એક મહિના પહેલાં એક નવયુવક આશ્રમમાં સ્થિર રહેવાની ઇચ્છાથી આવ્યો હતો. અમ્માએ તેને સંમતિ આપી નહિ. આથી તે યુવકે ભારપૂર્વક આગ્રહ કર્યો ત્યારે અમ્માએ તેને કહ્યું,
“પુત્ર, આધ્યાત્મિક જીવન એટલું સરળ નથી. યોગ્ય વિવેક અને વૈરાગ્ય ન હોય તો તેમાં દ્રઢ રહેવું કઠિન છે. કોઈ પણ પ્રતિબંધોમાં જે લક્ષ્યબોધ ન છોડે તે જ આધ્યાત્મિક જીવનમાં વિજયી રહી શકે. પુત્ર, તારાં હૃદયમાં હજુ પણ તને તારા પરિવારના લોકો સાથે બંધન છે. માટે, કેટલા સમય સુધી તું અહીં રહી શકીશ, તે વિશે અમ્માને કોઈ ખાતરી નથી. પણ તારે જો અહીં રહેવું જ હોય તો તું રહી શકે છે. અમ્મા તને રોકશે નહિ.”
તે યુવક આશ્રમવાસી તરીકે આશ્રમમાં રહેવા લાગ્યો. આશ્રમના દૈનિક નિયમો પ્રત્યેની તેની નિષ્ઠા અને સાધનામાં તેનું દ્રઢ વૈરાગ્ય, હૃદય સ્પર્શી હતાં. એક બ્રહ્મચારીએ આ યુવકના વૈરાગ્ય વિશે અમ્માને જણાવ્યું. અમ્માએ તેને કહ્યું, “પુત્ર, કોઈ વૃક્ષની ડાળ કાપી આપણે તેને માટીમાં રોપીએ તો તરત જ તેમાં બે ચાર પાન ફૂંટશે. આ જોતાં એમ ન માનવું જોઈએ કે, નવા છોડવાના મૂળિયા માટીમાં દ્રઢ થયા છે. આ નવા પાન બહુ જલ્દી ખરી જશે. તે પછી પાન આવે છે કે કેમ, તે જોવું જોઈએ. જો પાન આવે તો એમ સમજવું કે તે છોડ ઉગશે. કારણ કે, ડાળમાંથી નીકળેલા મૂળ જમીનમાં મજબૂત થાય પછી જ નવા પાન આવે છે.”
ગયા અઠવાડિયે તે નવયુવકના પિતા, તેના ભાઈને સાથે લઈ આશ્રમ આવ્યા હતા.
પુત્રને બોલાવી પિતાએ કહ્યું, “પુત્ર, તને ન જોવાથી, તારી મા બહુ દુઃખી છે. તે ખોરાક પણ નથી લેતી. હંમેશા તને યાદ કરી, તે તારી જ વાતો કરે છે.” પિતાના વચનો સાંભળી પુત્રની આંખમાં પાણી આવી ગયા. “અમ્મા, હું ઘરે જઈ મારી માતાને મળીને આવું તો કેમ?” યુવકે યાત્રા માટે અનુમતિ માગી.
“પુત્ર, જેવી તારી ઇચ્છા.”
કોઈ રોગી, કે જે હોસ્પિટલમાં દાખલ થવાને તૈયાર ન હોય, તેને ઘરે જવા દેતા પહેલાં જેમ એક ડૉક્ટર સમયસર દવા લેવાનું કહે છે. તેની જેમ, આગળ ઉમેરતા અમ્માએ કહ્યું, “પુત્ર, ઘરે ગયા પછી પણ, થોડો સમય જપ કરવાનું ભૂલતો નહિ.”
તેને ગયે આજે અઠવાડીયું થયું, તે હજુ પાછો આવ્યો ન હતો. પાસે ઊભેલા એક બ્રહ્મચારીએ અમ્માને પૂછયું, “અમ્મા, અનેકવાર એવું જોવામાં આવે છે કે, શરૂઆતમાં લોકોમાં જે વૈરાગ્ય જોવા મળે છે, પાછળથી તે નાશ પામે છે. એમ કેમ?”
અમ્મા : “ઘણાખરા લોકો શરૂઆતમાં આવેશ સાથે આવે છે. ઘણામાં શરૂઆતનું વૈરાગ્ય દેખાઈ છે. પરંતુ, તેને જાળવી રાખવામાં જ સફળતા રહેલી છે. શરૂઆતનો આવેશ ઠંડો પડતા, અગણિત જન્મોથી આપણી અંદર સંગ્રહિત સુશુપ્ત વાસનાઓ એક એક કરીને માથું ઉંચુ કરશે. આ સમયે બાહ્ય વસ્તુઓ તરફ ધ્યાન આકર્ષિત થાય છે. આ વાસનાઓથી ઉપર ઉઠવાની ક્રિયા, અથાક પ્રયત્ન અને ત્યાગ માગી લે છે. ધાર્યા કરતાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનું થતા, ઘણાખરા લોકો હતાશ બને છે. સાધનાનીં શરૂઆતમાં જે ઉત્સાહ હોય છે, તે સમય જતાં દેખાતો નથી. આ આપણને નિરાશ કરે છે. પરંતુ, જેને દ્રઢ લક્ષ્યબોધ હશે, તે પરાજય કે હતાશાને મહત્વ નહિ આપે. તે તો ફરી ફરી પ્રયત્ન કરતા રહે છે. આ પ્રકારનો લક્ષ્યબોધ ધરાવનાર જ વૈરાગ્યને સદાસમય જાળવી રાખી શકે.”
અમ્મા ઊભા થયા અને ચાલતા રસોડા તરફ જવા લાગ્યા. રસોડાની ઉત્તર દિશાનો દરવાજો ખુલો હતો. ત્યાં એક વિદેશીને અમ્માએ કપડા ઘોતો જોયો. ક્યારેય હાથે કપડા ધોવાને ટેવાયેલા ન હોવાથી, કપડા ધોતા પહેલાં તે વિદેશી, કપડા ધોવાના પથ્થર પર આખા સાબુંના લાટાનો લેપ કરી રહ્યો હતો.
અમ્મા થોડો સમય તેને નિહાળતા ત્યાં જ ઊભા રહ્યાં. પછી તેઓ તેની પાસે ગયા અને તેના હાથમાંથી કપડા લીધા. પછી સાબુથી કપડાને કેવી રીતે ધોવા તે બતાવ્યું. એક બ્રહ્મચારીએ અમ્માના શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. પેલા વિદેશીને ઘણી પ્રસન્નતા થઈ કે, અમ્મા તેને કપડા ધોતા શીખવી રહ્યાં હતા.
અમ્મા પછી દર્શન કુટીર તરફ ગયા. માર્ગમાં તેમણે એક બ્રહ્મચારીને ભગવાં રંગનું ધોતિયું પહેરેલો જોયો.
અમ્મા : “પુત્ર, હમણાં તું આ વસ્ત્રને ન ધારણ કરી શકે. આપણે તે ધારણ કરવાને યોગ્ય નથી થયા. અત્યારે તો, તમે જ્યાં ક્યાંય ભગવાં જુઓ, તમારે તો તેનો આદર જ કરવો જોઈએ અને નહિ કે તેને સ્વયં ધારણ કરવાના.
“ભગવો રંગ તો શરીરને અગ્નિમાં દહન કર્યાનું પ્રતિક છે!
“પુત્ર, આ વસ્ત્રોને જુઓ ત્યારે ઋષિપરંપરાનું સ્મરણ કરવું જોઈએ. તે વ્યક્તિમાં આપણે તે પરંપરાનો આદર કરીએ છીએ.”
એક વિદેશી ભક્ત આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. તેણે એક બ્રહ્મચારી પાસેથી જાણ્યું કે અમ્મા ભગવાં વસ્ત્રો વિશે કહેતા હતા. આમ તેણે અમ્માને પોતાને ભગવાં વસ્ત્ર આપવાને વિનંતી કરી. ઉત્તરમાં અમ્મા ફક્ત હસ્યા. તેણે ફરી ભારપૂર્વક માગણી કરી.
અમ્માએ કહ્યું, “દુકાનમાંથી ધોતીયું ખરીદીને પહેરવું, તેની જેમ આ ખરીદીને પહેરવા જેવા વસ્ત્ર નથી. પહેલાં તો આ માટેની યોગ્યતા આપણે પ્રાપ્ત કરવી જોઈએ.” અમ્માનો આ ઉત્તર સાંભળીને પણ તેને સંતોષ ન થયો. તેણે પૂછયું, “બીજા લોકો તો તેને પહેરે છે. પછી શા માટે મારે તેને ન પહેરવા?”
અમ્મા : “પુત્ર, સ્ત્રીનો વેશ ધારણ કરવાથી, શું તું સ્ત્રી બનશે? સ્ત્રી પુરુષનો વેશ ધારણ કરે તો શું તે પુરુષ બની શકે? પુત્ર, ભગવાં વસ્ત્ર ખરીદીને પહેરવાથી કોઈ સંન્યાસી નથી થતું. સર્વપ્રથમ તમારા મનને ભગવામાં ડૂબાડવું જોઈએ. મન ભગવું બની જાય, પછી અમ્મા તને ભગવાં આપશે.”
આ સાંભળતા તે વિદેશી પાસે કહેવાને કોઈ શબ્દ ન હતા.
બ્રહ્મચારી : “કેટલાક લોકો ઘરમાં ઝગડો કરીને ચાલ્યા જાય, પછી ભગવાં ધારણ નથી કરતા શું?”
અમ્મા : “હા, આ સાચું છે. કેટલાક લોકો ઝઘડો કરી, ઘર છોડીને ચાલ્યા જાય છે. પછીં જ્યારે ભૂખ્યા રહેવાનો વારો આવે, ત્યારે ભિક્ષા મેળવવા ભગવાં પહેરે છે. તો અમુક પત્ની સાથે ન બને તો નિરાશાને કારણે ભગવાં પહેરતા જોવા મળે છે. તે વૈરાગ્ય પણ સારો છે. પણ યથાર્થ લક્ષ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. તે સાથેનું બંધન આવવું જોઈએ. તે ન હોય તો પછી ભગવાં ધારણ કરવાનો કોઈ અર્થ નથી. આજે તો યથાર્થ સન્યાસીઓ પણ જોવા નથી મળતા. કોઈપણ ગુરુકુળમાં રહીને પરંપરાગત ભગવાં મેળવ્યા છે કે કેમ, તે જાણવું જોઈએ. યથાર્થ ગુરુ એમ ને એમ ભગવાં વસ્ત્રો આપતા નથી. તેઓ વ્યક્તિની પુખ્તતા પણ જુએ છે.”