્યક શક્તિ પ્રાપ્ત કર્યા વિના, જે શિષ્યો સ્વીકારી, લોકોને  દીક્ષા આપે તે તો, નાનું સાપનું બચ્ચું મોટા દેડકાને ગળવાનો પ્રયત્ન કરે એના જેવું છે. ન સાપ દેડકાને ગળી શકે, ન દેડકો બહાર નીકળી શકે!”

યુવક : “મહાત્માઓ સાથેના સત્સંગથી શું લાભ થાય છે?”

અમ્મા : “પુત્ર, અગરબત્તીના કારખાનામાં જઈને પાછા આવીએ,  ત્યારે આપણામાં ત્યાંની સુગંધ રહી જાય છે. આપણે ત્યાં કામ નથી કરતા, કંઈ ખરીદી નથી કરી, કશાનો પણ સ્પર્શ નથી કરતા, આપણે તો ફક્ત તેની પાસે જ ગયા હશું. તેમ છતાં આપણામાં તે સુગંધ રહી જાય છે. આ જ પ્રમાણે, મહાત્માના સામિપ્યમાં પહોંચવા માત્રથી, આપણી જાણ બહાર જ, આપણામાં કંઈક પરિવર્તન થાય છે.  સામાન્ય લોકો પાસે જતા અનુભવ નથી  થતો, ત્યારે મહાત્માઓની ઉપસ્થતિમાં તે બને છે. મહાત્માઓના સામિપ્યથી આપણામાં સદ્ગુણો, ઉત્તમ વાસનાઓ, ઉત્તમ સંસ્કાર ઉદિત થાય છે. ત્યારે દુર્જનોનું સામિપ્ય, કોલસાથી ભરેલા ઓરડામાં પ્રવેશવા જેવું છે. કોલસાને અડકશું નહિ, છતાં  બહાર નિકળશું ત્યારે શરીર કાળું બની ગયું હશે.

“ઘણા વર્ષો સુધી તપ કરવાને અવકાશ મળશે, પરંતુ મહાત્મા સાથે રહેવાની તક તો જવલેજ, ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. આવી કોઈ તક મળે તો તેને વ્યર્થ જવા દેશો નહિ. ભલે તે ગમે તેટલી ધીરજ માગી લે, બને તેટલું તેમનું સામિપ્ય અનુભવવાનો પ્રયત્ન કરો. દસ વર્ષ તપ કરો તેનાથી પણ કયાંય વધારે લાભ મહાત્માનો એક સ્પર્શ કે દર્શનથી પ્રાપ્ત થાય છે. પરંતુ, આ લાભની અનુભૂતિ કરવા, અહમ્નો ત્યાગ જરૂરી છે. અને વિશ્વાસ પણ દ્રઢ હોવો જોઈએ.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)