અમૃતપુરીમાં નવવર્ષની ઉજવણી
અમૃતપુરીમાં નવવર્ષની સંધ્યા પૂર્ણ ઉત્સાહ અને જોશથી મનાવવામાં આવી હતી. સંધ્યાના ભજન પછી અમ્માના સાનિધ્યમાં નવવર્ષનું સ્વાગત કરવા દેશવિદેશથી આવેલા હજારો ભકતો વિશાળ પ્રાર્થના મંદિરમાં ભેગા થયા હતા. તેમનું મનોરંજન કરવા ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમ કે વિદેશી હીપહોપ, ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને અમ્મા દ્વારા કહેવામાં આવેલી કથાઓને નાટકમાં રૂપાંતર કરી ભજવવામાં આવી હતી.
બાળકો સાથે કાર્યક્રમોનો આનંદ લેતા, અમ્મા મદ્યરાત સુધી ભક્તો વચ્ચે હૉલમાં બેઠા હતા. અમ્માની આજુબાજુ ઘણા નાના બાળકો હતા. અમ્મા દરેકને વારાફરતી ખોળામાં લેતા હતા. બધા કાર્યક્રમો પુરા થયા પછી અમ્માએ નવવર્ષ પર પોતાનો સંદેશ પાઠવ્યો હતો.
અમ્માએ કહ્યું, “આપણે ફરી એક નવવર્ષના ઉંબરે પહોંચ્યા છીએ. નવવર્ષનો વિચાર માત્ર આપણામાં આકાંક્ષાઓ, સુખ અને ઉત્સવના સ્પંદનો જાગૃત કરે છે. મારા બાળકોના હૃદયમાં શાંતિ અને ખુશીના પુષ્પો ખીલી ઊઠે. બાળકોના સદ્કર્મો દ્વારા આ પુષ્પોની સુવાસ સમસ્ત વિશ્વમાં પ્રસરી રહે.
ગયા વર્ષમાં અનેક એવી ઘટનાઓ ઘટી જેથી આપણને ગહરું દુઃખ થયું છે. યુદ્ધો, સંઘર્ષો, પ્રાકૃતિક દુર્ઘટનાઓ, મહિલાઓનું શોષણ… આ નોંધ અંતરહિત છે. સિરીયાનું યુદ્ધ, ફિલીપીન્સમાં હરીકેન, ઉત્તરખંડમાં વિધ્વંસ.. આ દુર્ઘટનાઓના ભયાવહ દ્રષ્યો આજે પણ આપણા મનમાં સતત ઊભરાય આવે છે. માનવજાત આજે જે પડકારોનો સામનો કરી રહી છે, તેના પર આપણે ઘણી ચર્ચાઓનું આયોજન કરીએ છીએ અને પુસ્તકો પણ લખીએ છીએ, પરંતુ આ પ્રત્યે આપણે પૂર્ણરૂપે સજાગ થવું અનિવાર્ય છે. ઘણા લોકો વાતાવરણની જાળવણી વિષે ઘણી વાતો કરે છે, પણ સાચી મહાનતા તો આ સિદ્ધાંતોને આચરણમાં મૂકવામાં, તે વિશે ખરેખર કંઈક કરવામાં છે. ગયા વર્ષે આપણે ૧૨.૫ અબજ એકરો જંગલો ખલાસ કર્યા. આ જંગલોને ફરી ઉગાડવા માટે કેટલો સમય લાગશે વિચારી જૂઓ? આ શક્ય પણ છે શું? વિજ્ઞાનીઓ જંગલોને “આ ગ્રહના ફેફસાં” (લંગસ્ ઑફ ધી પ્લેનેટ) કહે છે. આપણામાં આ જાગરૂકતા હોવી જોઈએ કે, નદીઓ, સમુદ્રો અને જંગલોને દુષિત કરવા, એ તો પોતાના રક્તમાં ઝેર ઘોળવા જેવું છે.
મનુષ્ય, જે પ્રકૃતિના સંરક્ષણ માટે જવાબદાર હતો, આજે તે જ તેના વિનાશનું કારણ બની ગયો છે.
અમ્માની એક વિનંતી છે. જ્યારે નવવર્ષ માટેના નિર્ણયો લો, ત્યારે પ્રકૃતિ પ્રત્યે કરુણાનો ભાવ પ્રકટ કરવાનો નિર્ણય પણ ચોક્કસ લેશો. પ્રકૃતિની જાળવણી માટે કરેલ પ્રત્યેક નાનો પ્રયત્ન અમૂલ્ય છે. કારણ કે, વાસ્તવમાં તે જીવન જાળવવા તરફનો પ્રયત્ન છે. તે કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં ક્યાંય વધારે મૂલ્યવાન છે.
જેમ આપણે બાળકોમાં સંપત્તિ સંગ્રહ કરવાનો શોખ જગાડયો છે, તે જ પ્રમાણે સ્કૂલો દ્વારા આપણે બાળકોમાં પ્રકૃતિ સંરક્ષણ માટે રસ જગાડી શકીએ.
ફક્ત કેલેન્ડરના પાના ફેરવવાથી ક્યાંય કોઈ પરિવર્તન નથી થવાનું. એ તો આપણી અંદર રહેલ ક્રોધ, મોહ અને ઇર્ષા જેવી મલિનતા છે, જે આપણા “સારા સમય”ને “ખરાબ સમય”માં પરિવર્તિત કરે છે. જીવનમાં એક ઉચ્ચતર લક્ષ્ય હોવું જરૂરી છે.
કલ્પના કરો કે, એક જહાજ સમુદ્રમાં જઈ રહ્યું છે અને તેની સઢ પણ સહી દિશામાં ચઢાવેલી છે, પરંતુ જહાજના કપ્તાનને જો આ વાતની જાણ ન હોય કે કયા બંદરમાં જહાજ લંગારવાનું છે, તો જહાજ તરતું જ રહેશે.
પ્રવાસ ભલે ગમે તેટલો સરળ હશે, પરંતુ લક્ષ્ય જો નિશ્ચિત ના હોય, તો બધું વ્યર્થ હશે. એ તો આપણા લક્ષ્યાંકો છે જે આપણામાં ઉત્સાહ, હિમ્મત અને શક્તિ પૂરે છે. તે આપણને જીવંત કરે છે.
નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધવા આપણી સહાય કરવા નિશ્ચિત દિનચર્યા આવશ્યક છે. જો આધ્યાત્મિકતા આપણું લક્ષ્ય હોય, તો આપણે સારા વિચારોને પોષિત કરીશું. આપણે સારા કાર્યો કરવા પ્રયત્ન કરીશું. અનાવશ્યક વિચારો પર મનન નહિ કરીએ. અન્ય વ્યક્તિની સફળતા પર આપણને ઈર્ષા નહિ થાય.
આપણી આજુબાજુ બનતી વિવિધ બાબતોની પરવા પણ નહિ કરીએ. આપણાથી જે શક્ય હોય, તે કરવાનો પ્રયત્ન કરીશું. આપણે આધ્યાત્મિક ગ્રંથો વાંચીશું અને સત્સંગ પ્રવચનોમાં ભાગ લેશું.
મૃત્યુ હંમેશા આપણી આગળ અને પાછળ પડછાયાની જેમ છે. આપણું આ શરીર ભાડે લીધેલ ઘર જેવું છે. કોઈ પણ ક્ષણે તેને ખાલી કરી દેવાનું કહેવામાં આવશે. ધમપછાડા કે બૂમબરાડા મારી નીકળવા કરતા, હસતા આનંદ કિલ્લોલ કરતા નીકળવાને આપણે તૈયાર રહેવું જોઈએ. મૃત્યુ આપણને સ્વાધિન કરે તે પહેલાં ઘણા મહત્વના કાર્યો આપણે પૂરા કરવાના છે.
જીવન તો પાછળ ફરી, આપણે કેટલી પ્રગતિ કરી તે જોવા અને આ સાથે આગળ નજર કરી, આપણા કાર્યમાં કેંદ્રિત થવા માટેનો અવસર છે.
આપણે શા માટે આ જીવન યાત્રાનો સાહસ ખેડ્યો છે? આપણું લક્ષ્ય શું છે? શું આપણે સાચા માર્ગ પર આગળ વધી રહ્યાં છીએ? કે પછી આપણે આપણો માર્ગ ભુલી ગયા છીએ?
નવવર્ષનો ઉદય, આત્મ—નિરીક્ષણ અને દ્રઢ સંકંલ્પો માટેનો સમય છે.
આપણે પ્રતિદિન સ્વચ્છ રહેવા સ્નાન કરીએ છીએ. ઉત્સાહ એ તો મનને સ્નાન કરાવવા જેવું છે. ફક્ત નવવર્ષના દિવસે જ ઉત્સાહિત અને આનંદિત હોવું પર્યાપ્ત નથી. વર્ષભર આ ભાવનાને જાળવી રાખવી જરૂરી છે. સવારના આપણે ઊઠીએ છીએ, ત્યારે આપણે ચહેરો ધોઈ, સ્વયંને તે દિવસ માટે તૈયાર કરીએ છીએ. કોઈની સામે ગંદુ કે કદરૂપુ દેખાવું કોઈને પસંદ નથી.સામાન્યતઃ આપણા દિવસનો આ જ પ્રથમ વિચાર હોય છે. પરંતુ, આ સાથે આપણા મનને પણ સ્વચ્છ રાખવું જરૂરી છે. આપણી નકારાત્મકતાની ધૂળને સાફ કરવી જરૂરી છે. ત્યારે, આપણા જીવન જ નહિ, આપણી આજુબાજુના લોકોના જીવન પણ સુંદર બની જશે. આ જો આપણો મનોભાવ હશે તો જાણે સમસ્ત વિશ્વ સમૃદ્ધીના એક નવા ઝરણાની જેમ જાગી ઊઠશે.
અમ્માના બાળકો શાંતિ અને પ્રેમના દૂત બને. અમ્માની પ્રાર્થના છે કે, તેમના બધા જ બાળકોના જીવન સુખ અને શાંતિથી ભરપૂર રહે. બધા પર ઈશ્વરકૃપા રહે. આપણે બધા ભેગા મળી, “લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ,”નો જાપ કરીએ. અંધકાર દૂર કરવો કઠિન છે. પરંતુ પ્રકાશની ઉપસ્થિતિમાં અંધકાર સહજ જ અદ્રશ્ય
થાય છે. આ જ પ્રમાણે, અમ્માના બધા જ બાળકોના હૃદયમાં પ્રેમ અને કરુણાના દીપક પ્રજ્વલિત રહે. ઈશ્વરકૃપા બધાને શક્તમાન બનાવે.”
“લોકાઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ…” પ્રાર્થના સાથે અમ્માનો સંદેશ પૂરો થયો કે અમ્માએ, “ખુશીયોં કી બહાર ચલતી રહે, જગમેં શાંતિ બનાયે રહે…” ભજન ઉપાડ્યું હતું. આ ભજનના અંતમાં બધાએ અમ્માની સાથે, “લોકોઃ સમસ્તાઃ સુખીનો ભવન્તુ…” મંત્રનો જાપ કરી નવવર્ષ માટે પ્રાર્થના કરી હતી.
ત્યાર પછી નવવર્ષના આગમનના ઉત્સાહની લહેરો જેમ વાતાવરણમાં પ્રસરવા લાગી, કે અમ્માએ “મારી ઝૂપડીના ભાગ આજ ખુલી જશે રે, રામ આવશે…” ભજન ઉપાડયું હતું. ભજનના તાળ સાથે ઉપસ્થિત હજારો વિદેશી ભક્તો પોત પોતાના સ્થાન પર ઊભા થઈ ગયા અને તાળી પાડતા નૃત્ય કરવા લાગ્યા. આ ગીત હજુ પૂરું થયું કે અમ્માએ “તન્નાના તાયે તન્નાના….” ભજન ઉપાડયું. પછી તો કહેવાનું જ શું. હર્ષ અને આનંદનું જાણે વંટોળિયુ ફરી વળ્યું. સમસ્ત ભજન હૉલ આ ભજનના તાળમાં તાળ મિલાવી જાણે આનંદ નૃત્ય કરી રહ્યો. અમ્માએ પછી છેલ્લે જ્યારે “માતારાની કી જય” બોલાવી ત્યારે પાયસન્નથી ભરેલા મોટા મોટા પાત્રો પ્રાર્થના મંદિરમાં લાવવામાં આવ્યા હતા અને સહુકોઈને પ્રસાદમાં પાયસન્ન વહેંચવામાં આવ્યું હતું. આ પ્રમાણે અમૃતપુરીમાં નવવર્ષનું સ્વાગત પ્રેમ, પ્રાર્થના અને પાયસન્નના પ્રસાદથી થયું હતું.