દામોદર મેનોન નામના અમ્માના એક ભક્તે આગળ આવી અમ્માને નમસ્કાર કર્યા.

“આ કોણ છે? દામોદર કે!”

દામોદર મેનોને હાસ્ય કરતા અમ્માના હાથમાં પોતાનું માથું રાખ્યું.

અમ્મા : “પુત્ર, થોડા દિવસથી તું દેખાતો ન હતો, શું તું અહીં ન હતો?”

દામોદરન : “હું પ્રવાસ પર હતો. અત્યારે હું બેંગલોરથી આવી રહ્યો છું. ઘરે પણ નથી ગયો. કાયમકુલ્લમ સ્ટેશન પર ઉતરી, સીધો અમ્માના દર્શન કરવા આવ્યો છું.”

અમ્મા : “પુત્ર, બાળકો બધા કેમ છે, મજામાં ને?”

દામોદરન : “ અમ્માની કૃપાથી કોઈ સમસ્યા નથી. હું હમણા મારાં એક મિત્રને મળીને આવી રહ્યો છું. તેનો વિચાર કરતા ઘણું દુઃખ થાય છે.”

અમ્મા : “કેમ શું થયું?”

દામોદરન : “હું તેને બેંગલોરમાં મળ્યો હતો. અમે બંને સાથે કામ પર જતા હતા. આ દરમ્યાન તેણે નોકરીમાંથી રાજીનામુ આપ્યું અને સન્યાસ લેવા તેણે પોતાનું ગામ પણ છોડયું હતું. પાંચ વર્ષ પહેલાં તે જ્યારે પોતાના ગામે પાછો ફર્યો, ત્યારે તે સન્યાસીના વેશમાં હતો.”

અમ્મા : “તે ક્યાં રહે છે?”

દામોદરન : “તે ઋષિકેશના એક આશ્રમમાં રહે છે, એમ તેણે કહ્યું હતું. પરંતુ હમણા, હું જ્યારે તેને ફરી મળ્યો ત્યારે તે પૂર્ણરૂપે બદલાય ગયો હતો. હવે તે પહેલા જેવો ન હતો. ભગવાં વસ્ત્ર નહિ, રુદ્રાક્ષ નહિ, જટા નહિ, દાઢી નહિ, કંઈ જ નહિ. તે સુંદર દેખાતો હતો. ચાર વર્ષ પહેલાં તેણે સન્યાસ મૂકી દીધો. આશ્રમમાં અવારનવાર આવતી એક યુવતી સાથે પ્રેમ થતા, તેણે તેની સાથે વિવાહ કર્યા. હવે તે બેંગલોરમાં રહે છે. ત્યાં તેને એક નાની નોકરી છે. તેની વાતપરથી એમ લાગ્યું જાણે તે બહુ નિરાશ હતો.”

અમ્મા : “પુત્ર, આધ્યાત્મિકતામાંથી નરી ભૌતિકતા તરફ વળવું, અંદરથી અને બહારથી કષ્ટદાયક હોય છે. જે મનમાં આધ્યાત્મિક વિચાર હતા, તેને ભૌતિકતામાં કોઈ આનંદ નહિ મળે. પરિણામ ફક્ત અસ્વસ્થા જ હશે. સાધનાના ફળસ્વરૂપ શરીરની ફરતે જે સૂક્ષ્મ આભાનું સર્જન થયું હોય છે, તે ભૌતિક સુખભોગમાં અવરોધો નાખે છે. ઈષ્ટદેવ અને તેમને વિંટળાયને રહેતા દેવો, કરુણાવશ સાધકના જીવનમાં બેગણા દુઃખો અને અવરોધોનું સર્જન કરશે. કારણ કે, તેઓ ચાહે છે કે કેમે કરીને પણ તે પુનઃ આધ્યાત્મિકતામાં પાછો ફરે. વાસ્તવમાં આ કષ્ટો અને દુઃખો ઈશ્વ્રરકોપ નથી, તે તો ઈો્શ્વરકૃપા
જ છે! તેને જો વધુ સંપત્તિ અને સુખ પ્રાપ્ત થાય, તો તેનો અહમ્‌ વધુ ને વધુ ફૂલશે અને તે વધુ ને વધુ ભૂલો કરશે. આમ તેને વારંવાર જન્મ લેવો પડશે.

“જેણે સ્હેજેય આધ્યાત્મિકતાને ગ્રહણ કરી હોય, તે મન ભૌતિકતામાં તૃપ્તિ ન અનુભવી શકેં. પહેલાં તે જે યુવતીને પ્રેમ કરતો હતો, તેની સાથે વિવાહ ન કરતા, અન્ય સ્ત્રી સાથે વિવાહ કરે તો તેને તેમાં તૃપ્તિ નથી મળતી. કારણ કે, મન તો તે સ્ત્રીમાં જ હશે જેને તે પ્રેમ કરતો હતો. આ જ પ્રમાણે, જે મન આધ્યાત્મિકતા તરફ વળી ગયું હોય, તે ભૌતિકતામાં પૂર્ણત્વ પ્રાપ્ત ન કરી શકે. એટલું જ નહિ, પ્રારબ્ધ તેને સતાવતું રહે છે.

“વિવાહ કરી લીધા હોય, તો તે સ્થિતિમાં પણ, તેણે તેની સાધના ચાલુ રાખવી જોઈએ. ગૃહસ્થાશ્રમ ધર્મનું યોગ્ય રીતે પાલન કરી, જીવન વિતાવે તો તે અર્થપૂર્ણ હશે. કોઈ પણ પ્રકારના ભંગાણ સિવાય સતત આધ્યાત્મિક સાધના કરે, તો વિના પ્રયાસે જીવનમાં તે આનંદ અનુભવી શકે છે. ઈશ્વરપ્રેમ જાગે, ત્યારે મન ભૌતિકતાને છોડી દેશે, ઇચ્છાઓ આપોઆપ ઓછી થાય છે. અને ઇચ્છાઓ જ્યારે ઓછી થાય, પછી તે અંતરાત્માની શાંતિ તરફ દોરી જાય છે. ઇચ્છાઓ જ દુઃખ છે. જ્યાં આગ છે, ત્યાં ધુમાડો પણ છે. ઇચ્છાઓ છે તો દુઃખો પણ છે. ઇચ્છાઓ વિના જીવન શક્ય નથી. માટે જ, બધી ઇચ્છાઓ ઈશ્વર માટેની જ હોવી જોઈએ.

“તોડયા વિના, નિયમિત સાધના કરવાથી, આધ્યાત્મિકતા અને ભૌતિકતા સાથેનું તાલબદ્ધ જીવન શક્ય છે. સમસ્યાઓ ઓછી થશે. જીવનલક્ષ્ય કેવળ મોક્ષ પ્રાપ્તિ જ છે, આ જ્ઞાન સાથે કર્મ કરવાથી, તે તેની રક્ષા કરશે.

“પરંતુ, સંન્યાસીનું મહત્વ તો કંઈ વિશેષ જ છે. વિવિધ સાંસારિક ચિંતાઓને આધીન ન થતા, ફક્ત ઈશ્વરનું સ્મરણ કરી, તે આનંદમાં જ જીવન વિતાવે છે. સેવાના ભાવથી કર્મ કરે તો પણ, તેને તેનો,ભાર નહિ લાગે. કારણ કે તે કર્મ સાથે બંધાયેલો નથી.

“એક વખત એક સંન્યાસી રસ્તા પર જઈ રહ્યાં હતા. પાછળથી એક ભાઈએ તેમની સાથે થતા પૂછયું, “સ્વામીજી, સંન્યાસ એટલે શું?” સંન્યાસીએ પાછું ફરીને જોયું પણ નહિ. પરંતુ તેમની પાછળ ચાલતો વ્યક્તિ તેમને છોડે એમ ન હતો. તે તો ફરી ફરી, તે નો તે જ પ્રશ્ન પૂછતો તેમની પાછળ ચાલતો હતો. અચાનક તે સંન્યાસી અટકયાં, પોતાના ખભા પરનો થેલો નીચે રસ્તા પર મૂકી, આગળ ચાલવા લાગ્યા. હજાુ દસ પગલા ચાલ્યા હશે કે, તેણે ફરી પૂછયું, “સંન્યાસ એટલે શું?” તેના તરફ ફરી, સંન્યાસીએ કહ્યું, “શું તે જોયું નહિ? મેં પેલો ભાર ઉતારીને નીચે રાખ્યો? આ જ પ્રમાણે, “હું” અને “મારાં”ના ભાવનો ત્યાગ કરવો જોઈએ. જે કંઈ પોતાનું છે, તેને ફેંકી દો. તે જ સંન્યાસ છે.” સંન્યાસી આગળ ચાલ્યા. પેલો વ્યક્તિ ફરી તેમની પાછળ ચાલવા લાગ્યો. હવે તેનો પ્રશ્ન હતો, “ત્યાર પછી કોઈ શું કરે છે?” તે સંન્યાસી પાછો ફર્યો, અને રસ્તામાં જ્યાં તે થેલો ઉતારીને રાખ્યો હતો, ત્યાં ગયા. ફરી તેને ખભા પર રાખી તે આગળ ચાલવા લાગ્યા. પેલાની સમજમાં કંઈ ન આવ્યું. તેણે ફરી તે જ પ્રશ્ન પૂછયો. ચાલતા ચાલતા સંન્યાસીએ જવાબ આપ્યો, “આ જાુએ છે? આ રીતે સંસારનો ભાર ઉંચકવો જોઈએ. બધાનો ત્યાગ કરવા માત્રથી, તમે સંસારને તમારાં ખભે રાખી શકો.”

“કોઈ જંગલી જનાવરની સંભાળ લેવાની હોય, ત્યારે તે ભાગી ન જાય, તે માટે બધો સમય તેના પર નજર રાખવાની હોય છે. તમે તેને છૂટું મૂકો તો તેની પાછળને પાછળ ફરવું પડે અન્યથા તે છટકી જશે. તેને ખવરાવતી વખતે, જ્યાં સુધી તે ખાઈ ન લે ત્યાં સુધી તેની સાથે જ રહેવું પડે. હંમેશા તેની સાથે બંધાયેલા રહેશો. ક્યારેય ફૂરસદનો સમય નહિ મળે. ત્યારે બીજી બાજું, જે બગીચાની રખવાળી કરે છે, તેને તો ફાટક પાસે ઊભા રહી, ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે, કોઈ ફૂલ ચોરે નહિ. આ સાથે તે ફૂલની સુગંધનો આનંદ પણ લે છે. આ જ પ્રમાણે, જ્યારે તમે ભૌતિક સુખો પાછળ દોડો છો, તમારું મન સતત ડોલ્યા કરશે. તે કયારેય સ્થિર નહિ હોય. ત્યારે, ત્યાગીનું જીવન આવું નથી. જીવનના સૌંદર્ય અને સુવાસને માણી, કોઈ પ્રકારના ડોલન વિના, તે સ્થિર રહેશે. કોઈ શ્રમ નહિ, પ્રારબ્ધ દુઃખ હોય તો પણ, સમર્પણ હોવાને કારણે તે દુઃખ જણાશે નહિ. તે દુઃખ પણ, શાંતિ તરફ હાથ ઝાલીને દોરી જતી ઈશ્વરની કૃપા જ હશે.”

અમ્માએ આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવનના સ્વભાવનું સુક્ષ્મતાથી વર્ણન કર્યું. ભક્તો ધ્યાનપૂર્વક અમ્માને સાંભળી રહ્યા હતાં. પોતાનું જીવન કેવું હોવું જોઈએ, તે અમ્માના ચહેરાપરના ભાવપરથી સ્પષ્ટ હતું.