આપણે કોઈ એકાંકી દ્વીપ નથી. આપણે તો એક સાંકળમાંની કડીઓ છીએ. આપણા એક એક કર્મથી અન્ય લોકો પ્રભાવિત થતા હોય છે. આ દુનિયામાં બનેલા બધા જ યુદ્ધો, કોઈ એક મનુષ્યની અંદર જન્મેલા વિદ્વેષનું ફળ હતા. એક વ્યક્તિના વિચાર, તેની પ્રવૃત્તિએ કેટ કેટલા લોકોનો નાશ કર્યો! હીટલર એક વ્યક્તિ હતો. પરંતુ, તેના કર્મોથી કેટલા લોકો પ્રભાવિત થયા હતા. આપણા વિચારોથી અન્ય લોકો અને અન્ય લોકોના વિચારોથી આપણે પ્રભાવિત થઈએ છીએ. આ જાણ્યા પછી, હંમેશા સારા વિચારો જ ગ્રહણ કરવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. “તેઓ જો બદલાય નહિ, તો હું પણ નહિ બદલું,” એવા વિચાર ન કરતા, તેઓ બદલે કે નહિ, આપણે બદલવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે ચોક્કસ પરિવર્તન આવશે. આધ્યાત્મિકતા આપણને આ જ તો શીખવે છે.
અમ્માએ કહ્યું, આજનો દિવસ તો ત્યાગનો દિવસ છે.ત્યાગ દ્વારા જ આપણા સંસ્કારનો ઉદ્ધાર થઈ શકે. આ દિવસ તો ઋષિઓએ આપણને પ્રદાન કરેલ સંસ્કારને આપણામાં જાગૃત કરવાનું સ્મરણ કરાવતો દિવસ છે. આ દિવસ કોઈ બહારી આડંબર કે ઉજવણી માટેનો નથી. વ્યક્તિબોધનો ત્યાગ કરી, જયારે સદ્કર્મોમાં ડૂબી, તેમાં આનંદ અનુભવિએ, ત્યારે જીવન ઉત્સવમાં પરિવર્તિત થાય છે. આનંદ અને સંસ્કાર એક થવા જોઈએ. તે જ જીવનને ઉત્સવમાં પરિવર્તિત કરે છે.
સંસ્કાર સાથેનો આનંદ, નાના બાળકના હાસ્ય જેવું – નિષ્કલંક હાસ્ય છે. તે આપણને ઈશ્વર તરફ ઉપર ઊઠાવે છે. પણ સંસ્કાર વિનાનો આનંદ અને કર્મ, આપણને પશુતામાં જ ઉતારે છે.
આજે આપણે જાણીએ છીએ કે, વિશ્વમાં બધી જ રીતે સંસ્કારનો નાશ થઈ રહ્યો છે. તે પછી રાજનીતી હોય, વિદ્યાભ્યાસ હોય કે કૌટુંબિક જીવન હોય, સંસ્કારનો નાશ થઈ રહ્યો છે. આધ્યાત્મિકતામાં સ્થિર રહી ગ્રહણ કરેલી શક્તિ દ્વારા જ આ સંસ્કરનો ઉદ્ધાર કરી શકાય. આધ્યાત્મિકતા આપણા જીવનમાં શક્તિ પસારતું વિજ્ઞાન છે. આધ્યાત્મિકતા તે કળા છે, જે આપણા જીવનને સૌંદર્ય અર્પિત કરે છે.
(૨૦0૦ – અમ્માના ૪૭માં જન્મદિવસ સંદેશમાંથી અવતરણ)