પ્રશ્નઃ આપણી આ ધરતી શા માટે આપણને આ રીતે કષ્ટ આપે છે?
અમ્માઃ બાળકો, તમારે આ યાદ રાખવું જોઈએ કે, આપણી ખાતર પ્રકૃતિ કેવા મહાન ત્યાગ સહન કરે છે. નદીઓ, વૃક્ષો અને જનાવરો આપણી ખાતર કેટલો ત્યાગ સહન કરે છે. એ વૃક્ષનો જ દાખલો લો. વૃક્ષ આપણને ફળ આપે છે, છાયો આપે છે. આ વૃક્ષનો મનોભાવ છે. આ રીતે જો આપણે પ્રકૃતિની એક એક વસ્તુનું નીરિક્ષણ કરીએ, તો જાણવા મળશે કે, તેઓ બધા જ મનુષ્ય માટે ઘણો ઘણો ત્યાગ સહન કરે છે.
પરંતુ આપણે તેમના માટે શું કરીએ છીએ? કહેવાય છે કે, આપણે એક વૃક્ષને કાપીએ, ત્યારે આપણે એક વૃક્ષના રોપાને વાવવો જોઈએ. પરંતુ કેટલા લોકો આમ કરે છે? આપણે જો આમ કરીએ તો પણ કેવળ આ એક રોપાથી કેવી રીતે આપણે પ્રકૃતિનું સંતુલન અને સંવાદિતા જાળવી શકીએ? એક નાનો છોડ એટલા જ લાભ ન આપી શકે, કે જે એક વિશાળ વૃક્ષ આપે છે. શું એક શિશું એટલું કામ કરી શકે, જેમ કે એક વયસ્ક પુરુષ કરે છે? એક પુરુષ માટીનો એક મોટો જથ્થો ખેંચીને લઈ જઈ શકે ત્યારે એક બાળક કેવળ એક ચમચીભરીને રેત લઈ શકે. આ અંતર આટલું વ્યાપ્ત છે. ટાંકી ભરીને પાણીને શુદ્ધ કરવા જો ૧૦મી.ગ્રામ ભૂકો આવશ્યક હોય, તેની જગ્યાએ ફક્ત ૧ મી.ગ્રામ ભૂકો ઉપયોગમાં લઈએ, તો શું તેનાથી કોઈ લાભ થવાનો? ભાગ્યે જ થાય!
આજે પ્રકૃતિને જાળવવા માટેના આપણા પ્રયત્નોનું પણ આવું જ છે. પ્રકૃતિ ક્રમેણ પોતાનું સંતુલન ગુમાવી રહી છે. જે પવનની લહેરખી આપણને પંપાળતી હતી, આજે તે ઝંઝાવાત બની છે. ધરતી કે જે આપણો આધાર છે, તે આજે આપણને પાતાળમાં ધકેલી રહી છે. આ પ્રકૃતિનો દોષ નથી. આપણે તો ફક્ત પૂર્વે કરેલા આપણા અધાર્મિક કર્મોનું ફળ જ અનુભવી રહ્યાં છીએ. આ તો શબપેટી વેચી જીવિકા મેળવતી કોઈ વ્યક્તિ, છેવટે સ્વયંને શબપેટીમાં પામે છે, તેના જેવું થયું.
આપણે આપણી પોતાની કબર ખોદી રહ્યાં છીએ. આજે હરકોઈ ભયભીત છે. તેમને ભય છે કે, સૂતા પછી ઊંઘમાંથી જીવિત જાગશે કે કેમ!
બાળકો, સર્વપ્રથમ આપણે પ્રકૃતિની રક્ષા કરવાનું શરૂ કરવું જોઈએ. ત્યારે જ આપણે હૈયાત રહી શકીશું. આર્થિક કે નીજી સ્વાર્થ ખાતર પ્રકૃતિનો નાશ કરવાનું બંધ કરવું જ જોઈએ. આ સાથે ઘરે વૃક્ષો ગાડવા પ્રયત્ન કરવો જોઈએ. આપણા પ્રાચીન ઋષીઓએ જ્યારે વૃક્ષોની પૂજા કરવાનું કહ્યું હતું, ત્યારે તેઓ આપણને પ્રકૃતિ સંરક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ઘરના આંગણામાં રોપાઓ વાવવા, આ છોડવાઓમાંથી ફૂલ તોડી ભગવાનને ધરવા, પીતળની દીવીમાં તેલ રેડી, વાટ પ્રગટાવવી, આ બધું પ્રકૃતિને શુદ્ધ કરવાના ઉપાયો છે. આજે અંતરીક્ષમાં ફૂલની સુંગધ નથી કે નથી પ્રગટાવેલા દીવાની સુવાસ. છે કેવળ ફેક્ટરીઓમાંથી નીકળતા ધૂમાડાની દુર્ગંધ. આજે વાતાવરણ દૂષિત થયુંછે. મનુષ્યનું આયુષ્ય જે ૧૨૦ વર્ષ હતું આજે તે ૮૦ કે ૬૦ વર્ષમાં સીમિત થયું છે. નવા રોગો થયા છે. તેનું કારણ “વાયરસ” બતાવી, કોઈ આ બીમારીઓનું સાચું કારણ નથી સમજી શકતા.
આજે અંતરીક્ષ પ્રદૂષિત થઈ રહ્યું છે. રોગોમાં વૃધિ થઈ રહી છે. સ્વાસ્થ્ય પાંગળું થઈ રહ્યું છે. આયુષ્ય ઓછું થઈ રહ્યું છે. આજે આપણે આવી પરિસ્થિતિ તરફ આગેકૂચ કરી રહ્યાં છીએ. લોકો ધરતી પર સ્વર્ગ બનાવવા માગે છે પરંતુ આખરે તેઓ અહીં નરક જ બનાવશે. લોકો મિષ્ટાન ખાવા ચાહે છે, પરંતુ બીમારીના કારણે આમ નથી કરી શકતા. લોકો નૃત્યનો કાર્યંક્રમ જોવા માગે છે, પરંતુ બીમારીના કારણે મોડે સુધી જાગી નથી શકતા. આમ એક નહિ તો બીજા કારણે, મનુષ્ય પોતે ચાહે તેમ કરી શકતો નથી. પોતે બાંધેલ બંધનની ગાંઠને ખોલવાને અસમર્થ તે બંધાયેલો છે. કોઈ વિચારતું નથી કે, આનો અંત કેવો આવશે. અથવા આ સમસ્યાનું શું થશે. અથવા આ પરિસ્થિતિ પર વિચાર કરે તો પણ કોઈ તેના પર કર્ય કરતું નથી. વૃક્ષો રોપી અને ઈશ્વરને પુષ્પ અર્પણ કરી, આપણે અંતરીક્ષ તેમજ આપણા હૃદય, બંનેને શુદ્ધ કરીએ છીએ.
એક ભક્ત વૃક્ષો અને છોડવાઓને પાણી પાતી વખતે, ફૂલ તોડતી વખતે, ફળ તોડતી વખતે, ફૂલનીમાળા ગૂંથતી વખતે અને બધું પોતાના ભગવાનને અર્પણ કરતી વખતે તે પોતાના મંત્રનો જાપ કરે છે. મંત્રજાપથી વિચારો ઓછા થાય છે, અને આ પ્રમાણે મન શુદ્ધ થાય છે. પરંતુ આજે ઘણા લોકો આ પ્રકારની પ્રથાને અંધ વિશ્વાસ કહીં, તેનો ઉપહાસ કરે છે.
આજે આપણે મનુષ્ય દ્વારા નિર્મિત કમ્પ્યુટર અને ટેલિવિઝનનો વિશ્વાસ કરીએ છીએ, જે આપણા વિનાશનું કારણ પુરવાર થઈ રહ્યું છે. આપણે ઋષિઓના વચનોનો વિશ્વાસ કરવાને સંકોચ અનુભવિએ છીએ, કે જેમણે સત્યને જાણ્યું હતું. તમારું કમ્પ્યુટર અથવા કાર, બગડી જાય તો તે સરખી થાય ત્યાં સુધી ગમે તેટલો સમય કાઢવાને તમે તૈયાર હશો. પરંતુ આપણા મનની અસંવાદિતાને સરખી કરવા આપણે શું કરીએ છીએ? ૐ