અમ્માનો સંદેશ: ઑગસ્ટ ૨૦૨૧

બાળકો, જીવનમાં સુખ કેવળ શરીર, બહારી સુખ આરામ કે બહારી વસ્તુઓ પર નિર્ભર નથી કરતું. જીવનમાં સાચું સુખ તો મન પર નિર્ભર કરે છે. આપણા મન પર જો આપણું પૂર્ણ નિયંત્રણ હશે, તો પછી અન્ય બધા પર આપણે નિયંત્રણ મેળવી શકીશું. મનને કેવી રીતે નિયંત્રણમાં રાખવું, આ શીખવતું વિજ્ઞાન જ યથાર્થ વિજ્ઞાન છે અને આ જ આધ્યાત્મિક જ્ઞાન છે. સર્વપ્રથમ આ જ્ઞાનને જો પ્રાપ્ત કરી લઈએ, ત્યારે પછી જ આપણે પ્રાપ્ત કરેલ અન્ય બધા જ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીશું.

પૂર્વે એવા પણ કુટુંબો હતા જેમાં ૩૦ કે ૪૦ અથવા ૫૦ સભ્યો રહેતા હતા. તેઓ બધા એકતા સાથે, પરસ્પર પ્રેમ અને આદર સાથે ભેગા મળીને રહેતા હતાં! આ પ્રકારના કુટુંબોનું અંતરીક્ષ પણ પ્રેમ અને શાંતિપૂર્ણ હતું. કારણ કે, તેઓ આધ્યાત્મિકતા સમજતા હતા. જીવન શું છે અને શા માટે છે, તેઓ જાણતા હતા. આધ્યાત્મિક સિદ્ધાંતોના આધાર પર તેમના જીવનનું નિર્માણ થતું હતું. આ ઘણું જ દુંખદ છે કે, તેમના આ સિદ્ધાંતોને આજે કેવળ દાદીમાની કહાણી માનવામાં આવે છે. આજે કુટુંબમાં જો ત્રણ સદસ્યો હશે, તો તેઓ સમુદ્રના ત્રણ દ્વીપો જેવા હશે. બધાને પોતપોતાની રીત હશે અને પરસ્પર એકબીજા સાથે તેમને બનતું પણ નથી.

લોકો જો આધ્યાત્મિક સિદ્ધાંતોમાં પારંગત હોય, તો કંઈ નહિ તો પરિવારની અંદર આપણે આ પ્રકારની પરિસ્થિતિ ટાળી શકીએ. એ તો આધ્યાત્મિકતા છે, જે હૃદયને નજીક લાવે છે. જે તરવાને જાણે છે, તે સામુદ્રી મોજાંમાં આનંદ માણે છે તેના માટે પ્રત્યેક મોજું આનંદદાયક અનુભવ છે. પરંતુ, જેને તરતા ન આવડતું હોય, તે તો મોજાંઓને વશ છે. આ જ પ્રમાણે, આધ્યાત્મિકતાના સિદ્ધાંતોથી પરિચિત વ્યક્તિ, જીવનમાં આવતી એક એક સમસ્યાનો સામનો હસતા મોઢે કરવાને સક્ષમ હોય છે. જે આધ્યાત્મિકતા નથી સમજતા, તે નજીવી બાબતો પર તૂટી જશે. ધારો કે કોઈ ફટાકડો ફૂટે અને આપણે જો આ જાણતા નહિ હોઈએ તો આપણે ભયભીત રહી જશું. પણ જો આ જાણતા હશું, તો આપણને આંચકો નહિં લાગે. કોઈ પણ સંજોગોમાં આપણે ઢચુંપચું થશું નહિ.

કેટલાક લોકો આધ્યાત્મિકતાનો અર્થ અંધ વિશ્વાસ કરવાની ભૂલ કરે છે. સત્ય તો એ છે કે, આધ્યાત્મિકતા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. ઘણા લોકો યુવા પેઢીને ગેરમાર્ગે દોરી જાય છે. તેઓ તેમને સાચી સમજણ આપતા નથી. કેટલાક પૂછે છે, “ધર્મ ભૂખ્યાનો ખોરાક તો નથી, ખરુંને?” તેમનું આ કહેવું સાચું છે. પરંતુ, અમ્મા તેમને પૂછવા માગશે કે, તે લોકો જે વિલાસી ખોરાક ખાય છે, એર—કન્ડિશન ઓરડામાં સૂવે છે, જેમને પોતાના ખાનગી વિમાનો અને જહાજો છે, શા માટે તેઓ સ્વયં ઝહેરના ઇંજેકશન લઈ, સ્વયંને ગોળી મારી, પૂર્ણ ઝડપથી આવી રહેલી ટ્રેન સામે સ્વયંને ફેંકી, અથવા છત પર સ્વયંને ટંગાવી આત્મ હત્યા કરે છે? કારણ કે, વિલાસી ખોરાક અને વસ્તુઓથી પ્રાપ્ત સુખથી પણ પર કંઈક છે, ખરુંને? માટે આપણે જીવનમાં શું સ્વીકારવું જોઈએ અથવા શું અભ્યાસમાં મૂકવું જોઈએ? એ કે જે આપણને મનની શાંતિ આપે છે. આ અન્ય કંઈ જ નહિ પણ આધ્યાત્મિકતાનો પથ છે.

બાળકો, માલ મિલકત, સંપત્તિ ભેગી કરવી અથવા સ્થાન, માન, ખ્યાતિ પ્રાપ્ત કરવા, આ તો ટાલિયા માથા માટે દાંતિયા ભેગા કરવા જેવું છે. આનો અર્થ એવો નથી થતો કે આપણે નવરા બેઠા રહેવું કે આળસું બની બેઠા રહેવું. વ્યક્તિએ કાર્ય કરવું જોઈએ. કાર્ય કરવાની યથાર્થ રીત સમજીને અર્થાત કોઈ પણ પ્રકારની આસક્તિ વિના કાર્ય કરવું જોઈએ

બાળકો, એક જ ટોફિના જુદા જુદા વિંટળાની જેમ આપણે બધા એક જ આત્માના જુદા જુદા સ્વરૂપો છીએ. લીલા રંગના વિંટળાથી ઢંકાયેલી ટોફી, લાલ રંગના વિંટળામાં ઢંકાયેલી ટોફીને જોઈને કહેશે, “આપણે ભિન્ન છીએ!” આ જ પ્રમાણે લાલ ટોફી નીલી ટોફીને કહેશે, “આપણે ભિન્ન છીએ!” પણ આપણે જો આ બધા વિંટળાને કાઢી નાખીએ, ત્યારે આપણને જોવા મળશે કે, તે બધી એક જ છે. આપણી વચ્ચેની ભિન્નતાનું પણ આવું જ છે. પરંતુ આપણે આ સમજતા નથી અને બહારી ભિન્નતામાં ગૂંચવાઈ જઈ, સંસારમાં અનેક સમસ્યાઓનું સર્જન કરીએ છીએ! શા માટે આપણે આ સમજતા નથી? કારણ કે, આપણે આપણું બાળસહજ હૃદય ગુમાવ્યું છે. પરિણામ, આપણે આત્મસાક્ષાત્કાર નથી કરી શકતા; પરમાત્માની અનુભૂતિ માટે પણ આપણે અસમર્થ છીએ.

અમ્મા અહીં બાળસહજ હૃદયનો અર્થ તીક્ષ્ણ ગ્રહણશક્તિ એવો કરે છે. કેટલાક કહેશે કે, બાળકોમાં સમજવાની ક્ષમતા નથી હોતી. અમ્માના કહેવાનો ઉદ્દેશ બાળકોનો વિશ્વાસ અને કલ્પના શક્તિ છે. બાળક જો કોઈ પથ્થર લેશે અને કહેશે કે, આ સિંહાસન છે, તો તેના માટે તે સાચે જ સિંહાસન છે. પથ્થરની સામે હાથમાં લાકડી લઈ તે ઊભો રહેશે, આમ કરી તે માને છે કે, પોતે કોઈ સમ્રાટની જેમ તલવાર વીંઝી રહ્યો છે. સમ્રાટની જેમ તે બોલશે અને અભિનય કરશે. તે નથી વિચારતો કે, પોતે એક પથ્થર પર બેઠો છે અને હાથમાં તેણે લાકડી પકડી છે. જ્યાં સુધી તેનો સવાલ છે, તે એક સાચી તલવાર વીંઝી રહ્યો છે. આપણે આ કાલ્પનિક શક્તિ, વિશ્વાસ અને નિખાલસતા ગુમાવ્યા છે, અને ઈર્ષા અને અદેખાઈના કેવળ પ્રતીક બની ગયા છીએ. એક સાધકને જેની જરૂર છે, તે નિખાલસ હૃદયની અને વિવેકપૂર્ણ તીક્ષ્ણ બુદ્ધીની છે.

આપણામાં નિખાલસતા અને તીક્ષ્ણ બુદ્ધી, બંને હોય તો જ આપણે દિવ્યતાની અનૂભૂતી કરી શકીએ. જેનું જીવન આ બંને ગુણથી સંપન્ન છે, તેના જીવનમાં ક્યારેય દુઃખ કે નિરાશાના દાગ નહિ હોય.

બાળકો, નિખાલસ હૃદય વિના તમે શાંતિનો આનંદ ન લઈ શકો. નિખાલસ હૃદયમાં જ ઈશ્વર વાસ કરે છે. “