યુવક : “અમ્મા, આજે લોકો ગુરુનું અનુસરણ કરવામાં ઘણી હીનતા અનુભવે છે. જે લોકો મહાત્માઓને નમે છે, તેમનાપર તેઓ આક્ષેપો મુકે છે.”

અમ્મા : “પુત્ર, પહેલાંના દિવસોમાં, ઘરના પ્રવેશદ્વારની ઉંચાઈ ઘણી ઓછી રાખવામાં આવતી. તે પાછળનો ઉદે્‌શ, આપણામાં વિનય કેળવવાનો હતો. બારણા સાથે આપણું માથું ભટકાય નહિ, માટે તમે વાંકા વળીને જ, વિનયપૂર્વક  ઘરમાં પ્રવેશ કરો. આ જ પ્રમાણે, એક ગુરુ પાસે મસ્તક નમાવવાનો ઉદ્દેશેશ, આપણા અહમ્‌ના કારણે ઉદ્‌ભવતા ખતરાઓને દૂર કરી, આત્માને જાગ્રત કરવાનો છે.

“આજે આપણામાંનાં હરએક અષ્ટઅહંકારના પ્રતિરૂપ છીએ. આમાં પરિવર્તન લાવી, આપણા યથાર્થ સ્વરૂપને બહાર લાવવું હોય, તો એક ગુરુની નીચે  શિષ્યત્વ સ્વીકારી,  વિનયપૂર્વક તેઓશ્રીના વચનોનું પાલન કરવું જોઈએ. આજે આપણે ગુરુના વચનોનું પાલન કરી, આગળ વધીશું, તો આવતીકાલે સમસ્ત વિશ્વને અભય પ્રદાન કરનારમાં પરિવર્તિત થશું. ગુરુના સામિપ્યથી આપણી શક્તિને જાગૃત કરી, સાધના દ્વારા તેને વિકસાવવી જોઈએ.”

યુવક : “અમ્મા, શું શાસ્ત્રો એમ નથી કહેતા કે, ઈશ્વર આપણી અંદરજ છે,  તે આપણાથી ભિન્ન નથી? તો પછી ગુરુની શું જરૂર છે?”

અમ્મા : “હા પુત્ર, ઈશ્વર આપણી અંદર જ છે. રત્નો અને જે પેટીમાં તેને સાચવીને રાખ્યા છે, તેની ચાવી આપણી અંદર જ છે. પરંતુ, આથી સભાન ન હોવાથી, આપણે તેને બહાર શોધીએ છીએ. તે ચાવીને આટલા દિવસો ન વાપરવાથી, તેમાં કાટ લાગેલ છે. તેના પર ગ્રીસ લગાવી, કાટને કાઢવાનો છે. આ માટે આપણે ગુરુ પાસે આવીએ છીએ. ઈશ્વરને જાણવા હોય, તો ગુરુમાં આશ્રય લઈ, આપણી અંદરના અહમ્‌ને દૂર કરવો જોઈએ. આ માટે, વિનય અને સમર્પણના ભાવ સાથે ગુરુનું અનુસરણ કરવું જોઈએ.

“એક વૃક્ષમાં અસંખ્ય લોકોને ફળ આપવાની ક્ષમતા છે. ત્યારે આપણે  હજુ બીજ છીએ. વૃક્ષ નથી બન્યા. ગુરુ તો તપ કરી, પૂર્ણ થયા છે. માટે જ, ગુરુનું સામિપ્ય પ્રાપ્ત કરી, તેમના નિર્દેશાનુસાર સાધના કરવી જોઈએ.

“પર્વતના ટોચ પર તમે કૂવો ખોદો, તો કેટલાય ફૂટ ઊંડો ખોદો પછી તમને કદાચ પાણી મળે. ત્યારે નદી કિનારે એક નાનો ખાડો ખોદો તો પણ પાણી મળી જશે. આ જ પ્રમાણે છે, ગુરુના  સામિપ્યથી  આપણને થતું પ્રયોજન. ગુરુના સામિપ્યમાં આપણી અંદર સદ્‌ગુણો ઝડપથી વિકસે છે. સાધનાનું ત્વરિત ફળ મળે છે.  આજે  આપણે  ઈંદ્રિયોને સ્વાધીન છીએ. પરંતુ ગુરુની ઇચ્છાનુસાર જો આગળ વધીએ,  તો ઇંદ્રિયો આપણને સ્વાધીન થશે.

“જે પોતાના ગુરુ સાથે જીવન વિતાવે છે, તેઓ ગુરુની કૃપા માટે પ્રયત્ન કરે, તો તે પર્યાપ્ત છે. તેમની શક્તિ આપણામાં પ્રસરશે. જે સ્થળપર કરંટ હોય, ત્યાં હાથ લાગે તો શોક નથી લાગતો શું? આ જ પ્રમાણે, ગુરુમાં આશ્રય લેવાથી, તે શક્તિ આપણામાં વહે છે.

“ગુરુ ત્યાગી છે. સત્ય, ધર્મ,દયા, પ્રેમ વગેરે સદ્‌ગુણોની નિધિ છે. આપણે જ્યારે  સત્ય, ધર્મ વગેરે  શબ્દોને ઉચ્ચારીએ છીએ, ત્યારે તેમને પોતાનું કોઈ અસ્તિત્વ હોતું નથી. તે નીર્જીવ છે. પરંતુ, સદ્‌ગુરુ તો આ સદ્‌ગુણોના સાક્ષાત સ્વરૂપ છે. તેમની પાસેથી  આ જગતને બધું સારું જ મળે છે. આપણે કોઈ દુઃસ્વભાવવાળી વ્યક્તિ સાથે મૈત્રી કરીએ, તો આપણે પણ દુઃસ્વભાવવાળા બની જશું. આપણો મિત્ર, સદ્‌સ્વભાવવાળો હશે, તો આપણા સ્વભાવમાં પણ તેને અનુસરીને પરિવર્તન આવશે. આ જ પ્રમાણે, જે ગુરુની સાથે જીવે છે, તેઓ તો ફળદ્રુપ ખેતરો છે, જ્યાં ફકત સદ્‌ગુણોની જ ખેતી થાય છે.
“ખેતરમાંથી ઘાસ, ખડ વગેરે ન કાઢો અને ત્યાં બીજ વાવો, તો તે તમે વાવેલા બીજનો ખાઈને નાશ કરે છે. અહમ્‌નો ત્યાગ કર્યા વિના, સાધના કરીએ તો સાધનાના બધા ફળ તે ખાઈ જશે. કોંકરેટ તૈયાર કરતી વખતે, તેમાં ધોઈને સાફ કરેલી કાપચીનો ઉપયોગ કરીએ, તો તે વધુ દ્રઢ હશે. આ જ પ્રમાણે, શુદ્ધ મનમાં જ ઈશ્વરસ્મરણ દ્રઢ બને છે. સ્વાર્થ અને અહમ્‌નો ત્યાગ કરી, સાધના કરીએ, તો આ સત્યની અનુભૂતિ થશે કે, તમો સ્વયં ઈશ્વર છો.”

મહાન ગુરુઓ કેવળ ઉપદેશ નહિ, પરંતુ ઉદાહરણ દ્વારા પાઠ શીખવે છે!  અમ્માના જીવનનો પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, આ વાતનું દ્રષ્ટાંત છે. અમ્મા, પોતાના બાળકો પાસેથી જેની પ્રતીક્ષા કરે છે,  તેઓ સ્વયં તે માટેનો દાખલો બેસાડે છે.
“સ્વયં આચરતેયસ્માત્‌, તસ્માદાચાર્ય ઉચ્યતે.”

આનું અનિર્વચનીય ઉદાહરણ છે, અમ્મા.

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)