રાવ : “અમ્મા, શું આપ નથી કહેતા કે, ઈશ્વરદર્શન માટે વ્યાકુળ હોવું જોઈએ? પરંતુ, અમ્માના રૂપ પર ધ્યાન કરતી વખતે, અમને કેવી રીતે વ્યાકુળતા આવે? તમે તો અમારી પાસે જ છો?”

અમ્મા : “આ બહુ સરસ! ઈશ્વરથી વિખુટા પડ્યાનો વિરહ આવવો જોઈએ. તે દુઃખ અનુભવવું જોઈએ.!”

રાવ : “ઉત્તમગુરુ મળ્યા પછી, તેઓ જ તે વ્યાકુળતા ન આપે શું?”

અમ્મા : “નમઃ શિવાયા! ગુરુ માત્ર જ ઉત્તમ હોય એ પૂરતું નથી, શિષ્યે પણ ઉત્તમ હોવું જોઈએ.”

કુંજુમોન : “અમ્મા પાસે પહોંચી ગયા, હવે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી! આપણે બચી ગયા!”

અમ્મા (હસતા) : “તે વિશ્વાસ સારો છે. પરંતુ, બાળકો તમારે, આ શરીરમાં દેખાતા બહારી અમ્મા સુધી જ સ્વયંને સીમિત ન રાખવા જોઈએ. આમ તમે તમારી શક્તિ અને આત્મ-વિશ્વાસ ગુમાવશો. તત્વમાં અમ્માને જાણવાનો પ્રયત્ન કરો. બધામાં આ અમ્માને જોવાનો પ્રયત્ન કરો. તે જ તો જરૂરી છે. તે માટે તમને સહાય કરવાને જ તો અમ્મા આવ્યા છે.”

કુંજુમોન : “ગઈકાલે સ્રાયકાડથી કોઈ આવ્યું હતું. તેણે અમને આશ્રમ વિષે પૂછયું. આશ્રમની સ્થાપના કરવા પાછળનો, અમ્માનો ઉદે્‌શ શું છે?”

અમ્મા : “લોકોમાં ઈશ્વરવિશ્વાસ વિકસાવવો. લોકોમાં ઈશ્વર વિશ્વાસની સ્થાપના કરી, તેમના થકી સારાં કર્મો કરવા, તેમને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવા પ્રેરિત કરવા — આ આપણું લક્ષ્ય છે.”

એક મહિલા ભક્ત : “અમ્મા, ઈશ્વરને પોકારતા બધા લોકો જીવનમાં ઘણા દુઃખ અનુભવતા દેખાય છે.”

અમ્મા : “બાળકો, પ્રેમપૂર્વક ઈશ્વરને બોલાવતી વખતે, લોકો જે પ્રેમાશ્રુ સારે છે, તે દુઃખને કારણે નથી. તે તો આનંદના અશ્રુ છે. પરંતુ આજે, દુઃખ આવે ત્યારે જ બધા ઈશ્વરને યાદ કરે છે. આથી વિપરીત, સુખમાં કે દુઃખમાં, હંમેશા જો ઈશ્વરનું સ્મરણ કરવાને તૈયાર હોઈએ, તો પછી ક્યારેય દુઃખી થવાનો વારો નહિ આવે. દુઃખ આવે તો પણ તે દુઃખ જેવું લાગશે નહિ. ઈશ્વર દરેક વસ્તુની સંભાળ લેશે. ઈશ્વર સમક્ષ તમારું હૃદય ખોલીને પ્રાર્થના કરો, તેના માટે બે અશ્રુબિંદુ વહાવી શકો, તો આપણે બચી ગયા સમજવું.”

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)