અમ્મા કુટીરમાં પધાર્યા એટલે બધાયે ઊભા થઈ અમ્માને નમસ્કાર કર્યા. પટ્ટાંબીથી આવેલા એક ભક્ત પરિવારે અમ્મા સાથે સંભાષણની શરૂઆત કરી. કુટુંબના વડાનું નામ રાજેન્દ્ર હતું. તેઓ અધ્યાપક હતા. તેમની પત્નીનું નામ, સરોજમ હતું. તે સિલાઈકામ કરતી હતી. તેમને બે બાળકો હતા. મોટો પુત્ર આઠમા ધોરણમાં ભણતો હતો અને પુત્રી, ત્રીજા ધોરણમાં હતી.

રાજેન્દ્ર : “અમ્મા, મારી આ પુત્રી ભણતી નથી.”

સરોજમ : “તે કહે છે કે, “નહિ ભણવાનું ” અમ્મા પાસ કરી દેશે.”

અમ્માએ તે બાલિકાને પકડીને પોતાની પાસે બેસાડી. વાત્સલ્યપૂર્વક તેને પંપાળતા, અમ્માએ પૂછયું, “પુત્રી, તું નહિ ભણે, તો લોકો અમ્માનું બૂરું નહિ બોલે? પુત્રી, ભણીશ નહિ તો કેવી રીતે પરીક્ષામાં પાસ થઈશ?” નિર્દોષ બાળસહજ ભાવ સાથે તે બાલિકાએ કહ્યું, “ભાઈ તો ભણ્યા વગર પાસ થયો?” (બધા હસી પડયા)

અમ્મા : “કોણે તને કહ્યું કે ભાઈ ભણ્યા વગર પાસ થયો?”

બાલિકા : “ભાઈએ કહ્યું.”

સરોજમ : “અમ્મા, જ્યારે પણ તેને ભણવાને કહીએ, તે આમ જ કહે છે. ભાઈ જ્યારે પરીક્ષા લખવા બેઠો, ત્યારે આપ તેની પાસે આવીને બેઠા હતા અને આપે તેને બધા જવાબ કહ્યાં હતાં. તે પરીક્ષા આપીને ઘરે આવ્યો, ત્યારે તેણે કહ્યું “મેં તો કોઈ તૈયારી કરી ન હતી. અમ્માએ આવીને મને બધા ઉત્તરો કહ્યાં હતા.”

(અમ્મા હસવા લાગ્યા)

રાજેન્દ્ર : “અમ્મા, તેણે જે કહ્યું તે સત્ય છે. તે એક અક્ષર પણ ભણતો નથી. હંમેશા ફક્ત રમે જ રાખે છે. પણ પરીક્ષામાં તે સારાં માર્ક લાવે છે. તેના માર્ક જોઈને, ક્લાસટીચરને પણ આશ્ચર્ય થયું હતું.

સરોજમ : “આમ આ પણ હંમેશા કહે છે કે, અમ્મા મને પરીક્ષામાં પાસ કરશે.”

અમ્મા હસી પડયા.

અમ્માએ બાલિકાને પ્રેમપૂર્વક ચુંબન આપ્યું.

અમ્મા : “મારી વહાલી દીકરી, તું જો નહિ ભણે તો અમ્મા તારી સાથે વાત નહિ કરે. કહે કે તું ભણશે.”

બાલિકા : “ભણીશ.” બાલિકાએ વચન આપ્યું. અમ્માએ પાસેના એક પડીકામાંથી સફરજન લઈ, તે બાલિકાને આપ્યું. “સત્‌ફ્લદાયિની” એવા અમ્માના હાથમાંથી ફળ સ્વીકારી, તે બાલિકાના બાળ માનસમાં સંતોષની લહેરો ઉછળવા લાગીં. જે તેના મુખપરના સ્મિતમાં પ્રત્યક્ષ થતી હતી.