અમ્મા ઓટૂર નામબુદિરીપાદની રૂમની બહાર, દરવાજાની પાછળ થોડીવાર ઊભા રહ્યાં. અંધારી ઓરડીની અંદરથી કાંપતા સ્વરમાં ભગવાન શ્રીકૃષ્ણના નામનો જાપ સંભળાતો હતો. “નારાયણ… નારાયણ… નારાયણ….”
અમ્માના મોહનરૂપને પોતાની સામે જોઈ, ઓટૂર ઊછળીને ઊભા થયા અને મનાઈ કરવા છતાં તેઓ અમ્માના ચરણોમાં ઢળી પડયા. અમ્મા હજી પલંગ પર બેઠા જ હતા, તે પહેલાં જ ઑટુરે, એક બાળકની સ્વતંત્રતા સાથે પોતાનું મસ્તક અમ્માના ખોળામાં રાખી દીધું.
અમ્મા : “પુત્ર, તને ભકિતપૂર્વક પ્રભુનું નામ લેતા સાંભળી, અમ્મા ત્યાં ઊભા રહી ગયા!”
ઓટૂર : “મને નથી લાગતું કે, મને ખરેખર પ્રભુની સ્હેજેય ભક્તિ હોય. જો એમ હોત તો શું, કરુણાશીલ કૃષ્ણે મને દર્શન ન આપ્યા હોત?”
એક બ્રહ્મચારી જે આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો, તેણે કહ્યું, “અત્યારે તમે અમ્માને તો જોઈ રહ્યાં છો. નથી શું?”
ઓટૂર : “શારદા દેવીએ એક વખત રામકૃષ્ણને કહ્યું હતું, “તમે જાણો છો, તમારી જેમ હું લાંબા સમય સુધી રાહ ન જોઈ શકું. મારાં બાળકોને દુઃખી થતા હું ન જોઈ શકું.” અત્યારે તે જ વ્યક્તિ મને દર્શન દેવાને આવ્યા છે, એમ હું માનું છું. શારદાદેવીની જેમ જ, અમ્મા પણ હંમેશા ભક્તિ વિષે જ કહે છે.”
અમ્મા : “અમ્મા શા માટે ભક્તિ વિષે કહે છે, કારણ કે, આ તેમનો પોતાનો અનુભવ છે. આજે અસંખ્ય પંડિતો અને સંન્યાસીઓ છે. તેઓ અદ્વૈત વિષે કહે છે, પણ તેમના જીવનમાં તે નથી દેખાતું. તેમના મન રાગદ્વેષથી ભરેલા છે. અદ્વૈત કહેવા માટે નથી, તે તો અનુભવવા માટે છે.
“ઉપનિષદમાં એક કથા આવે છે. એક પિતાએ પોતાના પુત્રને શાસ્ત્રોનો અભ્યાસ કરવા મોકલ્યો. શાસ્ત્રોનો અભ્યાસ કરી પાછા ફરેલા પુત્રનું અભિમાન જોઈ, પિતા સમજી ગયા કે, પુત્ર જે કંઈ ભણ્યો છે, તેને યોગ્ય રીતે ગ્રહણ નથી કર્યું. બધું સાંભળ્યા પછી, પિતાએ પુત્રને યથાર્થ તત્વ શીખવવાનું નક્કી કર્યું. પુત્રને દૂધ અને ખાંડ લઈ આવવાનું કહ્યું. પુત્ર તે લઈ આવ્યો. પછી પિતાના કહેવાનુસાર, દૂધમાં ખાંડ ભેળવી. પિતાએ પછી, તે મિશ્રણના ચાર જુદા જુદા ભાગોમાંથી થોડું દૂધ લઈ, પુત્રને ચાખવા માટે આપ્યું, અને તેના સ્વાદ વિષે પૂછયું. તે મધુર છે. કેટલું મધુર છે? પુત્ર સ્વાદનું વર્ણન કરી શક્યો નહિ. મૌન ધારણ કરી ઊભો રહ્યો. ત્યારે પુત્રને સત્ય સમજાયું. બ્રહ્મ અનુભૂતિ છે. શબ્દો દ્વારા તેનું વર્ણન થઈ શકે નહિ. ત્યાં સુધી આત્મા વિષે મોટી મોટી વાતો કરી, શોર મચાવનાર તે યુવકને સમજાયું કે, તે શબ્દો દ્વારા વર્ણવી શકાય એવી વસ્તુ ન હતી. તેને બોધ થયો કે, તે તો માત્ર એક અનુભવ છે.
“બ્રહ્મનું વર્ણન કોઈ કરી શકે નહિ. બુદ્ધિ દ્વારા તેને જાણી શકાય નહિ. તે તો એક અનુભવ છે. “અહમ્ બ્રહ્માસ્મિ,” એમ આપણે કહીએ છીએ. પરંતુ, આપણને પણ સુખ—દુઃખ છે. પરંતુ જેણે તેનો અનુભવ કર્યો છે, તેઓ તેમ નથી. આગ હોય કે પાણી હોય, તેમને આંચ નહિ આવે. સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો, શું તેમને કઈ થયું? કંઈ જ નહિ. કેટલાક લોકો કહેશે કે, તેઓ બ્રહ્મ છે, પરંતુ તે “બ્રહ્મ”ને પકડીને પાણીમાં ડૂબાડવામાં આવે, ત્યારે શ્વાસ લેવા માટે તે તરફડીયા મારશે. અને અગ્નિમાં નાખશો તો ફોડલા પડશે. સુખદુઃખોથી પર એવા બ્રહ્મની તેમણે અનુભૂતિ નથી કરી. “હું બ્રહ્મ છું,” ની અનુભૂતિ, નિષ્ઠાપૂર્વકની સાધના વિના શક્ય નથી.”
પાસેના મેદાનમાં ઘાસ ચરતી ગાય તરફ આંગળી ચીંધતા અમ્માએ કહ્યું, “તે ગાયને જુઓ છો? તેના કાન દબાવવાથી શું તમને દૂધ મળશે? તેના શરીરના બધા જ ભાગમાં દૂધ રહેલું છે, શું એમ કહેવું યોગ્ય છે? તેના આંચળમાં રહેલું દૂધ માત્ર જ આપણે પી શકીએ, અને તે પણ ગાયને દોહવાથી જ મળે છે.
“ઈશ્વર સર્વવ્યાપી છે, પરંતુ તેમને અનુભવના સ્તરપર જાણવા હોય તો, ગુરુના માર્ગદર્શન નીચે, લક્ષ્યબોધ સાથે, એકાગ્રતાથી સાધનાનુષ્ઠાન કરવું જ જોઈએ.”
બ્રહ્મચારી : “અમ્માએ શાસ્ત્રોનો અભ્યાસ નથી કર્યો, એમ કહો છો. પરંતુ શાસ્ત્રોમાં જે છે, તે જ તો અમ્મા તમે કહો છો?”
અમ્મા : “પુત્ર, શાસ્ત્રો અનુભવથી લખવામાં આવ્યા હતા, નહિ શું? અમ્મા જે કંઈ કહે છે, તે અનુભવના આધાર પર કહે છે. જે કંઈ જોયું, જાણ્યું અને અનુભવ્યું, તેમાંથી કહે છે. માટે, તે શાસ્ત્રોમાં ન હોય એ બની શકે જ નહિ.”
બ્રહ્મચારી : “અમ્મા, શું ફરી રામરાજ્ય આવશે?”
અમ્મા : “રામરાજ્ય આવશે, પણ ત્યારે એક રાવણ પણ હશે. દ્વારકા આવશે, પણ સાથે કંસ અને જરાસંઘ પણ હશે.”
બ્રહ્મચારી. : “અમ્મા, કેટલાક લોકો પૂનર્જન્મ છે, એમ કહે છે. શું આ સત્ય છે?”
અમ્મા : “ગયા મહિને, થોડા બાળકો સાથે મળી, એક ભજન આપણે શીખ્યાં હતા. અત્યારે તે યાદ નથી. તો શું આપણે એમ કહી શકીએ કે, આપણે તે ગીત શીખ્યા જ નથી? તે ગીત શીખ્યાં હતાના ઘણા સાક્ષીઓ છે. પૂર્વજન્મના કાર્યોને યાદ કરવા, આપણા માટે અશક્ય હશે. પરંતુ, એક તપસ્વી માટે તે શક્ય છે. સાધના દ્વારા આપણા મનને સૂક્ષ્મ કરીએ, તો આપણા માટે પણ તે શક્ય હશે.”