યુવક : “સાધકને વિનય અને વિનમ્રતા બહુ જરૂરી છે, એમ કહે છે. પણ મને તો તે ફક્ત દુર્બળતા લાગે છે.”

અમ્મા : “પુત્ર, અન્ય પ્રત્યે વિનયપૂર્વક વર્તન રાખવું, તે આપણામાં સારાં સંસ્કાર કેળવવા માટે જ છે. વિનય દુર્બળતા નથી. હું મોટો માણસ છું, આ ભાવ સાથે જ્યારે આપણે અન્ય લોકોપર ક્રોધ કરી, અહંકારભર્યું વર્તન કરીએ છીએ, ત્યારે તેને અનુસરીને આપણી અંદરની શક્તિ પણ નાશ પામે છે. આ સાથે ઈશ્વરનું રૂપ પણ આપણા માટે નાશ પામે છે. કોઈને નાનું બનવું ગમતું નથી. મિથ્યા કાર્યોપર અભિમાનને કારણે આપણામાં વિનય પણ રહેતો નથી. આપણું આ શરીર, “અહંકાર — હું“ ના મનોભાવથી ભરેલું એક રૂપ માત્ર જ છે. આ તો અહંકાર અને કામક્રોધથી મલિન થયેલું એક શરીર છે. તેને શુદ્ધ કરવા માટે જ, વિનય અને વિનમ્રતા કેળવવાનું કહે છે. અહંકારથી વર્તન કરીએ, ત્યારે દેહાભિમાનમાં વૃદ્ધિ થાય છે. અહંકારને દૂર કરવા, અન્ય લોકોને નમવું, તેમના પ્રત્યે વિનયપૂર્વકનું વર્તન રાખવું, આવો એક ભાવ આપણે વિકસાવવો જોઈએ.

“ગંદી ડોલમાં ગમે તેટલું પાણી રેડવામાં આવે, તેનું કોઈ પ્રયોજન નથી. બધું પાણી ગંદુ થશે. પાયસન્નમાં ખટાશ મિશ્રિત કરવાથી, પાયસન્નનો સ્વાદ માણી શકો નહિ. આ જ પ્રમાણે, અહંકારથી ભરપૂર રહી સાધના કરો તો ત્યારે ઈશ્વરમાં સમર્પિત થવું, આપણી  સાધનાના  ફળને  જાણવું  કે  અનુભવવું, શક્ય નથી. વિનય અને વિનમ્રતાથી આપણા અહંકારનો નાશ કરીએ પછી જ આપણામાં સદ્‌ગુણો પ્રગટ થાય છે. ત્યારે આપણામાં રહેલો જીવાત્મા, પરમાત્મામાં વિકસિત થાય છે.

“અત્યારે આપણે ટેબલ—લેમ્પ જેવા છીએ. સામે રાખેલ પુસ્તકને જોઈ શકાય, એટલો જ પ્રકાશ તે આપે છે. પરંતુ, અહંકારનો નાશ કરી તપ કરીએ, તો આપણે પણ સૂર્ય જેવા બની શકીએ.”

 

(ઉપદેશામૃત ભાગ-૨માંથી અવતરણ)