બાળકો, આપણે જો રામાયણના સાચા અર્થ સાથે જીવન વ્યતીત કરીએ, તો ત્યારે આપણું મન જીવનની બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. રામાયણ સાચા અર્થમાં બધા માટે માર્ગદર્શિત કરતો પ્રકાશસ્તંભ છે.
પુરુષો રામને આદર્શ પુરુષ માને છે અને મહિલાઓ સીતાને પોતાના હૃદયમાં દેવી તરીકે પ્રતિષ્ટિત કરે છે. આજે મહિલાઓના હૃદયમાંથી સીતાની ઉપસ્થિતિનો લોપ થવો, સમાજની સામે એક મહાન સમસ્યા છે. પોતાના કર્તવ્યનું પાલન કરવા ભગવાન શ્રીરામ ફકત પોતાનું સુખ જ નહિ, પરંતુ પોતાના પરિવારનો પણ ત્યાગ કરવા તૈયાર થયા હતા. શ્રીરામ સ્વયં કે પોતાના પરિવાર કરતાં રાજ્ય અને રાજ્ય પ્રતિના પોતાના કર્તવ્યને પ્રથમ મહત્વ આપતા હતા. જેના માટે લોકસેવા જ પોતાના જીવનનું પરમ લક્ષ્ય હોય, તેમના માટે અન્ય કોઈ પસંદગી નથી. જ્યારે કોઈ સામે આ પ્રશ્ન ઊભો થાય કે, પોતાના પરિવાર પ્રત્યેનું કર્તવ્ય મહાન છે કે પછી રાષ્ટ્ર પ્રત્યેનું, ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ ક્યારેય સ્વયંને પરિવાર સુધી સીમિત ન રાખી શકે.
આજે લોકોના હૃદયમાંથી શ્રીરામના પ્રભાવમાં ઘટાડો થયો હોવાથી, કેટલાક નેતાઓ, કે જેમણે લોકોને ધર્મના માર્ગ પર આગળ દોરી જવા જોઈએ, તેઓ આજે રાષ્ટ્રની ક્મિંતે પોતાના પરિવારોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના લક્ષ્ય તરફ આગેકૂચ કરી રહ્યાં છે.
આ પરિસ્થિતિમાં અન્ય કોઈ કરતાં મહિલાઓ પરિવર્તન લાવી શકે. માતાઓ હંમેશા બાળકો માટે આદર્શ અને પ્રેરણાનો સ્રોત રહી છે. ભાવિ પેઢીના તેઓ સ્થાપત્યકાર છે. બાળકોને જન્મ આપવો, તેમને મોટા કરવા અને આદર્શ નાગરિક બનાવવા, મહિલાઓનું પવિત્ર કર્તવ્ય છે. દેવી સીતાનું જીવન આની સાબિતી છે. એક ઉમદા પેઢીનું નિર્માણ કરી, મા અમર બની જાય છે. આ પ્રમાણે એક મહિલાનું જીવન પરિપૂર્ણ થાય છે. સ્ત્રી તરીકેનું પોતાનું કર્તવ્ય સમજવા દેવી સીતાના જીવનનો બારીકાઈથી અભ્યાસ કરવો જરૂરી છે. પોતાના પતિના સુખમાં અને દુઃખમાં હિસ્સેદાર બનવામાં જ તેમનું સુખ હતું. પોતાના જીવનનો દાખલો આપી દેવી સીતાએ બતાવ્યું કે, સમાજ પ્રતિ કે રાજ્ય પ્રતિ પોતાનું કર્તવ્ય નિભાવતી વખતે પત્નીએ ક્યારેય પતિના માર્ગમાં બાધા ન બનવું જોઈએ.
આ સાથે પોતાનો પુત્ર ભલે ગમે તેટલો કુરુપ હોય કે પાપી હોય, એક માને તેના પ્રતિ કેવળ કરુણાનો જ ભાવ હોય શકે. માના હૃદયની આ વિશેષતા છે. જગદ્જનની દેવી સીતા માતૃત્વનાં મૂર્તસ્વરૂપ છે. તેમનું માતૃ હૃદય તેને પણ ક્ષમા કરતું હતું, કે જેણે તેમની સાથે અત્યંત ક્રૂરતાભર્યો વ્યવહાર કર્યો હતો.
અમ્માને અહીં રામાયણનું એક દ્રષ્ય યાદ આવે છે. સીતાનું હરણ કરી, રાવણ દેવી સીતાને લંકા લઈ જાય છે અને ત્યાં અશોક વાટીકામાં દેવી સીતાને કેદ કરીને રાખે છે. જે રાક્ષસીઓ ત્યાં પહેરો આપતી હતી, માનસિક તેમજ શારીરિક રીતે તેમને ખૂબ ત્રાસ આપતી હતી. કેમ પણ કરી રાવણને પોતાનો પતિ તરીકે સ્વીકારવા તેઓ દેવી સીતાને ધમકીઓ આપતી હતી. એકબાજું પોતાના પતિ કે જે તેમના શ્વાસોશ્વાસ હતા, એ શ્રીરામના કોઈ ખબર ન મળવાનું દુઃખ હતું તો બીજી બાજું રાવણ સાથે લગ્ન કરવા ક્રૂરતાભર્યું એકધારું દબાણ હતું. લંકામાં દેવી સીતાનું જીવન નરક સમાન હતું. આ સમયે રામના દૂત તરીકે લંકામાં હનુમાનનું આગમન થયું. અતિ બુદ્ધીશાળી એવા હનુમાનજી એક જ નજરમાં સીતા માતાનું દુઃખ પામી ગયા. ભગવાન શ્રીરામની પ્રતિકાત્મક વીટી દેવી સીતાના હાથમાં નાખી, ત્યારે હનુમાનજીએ સીતા માતાને આ પ્રમાણે પ્રાર્થના કરી હતી કે, “આપ મને અનુમતી આપો તો આ બધા જ દુષ્ટ રાક્ષસો, કે જેમણે આપ પર આટલા દિવસો સુધી જાુલમ કર્યો છે, હું તેમનો નાશ કરવાને સમર્થ છું. ” આ સાંભળતા દેવી સીતાએ હનુમાનજીને આમ ન કરવા માટે સમજાવ્યા. અત્યંત કરુણાસભર વચનોમાં તેમણે કહ્યું, “આમ કરીશ નહિ. અત્યંત ક્રૂરમાં ક્રૂર પાપીઓ પ્રતિ પણ કરુણા દેખાડવી, આપણું કર્તવ્ય છે.”
વિશ્વમાતૃત્વના મૂર્તસ્વરૂપ એવા દેવી સીતા માત્ર જ ક્ષમા કરી શકે અને પોતાના પર લાંબા સમય સુધી અત્યાચાર ગુજારનાર પ્રતિ કરુણા રાખી શકે. દેવી સીતાનો દાખલો લઈ, આપણે પણ એવું હૃદય કેળવવું જોઈએ, જે આપણા પર જુલમ કરનારને ક્ષમા કરી શકે.
એક બીજી વાત જે આપણે યાદ રાખવાની છે, તે એ કે, દેવી સીતા કે જેમને તેમના પોતાના પતિએ દેશવટો આપ્યો હતો, તેમણે ઋષિ વાલ્મીકિમાં શરણું લીધું હતું. તેઓ તેમના અભયારણ્ય અને સાંત્વન હતા. પોતાના બંને પુત્રને ઉમદા નાગરિકમાં મોટા કરવા તેઓ જ દેવી સીતાના આધાર અને શક્તિ હતા. માટે, મહિલાઓની રક્ષા કરવા સમાજમાં એવા લોકો જરૂરી છે, જેમણે જીવનમાં આધ્યાત્મિક મૂલ્યો આત્મસાત કર્યા હોય.
આજે આપણને નૈતિક ચેતના ધરાવતી મહિલાઓ અને ઉમદા મુલ્યોથી ધનિષ્ઠ સમાજ જરૂરી છે. રામાયણનો આ મહત્વનો સંદેશ છે. જીવનમાં પૂર્ણરૂપે આધ્યાત્મિક મૂલ્યોને ગ્રહણ કરવા હરેક માટે શક્ય ન પણ હોય. પરંતુ તેમાંના થોડા સિદ્ધાંતોને જીવનમાં ઉતારી, તેને આપણા બાળકોમાં, યુવાપેઢીમાં આપણે કેળવી શકીએ, તો આપણા જીવન સમૃદ્ધ અને પરિપૂર્ણ હશે. અને સમાજને પડકારતી અનેક સમસ્યાઓ અદ્રશ્ય થશે. ૐ