સાંજના ચાર વાગે અમ્મા સ્ટોરરૂમમાં ગયા. ત્યાં તેઓ સફાઈ કરવા લાગ્યા. થોડા બ્રહ્મચારીઓ તેમની સાથે હતા. નીલકંઠન અને કુંજુમોન, આશ્રમના ઉત્તર ભાગમાં વરસતા વરસાદમાં વાડ બાંધી રહ્યાં હતા.

“બાળકો, વરસાદમાં ભીંજાશો નહિ.” બૂમ પાડતા અમ્માએ તેમને કહ્યું. તેમણે જવાબ આપ્યો, “અમ્મા, કંઈ વાંધો નહિ. થોડું જ કામ બાકી છે. હમણાં થઈ જશે!” આટલું કહી તેઓ પૂર્ણ ઝડપથી કામ કરવા લાગ્યા. આ જોતાં અમ્માએ કહ્યું,

“અમ્મા પ્રત્યેના સમર્પણને કારણે જે સંતોષ અને નિષ્ટાથી કામ કરે છે, વરસાદની તેમના પર કોઈ અસર નહિ પડે. તેમને કોઈ બીમારી નહિ આવે. પરંતુ, જે અડધા મનથી, કરવા ખાતર કામ કરે છે, તેમની વાત જુદી છે.”

થોડા બ્રહ્મચારીઓ કે જે વરસાદને બહાને કામથી દૂર રહ્યાં હતાં, હીનતાની લાગણી અનુભવતા એકબીજાને જોઈ રહ્યાં.

એક બ્રહ્મચારિણીને અમ્માએ રસોડા માટે બળતણનું લાકડું ભેગું કરવાની જવાબદારી સોંપી હતી. તેણે પોતાના કાર્યમાં બેદરકારી દાખવી હતી. રસોઈ માટે પૂરતું બળતણ ન મળતા, રસોઈ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. એક બ્રહ્મચારિણીએ પહેલી બ્રહ્મચારિણીની અમ્મા પાસે ફરિયાદ કરી.

અમ્મા : “બળતણના લાકડા માટે અમ્માએ તે પુત્રીને થોડા દિવસ પહેલાં જ સૂચના આપી હતી. છતાં તે ન લાવી. કયાં ગઈ તેની ભયભક્તિ? અમ્મા કોઈને આદર કરવા કે પૂજા કરવાને કહેતા નથી. નૌકા બનાવતી વખતે, લાકડુ ગરમ કરવામાં આવે છે, જેથી તેને વાળી શકાય. લાકડુ વળે તો જ તેને નૌકાનો આકાર આપી શકો. આ જ પ્રમાણે, ભયભક્તિ દ્વારા આપણે સુધરીએ છીએ. કંઈ પણ પ્રત્યે ભયભક્તિ હોવા જ જોઈએ. તે ન હોય તો પછી, અહમ્‌નો જ વિકાસ થાય છે. આપણે કોઈ પ્રગતિ નથી કરતા. વિનય અને અનુસરણ દ્વારા જ, એક સાધક વિકાસ કરે છે.”

અમ્મા પેલી બ્રહ્મચારિણીને ઠપકો આપતા હતા. આ જોઈ, એક અન્ય બ્રહ્મચારિણીએ તેને વધુ ઠપકો મળે તે ભાવથી અમ્મા પાસે પેલી વિષે મરચું મીઠું ભભરાવીને ફરિયાદ કરવા લાગી.

અમ્મા : “પુત્રી, તેણે કરેલી ભૂલ માટે ઠપકો આપવો ઠીક છે, પણ તે પુત્રી પ્રત્યે દ્વેષ ન રાખવો જોઈએ. વિદ્વેષના ભાવથી ક્યારેય કોઈને ઠપકો આપશો નહિ કે ક્રોધ કરશો નહિ. તે વ્યક્તિનો ઉદ્ધાર માત્ર જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આથી વિપરીત, ઈર્ષા કે ક્રોધવશ આપણે કોઈને ઠપકો આપીએ કે તેમની નિંદા કરીએ, ત્યારે તેણે જે અપરાધ કર્યો હોય, તેના કરતા પણ વધુ ગંભીર અપરાધ આપણે કરીએ છીએ. આથી આપણું મન દુષિત થાય છે. એક સાધકને આ શોભે નહિ. આપણે સાધના અન્યમાં સારું જોવા માટે જ કરીએ છીએ. કારણ કે, ત્યારે જ આપણી અંદરની નકારાત્મકતા નાશ પામશે. આપણે પ્રેમથી, ફક્ત તેમની ભલાઈને લક્ષ્યમાં રાખીને ઠપકો આપીએ, તો તે તેમને ખોટા માર્ગમાંથી સન્માર્ગ તરફ દોરી જાય છે.

“પરંતુ, ફક્ત બીજાની ખોડ કાઢવા ખાતર આપણે તેમની ભૂલોને શોધીએ, તો તે આપણા જ મનને દુષિત કરે છે. અને તેઓ પણ વધુ ને વધુ બૂરા કાર્યો કરવાને પ્રેરિત થશે. વિદ્વેષમાં વૃદ્ધિ જ કરશે. આમ ન થવું જોઈએ.

“પરંતુ, ફક્ત બીજાની ખોડ કાઢવા ખાતર આપણે તેમની ભૂલોને શોધીએ, તો તે આપણા જ મનને દુષિત કરે છે. અને તેઓ પણ વધુ ને વધુ બૂરા કાર્યો કરવાને પ્રેરિત થશે. વિદ્વેષમાં વૃદ્ધિ જ કરશે. આમ ન થવું જોઈએ.

“બાળકો, ક્યારેય કોઈનામાં દોષ જોશો નહિ! કોઈ આપણી પાસે બીજાના દોષ કાઢીને બોલે, ત્યારે તે દોષોને ન જોતા, તે વ્યક્તિમાં રહેલા સદ્‌ગુણોને ચીંધી બતાવવા જોઈએ. ટીકા કરનારને કહો, “તું તેનામાં દોષ જ શોધે છે. પણ શું તે વ્યક્તિમાં રહેલા સદ્‌ગુણો તને નથી દેખાતા?” ત્યારે તે સહજ જ તેની ટીકાઓ બંધ કરશે અને આપણી પાસે ક્યારેય કોઈનું બૂરું બોલવા આવશે નહિ. આમ, આપણે તો સારાં થશું, આ સાથે અન્યને પણ ખોડખાંપણ શોધવાની આદતમાંથી મુક્ત થવા સહાય કરીશું.

“માંસ અને મદિરા ખરીદનારા છે, માટે જ તો કસાઈવાડો અને દારૂના અડ્ડાઓનો વેપાર ચાલે છે. આ જ પ્રમાણે, જે બીજાનું બૂરું બોલે છે, જો તેમને સાંભળાવાળું કોઈ ન હોય, તો સહજ જ બૂરુંબોલનારાઓના સ્વભાવમાં પરિવર્તન આવશે.”

ભજનનો સમય થયો. અમ્મા કળરીમાં ગયા. ભજન શરૂ થયા. ભજન સમયે વંટોળિયો અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતો હતો. વાદળોની ગાજવીજ, જાણે ભગવાન શિવના તાંડવ નૃત્ય સાથે વાગતા ઢોલ જેવા સંભળાતા હતા.