કલિંગા ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી તરફથી ડી.લીટ પદવી સ્વીકૃતિ વેળાએ અમ્માનું ઉદ્‌બોધનઃ

પ્રેમસ્વરૂપિ, આત્મસ્વરૂપિ પોતાના બધા જ બાળકોને અમ્મા વંદન કરે છે. વિદ્યાભ્યાસ, સ્કીલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રેનરશીપના કેંદ્રિય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, નોબલ પુરસ્કારના વિજેતા પ્રોફેસર શ્રી જીન-મેરી-લેઽન, આ ઉપરાંત સર્વપ્રથમ લોકસભાના સદસ્ય તેમજ કલિંગા ડીમ્ડ યુનિવર્સિટીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતા, સ્વીડઝરલેંન્ડના રાજ્યસભાના સદસ્ય શ્રી વેદ પ્રકાશ, શ્રીમતી સસ્મિતા સામંતા, શ્રી વરુણ સૂત્રા તેમજ કલિંગાના અન્ય નિર્દેશકોનું હું આ સંમાન માટે અભિવાદન કરું છું.

આ દુનિયામાં જે કંઈ થોડી ઘણી માનવીય સેવાઓ આશ્રમ આપી શક્યું છે, તેનું કારણ અમ્માના ભકતોનો પ્રેમ અને સમર્પણ છે. માટે, અમ્મા આ સંમાન તેમને અને તેમના પૂર્ણ હૃદયને અર્પિત કરે છે.

કલિંગા, એક પવિત્ર ભૂમિ છે. અહીંના ઈતિહાસના પાના પર સ્વર્ણ અક્ષરોમાં લખવામાં આવેલ એક મહાન ઘટનાના સ્મરણો સુષુપ્ત છે. આ તે ભૂમિ છે, જે સમ્રાટ અશોકના મહાવિજયી યુદ્ધની, વિજય પછીના લોહિયાળ યુદ્ધભૂમિ જોઈ તેમના ઊંડા વિષાદની, તેમના હૃદય પરિવર્તનની અને અનંત શાંતિ અને આત્મપ્રકાશની તેમની ખોજની સાક્ષી છે. કરુણાની આ જ ભૂમિ પર કલિંગ ઈંસ્ટિટયુટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજીના સ્થાપક શ્રી અચ્યુતા સામંતે પોતાની માનવીય સેવાઓ અર્પિત કરવાનું પસંદ કર્યું હતું. અમ્મા હૃદયથી આ માટે તેમનું અભિવાદન કરે છે.

વાસ્તવમાં વિદ્યાભ્યાસ દ્વારા જે મહત્વની બાબત આપણે કેળવવાની છે, તે છે, આપણા સહજનો પ્રતિ કરુણા. અમ્માને આ જાણી અત્યંત સંતોષ થાય છે કે, આ યુનિવર્સિટી પણ આ જ લક્ષ્યને સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. માટે એ કહેવું જરૂરી નથી કે, આ સંસ્થા આજુંબાજું રહેતા હજારો લોકો માટે આધાર અને આશ્રયનો પ્રકાશ સ્તંભ છે.

આ વિશ્વ અને તેમાંના બધાં જ જીવો, સૃષ્ટી અને તેનું સમસ્ત સર્જન, એક જ પરમ ચૈતન્યના જુદા જુદા સ્વરૂપો છે. માટે, સર્જનના એક એક પાસાં સાથે, સમસ્ત ચરાચર સાથે પ્રેમથી, આદરથી અને સેવાના મનોભાવ સાથે વ્યવહાર કરવો, આ ભારતની ભૂમિનો દ્રષ્ટિકોણ છે. આ જ ભારતનો સમસ્ત વિશ્વ માટે ઉત્ત્કૃષ્ટ સંદેશ છે.

સનાતન ધર્મ અનુસાર સૃષ્ટિ અને સૃષ્ટા બે નથી પણ એક જ છે. જેમ કે સોનાના આભૂષણોમાં સોનું અને સોનામાં સોનાના આભૂષણો! સૂર્યને જો પાણીના સો ઘડામાં પ્રતિબિંબિત કરવામાં આવે તો પણ સૂર્ય તો એક જ છે. આ જ પ્રમાણે, બધામાં એક જ સ્વ આત્મા છે. આ મનોભાવ સાથે જો આપણે જીવીએ, તો ત્યારે અન્ય લોકોની કદર કરવાનો મનોભાવ આપણમાં હશે. આપણો જમણો હાથ જો ઘાયલ થાય, તો ડાબો હાથ તરત તેની સંભાળ લેશે અને સાંત્વન આપશે. બધામાં આ મનોભાવ વિકસે, અન્યને સ્વયંની જેમ જોવા પ્રયત્ન કરીએ અને તદ્‌ અનુસાર સહુંને પ્રેમ કરી, સહુંની સેવા કરીએ.

આપમાંના ઘણા જાણે છે કે, “વિદ્યાભ્યાસ” શબ્દનો સાચો અર્થ આપણી અંદર જે છે, તેને બહાર લઈ આવવાનું છે. વિદ્યાભ્યાસ એ છે, જે વ્યક્તિની અંદર રહેલી અપ્રગટ પ્રતિભાને પ્રગટ કરે છે. આપણા બધામાં અનેક ક્ષમતાઓ છે. પણ સામાન્યતઃ આપણે આથી સભાન નથી હોતાં. એક મજૂર માથાંનો ઉપયોગ બોજ વહન કરી, આજીવિકા મેળવવા કરે છે. ત્યારે એક વિજ્ઞાની પોતાના માથાંનો ઉપયોગ ઉલ્લેખનીય શોધ કરવા, અવિષ્કાર કરવા કરે છે. આ જ પ્રમાણે, આપણા બધામાં અપ્રગટ અનંત શક્તિ રહેલી છે. એ તો આપણામાંના મોટાભાગના તેના અસ્તિત્વથી અજાણ છીએ.

અમ્માનને અહીં બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. બાળપણમાં અમ્માના માતુશ્રી દમયંતીઅમ્માએ થોડી મરઘીઓ પાળી હતી. આ મરઘીઓ ક્યારેક લાંબા સમય સુધી ઈંડા મૂકતી નહિ. તેઓ આળસું બની, ખૂણામાં જાણે તાવ આવ્યો હોય, તેમ બેઠી રહેતી. જો કોઈ તેમની નજીક જાય, તો તેમને દૂર ભગાડવા આ મરઘીઓ એક પ્રકારનો અવાજ કરતી. તેઓ ખાતી નહિ અને ખોરાક શોધવાનો પ્રયત્ન પણ કરતી નહિ. જો તેમને એમને એમ છોડી દેવામાં આવે તો છ છ મહિનાઓ સુધી તે ઈંડા આપતી નહિ. ક્યારેક ભૂખને લઈ તે મરી પણ જતી.

આ મરઘીઓ જો પાંચ દિવસ સુધી આમ રહે, તો દમયંતીઅમ્મા તેમને આ પ્રમાદમાંથી બહાર કાઢવા પાછોતરા જળપ્રવાહમાં ફેંકતી. આ મરઘીઓ તરત જ પાંખો ફફડાવતી કિનારે આવી જતી. મારી મા ત્રણ ચાર વાર આમ કરતી, ત્યારે આ મરઘીઓ તેમના સામાન્ય ભાવમાં પાછી આવી જતી અને ખોરાક શોધવા લાગતી. પંદર દિવસ થાય તે પહેલાં જ આ મરઘીઓ ઈંડા મૂકવા લાગતી. અહીં મરઘીમાં ઈંડા મૂકવાની જન્મજાત ક્ષમતા છે. પરંતુ પોતાના આળસના કારણે તે પોતાની આ ક્ષમતાને પ્રગટ કરવા અસમર્થ બને છે.

આ જ પ્રમાણે આપણા સહુંની અંદર રહેલી અપ્રગટ ક્ષમતાઓને જાગૃત કરવાની ક્ષમતા આપણામાં રહેલી છે.

શું આજની વિદ્યાભ્યાસ પદ્ધતિ એ રીતે પ્રગતિ કરી રહી છે, કે તે વિદ્યાર્થીઓમાં રહેલી તેમની જન્મજાત પ્રતિભાને, તેમની ક્ષમતાને જાગૃત કરી શકે? આ તે પ્રશ્ન છે, જેના પર આપણે સહુંએ મનોમંથન કરવું જોઈએ. આધુનિક વિદ્યાભ્યાસ પદ્ધતિની સહુંથી મોટામાં મોટી ક્ષતિ તેની અંધ સ્પર્ધા છે અને આમાંથી ઉદ્‌ભવતું અનુકરણ છે.

અમ્મા પાશ્ચાત રાજ્યમાં આવેલ એક યુનિવર્સિટીના પ્રોફેસરને જાણે છે. તેઓ ત્યાં સ્કોલરશીપ મંજૂરી અને આંતરરાષ્ટ્રિય વિદ્યાભ્યાસ પ્રોગ્રામ માટે જવાબદાર છે. તેમણે મને કહ્યું, “અમ્મા, ભારતથી સ્કોલરશીપ માટે તેમજ પી.એચડી પ્રવેશ માટે ઘણી અરજીઓ આવે છે. પરંતુ ૯૯% વિદ્યાર્થીઓ અરજી પત્રમાં એકની એક જ બાબત લખતા હોય છે. બધી અરજીઓ એક જેવી જ લાગે છે. જેવો હું તે વાંચવાનું શરૂ કરું, કે હું તે કચરા પેટીમાં ફેંકી દઉં છું.”

આપણા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને પ્રેરિત કરવા આપણે આપણી વિદ્યાભ્યાસ પદ્ધતિને પુનર્‌ગઠિત કરવી જ રહી. એમાં કોઈ સંશય નથી કે, હાલની આપણી વિદ્યાભ્યાસ પદ્ધતિ આપણા બાળકોને નામ, ખ્યાતિ અને સંપત્તિ મેળવવા સહાય કરે પણ શું મનુષ્ય જીવન ફક્ત આ માટે જ છે? શું જીવનનો ઉદ્દેશ્ય ફક્ત ઘણા બધા પુસ્તકો વાંચવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી, ડીગ્રી મેળવવી, નોકરી મેળવવી અને સ્થિર આવક ઊભી કરવાનો જ છે? જીવન અને જીવવું, બંને એક જ બાબત નથી. જીવવા માટે આપણને નોકરી, પૈસા, ઘર, ગાડી અને અન્ય સુખ સુવિધાઓ જરૂરી હશે. પરંતુ, કેવળ આ જ જીવનને પૂર્ણ નથી કરતા. આ માટે આપણને પ્રેમ, કરુણા, કોમલતા— એવું હૃદય જે બીજાની વેદનાને સમજે અને પ્રતિભાવ આપે. વિચારમાં અને પ્રવૃત્તિમાં આપણને મનની વિશાળતા અને પક્‌વતા જરૂરી છે.

વિદ્યાભ્યાસે આપણી અંદર અને બહાર પ્રકાશ પાથરવો જોઈએ. આ સાથે વિદ્યાભ્યાસે વિવેક અને ચિંતન પણ સમાન રૂપે વિકસાવવા જોઈએ. જે રીતે તે બહારની દુનિયા જાણવા માટેની જીજ્ઞાસા જાગૃત કરે છે, તે જ પ્રમાણે આપણા આંતરિક જગતને જાણવાની તૃષ્ણા પણ જાગૃત થવી જોઈએ. વિદ્યાભ્યાસે આપણા બહારના ચક્ષુઓ ખુલા રાખવાની સાથે અંતરના ચક્ષુઓ પણ ખુલા રાખવાને શીખવવું જોઈએ. વિદ્યાભ્યાસે જાગરૂકતા સ્થાપિત કરી, વિદ્યાર્થીનું પોતાના રાષ્ટ્ર સાથેનું, વિશ્વ સાથેનું, પોતાના સહજનો સાથેનું, સૃષ્ટિના બધા જ જીવો સાથેનું, પ્રકૃતિ સાથેનું, ઈશ્વર સાથેનું બંધન વધું દ્રઢ કરવું જોઈએ.

આધુનિક વિદ્યાભ્યાસ પદ્ધતિ માનસિક તેમજ બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકે છે. પરંતુ આ બંને ભૌતિક સ્તર પર રહેલા છે. માટે, સ્નાતક વિદ્યાર્થીઓ પરિશુદ્ધ ચૈતન્યના સ્તરથી પૂર્ણરૂપે અજ્ઞાત રહે છે. આ અજ્ઞાનતાને જો દૂર કરવામાં ન આવે, તો દુનિયા સાથે આપણે અસંવાદિતાથી રહેશું. પરિવારમાં જો પાંચ સભ્યો હોય અને દરેકને રાજા જ બનવું હોય, તો પછી ત્યાં યુદ્ધ જ હશે.

આપણે સ્વયંને જો ચાર ભાગમાં વિભાજીત કરીએ, તો શરીર-મન તંત્ર આપણે જે છીએ તેના ચોથા ભાગથી પણ ઓછા હશે. આપણે જે છીએ તે ૭૫%થી પણ વધું અજ્ઞાન અને અવિકસિતમાં તરબોળ છે. શારિરીક સ્વાસ્થ્ય અને બુદ્ધી શક્તિને જાળવવા કરતાં પણ ક્યાંય વધું આપણી આંતરિક શક્તિની સમજ જરૂરી છે, જે શરીર અને બુદ્ધીને પ્રાણશક્તિ પૂરે છે. બહારી સર્વકાંઈનો મૂળ આધાર તરીકે જે અસ્તિત્વ રાખે છે, તેની સમજણ આપણને જરૂરી છે.

આગળ વધતા, આપણા શૈક્ષણિક અભ્યાસક્રમમાં “વસુદૈવ કુટુંબકમ્‌(વિશ્વ એક પરિવાર છે)” એવા ભારતના ઉત્કૃષ્ટ સિદ્ધાંતને કંઈ નહિ તો થોડુંઘણું મહત્વ આપવું જ જોઈએ.

માનવતા જેમ જેમ આગળ વધે, આ એકતાની ભાવના આપણા વિચારો અને કાર્યોમાં થોડીઘણી પણ પ્રતિબિંબિત થવી જોઈએ. અન્યથા લાલચ ટોચ પર હશે અને માનવજાતિનું અસ્તિત્વ સુદ્ધા ખતરામાં હશે. પ્રકૃતિ માતા આ માટેની ચેતવણીઓ છેલ્લા કેટલાય વર્ષો થકી આપી રહી છે. ઈશ્વરની, પ્રકૃતિ માતાની આ ચેતવણીઓ જો આપણે ગણકારીએ નહિ, તો માનવજાતિ સ્વયંને પૃથ્વીના લુપ્ત જીવોમાં ગણાવવા લાગશે.

પાંચ લક્ષ્યો જે વિદ્યાભ્યાસ દ્વારા સિદ્ધ કરવા જોઈએઃ

૧. આજીવિકા મેળવવી. સંપત્તિ, સ્થાન અને સુખ આરામ માટે આવશ્યક જ્ઞાન અને ક્ષમતા પ્રાપ્ત કરવી.

૨. માનસિક અવસ્થા જાણવીઃ આપણા વિચારો અને ભાવનાઓને નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક પરિપક્વતા પ્રાપ્ત કરવી. આ શારિરીક સ્વાસ્થ્ય અને પક્વતા જેટલું જ મહત્વનું છે.

૩. પોતાના ઘર અને પરિવારનું દેવું ચૂકવવું, આ સાથે પ્રકૃતિ માતાનું ઋણ ચૂકવવું કે જેણે આપણને ખોરાક, આશ્રય, સૂર્યપ્રકાશ, પર્વતો, જંગલો, નદીઓ, વૃક્ષો અને ફળથી અનુગ્રહિત કર્યા છે. આ કર્તવ્ય નિભાવવા માટેની તાલીમ પણ મળવી જોઈએ.

૪. ઈશ્વર અને પ્રકૃતિ માતા પ્રતિ કૃતજ્ઞતા, પ્રેમ અને આદરનો ભાવ રાખવા માટેની પ્રેરણા. તેમજ કૃતજ્ઞતાના આ ભાવમાંથી ઉત્પન સામાજીક કાર્યો તેમજ નિઃસ્વાર્થ સેવા કરવાની પ્રેરણા આપણને મળવી જોઈએ.

૫. સ્વઆત્માથી સ્વયંને સભાન કરવા અને આ બાબતને સમજવાની કે, “હું કોઈ જુદું અસ્તિત્વ નથી. પણ હું આ વિશ્વનો એક અંશ છું. જે રીતે કિનારે પહોંચતા મોજાંનું પાણી અને સમુદ્ર વચ્ચેનું પાણી એક જ છે, તે પ્રમાણે હું પણ આ સમસ્ત સર્જન સાથે એક છું.”

બહારી દુનિયા વિશે શીખવું, આ સેતુ જેવું છે. આ સેતુને પાર કરી, અંતરાત્માના પ્રકાશ તરફ પહોંચવાને આપણાથી થવું જોઈએ. વિદ્યાભ્યાસ તપસ છે. લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે આ તપસમાંથી પસાર થવાનું જ છે. માટે, સ્કૂલના વર્ષો ધ્યાનસ્થ ગાળો હોવો જોઈએ. અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓ જો આ આધારમાં દ્રઢ રહે, તો તેઓ ક્યારેય ઈર્ષા કે અદેખાઈ કે સ્પર્ધાત્મક ભાવનાના ભોગ નહિ બને. આથી વિપરીત, તેમના જીવન ઉત્સવ અને ઉલ્લાસની યાત્રા બની જશે. જ્યાં કેવળ પ્રેમ અને ભાઈચારો હશે અને મનુષ્ય, પ્રકૃતિ અને ઈશ્વર હાથમાં હાથ મેળવી આગળ વધશે.

કરોનાની આ મહામારી દરમ્યાન આ વિશ્વ ઘેરા એવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ આપણે આશા અને આશાવાદ છોડવા ન જોઈએ.

અમ્માને એક કહાની યાદ આવે છેઃ એક વખત ગોકળગાયોનું એક મોટું ટોળું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું હતું. પક્ષીઓનું એક જૂથ દક્ષિણ તરફ આવી રહ્યું હતું. તેમણે ગોકળગાયોને પૂછયું, “તમો બધા ક્યાં ચાલ્યાં?”

ગોકળગાયોનો મુખિયો બોલ્યો, “અમો ત્યાં ઉત્તર દિશામાં આવેલ જંગલ તરફ જઈ રહ્યાં છીએ.”

આ સાંભળતા પેલા પક્ષીઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, “આ કેવી બાલિશતા છે! અમો તે જ જંગલમાંથી પાછા આવી રહ્યાં છીએ. અત્યારે ત્યાં દુકાળ પડયો છે. બધા જ વૃક્ષો સૂકાય ગયા છે. એક લીલું પાન પણ શોધો તો ય મળશે નહિં!”

આ સાંભળી મુખિયા ગોકળગાયે જવાબ આપતા કહ્યું, “કંઈ વાંધો નહિ. અમો ત્યાં પહોંચશું, ત્યાં સુધીમાં તો ઘણા પાન ફરી ઉગી નીકળ્યા હશે.”

ઉપરની કહાનીની ગોકળગાયોની જેમ જીવનમાં કઠણાઈઓ આવે તો પણ આગળ વધવા માટે આવશ્યક આશાવાદ અને આત્મ-વિશ્વાસ આપણામાં હશે તો બધા જ અવરોધો આપણે પાર કરી શકીશું. આત્મ-વિશ્વાસ બૂસ્ટર રોકેટ જેવો છે, જે આપણી સીમિતતાના ગુરુત્વાકર્ષણની પકડમાંથી મુક્ત થવા આવશ્યક છે.

જે રીતે સૂર્યને પોતાનો માર્ગ પ્રકાશિત કરવા મીણબત્તીની જરૂર નથી, એ જ પ્રમાણે ઈશ્વરને પણ આપણી પાસેથી કશાની જરૂર નથી. ગરીબ તેમજ જરૂરતમંદ લોકોમાં ઈશ્વરના દર્શન કરી, તેમના પ્રતિ કરુણાશીલ રહેવું, આ આપણને ઈશ્વરકૃપાને પાત્ર બનાવશે.

એક ગામમાં ગામ મધ્યે હાથ પસારેલા એક મહાન મહાત્માની બહુ જ સુંદર પ્રતિમા હતી. આ પ્રતિમાની નીચે એક તખ્તીમાં લખેલું હતું, “મારી ભુજાઓમાં આવો!”

સમયજતાં આ પ્રતિમાની ભુજાઓ તુટીને પડી ગઈ. ગ્રામવાસીઓ પ્રતિમાનું ભાવિ નક્કિ કરવા ભેગા થયા. કોઈ કહે પ્રતિમાને ત્યાંથી કાઢી નવી પ્રતિમા સ્થાપવાની. અન્યે વિરોધ કરતા કહ્યું, આ પ્રતિમાને નવી ભુજાઓ બેસાડવાની. આ સમયે એક વૃદ્ધ આગળ આવ્યા અને કહ્યું, “નહિ, નવી ભૂજાઓ બનાવવાની ચિંતા કરશો નહિ. તેને ભુજાઓ વિના જ રહેવા દો.”

ગ્રામવાસીઓ વિચારમાં પડી ગયા, “તો પછી નીચે લખેલ તખ્તીનું શું? તે કહે છે, “મારી ભુજાઓમાં આવો!”

વૃદ્ધે જવાબ આપતા કહ્યું, “એમાં કંઈ વાંધો નથી. “મારી ભુજાઓમાં આવો,” નીચે તમારે એટલું જ ઉમેરવાનું કે, “આપની ભુજાઓ સિવાય મારે અન્ય કોઈ ભુજાઓ નથી!”

ઈશ્વર આપણા હાથો થકી, આપણી આંખો થકી, અને આપણા કાનો થકી કાર્ય કરે છે. આપણે ઈશ્વરના હાથોના ઉત્તમ ઉપકરણ બનીએ, જેથી તે દિવ્ય શક્તિ આપણા થકી વહે. આપણે જો ચાહીએ કે, આપણાં કર્મ ધાર્યું ફળ લાવે, તો આ માટે ત્રણ ઘટક જરૂરી છે આ છેઃ સમય, સ્વ-પ્રયત્ન અને ઈશ્વર કૃપા.

દા.ત. આપણને કોઈ મહત્વના પ્રસંગમાં ભાગ લેવા દૂર દેશની યાત્રા કરવાની હોય, ત્યારે આપણે સવારે વહેલા ઊઠી જશું, તૈયાર થઈ કારમાં એરપોર્ટ માટે નીકળી જશું. એમ પણ બને કે, રસ્તામાં કાર બ્રેકડાઉન થાય અથવા કોઈ નાનો અકસ્માત થાય, આથી સમયસર એરપોર્ટ પહોંચવાને વિલંબ થાય. એમ પણ બને કે એર પોર્ટ પહોંચતા જાણવા મળે કે, કોઈ યાંત્રિક સમસ્યાને કારણે અથવા હવામાન ખરાબ હોવાથી ફલાઈટ કેંસલ થઈ છે.

અહીં આપણે આપણા તરફથી શક્ય બધો જ પ્રયત્ન કરીએ છીએ. પરંતુ, કૃપા ઘટકનો અભાવ હોવાથી આપણે આપણા મુકામ પર પહોંચી શક્યા નહિ. આપણા બધા જ કાર્યોને પૂર્ણ કરવા આપણને ઈશ્વરકૃપા જરૂરી છે. આ કૃપા પ્રાપ્ત કરવા આપણે સત્‌ કર્મ કરવા જરૂરી છે.

આ કૃપાને પાત્ર થવા ચાલો આપણે જાગૃત થઈએ. પરમાત્મા આપણને સહુંને અનુગ્રહિત કરે.


                     ૐ ॥ લોકાઃસમસ્તાઃ સુખીનો ભવન્તુ॥