યુવક : “અમ્મા, એક વૈજ્ઞાનીના જીવન  કરતાં એક સાધકનું જીવન કેવી રીતે મહત્વનું છે? એક સાધકને લક્ષ્ય પ્રાપ્તિ માટે અને એક વૈજ્ઞાનીને પોતાના સંશોધનમાં સફળ રહેવા, એકાગ્રતા અનિવાર્ય છે. પછી તેમના વચ્ચે શું અંતર છે? શું એક વૈજ્ઞાનીનું જીવન પણ સાધના નથી?”

અમ્મા : “હા, તે પણ એક સાધના જ છે. પરંતુ સંશોધન કરનાર વ્યક્તિ, કોઈ એક વસ્તુ વિષેનો વિચાર કરે છે. એક કમ્પ્યુટરનો અભ્યાસ કરતી વખતે,  તેમના ધ્યાનનો વિષય, માત્ર તે કમ્પ્યુટર જ હોય છે. તે વિષેના વિચાર કરી કરીને, તે તેને જાણે છે. તે વૈજ્ઞાનીનું મન ફક્ત સંશોધન કરતી વખતે જ તે વિષયમાં કેંદ્રિત હોય છે, ત્યાર પછી વિવિધ વિષયોમાં તે ભટકતું રહે છે.  પ્રાકૃતિક  કાર્યો સાથે તે બંધાય છે. આ કારણસર, અનંત શક્તિ તેનામાં જાગ્રત નથી થતી. ત્યારે એક તપસ્વી આમ નથી કરતો. તે બધાને એકરૂપ જોઈ સાધના કરે છે. માટે, તે સર્વકાંઈનો સાક્ષાત્કાર કરે છે. તેના બધા પ્રયત્નો સર્વના આધારમાં રહેલા સત્યનો સાક્ષાત્કાર કરવાના હોય છે. તેનો સાક્ષાત્કાર કરવાથી, બધું જ્ઞાન તે પ્રાપ્ત કરી લે છે. પછી, જાણવાનું કંઈ જ રહેતું નથી.

“પુત્ર, ખારાં પાણીના તળાવના એક ભાગમાં ઘણુ શુદ્ધ પાણી રેડવામાં આવે, તો તેટલા સમય માટે પણ, ત્યાં પાણીમાં ખારાશ દૂર થશે. પણ જો વરસાદ પડે, તો બધું જ પાણી એક સાથે પરિવર્તિત થાય છે. આ જ પ્રમાણે, જ્યારે એક તપસ્વી વિશાળમનથી તપ કરે છે, ત્યારે તેનામાં અનંત શક્તિ જાગ્રત થાય છે. તે સર્વકાંઈનો સાક્ષાત્કાર કરવાને શક્તિમાન બને છે. ત્યારે એક વૈજ્ઞાનીમાં, આ એક સ્વભાવનો અભાવ હોય છે.”

યુવક : “શાસ્ત્રો કહે છે કે બધું એક જ આત્મા છે. જો એમ હોય તો, એક વ્યક્તિ સાક્ષાત્કાર કરે, તો તે જ ક્ષણે અન્ય બધાને સાક્ષાત્કાર ન થવો જોઈએ શું?”

અમ્મા : “પુત્ર, ઘરની ઇલેકટ્રીસીટીની મેઈન સ્વીચ ચાલુ કરવાથી, ઘરના બધા ઓરડામાં સમાનરૂપે કરંટ મળે છે. પરંતુ પુત્ર, તારાં ઓરડાની લાઈટની સ્વીચ તું દબાવેવ તો જ તને તારાં ઓરડામાં પ્રકાશ મળશે. એક ઓરડામાં સ્વીચ દબાવવા માત્રથી, ઘરના બધા ઓરડામાંના બલ્બ પ્રકાશિત નથી થતા. આ કરંટના અભાવને કારણે નથી થતું. જે ઓરડાની સ્વીચ દબાવી હોય ત્યાં જ બલ્બ પ્રકાશિત થાય છે અને પ્રકાશ મળે છે. આ જ પ્રમાણે, બધા એક જ આત્મા છે, એમ કહેવા છતાં, સાધના કરી, જે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરે છે, ફક્ત તે જ તેનો સાક્ષાત્કાર કરે છે.

“કોઈ તળાવની સપાટી પર લીલ જામી છે. અને તમે તળાવના એક ભાગમાંથી લીલને સાફ કરો છો. ત્યારે તળાવનો તે ભાગ જ સ્વચ્છ  થશે અને ત્યાં પાણી પણ  દેખાશે. પરંતુ આનો અર્થ એમ તો ન થયો કે આખું તળાવ સ્વચ્છ થયું છે.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)